પાંજરું – પરિવાર ભાવનાના તાંતણે વણાયેલી આ વાર્તા જરૂર વાંચો. !!!

” પપ્પા મીઠ્ઠું માટે શું લાવ્યા ? “

તાજા લાવેલ ફળો માંથી એક જમરૂખ ઉઠાવી એ મીઠ્ઠું ના પાંજરા પાસે ભાગી ગઈ. જ્યાર થી મીઠ્ઠું આવ્યો છે ત્યારથી ઝંખના કેટલી ખુશ રહે છે. નહિતર પોતાના ને અંકિતા ના ડિવોર્સ પછી એ મૂરઝાયેલા છોડ સમી બની ગઈ હતી. માતા થી દૂર થઇ અચાનક પિતા જોડે એકલા રહેવું પડે તો બાળક ની માનસિકતા પર એની અસર સહજ રીત થી પડે. કોઈ ની જોડે વાતોજ ક્યાં કરતી હતી ? અન્ય બાળકો મમ્મી અંગે પ્રશ્નો કરશે એ વિચારી મિત્રો જોડે રમવા પણ ન જતી. એકલી એકલી રડ્યા કરતી. રમકડાંઓ સાથે પણ જાણે અબોલા લઇ લીધા હતા. પણ મીઠ્ઠું ના આવ્યા પછી એક મિત્ર મળી ગયો જેની જોડે આખો દિવસ વાતો કર્યા કરતી. એની સારસંભાળ માં સમય વિતાવતી. પ્રદીપ નો જીવ નાની દીકરી ના ચ્હેરા પર હાસ્ય જોઈ સંતુષ્ટ થતો. પણ ખબર નહીં કેમ ઝંખના મીઠ્ઠું વિશે જયારે પણ કોઈ પ્રશ્ન પૂછતી પ્રદીપ ના મન માં અંકિતા સાથે નો ભૂતકાળ રમવા માંડતો. આ વિચારશ્રેણી ની સાંકળ પણ કેવી વિચિત્ર તાણાંવાણાઓ માં ગૂંચવાઈ પડતી હોય છે ! માનવ મન એવું અટપટું શાને હોય છે ?

જયારે મીઠ્ઠું નું પાંજરું ખરીદી લાવ્યો હતો ત્યારે સૌથી પહેલો પ્રશ્ન ઝંખના એ કર્યો હતો :

” પપ્પા એને પાંજરા માં કેમ પૂર્યો છે ? ”

” કે જેથી આપણે એની સંભાળ લઇ શકીએ , એને પ્રેમ આપી શકીએ
, એનું રક્ષણ કરી શકીએ ! ”

સંભાળ , પ્રેમ , રક્ષણ અંકિતા ને પણ પોતે આ બધુજ આપવા ઈચ્છતો હતો. લગ્ન ના દસ વર્ષો માં એણે આ બધું જ આપવા પ્રયાસ તો કર્યો હતો. જોકે અંકિતા એ પણ એને આ બધીજ બાબતો માં પુરેપુરો સાથસહકાર આપ્યો હતો. સંબંધો ની ગાડી બે સમાંતર પૈડાં થી જ આગળ વધી શકે. અંકિતા એ પણ સામેથી એટલોજ પ્રેમ ને સ્નેહ વરસાવ્યો તો હતો. ઝંખના ના ઉછેર જોડે એણે પોતાની કારકિર્દી પણ કેટલી કુશળતા થી સંભાળી હતી. આજની એક આધુનિક સફળ સ્ત્રી ની જેમ એણે માતૃત્વ ને પોતાની કારકિર્દી નું પૂર્ણવિરામ બનવા દીધું ન જ હતું. જોકે એ માટે મહેનત ની પરાકાષ્ઠા એ પહોંચવા સિવાય અન્ય વિકલ્પ પણ ન હતો. બન્ને પોતપોતાના કોર્પોરેટ વ્યવસાયો માં જીવતોડ મહેનત કરી ઉત્તમ વ્યવસાયિક પ્રદર્શન આપી રહ્યા હતા અને સાથે સાથે ઝંખના ના ઉછેર ની જવાબદારી એક સમાન પણે વહેંચી રહ્યા હતા. આખરે કુટુંબ ની સફળતા કુટુંબ ના સભ્યો ની આંતરિક સમજ ને સાથ સહકાર પર તો નિર્ભર હોય છે !

