જો તમે હજી સુધી નથી જોઈ આ મુવી તો વાંચો તેનો રીવ્યુ અને આ વિકેન્ડ પર જોઈ જ લો…-

ટોયલેટ એક પ્રેમ કથા બાદ સ્ત્રી વિષે જ વાત કરતી અક્ષય કુમાર અભિનીત વધુ એક સુંદર ફિલ્મ એટલે પેડમેન.

સહુથી પહેલા તો આ ફિલ્મના રીયલ હીરો એટલે કે જેના કારણે આ મૂવી બન્યું અને આટલા બધા લોકો સુધી પહોંચી શક્યું તે તમિલનાડુના અરુણાચલમ મુરુગાનન્થમને અભિનંદન અને ત્યારબાદ ડાયરેક્ટર આર.બાલ્કીને આ વિષય પસંદ કરવા માટે ધન્યવાદ!

બોલીવુડ, એક એવું સિનેમા કે જ્યાંની ઓડીયન્સ મોટાભાગે લવસ્ટોરી, ફાઈટીંગ અને કોમેડી મૂવી જોવા ટેવાયેલી છે તેમને એક નવો જ નજરીયો ખોલી આપ્યો માંઝી, ધ માઉન્ટેઈન મેન, પિંક, ટોયલેટ એક પ્રેમ કથા અને પેડમેન, જેવી ફિલ્મોએ.

પદ્માવત-ઈ ની રીલીઝ માટે જે જુવાળ ફાટ્યો એ જુવાળ કે લોકપ્રિયતા આ ફિલ્મના ભાગે નથી આવી જે ખરેખર આ ફિલ્મ માટે ઉભી થવી જોઈએ..!


પેડમેન મુવી જેટલી સ્ત્રી વિષે વાત કરે છે એટલી જ મેન સ્ટ્રીમને પણ લાગુ પડે છે.

એક પુરુષે પોતાની સ્ત્રીની ચિંતા કરી અને પોતાનું આત્મસમ્માન સુદ્ધા દાવ પર લગાવી સ્ત્રીના એ પાંચ દિવસોને સુરક્ષિત અને સ્વસ્થ દિવસ બનાવવાની જીદ પકડી.

એક બીજા પુરુષે એ જ ઘટના લઈને સ્ત્રી માટે, પુરુષ માટે અને સમાજ માટે એક ફિલ્મ બનાવી કાઢી. પણ એક પુરુષે જ શા માટે આટલી જહેમત કરી? શા માટે આ વિષયને આજ સુધી કોઈ સ્ત્રીએ છંછેડયો નહિ? પ્રશ્ન વિચારમાં મૂકે છે અને છતાં એનો જવાબ આ ફિલ્મમાંથી જ મળે છે.

આ ફિલ્મની એક એક ફ્રેમમાં મને મેસેજ મળ્યો.

નવો જ પરણેલો ત્રણ બહેનોનો એક ભાઈ લક્ષ્મી, પત્નીના આવ્યા બાદ પોતાની સ્ત્રીને એ પાંચ દિવસોમાં પાળવામાં આવતી અંધશ્રદ્ધાઓથી દૂર રહેવા કહે છે, વર્ષોથી વપરાતા ગંદા કપડાની જગ્યાએ નેપકીન વાપરવા સમજાવે છે. પત્નીની ખુશીની જ નહિ, એના સ્વાસ્થ્યની પણ ફિકર કરતો લક્ષ્મી પત્ની ગાયત્રી(રાધિકા આપ્ટે) માટે જાતે સેનેટરી પેડ ખરીદી આપે છે પણ મોંઘા પેડ ના વાપરવાની પત્નીની લાચારીથી શરુ થાય છે લક્ષ્મીની પેડ બનાવવાની સફર. જેમાં પત્ની પતિની ભાવના સમજી એને સાથ આપવાનો પ્રયત્ન તો કરે છે પરંતુ તેના મનમાં વર્ષોથી ‘શરમ’ નામે રોપી દીધેલા કુંઠિત વિચારોને એ છોડી શકતી નથી.

દ્રશ્ય:

જયારે લક્ષ્મીને પત્ની ગાયત્રી વિષે ખરાબ સપનું આવે છે ત્યારે એ બીમારી, ઓપરેશન, ડર.. જ્યાં ફિલ્મ પેડના ઉપયોગ ઉપર ભાર મૂકતી જણાઈ, પરંતુ, આગળની ફ્રેમથી જ ફિલ્મ માત્ર પેડ વિષેની વાત ના રહેતા ઘણી બધી વાત છતી કરે છે.
દ્રશ્ય:

લક્ષ્મી- મેને ભી તુમ્હારે લિયે કુછ બનાયા હે જેસે મેરે લિયે તુમ માલપુઆ બનાતી હો..’
અહીં કેટલી સહજ અને સાદી રીતે પેડ બનાવવાની વાતને ડાયરેક્ટરે મૂકી દીધી.
દ્રશ્ય:

