પાનખરમાં વસંતનો વાયરો – અચૂક વાંચવા જેવી રોમેન્ટિક સ્ટોરી !!!

મુંબઈથી પૂનાની બસ સવારે છ વાગ્યાની હતી. ભાગમભાગ કરી પરી માંડમાંડ દાદર પહોંચી. અને ટિકિટ લઈને તરતજ બસમાં ચઢી. આમતેમ જોયું ને એક ખાલી સીટ જોઈને બારીની પાસે બેસી ગઈ. થોડીવારમાં એને ગરમી લાગવા માંડી. જોયું તો બારી બંધ હતી. એણે તરતજ બારી ખોલવા માંડી પણ બારી કેમે કરી ખુલતી નહોતી સતત બે ત્રણ વાર પ્રયત્ન કર્યો પણ ન ખુલી. એની આગળની સીટ પર એક ભાઈ બેઠા હતા. “હું ટ્રાય કરું?” પરીએ તરતજ પાછળ જોયું. પરીએ ડોકું ધૂણવી ‘હા’ પાડી. એ પાછળ આવ્યા અને બારી ખોલવા પ્રયત્ન કર્યો. પણ બે ત્રણ વાર પ્રયત્ન કરવા છતાં ન જ ખુલી. એણે પરીને કહ્યું, “તમને વાંધો ન હોય તો આગળ બેસો.” પરીએ તરતજ વળતો જવાબ આપ્યો.”પણ બારી પાસે બેસવા મળે તોજ!” એણે હસીને ઉત્તર આપ્યો.”જરૂર યુ આર વેલકમ.” પરી ઊઠીને આગળની સીટ પર જઈ બારી પાસે ખુશ થઈને બેસી ગઈ.

બારીમાંથી મસ્ત હવા આવતી હતી. સવારની તાજી હવા એના ચહેરાની તાજગી વધારતી હતી. એનાં સુંદર ચહેરા પર એક લટ ઊપરનીચે જઈ મસ્તી કરતી હતી. પરીતો બારીની બહાર જોવામાં મશગૂલ હતી. બાજુવાળા ભાઈ અનિમેષ નજરે એને નિહાળી રહ્યા. અને થોડી વારમાં બોલ્યા, “હું તમારું નામ જાણી શકું છું?” પરીએ કહયું,”સ્યોર. વાય નોટ? આઈ એમ પરી.”

“નાઇસ મીટિંગ યુ.” એણે કહ્યું, “નાઇસ, નેમ હુ કેપ્ટ ફોર યુ?” પરીએ કહ્યું, “અમારી બાજુમાં એક અંકલ રહેતા હતા. મારો જન્મ થતાંજ એમણે મમ્મીને મુબારકબાદી આપતા કહ્યું, ‘લો તમારે ઘરે તો પરી આવી ગઈ. અને મમ્મીને નામ ગમી ગયું. આમજ મારું નામ પડી ગયું.” “વાહ! સરસ ! તમે આ શિબિરમાં પહેલી વાર આવો છો?” પરી કહે, “ના ના હું તો રેગ્યુલર આવું છું. પણ કદાચ તમને પહેલી વાર જોઉં છું. તમે નવા છો ખરુને?” એણે હસીને કહ્યું, “હા! આઈ એમ ન્યુકમર !” ત્યાં તો બસ આંચકો ખાઈને ઊભી રહી. બંને ઊભા થયા અને નીચે ઉતર્યા. લોનવાલા આવી ગયું હતું.