” પપ્પા મીઠ્ઠું નું પાંજરું તડકા માંથી અંદર લઇ લીધું તો એ ચીડે છે. પણ બાલ્કની માં ઘણો તડકો છે ”

” તને લાગે છે તડકા સામે એનું રક્ષણ કરવું જોઈએ….પણ હોય શકે એને હૂંફ જોતી હોય…થોડો સમય તડકો ખાવો હોય ! ”

ઝંખના પાંજરું લઇ બાલ્કની માં ગઈ. પ્રદીપ ની આંખો સામે અંકિતા સાથે નો વાર્તાલાપ વિચારો ની સાંકળ માં વણાય ગયો :

” અંકિતા હું જાણું છું કે આ પ્રોમોશન તારી કારકિર્દી નો સૌથી મોટો પડાવ છે . પણ મારી નોકરી છોડી હું દિલ્હી નહીં આવી શકું. હું મુંબઈ નજ છોડી શકું. મારી નોકરી ને કારકિર્દી ને આ સ્તરે પહોંચાડવા મેં પણ દિવસરાત એક કર્યા છે.”

” હું જાણું છું પ્રદીપ એટલે જ તો આશા રાખું છું કે તું મારી મહેનત ને પણ સમજીશ. ને હું ક્યાં તને મુંબઈ છોડવા કહી રહી છું. તારી કારકિર્દી ના ત્યાગ નો પ્રશ્નજ નથી !”

” એટલે તું એકલી દિલ્હી જવા વિચારી રહી છે …ને હું ને ઝંખના અહીં મુંબઈ માં રહીશું એમ જ ને ?”

” તું કહે તો હું ઝંખના નું દિલ્હી ની કોઈ હાઈસ્કૂલ માં એડમિશન કરાવી દઉં. એ મારી સાથે રહેશે તો મને એની ચિંતા પણ ન રહે ”

” ને મારુ શું અંકિતા ? હું તારા અને ઝંખના વિના એકલો મુંબઈ માં રહીશ ? આને કૌટુંબિક જીવન કહેવાય ? ઇઝ ધીઝ કોલ્ડ એ ફેમિલી લાઈફ ?”

” તું આમ ચીડ શું કરવા કરી રહ્યો છે ? વાઇ આર યુ ઓવર રિએકટિંગ ? ”

” તું પરિવાર ના બે ટુકડા કરવા નું વિચારી રહી છે તો મારી પાસે બીજી કેવી પ્રતિક્રિયા ની આશા રાખી રહી છે ? ”

” પ્રતિક્રિયા ની નહીં પ્રદીપ હું તારી પાસે થી પરિપક્વતા ને સમજણ ની આશા રાખી રહી છું ”

” એટલે તારી અપેક્ષા મુજબ નો નિર્ણય ન લેવાય તો હું અપરિપક્વ ને સમજણ વિના નો ?”

” હવે તું રાઈ નો પહાડ કરી રહ્યો છે પ્રદીપ ”

” તારા માટે કુટુંબ રાઈ સમાન જીર્ણ બાબત હશે પણ મારા માટે એ સર્વસ્વ છે…..બધી બાબતો થી મહત્વ નું…..મારી કારકિર્દી કરતા પણ……
…”

” તો પછી દિલ્હી આવતો રહે અમારી જોડે….નહીં આવીશ ને ? તારી કારકિર્દી છોડવા હું તો તને દબાવ નથી કરી રહી…..તો મારી કારકિર્દી સાથે બલિદાન અને ત્યાગ ની આ અપેક્ષા શા માટે ? કારણકે હું પત્ની
છું ને તું પતિ ? એક શિક્ષિત ,આધુનિક ,મુક્ત વિચારસરણી ધરાવનાર પુરુષ ને એ શોભે ?”