જયારે બહેનના ઘરે લક્ષ્મી આ વિષે વાત કરવા જાય છે ત્યારે પણ તેને નાલેશીનો સામનો કરવો પડે છે. હજુ થોડીવાર પહેલા જ પોતાના ભાઈને પ્રેમથી જમાડતી બહેન આ વિષય ઉછળતા જ સમગ્ર પરિવાર વચ્ચે ભાઈની ઈમેજ ખરડાઈ જાય છે?! આ દ્રશ્યમાં આપણા જ સમાજનો અરીસો છે, કે એક તરફ પુરુષના ચડ્ડી કે ગંજી વિષે, જાહેરમાં કે ઘરમાં, ટીવીમાં જોઈ-સાંભળી શકતા આપણે સ્ત્રીના એ પાંચ દિવસ કે એને સંબંધિત વસ્તુઓને શા માટે આટલા અછૂત સમજીએ છીએ?

એ જ રીતે બીજું દ્રશ્ય:

‘ઓરતકે પેરો કે બીચ કયું ફસી હુયી હે આપ કી જાન..’
જયારે પતિને પ્રેમ કરતી હોવા છતાં પતિ પેડને લઈ શા માટે, શું કરે છે એ નથી જાણતી, અને એક પેડ જેવી ઓરતોની બાબતને પતિએ આટલી સહેલાઈથી પોતાની સમસ્યા ગણી લીધી છે ત્યારે એ પોતે વાતની ગંભીરતા નથી જાણતી છતાં પતિનો સાથ આપે છે.

પરંતુ ઘણા પ્રયત્નો બાદ પણ સફળતા ના મળતા ગાયત્રી, પતિ લક્ષ્મી પાસેથી આ વિષે કોઈને વાત ના કરવાનું વચન લે છે, ત્યારે અન્ય સીનમાં લક્ષ્મીનું ખુદ પર એ વસ્તુનો એક્સ્પરીમેન્ટ કરવો, આ દ્રશ્યથી લક્ષ્મીની સ્ત્રી સ્વચ્છતાની જીદ સામે લાવે છે.

કોઈના પણ ધ્યાનમાં આવ્યા વિના પત્ની માટે સ્વચ્છ સુઘડ નેપકીન બનાવવા શરુ કરેલું લક્ષ્મીનું સાહસ તેને પત્ની, ગામ, પોતાની માતા અને સહુથી મોંઘુ આત્મસમ્માન છોડી દુનિયાની સામે શરમને આત્મસમ્માનમાં બદલવા મજબુર કરે છે. અંતે ગામ છોડીને શહેરમાં આવીને ઉધારી કરીને, નાની નોકરી કરીને પણ તે પ્રયત્નો શરુ કરે છે.
દ્રશ્ય :

પહેલીવાર પીરીયડમાં આવતી છોકરી માટે દેશના અમુક ગામમાં ઉત્સવ ઉજવાય છે, જો આ વાત આટલી પવિત્ર હોય, ઉજવણી કરવા જેટલી સુખદ અને પવિત્ર હોય તો એને સંબંધીત વસ્તુઓ કે વાત વિષે આટલી અછૂત વૃતિ કેમ?
દ્રશ્ય :

પતિથી અલગ થઈને પિયરગૃહે રહેતી પત્ની જયારે પોતાના ભાઈનો ભાભી પ્રત્યેનો અપમાનજનક વ્યવહાર જુએ છે ત્યારે આપણને અહીં લક્ષ્મીનો પત્ની પ્રત્યેનો સદવ્યવહાર નજરે આવે છે.

દ્રશ્ય:

દિલ્હીમાં પોતાનો આવિષ્કાર બતાવી રહેલા લક્ષ્મીને વોશરૂમ લાગે છે ત્યારે હાસ્યાસ્પદ રીતે છતાં ઈશારો કરીને ખુલ્લી રીતે એ બધા સામે લઘુશંકાની વાત કહી શકે છે, એ સીન પરથી સમજાય છે કે આટલી સહજ અને સિમ્પલ વાત જો સ્ત્રી વિષે કે પેડ વિષે હોય તો એ જાહેરમાં ના જ કહે શકે જયારે પુરુષ બધાની વચ્ચે પણ બોલી શકે છે! અહીં આપણે જ બનાવેલ માનસિક ફર્ક જોવા મળે છે કદાચ!
દ્રશ્ય:

ઇનામ મળ્યા બાદ પરી(સોનમકપૂર)ના ઘરે યોજેલી પાર્ટીમાં પરી(સોનમ કપૂર)ના પિતા દીકરીને એકલા હાથે ઉછેર્યાની, રસોઈ શીખવાની વાત કહે છે, ત્યારે પ્રશ્ન થાય કે પુરુષ જો રસોઈ બનાવતા શીખે છે એ વાત આટલી આવકારદાયક હોય, એમાં કંઈ શરમજનક ના હોય તો એ જ પુરુષ સ્ત્રી માટે પેડ બનાવવાનું શીખે એ વાતમાં શા માટે આટલી જિજક?
દ્રશ્ય:

લક્ષ્મીના અમિતાભ બચ્ચન સાથેના ફોટોને જોયા બાદ ગામલોકો તેને ખુબ ઉત્સાહથી આવકારે છે પરંતુ તેનો આવિષ્કાર એક પેડ છે, એ જાણતા જ તેનું અપમાન થાય છે. અહીં પણ એ વાત સમજાય છે કે, જે સંશોધન બધા સામે નિઃસંકોચ મૂકી શકાય, જેનાથી કંઈક આર્થિક કારણ ઉપજે એને જ સમાજ સંશોધન ગણે છે!?

‘ગંદા કપડાં’ શબ્દનો આ ફિલ્મમાં વારંવાર ઉચ્ચાર છતાં આખી ફિલ્મમાં ક્યાંય ડાયલોગમાં કે એ સફેદ વસ્તુને જોઈને કે લક્ષ્મીના તમામ પ્રયત્નોને જોઈને સોગિયાપણું કે અશ્લીલતા અનુભવાતી નથી, માત્ર સ્ત્રીની સ્વચ્છતા અને સુરક્ષાનો જ સંદેશો મળે છે અને લક્ષ્મી ઉપર માનની લાગણી ઉપજે છે.

ખરેખર અક્ષયકુમારને દાદ દેવી પડે, અભિનયમાં પૂરી ઈમાનદારી, સ્વસ્થતા અને સચ્ચાઈ લાવવા માટે! સાથે જ રાધિકા આપ્ટેએ ખુબ નેચરલ અને બંધબેસતો ગ્રામીણ પત્નીનો સુંદર અભિનય કર્યો છે. સાથે જ સોનમકપૂરના રોલથી ફિલ્મમાં નવીનતા અનુભવાય છે, દ્રશ્યોમાં રાધિકા આપ્ટેની સાલતી ખોટને અહીં સોનમ કપૂર પૂરી કરે છે.

ફિલ્મમાં ક્યાંય ડાયલોગ ઓવર જણાતા નથી, સાથે જ કોઈ પાત્રનો અભિનય લાઉડ થતો નથી. આર.બાલ્કીએ દરેક પાત્ર પાસેથી સુંદર તથા ઉત્તમ કામ લીધું છે.
અંતમાં લક્ષ્મીની ‘લીન્ગ્લીશ’ સ્પીચ જેટલું હસાવે છે એટલું જ દિલને સ્પર્શે પણ છે. ખરા અર્થમાં અમેરિકન ઓડીયન્સને સ્ત્રીની વાત સમજાવવા તેને ભાષાનું બંધન નડતું નથી.

ફિલ્મના ગીતો..-

ફિલ્મના ગીતો અદ્ભુત નવા અને ગમી જાય તેવા છે, ‘આજ સે તેરી..’ ‘હુ બા હુ’ ગીતોમાં અમિત ત્રિવેદી અને અરજીત સિંઘ ફરીવાર દિલને સ્પર્શી જાય છે.

આ ફિલ્મે પેડના ઉપયોગ વિષે, સ્ત્રીની સ્વસ્થતા, સ્વચ્છતા વિષે, પેડ-પીરીયડ કે એ સંબંધિત વાત વિષે, પુરુષ જ નહિ પણ સ્ત્રીની પણ જાહેરમાં સુગ અને સ્વતંત્ર વિચારની વાત તો કહી જ છે, એ છતાં પીરીયડ વિષે નાના શહેરોમાં પાળવામાં આવતી અંધશ્રદ્ધા, પેડના ઉપયોગ બાદ તેના વ્યવસ્થિત નિકાલ જેવા પ્રશ્નો પણ હજુ અધૂરા જ છે.

આખી ફિલ્મમાં નજર અક્ષયકુમાર પર જ રહે છે, અને છતાં દરેક પાત્રો આંખે ઉડીને વળગે છે. ડાયલોગ માફકસર અને સુંદર ગુંથાયા છે. જેટલી જરૂર છે એટલા જ પાત્રો, ગીતો અને દ્રશ્યથી મઢેલી આ ફિલ્મ સ્ત્રીના જીવનનો અકથ્ય ભાગ સમાજ સામે મૂકે છે.

ઓવરઓલ, પેડમેન એક નહિ પરંતુ બે વાર ફેમીલી સહીત જોવા અને માણવા જેવી ફિલ્મ છે..!

લેખક : મીરા જોશી

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી