પાછું જવાનું સ્કૂલ?

તોડવા લાગણીનું ફુલ
પાછું જવાનું સ્કૂલ?

1+1
હજુય બે થાતા
ત્રિકોણ પર ચોરસ
હજુય ના ગોઠવાતા
સાહેબનેય દાખલામાં પડે છે હવે ભૂલ
તો ય પાછું મારે કાલે જવાનું સ્કૂલ?

વ્યાકરણના વાયદા ને
નાગરિકશાસ્ત્રના કાયદા
કેટલાય ભણ્યા ને
કોને થયા ફાયદા
હર્ષદને જાણે બનાવવાનો છે બૂલ
તો યે પાછું મારે, કાલે જવાનું સ્કૂલ?

પપ્પાનું કરાવે ડેડી ને
મમ્મીનું પાછું મોમ
આ છે મારો ભારત કે
પછી એને કહેવો રોમ
વીજળીની જેમ હું તો થઈ ગયો છું ડૂલ
તો ય પાછું મારે, કાલે જવાનું સ્કૂલ?

 

હાઈડ્રોજનનું સૂત્ર ન આવડે
ને હલકામાં હું ગણાતો
પ્રકાશ સંશ્લેષણ કરે પર્ણ ને
હું ફિક્કો પડી જાતો
વિજ્ઞાનની આ વાતો મને, પેટમાં કરે શૂલ
તોય ય પાછું મારે, કાલે જવાનું સ્કૂલ?

રોટલા ટીપતા શીખવાડે ના
ખાડો ખોદતા આવડે ના
જીવનનું તો ના નામોનિશાન
બુદ્ધિનું તો જાણે માંગે દાન
વાતો ના આવી આપણને, તમારી અનુકૂલ
ને તો ય પાછું મારે, કાલે જવાનું સ્કૂલ?

બની શકતો હતો માણસ
ને બન્યો હું નોકરિયાત
ચાર કાગળીયાની ફાઈલનો
હું તો જાણે આંગળિયાત
નીકળ્યો તો લેવા શિક્ષણ, ને બની ગયો fool
ને તો ય પાછું મારે, કાલે જવાનું સ્કૂલ?

– કર્દમ ર. મોદી

ટીપ્પણી