પરીનાં કોમળ હ્રદયમાં એક નાનીશી ટીશ ફૂટી. એને યાદ આવી ગયું એનાં નામની વાત પરથી ! એ અને એની બહેન નાનાં હતાં ત્યારે કેવા ઝઘડેલા? નૈનાને એનું નામ જોઈતું હતું. મમ્મી સાથે ઝઘડતી હતી કે મારું નામ પરી કેમ ન રાખ્યું? પછી મમ્મી એને સમજાવતી કે તારી આંખો બહુ સરસ છે એટલે તારું નામ નૈના રાખ્યું. તો વળી કહેતી, “પણ આ ક્યાં ગોરી છે? પરી તો ગોરી હોય!” અને બે બહેનોમાં પરી સમજુ હતી. મમ્મી એને અષ્ટમપષ્ટમ સમજાવી દેતી અને પછી બને બહેનો રમવામાં ભૂલી જતાં. પણ પરીને આ વાત મોટા થતાં મોટું સ્વરૂપ લેશે એનો અંદાજ નહોતો. અને જિંદગીમાં એની બહેન જ એનાં લગ્નજીવનમાં આડી આવી! અરે બાપરે !આશું વિચારોઆવી ગયા! હું અહીં વેદાંતમાં એટલેજ આવી છું કે આ બધું ભૂલી જાઉં અને આ શું લઈ બેઠી!એણે એક ઝાટકાથી માથું હલાવી ઉપર હાથ ફેરવ્યો અને પછી આજુબાજુ બધાને શોધવા લાગી. બધા આજે વેદાંત ઇનસ્ટિટ્યૂટ જોવા આવ્યા હતા.એ પણ આગળ દોડી ગઈ. અને જોયું તો પેલા ભાઈ એની વાટ જોતા ઊભા હતા. એને નવાઈ લાગી. “તમે કેમ ઊભા છો?” એમણે કહ્યું, “તમે ક્યાંક ખોવાઈ ના જાઓ એટલે! ચાલો બધા તો આગળ નીકળી ગયા.” પછી બંને જણાં અંદર દાખલ થયાં. અને એક પછી એક રૂમમાં બધા ગ્રંથો અને ફોટાઓ જોતાંજોતાં આગળ વધ્યાં. ચિત્રો જોતાંજોતાં એકબીજાનાં અભિપ્રાય આપવા લાગ્યા. વાતવાતમાં બંનેને સારી દોસ્તી થઈ ગઈ. કઇંક સુધારાવધારા સમજાવતા ગયાં. સાથેસાથે ટીકાટીપણ પણ કરવા લાગ્યાં. બંનેને આમાં ખૂબ મજા આવી. પરી ભૂતકાળમાંથી પૂરી બહાર આવી ગઈ હતી. એને આ ભાઈની ઓળખાણ થઈ તે જાણે એને ગમ્યું હતું.

પરીએ કહ્યું, “તમારું નામ તો જણાવો હું તો પૂછવાનું પણ ભૂલી ગઈ!” એણે કહ્યું, “મને બધા જયરાજ તરીકે ઓળખે છે પણ રાજ કહેશો તો ચાલશે. મને ગમશે.” પરીનાં મગજમાં ઝબકાર થઈ ગયો. શું એના જીવનમાં કોઈ રાજકુમાર આવ્યો છે કે શું?અને પછી પોતેજ ઝંખવાઈ ગઈ. “ના રે… મારા એવા નસીબ ક્યાં ! મારા ભાગ્યમાં તો વિકી છે – હતો – જે બધી ફિલ્મોમાં હીરોનું નામ હોય છે પણ કામ વિલનનું કરતો હોય છે. જે એની જિંદગીમાં પણ વિલન જ બની ગયો હતો ને!

પહેલી વાર નૈના અને જીજુની પાર્ટીમાં મળ્યો ત્યારેતો મને હીરો લાગ્યો હતો. એની તરફ આકર્ષાઈ ગઈ હતી. બહુ ભાવ ખાતો હતો ને બહુ સ્ટાઇલ મારતો હતો. જીજાજીની દોસ્તીને લીધે પરી વિકીના લગ્ન થઈ ગયાં. લગ્ન પછી હોસ્ટેલમાં સાથેજ રહેતા હતા. એમબીબીએસ થવાને એક વર્ષ બાકી હતું .બંને સારી રીતે પાસ થઈ ગયાં. અને પછી પી.જી. પણ કરી લીધું. એ વખતે એનો સુવર્ણકાળ હતો. બંને કેટલાં ખુશ રહેતા હતા!

