ભજીયાંના રસીયાઓ માટે ખાસમખાસ વાનગી – પકોડા પ્લેટર !!!

હવે ઓછી ઝંઝટ અને પાંચ સ્વાદના ભજીયાં બનશે એકદમ ફટાફટ… એ પણ બિલકુલ બજારના જેવાં જ ક્રીસ્પી અને ટેસ્ટી… તો ચાલો આજે ચા-પકોડાની સ્વાદિષ્ટ જુગલબંધી માણો અને સાંજ ને બનાવી દો યાદગાર….

વ્યક્તિ : ૫
સમય :
તૈયારી માટે : ૧૦ મિનિટ
વાનગી માટે : ૩૦ મિનિટ

સામગ્રી :
૧ નંગ બટાકો
૧ નંગ ડુંગળી
૧ નંગ પાકું કેળું
૧/૨ નંગ ગલકું
૧૦ નંગ મોળાં લીલા મરચાં
ખીરું બનાવવા માટે :
૨ કપ ચણાનો લોટ
૨ ટે.સ્પૂ. કોર્નફ્લોર/ચોખાનો લોટ
૧ કપ પાણી (આશરે)
૧/૪ ટી.સ્પૂ. અજમો
૧ ચપટી ખાવાનો સોડા
મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ

રીત :

૧) સૌથી પહેલાં લીલા મરચાંને વચ્ચેથી કાપો મૂકીને અંદરથી બીજ કાઢી લો. ત્યારબાદ બટાકા, ડુંગળી અને ગલકાંની છાલ ઉતારીને બરાબર ધોઈ લો.

૨) ડુંગળી અને ગલકાંની સ્લાઇસરની મદદ વડે ૪-૫ મિમી જાડાઈની ચિપ્સ કરી લો. બટાકાની થોડી પાતળી ૨-૩ મિમી જાડાઈની ચિપ્સ કરી લો. બટાકા અને ગલકાંની સ્લાઇસને પાણીમાં ડુબાડી રાખો જેથી કાળી પડે નહીં. ડુંગળીની સ્લાઈસને ભીના કપડા વડે ઢાંકી રાખો. મરચાંની અંદર એકદમ થોડુંક મીઠું લગાવી દો.

૩) ખીરાની સામગ્રી ભેગી કરીને ખીરું બનાવી લો. ખીરું ઘટ્ટ બનાવવાનું છે, આથી થોડું થોડું પાણી ઉમેરવું. ખીરાને ૧૦ મિનિટ માટે ઢાંકી રાખો.

૪) એક કઢાઈમાં ભજીયાં તળવા માટે તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં પાકા કેળાંના ૧-૧.૫ સે.મી. જાડાઈના ટુકડા કરી લો.

૫) તેલ મધ્યમ ગરમ થાય એટલે કેળાંના ટુકડાને ખીરામાં બોળીને ગરમ તેલમાં ભજીયાં મુકો. ધીમા મધ્યમ તાપે ભજીયાં બંને તરફ આછા લાલ રંગના થાય ત્યાં સુધી તળી લો. ભજીયાંને કિચન નેપકીન પર કાઢી લો.

૬) કેળાંના ભજીયાં તળાય ત્યાં સુધી એક ચારણીમાં બટાકા અને ગલકાંની સ્લાઈસને પાણી નિતારીને કોરી કરી લો.

૭) સ્લાઈસને ખીરામાં ડુબાડીને પહેલાં બટાકા અને ત્યારબાદ ગલકાંના ભજીયાં તળી લો. આ બંને ભજીયાં આછા લાલ રંગના થાય એટલે કિચન નેપકીન પર કાઢી લો.

૮) ત્યારબાદ મરચાંને ડીટાંથી પકડીને ખીરામાં ડુબાડો. ખીરું ચારેતરફ બરાબર રીતે લાગી જાય એટલે વધારાનું ખીરું નિતારીને ભજીયાંને ગરમ તેલમાં મુકો. એકદમ ધીમી આંચ પર બંને તરફ ફેરવીને મરચું બરાબર ચઢી જાય ત્યાં સુધી તળો. ત્યારબાદ મધ્યમ આંચ પર આછા લાલ રંગના થાય ત્યાં સુધી તળીને ભજીયાંને કિચન નેપકીન પર કાઢી લો.

૯) હવે ધીમી મધ્યમ આંચ પર ડુંગળીના ભજીયાંને તળી લો અને કિચન નેપકીન પર કાઢી લો.

૧૦) તૈયાર છે ગરમાગરમ પકોડા પ્લેટર… પાંચ અલગ અલગ સ્વાદના ભજીયાંની મજા ટોમેટો સૉસ, લસણની લાલ ચટણી અથવા ધાણાની લીલી ચટણી સાથે માણો…

નોંધ :

★ ભજીયાં તળાઈ જાય એટલે ઉપરથી ચાટ મસાલો કે અથાણાંનો કોરો મસાલો ભભરાવી શકાય. ભજીયાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.
★ ડુંગળીના ભજીયાં સૌથી છેલ્લે તળવા જેથી ડુંગળીની સુગંધ ખીરામાં અને તેલમાં ભળે નહીં.
★ મરચાં મોટાં હોય તો લંબાઈમાં બે કે ત્રણ ટુકડા કરીને પણ ભજીયાં બનાવી શકાય.
★ ખીરું પાતળું ના થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. જો, ખીરું પાતળું થઈ જાય તો, થોડોક ચણાનો લોટ અને તેના ભાગનું મીઠું ઉમેરવું.
★ ભજીયાં તળતી વખતે આંચ ધીમી મધ્યમ એમ બદલતાં રહેવી.

રસોઈની રાણી : ભૂમિ પંડ્યા – આણંદ

આપ સૌ ને મારી આ વાનગી કેવી લાગી ? કોમેન્ટ માં મને અચૂક જણાવજો !!

ટીપ્પણી