પદ્માવતી જેમણે જોઈ છે એમના રીવ્યુના આધાર પર ગુજરાતી લેખકે તૈયાર કરેલો આ રીપોર્ટ ! અચૂક વાંચજો…

પદ્માવતી ફિલ્મ ના જોઈ હોય અને વિરોધ કરતા હોય એવા લોકો તો ઘણા જોયા અને સાંભળ્યા હશે પણ કોઈએ પદ્માવતી ફિલ્મ જોઈ હોય એની વાત તમે સાંભળી છે? હમણાં જ રજત શર્મા, અર્ણવ ગોસ્વામી અને બીજા અમુક ચુનંદા લોકો માટે પદ્માવતી ફિલ્મનું પ્રાઈવેટ સ્ક્રીનીંગ થયું. ફિલ્મ જોયા પછીનું રીએક્શન સાંભળશો તો તમારા માટે એ બિલકુલ આશ્ચર્યજનક અને ધાર્યા કરતાં વિપરીત પ્રતીત થશે.

આખી વાત મેં અહી વિરોધ દર્શાવવાના કારણોને મુદ્દા તરીકે લઈને સ્ટેપ બાય સ્ટેપ વર્ણવી છે. આ તમામ વાતો, અર્ણવ ગોસ્વામી અને રજત શર્મા જેવા મંઝાયેલા પત્રકારોના સોશિયલ મીડિયા પર પબ્લીશ થયેલા વિડીયોમાંથી લેવામાં આવી છે. એમણે ફિલ્મ જોયા પછી શું કહ્યું અને વિરોધ સામેના શું તથ્યો છે, આવો એક પછી એક એની ચર્ચા કરીએ.

વિરોધનો મુદ્દો ૧ : “પદ્માવતી અને અલાઉદ્દીન ખીલજી વચ્ચે ડ્રીમ સિક્વન્સ (સ્વપ્ન શ્રેણી)નું શુટિંગ થયું છે, જે રાણી પદ્માવતીની પવિત્રતાનું અપમાન છે”

સત્ય : અર્ણવ ગોસ્વામીના કહેવા મુજબ આખા ત્રણ કલાકના મુવીમાં રણવીર સિંઘ (અલાઉદ્દીન ખીલજી) અને દીપિકા પાદુકોણ (રાણી પદ્માવતી) એક પણ ફ્રેમ સાથે શેર નથી કરતા, એટલે કે બંને કલાકારો એક જ ફ્રેમમાં હોય એવો એક પણ સીન ફિલ્માવવામાં આવ્યો નથી. અર્ણવ ગોસ્વામીની આ વાત એમના કથિત ડ્રીમ સિક્વન્સને લઈને જે હોબાળો મચાવવામાં આવ્યો છે એને તદ્દન રદિયો આપે છે.

રજત શર્માએ પણ કહ્યું છે કે આખા મુવીમાં રાણી પદ્માવતી અને અલાઉદ્દીન ખીલજી વચ્ચે એવો એક પણ એક પણ સીન ફિલ્માવાયેલો નથી કે જેથી કરીને રાજપૂત સમાજની લાગણીને ઠેસ પહોચે. ખુદ સંજય લીલા ભણસાલીએ પણ આ વાત (પ્રાઈવેટ સ્ક્રીનીંગ પહેલા) સોશિયલ મીડિયા સમક્ષ ક્લીયર કરી હતી. એટલે આ મુદ્દો અહીં જ નલીફાય થઇ ગયો.

વિરોધનો મુદ્દો ૨ : “રાજા રાવલ રતનસિંહને અલાઉદ્દીન ખીલજી સામે ઝાંખા પાડી દેવામાં આવ્યા છે જે રાજપૂત સમાજ માટે અપમાનજનક બાબત છે”

સત્ય : રજત શર્માના કહેવા પ્રમાણે તેઓ પણ ચિત્તોડ, રાજસ્થાનના રહેવાસી છે અને રાજપૂત સમાજના ઈતિહાસથી પોતે વાકેફ છે. તેમણે કહ્યું તેમ જો વિરોધના આ મુદ્દામાં તથ્ય હોત તો તેઓ પોતે જ આ વાતનો વિરોધ કરત, પણ એમણે વર્ણવ્યું કે ફિલ્મમાં રાજા રાવલ રતનસિંહને એવી રીતે દર્શાવવામાં આવ્યા છે કે જેનાથી રાજપૂત સમાજની આન, બાન અને શાનમાં ઉલટાનો વધારો થશે.એમણે એમ પણ ઉમેર્યું કે શાહિદ કપૂરે પોતાના રોલને પુરતો ન્યાય આપ્યો છે અને રાજા રતનસિંહના મોભાને પોષે તેવી અદાકારી દેખાડી છે.

વધુમાં એમણે જણાવ્યું કે અલાઉદ્દીન ખીલજીને આપણે લોકો જાણીએ છીએ તેવો જ નીચ અને ક્રૂર દર્શાવવામાં આવ્યો છે, અને એની આ ક્રુરતા અને નીચતા એના માંસ ખાતી વખતના સીનમાં અને રતન સિંહને દગાથી બંદી બનાવવાના વિચાર વખતના સીનમાં સાફ દેખાઈ આવે છે. ઉપરાંત આવો ક્રૂર અને નેગેટીવ રોલ બખૂબી કરવા માટે એમણે રણવીર સિંઘના વખાણ પણ કર્યા હતા અને જણાવ્યું હતું કે આખી ફિલ્મના એકપણ સીનમાં અલાઉદ્દીન ખીલજી રાજા રાવલ રતનસિંહથી ચડિયાતો તો શું, એમની બરાબરીનો પણ દેખાતો નથી. એટલે વિરોધનો આ બીજો મુદ્દો પણ અહી નલીફાય થાય છે.

વિરોધનો મુદ્દો ૩ : “ઈતિહાસ સાથે ચેડાં કરવામાં આવ્યા છે, એક સમાજની પ્રતિષ્ઠાને દાગ લાગે એવું કૃત્ય હરગીઝ ચલાવી લેવામાં આવશે નહિ”

સત્ય : રજત શર્માના કહેવા મુજબ આખી ફિલ્મના એક પણ સીનમાં રાજપૂત સમાજના ઈતિહાસ સાથે બિલકુલ કોઈ ચેડાં કરવામાં આવ્યા નથી. આ જ મુદ્દા વિષે અર્ણવ ગોસ્વામીનું એવું કહેવું છે કે, “આ ફિલ્મ પોતાનામાં જ એક બ્યુટી છે, એક સુંદરતા છે અને આખીયે ફિલ્મ જોયા પછી તમને વિરોધ માટે દીપિકા પાદુકોણનું નાક કાપી નાખવાની વાતો કરવાવાળા લોકો હાસ્યાસ્પદ લાગશે. ધીસ ફિલ્મ ટેક્સ ધ રાજપૂત વેલર એટ અનધર લેવલ” એટલેકે આ ફિલ્મ રાજપૂત સમાજની બહાદુરતાને એક અલગ જ ઉંચાઈ આપે છે. વધુમાં અર્ણવે જણાવ્યું હતું કે જો અમને બતાવવામાં આવી છે એ જ ફિલ્મ થીયેટરમાં ચાલવાની હોય તો એમાં વિરોધ કરવાનું કોઈ જ કારણ નથી.

વિરોધનો મુદ્દો ૪ : “ ’ઘૂમર’ સોંગમાં રાણી પદ્માવતીને સામાન્ય જનતાની ભીડ સામે ડાન્સ કરતી બતાવવામાં આવી છે જે પદ્માવતી રાણીના ગૌરવનું અપમાન છે”

સત્ય : આ વાત પર રજત શર્માએ કહ્યું, “મને પોતાને પણ ખબર છે કે રાજપૂત સમાજની રાણીઓ સામાન્ય લોકોની ભીડ સામે નાચતી નથી. ફિલ્મના પ્રોમો સોંગમાં આપણને લાગે છે કે રાણી પદ્માવતી ખુલ્લી જગ્યામાં આમ લોકો સામે નાચે છે પણ મેં જ્યારે આખી ઘટના જોઈ એ બિલકુલ અલગ છે. પદ્માવતી રાણીને મોટી રાણીનો આદેશ હોવાથી તેઓ પોતાના રેનીવાસમાં માત્ર અને માત્ર મહિલાઓ સામે જ ડાન્સ કરે છે.

ઈતિહાસમાં પણ મેં વાંચેલું છે કે જયારે રાણીઓ પોતાના રેનીવાસમાં ડાન્સ કરે છે ત્યારે દર્શકોમાં માત્ર મહિલાઓ જ હોય છે અને એકમાત્ર પુરુષ દર્શક રિયાસતના રાજા હોય છે. ફિલ્મમાં પણ રાણી પદ્માવતીને પુરુષના નામે માત્ર રાજા રતનસિંહ અને મહિલા દર્શકો સામે જ ડાન્સ કરતી દર્શાવવામાં આવી છે અને તે પણ મોટી રાણીના આદેશ મુજબ”. રજત શર્મા વિરોધના આ મુદ્દાનો પણ વિવરણાત્મક જવાબ આપીને એને નલીફાય (ખંડન) કરે છે.
આ બધા જ મુદ્દાઓ ક્લીયર કર્યા પછી રજત શર્મા સાથે વેદ પ્રતાપ વૈદિક વાતચીતમાં જોડાયા હતા, કે જેમણે પણ આ ફિલ્મ પ્રાઈવેટ સ્ક્રીનીંગમાં જોઈ છે. તેઓ પોતે રાજસ્થાનના ખાંટુ ગામના મૂળવતની છે.

તેમણે પણ કહ્યું કે આ ફિલ્મ જોતા પહેલા એમના મનમાં પણ ઘણી શંકા-કુશંકા હતી પણ ફિલ્મ જોયા બાદ એ તમામનું નિવારણ થયું છે. એમણે એમ પણ ઉમેર્યું કે આ ફિલ્મ રાજપૂત સમાજના ઈતિહાસ અને શાનને વધારે ઉંચે લઇ જાય છે અને જે લોકો હમણાં સંજય લીલા ભણસાલીનું માથું કાપવાની વાત કરે છે તેઓ જ આ ફિલ્મ જોયા પછી એમને વધાવી લેશે. તો પદ્માવતી ફિલ્મને લઈને જાહેર થયેલા તથ્યોનો આ આખો વિસ્તૃત અહેવાલ જોઇને તમે જ નક્કી કરો કે ‘શું ફિલ્મ જોયા વગર આટલો પ્રચંડ વિરોધ યોગ્ય છે કે નહિ?’

અહી બંને વિડીયોની લિંક પણ મૂકી છે, એમના માટે કે જેમને વિડીયો પ્રત્યક્ષ જોવા છે.

રજત શર્માની લિંક : http://www.indiatvnews.com/entertainment/bollywood-padmavati-no-controversial-scene-dialogue-sequence-that-hurts-rajput-pride-reveals-rajat-sharma-aaj-ki-baat-412579

અર્ણવ ગોસ્વામીની લિંક :
https://www.thequint.com/news/india/arnab-goswami-reviews-deepika-padukone-padmavati

લેખક : ભાર્ગવ પટેલ (અમદાવાદ)

ઉપરોક્ત લેખ પર આપ સૌના વિચારો આવકાર્ય !!

ટીપ્પણી