પા કિલોમિટરનો પગપાળા પ્રવા(યા)સ – એક અનોખો હાસ્યનિબંધ.

વહીવટીતંત્રએ વિશાળ રસ્તાની વચ્ચોવચ ખાસ પ્રકારની બસો બીઆરટીએસ એટલે કે દ્રુતગતિબસસેવાની બસો દોડાવવા આગવો રસ્તો બનાવ્યો.રસ્તા પર ઠેકઠેકાણે મોટામસ બસસ્ટેન્ડો ઊભાં કર્યાં ને જનતાને કહ્યું , ‘લો વિકાસ થયો!’ બે તરફ જે જગ્યા રહી હતી ત્યાંથી બીજાં બધાં વાહનોએ આવવા-જવાનું. બીજાં બધાં વાહનો એટલે મોટરો, મોટરસાયકલો, લારીઓ, રીક્ષાઓ ને બસોએ પણ.સાંકડ–મોકળ તો હોય ભાઈ ભારત દેશની જિંદગી છે. ને જુઓ અમે રાહદારીઓ માટે જનમાર્ગ પણ બનાવ્યો છે ખાસ. ને પાટિયું ય મૂક્યું છે ‘જનમાંર્ગનો ઉપયોગ કરો,ઓ રાહ ચલનેવાલો!’

આ લખનાર જે મુખ્યત્વે ‘રાહ ચલનેવાલા’ છે,પોતાની સલામતિ ઇચ્છે છે અને સ્વભાવે કહ્યાગરા છે એટલે એક સાંજે એ વિશાળ રસ્તા પર બે તરફ આવેલા જનમાર્ગ પર પગપાળા પ્રવાસ કરવાનું નક્કી કરે છે. જવું છે આ મોટા ચાર રસ્તાથી પા કિલોમિટર દૂર આવેલા બીજા મોટા ચાર રસ્તા સુધી. અને થાય છે પગપાળા પ્રવાસનો પ્રારંભ.

‘ અરે પણ પગપાળા પ્રવાસ તો લોકો ડાકોર, અંબાજી, ચોટીલા, પાવાગઢ, આશાપુરા જાય એને કહેવાય. તમને તો જાતે વાહન ચલાવતાં આવડે નહીં, રીક્ષાના પૈસા ખર્ચવા કંજૂસી કરવી હોય ને આવડું અમથું ચાલવાને આવું મોટું નામ આપો છો? ચાલવું પડે બે પગે. એવા ચાલવાને ‘પગપાળા પ્રવાસ’ ન કહેવાય. સમજો જરા સમજો’. એક જ્ઞાનીજન જણાવે છે.

ઓકે. પગપાળા પ્રવાસ નહીં કહીએ પણ એને ચાલવું તો કહેવાય ને? કે એ ય પછી બગીચામાં ‘વોક’ કરીએ એને જ તમે ‘ચાલવું,’ કહો?’ હું પૂછું છું.‘ના ના રસ્તા પર ચાલીએ એ બધું ચાલવું કહેવાય. ઘરથી ત્રીજા જ મકાનમાં ધોબીની દુકાને કપડાં આપવા ચાલીને જઈએ એને ય ચાલવું કહેવાય. તમે ચાલો ,ચાલો, પેલા જનમાર્ગ પર.’ જ્ઞાનીજન ઉવાચ.

તો મિત્રો, હવે વાત માંડું. જનમાર્ગ પર ચાલવાની. માત્ર પા કિલોમિટર ચાલવાની પ્રવાસ-પ્રયાસ કથા..

વાહન પાર્કિંગ માટે ફાળવવામાં આવેલા ભોંયરામાં દુકાનો બનાવેલા મોટા શોપિંગ સેન્ટરના ખાડામાંથી તૂટેલા પગથિયાં ચડીને હું રસ્તા પર પહોચું છું. ત્યાં જ પેલો જનમાર્ગ છે. એની બાજુમાં છે સામાન્ય વાહનો માટેનો સામાન્ય માર્ગ અને એની પેલી તરફ છે દ્રુતગતિ બસો માટે ખાસ બનાવેલો માર્ગ. આ આખા રસ્તાને જનમાર્ગ કહેવાય. એમાં છેક છેડે ફૂટપાથ ને એની બાજુમાં થોડો જનમાર્ગ રાહદારીઓ માટે છે. હું રાહદારી હોવાથી, એ હકથી એ જનમાર્ગ પર ચાલવાનું શરુ કરું છું.