ત્યાં તો રાજનો અવાજ સંભળાયો, “પરી! ક્યાં ખોવાઈ ગયાં? હૉલ બંધ કરે છે, ઘંટી વાગી ગઈ. આપણી સાથેનાં બધા નીકળી ગયાં. આપણે જવું જોઈએ બસ ચૂકી જઇશું. પાછાં ફરતાં બસમાં પરી એની દુનિયામાં ખોવાયેલી જ હતી. રાજે એક બે વાર વાતો કરવા ટ્રાય કરી પણ એ કઈ બોલી ના શકી. રાજ એને બાય બાય કરીને કહી ગયો કે ફરી મળશું. ઓકે!

થોડા દિવસ વીતી ગયા.પણ પરીના મગજમાં ક્યાંક યાદો રહી ગઈ. એનાં દિલનાં કોઈ એક ખુણામાં જાણે રાજે જગ્યા લઈ લીધી હતી. જાણ્યેઅજાણ્યે મનમાં એને થતું હતું કે ફરી એને મળાય તો સારું. અને એ દિવસ આવી ગયો. વેદાંતની શિબિર પંચગીનીમાં હતી. પરી અને રાજ ફરી ત્યાં ભેગા થઈ ગયાં. કંઈ પણ ઓળખ વગર બંને એકબીજા તરફ આકર્ષાઈ જતાં હતા. પંચગીનીમાં સારો એવો સમય બંને સાથે ગાળવા લાગ્યાં. કયારે શિબિરમાં બીજા બધાથી દૂર એકલાં ફરવા લાગ્યાં એ એમને પણ ખબર ન પડી. પરી રાજની દુનિયા જુદી જ થઈ ગઈ.

બંને હવે તો દર રવિવારે એકબીજાને સમય આપીને મળવા લાગ્યાં. એ લોકોની વાતોમાં ફક્ત વાતોજ હતી. બીજું કઈ જ નહીં. બંને એકબીજાની અંદર દૂધ અને સાકરની જેમ ભળી ગયાં હતાં. પણ છતાં વાસ્તવિક જીવનમાં એકબીજાથી થોડા અળગા તો રહેતાં જ હતાં. એ લોકોની મૈત્રી ખુબજ નિર્દોષ હતી. ક્યાંયે છીછરાપણું કે આછકલાપણું ન હતું. બંને મેચ્યોર હતાં. જે કરતાં હતાં તે જાણતા હતા. છતાંએ એમાં કઈ જ વધારે પડતું ન હતું. આ શું હતું એ એમને પણ ખબર ન હતી. અને એની પરવા પણ ન હતી. દુનિયાથી દૂર એકબીજાના સાનિધ્યમાં તેઓ ખૂબ જ આનંદમાં રહેવા લાગ્યાં. એ લોકોની વેવલેન્થ એક હતી જેથી તેમને મઝા આવતી હતી.

પરી રાજને એક દિવસ પૂછી બેઠી. “શું તમારા જીવનમાં કોઈ મારા જેમ આવ્યું છે?” રાજ ખૂબ જ હસી પડ્યો. “તારી જેવું તો કોઈ જ નહિ. મારી પત્ની પણ નહિ. તું તો એકદમ કોમળ અને સંવેદનશીલ છે તારામાં હજુ ફૂલો જેવી તાજગી ને પતંગિયાં જેવો તરવરાટ છે પરી! અને યૂ નો યૂ આર કોમ્બિનેશન ઓફ બ્યુટી વિથ બ્રેન. જે બહુ ઓછી કન્યાઓમાં જોવા મળે છે.” પરી મનોમન ખુશ થઈ ગઈ. પચાસ વર્ષની ઉપરનાંને કન્યા કહે તો ખુશી તો થાય જ ને! આખી જિંદગીમાં આવા પ્રશંસાનાં બે વાક્ય એણે કદી વિકી પાસેથી પણ સાંભળ્યા નહોતા. કે નૈના પાસે કે મમ્મી પાસે પણ નહિ. એનાં જીવનમાં પહેલીવાર આ ખુશીની લહેર ઊઠી હતી.

એ રાત્રે રાજથી છૂટાં પડ્યાં પછી એને આખી રાત ઊંઘ નહોતી આવી. જાણ્યેઅજાણ્યે વિકી સાથે રાજની સરખામણી કરતી રહી. એ વિકી જેની જોડે એણે લગ્ન પછીનાં ત્રીસ વર્ષ સાથે ગાળ્યા હતા. મેડીકલ એસોસીએશનમાં ‘મેડ ફોરઈચ અધર’નું ટાઇટલ એમણે જીત્યું હતું. કોણ જાણે કોની નજર લાગી ગઈ એનું દાંપત્યજીવન હચમચી ગયું.

બે બાળકોનાં જન્મ પછી એને ડિપ્રેશન આવી ગયું. કામમાં ચિત્ત ન લાગે. ઘરમાં ને બહાર પહોંચી નહોતું શકાતું. વિકીની ટકોરો શરૂ થઈ ગઈ. અને વિકીનું મન પરીમાંથી ધીરેધીરે ઊડી ગયું. એનું મન તો ભમરા જેવું હતું. રસ લેવા બીજા ફૂલો પર ઊડવા માંડ્યુ. બીજા બેત્રણ ફૂલોના રસ એણે ચાખી પણ લીધા. અને એક દિવસ પરીએ એનાં કારસ્તાન નજરોનજર નિહાળ્યા. જીવનમાં ખટરાગ ચાલુ થઈ ગયો. એ વિકીને ધિકકારવા લાગી. એનો સ્પર્શ પણ એને ડંખ જેવો લાગતો હતો. એ એને એ પછી કદી પણ સંતોષ ન આપી શકી કે લગ્નજીવનનું સુખ ન આપી શકી. એનાં હાથ લાગતા જ એ બરફની પુતળી થઈ જતી. એની સંવેદનાઓ શમી ગઈ હતી. ધીરેધીરે બંને વચ્ચે અંતર વધતું ગયું અને એક પતિનો ત્રાસ કોને કહેવાય તે એને ખબર પડી ગયો.

બંને વચ્ચે કેટલીયે વાર મારઝુડ ગાળાગાળી શરૂ થઈ ગઈ. અને છેવટે છૂટાછેડાનાં નિર્ણય પર આવી ગયાં. બાળકોની સ્થિતિ દયાજનક હતી. પણ બંનેનો ગુરુર હતોજે કોંપ્રોમાઈસ તૈયાર ન હતાં.

પરીને યાદ આવી ગયું કેવી રીતે શરુઆતમાં બેઉ બાળકોને સાથે રાખતી હતી. ધીરેધીરે ખર્ચ ન પરવડતા એજયુકેશન માટે બંનેને એકપછી એક વીકી પાસે અનિચ્છાએ મોકલાવી દેવા પડયા હતા. અને પોતે એકલી રહેવા લાગી. પ્રોપર્ટી માટે ઝઘડા કરીને કાર અને ફ્લેટ પોતા માટે એણે મેળવી લીધો. અને એકલી રહેવાનું શીખી ગઈ. યોગા, મેડિટેશન અને પેંટિંગ એનાં મુખ્ય કાર્ય હતા. જેમાંથી તે આનંદ મેળવી લેતી હતી.

હવે એનાં જીવનમાં ઝંઝાવાત શમી ગયા હતા. અને તે ખૂબજ આનંદમય જીવન ગાળતી હતી. વેદાંતનાં શિબિરમાં વગેરેમાં એને ખૂબજ આનંદ-સચ્ચિદાનંદ મળતો હતો.