” તો એવા અશિક્ષિત ને રૂઢિવાદી પતિ સાથે બંધાઈ રહેવાની શી જરૂર? ઊડીજા તારા મુક્ત ગગનમાં …….”

પાછળ થી ઝંખના એ એનો હાથ આવી પકડ્યો ને એને વર્તમાન ક્ષણ માં ખેંચી લાવી.

” પપ્પા તમે સાચું કહ્યું ! મીઠ્ઠું ને તડકો ગમે છે …….”

” જોયું…..જેને પ્રેમ કરીએ એને ખુશ રહેવા દેવું…. એ માટે એમના હૃદય ના ભાવો સમજવા પડે….એમની ઈચ્છાઓ ને લાગણીઓ ને માન આપવું પડે….ભલે આપણા અભિપ્રાય એમનાથી જુદા હોય….સમજી મારી ઢીંગલી ??”

ઝંખના કશાક ઊંડા વિચાર માં સરી પડી અને પ્રદીપ પણ…..

” ચલો હવે જમી લઈએ? સવારે જલ્દી ઉઠી કોર્ટ જવાનું છે .”

પ્રદીપ ના શબ્દો સાંભળી ઝંખના ખુશી થી ઉછળી પડી.

” મમ્મી ને મળવા ?”

” હા ”

ઝંખના માટે કોર્ટ ની તારીખ એટલે ઘણા દિવસો પછી માં ને જોઈ શકવાની એક અમૂલ્ય તક. અઠવાડિયા માં બે વાર ફોન પર વાત થતી . પણ એને આંખો સામે જોવાનો, સ્પર્શી શકવાનો લ્હાવો તો જુદોજ ને. આવતીકાલે ઝંખના ની કસ્ટડી ના કેસ નો ચુકાદો આવી રહેશે. ઝંખના કોની જોડે રહેશે એ કોર્ટ નક્કી કરી નાખશે. પ્રદીપ જાણતો હતો કે કસ્ટડી એનેજ મળશે. એની કારકિર્દી સ્થાયી હતી. જયારે અંકિતા દિલ્હી હેડ ઓફિસ માં જોડાયા પછી અસ્થાયી કારકિર્દી ના વર્ગ માં પહોંચી ચુકી હતી . જુદા જુદા શહેરો માં મિટિંગ તો ક્યારેક આંતરરાષ્ટ્રીય સેમિનારો માટે પરદેશ ની યાત્રાઓ. આ બધા ની અસર બાળક ના વિકાસ અને ભણતર પર થાય અને અજાણી આયા કે અજાણ્યા બેબીસિટર જોડે બાળક ને છોડવા કરતાં બાળક ના પિતા નેજ એ જવાબદારી સોંપવી વધુ હિતાવહ . પોતાના વકીલ તરફની તર્કયુક્ત દલીલો જજ ને પ્રભાવિત કરી ચૂકી હતી , એ સ્પષ્ટ હતું . આવતી કાલે જજ દ્વારા એની વ્યવસાયીક ઘોષણા થઇ જાય એટલે ચિંતા મટે . અંકિતા ના જવાથી જીવન માં વ્યાપેલી શૂન્યતા હવે ઝંખના થી છૂટા થવું નજ પોષી શકે !

વહેલી સવારે ઝંખના ને તૈયાર કરી પોતે કોર્ટ નીકળવા માટે ની પૂર્વતૈયારીઓ માં પ્રદીપ વ્યસ્ત થયો . ઝંખના તૈયાર થઇ બાલ્કની માં મીઠ્ઠું પાસે જતી રહી . તૈયાર થઇ જયારે પ્રદીપ બાલ્કની પર પહોંચ્યો ત્યારે નજર સામેના દ્રશ્ય થી ચોંકી ઉઠ્યો. મીઠ્ઠું નું પાંજરું ખુલ્લું હતું. મીઠ્ઠું પાંજરા માં ન હતો. ઝંખના આકાશ તરફ હાથ ઊંચકી હસી રહી હતી .મીઠ્ઠું વિના ઝંખના ની શી પરિસ્થિતિ થશે એ વિચારેજ પ્રદીપ ચિંતિત થઇ ઉઠ્યો :

” મીઠ્ઠું ક્યાં છે ઝંખના ? ”

” એ તો ઉડી ગયો !” બાલસહજ્તાથી જવાબ આપતી ઝંખનાની માસુમ આંખો હજી પણ આકાશ માંજ મંડાય હતી .