વાહનો માટેના રસ્તા પર ટ્રાફિકજામ છે. વાહનો અટકી પડ્યા છે પણ ચાલનારાએ એની પરવા કરવાની નથી. એણે તો ચાલતો રહેજે, એએએએ— પોકાર સંભાળતો હોય તેમ ચાલતા રહેવાનું છે કારણ કે લાલ, પીળી, લીલી બત્તીઓ એને માટે નથી એની એને ખબર છે. ત્યાં તો રસ્તા પર અટકી પડેલા ટ્રાફિકમાંથી બે પૈડાવાળા વાહનો એના પર ચડી આવે છે. એકની પાછળ એક, એકની પાછળ એક. સાત-આઠ મોટરસાયકલો ચડી આવે છે. મહમદ ગઝની આમ જ ચડી આવ્યો’તો ભારત દેશ પર! રાહદારીઓ માટેનો જનમાર્ગ સાંકડો છે. પહેલી અગ્રીમતાના રસ્તા બનાવી દીધા પછી વધેલી જગ્યામાં,ક્યાંક અતિ સાંકડી જગ્યામાં આ જનમાર્ગ બનાવ્યો છે. રસ્તા પર દુકાનો છે, એમાં જવાના પગથિયાં છે, બંગલાઓની દીવાલો છે, ફૂટપાથના તૂટેલા પથ્થરો છે, ગયા વર્ષના વૃક્ષારોપાણની સફળતાના પુરાવારૂપે ઝાડ ઉગેલા છે અને અમારા જેવા રાહદારીઓ છે. આ બધામાંથી અમારા સિવાય કોઈ ખસી શકે તેવું નથી. પાણીપુરી,રગડા-પેટીસ,ભેળપુરી આમલેટની લારીઓ અને એ ખાવાવાળાઓને બેસવાની ખુરશી-ટેબલની જોગવાઈઓ છે. એ બધું રાતે બાર વાગ્યા પહેલાં ખસવાનું નથી. સામેથી હેલ્મેટ પહેરેલા વાહનચાલકોનું લશ્કર આવી રહ્યું છે. અમારે એમને પસાર થવા દેવાના છે. અને રસ્તો કાઢીને આગળ વધવાનું છે. જીવનપ્રેરણાના પુસ્તકો વાંચનારા મિત્રો, આવો, અવરોધોમાંથી માર્ગ શોધવાનો ઠોસ અનુભવ મળશે આ જનમાર્ગ પર. આવો અને પ્રેરણા પામો..

એક હાથમાં મોબાઈલ કાન પર રાખીને બીજે હાથે વાહન ચલાવતાં વાહનચાલક ભાઈબહેનો આગળ જઈને જનમાર્ગ પરથી ઉતરીને ટ્રાફિક સાથે ભળી જાય છે. રાહદારીઓ પોતાને રસ્તે આગળ વધે છે. ચાર રસ્તા હવે પાછળ રહી ગયા છે. થોડે સુધી રસ્તો ખાલી આવે છે. નિરાંતે ચાલી શકાય એવો. ‘એ તો પેલા ચાર રસ્તાને લીધે વાહનવાળાઓ અહીં ચડી આવ્યા’તા હવે સરખી રીતે ચલાશે.’. હું આશાવાદી છું તેથી હિંમત રાખીને આગળ વધું છું. થોડું ચાલું છું. રસ્તા પરની દુકાનોની શોભા નીરખું છું. હમણાં કપાઈ જશે રસ્તો. અરે,પણ આ શું? સામેથી બે કન્યાઓ સ્કુટર પર આવે છે અને વાહન લોક કરીને બ્રેડ-બિસ્કીટની દુકાનમાં ઘૂસી જાય છે. એની પાછળ બીજી બે કન્યાઓ આવી, એ પણ સ્કુટર મૂકીને બાજુની કપડાની દુકાનમાં ઘૂસી ગઈ. વાહનો એવી રીતે મૂક્યા છે કે એની ફરતે ફરીને જ આગળ જવાય. મંદિર નથી તોય હું ઓમ સ્કુટરાય નમ:, ઓમ સ્કુટરાય નમ: કરતી પ્રદક્ષિણા ફરીને આગળ વધું છું. વધતા રહો આગળ વધતા રહો. ભારતમાં મહિલાઓને આગળ વધવા માટે ખૂબ પ્રોત્સાહક વાતાવરણ છે. માટે વધો આગળ વધો..

લો ,વધ્યા આગળ.

થોડા ડગલાં સહેલાઈથી ચાલી શકાયું ત્યાં તો પાછળથી સંભળાયું,પીપી પીપી પીપી. સાથે મોટરસાયકલની ઘરઘરાટી. હું પાછું વાળીને જોઉં છું તો એક મોટરસાયકલચાલક મને ખસવા સૂચવી રહ્યો છે. હું ધરાર ચાલતી રહું છું. હું આગળ વધવા દૃઢનિશ્ચયી ભારતીય મહિલા છું. ‘ડગલું ભર્યું કે ના હટવું ના હટવું’ હું દૃઢ પગલે એ કાવ્યની પંક્તિ એના તાલમાં મનમાં ગાતી ગાતી ધરાર ચાલતી રહું છું. પાછળ વળીને જોઉં છું પણ ખસતી નથી. મારે બસ્સોપચાસ મિટર બે પગે ચાલવાનું છે અને હું હજી માત્ર સો મિટર ચાલી શકી છું. મોટરસાયકલચાલક યુવાન ઉતાવળો થાય છે.

‘આન્ટી જવા દો ને’,એ કહે છે. આગળ વધવાથી આત્મવિશ્વાસ વધે છે .એ વધેલા આત્મવિશ્વાસથી હું કહું છું ‘ઉતાવળ નહીં કરવાની, જગ્યા મળશે ત્યારે ખસીશ, ધીરો પડ’. હું કડક અવાજે બોલું છું. એ તો મોબાઈલગોષ્ઠીમાં બીઝી છે!

ત્યાં તો મારી સામેથી પણ એક મોટરસાયકલ ધસી આવે છે. મને સમજાય છે. જનમાર્ગનો આ ભાગ માત્ર વનવે નથી. અહીં લોકો બન્ને બાજુએથી આવી શકે તો વાહનો કેમ નહીં? મારે ખસવું પડ્યું કારણ કે મારે ‘બે પૈંડા વચ્ચે ફસાયેલી નારી’ નહોતું બનવું. હું ખસી જાઉં છું. છો ને કરતા બે ય લખનઉના નવાબોની જેમ ‘પહેલે આપ પહેલે આપ’.થોડી ગરબડ થાય છે પછી બે ય જતા રહે છે. પોતપોતાને રસ્તે. એ ગરબડ જોવાની મજા આવે છે.

એ જ વખતે મારી સામેથી ટીશર્ટ-જિન્સ પહેરેલા, બૂટમોજા સાથે એકસરસાઈઝ માટે સજ્જ એક સજ્જન પસાર થાય છે. નિવૃત્ત સજ્જન લાગે છે. એ પણ જનમાર્ગ પર પસાર થવાના પ્રયત્નો કરતા હશે. એમને ઝડપથી ચાલવું છે. ‘જોયું? જોયું? કેટલી દાદાગીરી છે આ લોકોની?’ એ ઉશ્કેરાઈને બોલે છે ‘કો’ક દહાડો હાથપગ તોડશે આ લોકો’ એ બબડે છે. પણ મારી સાથે વાત કરતા હોય એ રીતે.

‘હાથપગ તોડશે કોના?મારા,તમારા કે પોતાના? ભારતનું યુવાધન ધસમસતું દોડી રહ્યું છે એમની આડે ન આવવું.’ મને થાય છે હું શિખામણ આપું પણ નથી આપતી.

હું જાણું છું ખીજવાયેલા નિવૃત્ત સજ્જનો સાથે ચર્ચા કરવી નહીં. અમથા આપણને વઢવા માંડે. એ સજ્જન ધમધમ કરતા આગળ નીકળવા જાય છે. ડોકટરે એમને ઝડપથી ચાલવાની સલાહ આપી હશે? આમ ખીજાઈને ફાસ્ટ ચાલવાથી ડાયાબિટીસ જાય પણ બીપી વધી જાય! એમના ડોકટરે નહીં કહ્યું હોય? હશે. હું મારી ચિંતા શું કામ વધારું? મારું બીપી વધારવા ‘યે જનમાર્ગ હી કાફી હૈ’. એ સજ્જનને ઝડપથી ચાલવાના પ્રયત્નો કરતા જોતી હું મારી ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છું. દોઢસો મીટર કપાયા, હજી સો બાકી છે.