રાજ તો હમણાં હમણાં એનાં દીલ પર રાજ કરવા માંડ્યો હતો. રાજ વિષે એણે ઘણું જાણી લીધું હતું. એ પણ પરિણિત હતો. પરંતુ એની પત્ની વિદેશ રહેતી હતી. એનાં પુત્રનાં અભ્યાસાર્થે તે એની સાથે ત્યાં કેનેડા રહેતી હતી. લગભગ એક વર્ષથી એ બંને મળ્યા ન હતા. અને તે દરમ્યાન પરી રાજના જીવનમાં આવી ગઈ. બંનેની દોસ્તી જબરદસ્ત થઈ ગઈ. હવે તો બંને દરેક શનિરવિ અને રજાઓમાં મળવા લાગ્યા.

પરી રાજની પાછળ બાઇક પર બેસી એક જુદીજ દુનિયામાં મ્હાલવા લાગી. બંને પ્રેમીઓને મુક્ત ગગન મળી ગયું હતું. કલાકોનાં કલાકો સાથે વ્યતિત કરતાં હતાં. વાતો ફક્ત વાતો કરતાં હતાં. નહોતી કોઈ લાલસા કે નહોતો કોઈ મોહ! બંનેનાં મન નિર્મળ હતાં. સ્વછમૈત્રીનો આનંદ માણતાં હતાં.

પરીએ એની આખી જિંદગીમાં નહીં માણ્યું હોય એવું સુખ એણે માણ્યું. શૈયાસુખ જ બધું નથી હોતું. માનસિક શાંતિ અને પ્રેમ – હૃદયની સાચી લાગણી એણે જાણી ને માણી. અપેક્ષા વગરનો પ્રેમ એણે માણ્યો.

પરંતુ એક દિવસ અચાનક રાજે આવીને કીધું, “પરી ! આપણો સબંધ હવે પૂરો થાય છે. મારી પત્ની કેનેડાથી આવી ગઈ છે, મારો પુત્ર પણ અહીં આવી ગયો છે. એને થોડોઘણો ખ્યાલ આવી ગયો છે કે તું મારા જીવનમાં પ્રવેશી ચૂકી છે. અને મેં પણ એને સાચી વાત આપણી કહી દીધી છે. એ મને સમજી શકી છે. પણ એણે મારી પાસે માગણી કરી છે કે હવે આપણે બંને કદી ન મળીએ. આપણે આ સબંધ પૂરો કરીએ. પરી હું શું કરું? તું મને કહે. પ્લીઝ મને સમજવાની કોશિષ કરજે. બનેતો ભૂલવાની કોશિષ કરજે, હું પણ પ્રયત્ન કરીશ.”

પરીએ તરત કહ્યું, “રાજ, આ તો એક દિવસ થવાનું જ હતું. મારી તો તૈયારી પહેલીથીજ હતી. પણ ખરેખર આ દસ બાર મહિનામાં મારા વેરાન જીવનમાં મનેતો બહાર મળી ગઈ હતી. મારે તો પાનખરમાં વસંતનો વાયરો વાયો હતો. હું તને ભૂલીશ પણ નહિ અને ભુલવાની કોશિષ પણ નહિ કરું. આ તો એક એક સોનેરી પળો હતી એની યાદમાં હું બાકીની જિંદગી વીતાવી લઇશ. વેદાંત શીખ્યા છીએ તો એટલું બ્રહ્મજ્ઞાન તો છે મને! આપણું ધાર્યું આપણે નથી જીવતા. ભગવાનનું ધાર્યું એ કરે છે આપણે તો જે આપે તે ખુશીખુશી માણી લેવાનું. આપણને આપણાં કર્મ પ્રમાણે ફળ મળે છે.”

પરી અને રાજની વાર્તા એ પછી પૂરી ન થઈ.

આવી સરસ મજાની વાર્તાઓ વાંચવા માટે અહી ક્લિક કરો સ્ટોરી મિરર

ટીપ્પણી