” પણ કઈ રીતે ?” પ્રદીપે વિહ્વળતાથી પૂછ્યું.

” મેં આ દરવાજુ ખોલ્યું ને એ ઊંચે ઉડી ગયો !”

” પણ હવે એના વિના કઈ રીતે રહીશ ? તે દરવાજુ શા માટે ખોલ્યું બેટા ???”

” પપ્પા , તમેજ કહ્યું હતું ને જેને પ્રેમ કરીએ એને ખુશ રહેવા દેવું. એ માટે એમના હૃદય ના ભાવો સમજવા પડે. એમની લાગણી ને ઈચ્છાઓ ને માન આપવું પડે. મીઠ્ઠું જયારે પાંજરામાંથી અન્ય પંખીઓ ને ઉડતા જોતો હોય તો શું એને ઉડવાં નું મન ન થતું હોય ! આપણા હાથપગ કોઈ બાંધી રાખે તો આપણે એમને પ્રેમ થોડી કરીએ. એમની પર ગુસ્સોજ આવે ને ! ઈશ્વરે એને પાંખો ઉડવા માટે તો આપી છે. મારી ખુશી માટે એને ગોંધી રાખું એ પ્રેમ ન કહેવાય, સ્વાર્થ કહેવાય
…….”

ઝંખના ના શબ્દો થી પ્રદીપ ચોંકી ઉઠ્યો. એના રોમેરોમ માં ધ્રુજારી અનુભવી રહ્યો. શરીર ના રૂંવાડા ઉભા થઇ ગયા. નાનકડી ઝંખના એ ખુબજ મોટી વાત કહી નાખી હતી. એક નાનકડા અંતરે એક મોટા અંતર ને હચમચાવી મૂક્યું.

કોર્ટ માં પહોંચ્તાજ ઝંખના મમ્મી પાસે દોડી ગઈ. અંકિતા ની આંખો ખુશી થી છલકી ઉઠી. પ્રદીપ અને અંકિતા ના ચ્હેરા એ ઔપચારિક ફિક્કા હાસ્ય ની આપ લે કરી. ઝંખના ની ઈચ્છા ને માન આપી એને અંકિતા પાસેજ બેસવા દઈ પ્રદીપ પોતાના વકીલ પાસે જતો રહ્યો.

ન્યાયાધીશે પોતાનો નિર્ણય સંભળાવતા પહેલા બન્ને પક્ષ ને પોતાના મંતવ્યો રજૂ કરવા એક અંતિમ તક આપી. આખા કોર્ટ સામે પોતાના અંતિમ મંતવ્યો રજૂ કરવા ઉભેલા પ્રદીપ ની આંખો અંકિતા ની આંખો ને તાકી રહી. એ આંખો માં અંકિતા ને જે ભાવો દેખાયા એ પોતાની આંખો ની ભ્રમણા તો ન હતી ?

” જજ સાહેબ આપ ઝંખના ની કસ્ટડી અંકિતા ને આપી દો . મને પૂરો વિશ્વાસ છે કે ઝંખના ની કાળજી અંકિતા કરતા વધુ કોઈ ન રાખી શકશે , કદાચ હું પણ નહીં ”

આખું કોર્ટરૂમ ચોંકી ઉઠ્યું. બન્ને પક્ષ ના વકીલો મૂંઝવણ માં મુકાયા. અંકિતા ને પોતાના કાન પર વિશ્વાસજ ન આવ્યો. ન્યાયાધીશ પોતાની પેન નીચે મૂકી વિસ્મય થી પ્રદીપ ને તાકવા લાગ્યા .