હવે રસ્તો થોડો પહોળો છે તેથી રાહદારીઓની સગવડ સમજીને રસ્તા પર કાચનાં ઝૂમ્મરો, મોટીમસ ફૂલદાનીઓ, જુનું ફર્નિચર, મુંડા વેચતા, વાંસના પડદા બનાવનારા કારીગરો સાધનો અને સામાન તથા કુટુંબ સાથે અહીં વસ્યા છે. શું કે રસ્તે બેઠા માલ વેચાય ને રસ્તે ઊભા ખરીદાય. બે ય પાર્ટીની મહેનત બચે. રસ્તો સાંકડો થઇ ગયો છે. એ લોકોના બાળકો અને કૂતરાં પકડદાવ રમે છે. મોટરસાયકલોની સામે બે હાથ પહોળા કરીને ઊભા રહે છે. આવું મારે કરવું જોઈતું હતું.મેં ન કર્યું. ‘તમે નહી કરો તો ય આવતી પેઢી તો એ કરશે જ’ એ વચન સત્ય ઠરી રહ્યું છે. ઝૂમ્મરો, ફૂલદાનીઓ જોતી જોતી હું આગળ વધુ છું. હવે સામેથી આવતા અને પાછળથી હુમલો કરતા વાહનો સાથે હું ગોઠવાઈ ગઈ છું. પેલા ધમધમ ચાલવાવાળા સજ્જન આગળ નીકળી ગયા છે.

પાછલા ચાર રસ્તા દૂર રહી ગયા, નવા ચાર રસ્તા હજી દૂર છે અને જનમાર્ગ ખરેખર ખાલી છે. દૂર નવા ચાર રસ્તા પરનો સિગ્નલ દેખાય છે. ત્યાં લાલ લાઈટ છે. જનમાર્ગ પર ધરાર ધસવાવાળા કોઈ નથી. મને થાય છે હું પેલી ફિલ્મ નાયિકાની જેમ ‘હિલ્લોરી હિલોરી હિલો હિલો હિલો રી’ કરતી ચાલું. ભલે વીસ સેકન્ડ માટે. ભલે પચીસ ડગલાં માટે. પણ આ વિચારવામાં જ વીસ સેકંડ વીતી ગઈ. વાહનોનો ધસારો ફરીથી શરુ થઇ ગયો. મારે અટકવાનું કશું કારણ ન હતું. ચાલતો રહેજે એએએએ…

પણ ઓહ! આ સામે શું છે? મોટા લીલી છાલવાળા દેશી પપૈયાથી ભરેલી ઊંટલારી જનમાંર્ગને પૂરેપૂરો રોકીને ઊભી છે.ખરીદવાવાળા ગ્રાહકો પણ છે. જરા વધેલી જગ્યામાંથી હું પસાર થાઉં છું. ‘આપણે રોજ પાંચથી સાત અહીં હોઈએ.’ લારીવાળો ગ્રાહકને કહે છે એ મને સંભળાય છે.

આ ક્ષણે મને થાય છે, કાશ હું પવનવેગથી ઊડવાવાળો અશ્વરાજ હોત તો! ધમ ધમ ચાલતો મોટા દંતશૂળવાળો ગજરાજ હોત તો! કાં તો ઊડીને જાત અથવા આ લારીને ઉડાડી મૂકત.પણ હું એ બેમાંથી એકે ય નથી. આ જનમાર્ગ છે. અહીં કલ્પનાના ઘોડા ઊડાડવાની કે હાથીઓ દોડાવવાની જગ્યા નથી.

મારે પહોંચવાના ચાર રસ્તા હવે થોડા જ દૂર છે. હું મુક્ત, માત્ર રાહદારીઓ માટેના રસ્તા પર ચાલવાની આશા છોડી દઉં છું. જનમાર્ગ પૂરો થવામાં છે. મારે જવું છે એ જગ્યા પણ આવી ગઈ છે.પ્રવા(યા)સ પૂરો થાય છે. ત્યાં પાટિયું છે. વંચાય છે ‘જનમાર્ગ પર પ્રવાસ બદલ આભાર’. એની જોડે જ બીજું પાટિયું છે. ‘જનમાર્ગ ઉપયોગ કરવા વિનંતિ’ શું કરું? આભાર અને વિનંતિ બે ય સ્વીકારી લઉં? એમ જ કરું. થોડી વાર પછી મારે આ જ જનમાર્ગ પર ચાલતા પાછા જવાનું છે. સાંજના સાત વાગ્યા પછી આવવાનું ધ્યાન હું ચોક્કસ રાખીશ.

– સ્વાતિ મેઢ

ટીપ્પણી