” આમ સોરી અંકિતા . ભૂલ મારીજ હતી. હું સ્વીકારું છું. જો એ પ્રમોશન મને મળ્યું હોત તો હું પણ એને કદી ઠુકરાવતે નહીં, પરંતુ તારા સાથ સહકાર ની અપેક્ષા રાખત. તારા થી જુદા ન થવું પડે એ ભયે મને તારા થી આજીવન જુદો કરી નાખ્યો. હવે ઝંખના ને પણ તારાથી છીનવી લઉં તો મારાથી મોટો સ્વાર્થી અન્ય કોઈ નહીં !”

” જજ સાહેબ મને કંઈક કહેવું છે.” પરવાનગી મળતા આંસુઓ ખંખેરતી અંકિતા પ્રદીપ સામે આવી ઉભી. ” ઝંખના ની કસ્ટડી ના મને મળવી જોઈએ ના પ્રદીપ ને !”

ન્યાયાધીશ વધુ મૂંઝવણ માં મુકાયા. પ્રદીપ તેમજ બન્ને વકિલો કશુંજ સમજી ન શક્યા .

“ઝંખના ની કસ્ટડી મને અને પ્રદીપ બન્ને ને સંયુક્ત રીતે મળવી જોઈએ કે જેથી અમે બન્ને મળી ને અમારી ઢીંગલી ની કાળજી લઇ શકીએ ”

અનુભવી ન્યાયાધીશ ની અનુભવી દ્રષ્ટિ બધુજ કળી ગઈ. હોઠ પર ના આછા સ્મિત સાથે માથું ધુણાવતા એમણે સાઈન કરી કેસ ક્લોઝ કરી નાખ્યો.

ગાડી ની પાછળ ની સીટ પર બેઠી ઝંખના મમ્મી પપ્પા ને એકસાથે ગાડી માં ગોઠવાયેલા જોઈ મૂંઝવણ પામી.

” હું મમ્મી જોડે દિલ્હી માં રહીશ કે પપ્પા જોડે મુંબઈ ? ”

પ્રદીપ અને અંકિતા ખડખડાટ હસી પડ્યા. ઝંખના ના નિર્દોષ પ્રશ્ન ના ઉત્તર માં વારાફરતી બોલી રહ્યા :

” ક્યારેક મમ્મી જોડે દિલ્હી… ”

” ક્યારેક પપ્પા જોડે મુંબઈ ……..”

” ક્યારેક બન્ને જોડે…….”

” પણ હંમેશા એકબીજા ની સાથે…!!!!”

ઝંખનાની તાળીઓથી આખી કાર ગૂંજી ઉઠી અને પ્રદીપ અને અંકિતા નું સૂનું જીવન પણ……

ઘર માં પ્રવેશતાંજ બાલ્કની માં પહોંચેલી ઝંખના ઉત્સાહ થી ઉછળી પડી.

” પપ્પા મીઠ્ઠું પાછો આવી ગયો…..”

પ્રદીપ વિસ્મય પૂર્વક બાલ્કની પર પહોંચ્યો. મીઠ્ઠું બાલ્કની માં નિરાંતે આવી બેઠો હતો. પોતાના મિત્ર જોડે ઝંખના બમણી ખુશ દેખાતી હતી. મીઠ્ઠું હવે એની જોડેજ રહેશે. હા, પણ પાંજરામાં પુરાયેલો નહીજ. મુક્ત પાંખો જોડે મુક્ત શ્વાસો ભરતો………

બાલ્કની માંથી અંદર પ્રવેશતાજ રસોડા માં કોફી બનાવી રહેલ અંકિતા નો પ્રસન્ન ચ્હેરો નિહાળતાંજ પ્રદીપનું હય્યુ પણ બમણું પ્રસન્ન થઇ ઉઠ્યું. અંકિતા હવે સાથેજ હશે. હા ,પણ પાંજરા માં પુરાયેલી નહીજ. મુક્ત પાંખો જોડે મુક્ત શ્વાસો ભરતી…………

લેખક – મરિયમ ધુપલી.

રોજ અવનવી વાર્તાઓ વાંચવા માટે લાઈક કરો અમારું પેજ 

ટીપ્પણી