ઓનલાઈન સોસાયટી V/s ઓફલાઈન સોસાયટી.

- Advertisement -

“સમાજ”.
“સોશિયલમીડિયા”.

આ બંને શબ્દો ઉપર આમ તો ઘણા બધા લેખો, રીસર્ચ કે તર્ક થયા છે, અને લખાયું છે. આપણાસમાજમાં કેમ રહેવું, સમાજ કેવો હોય, સમાજ કેટલો સારો અને કેટલો ખતરનાક છે તેના પર ઘણુબધું બોલી શકાય. તે જ રીતે સોશિયલમીડિયા ઉપર પણ અઢળક સલાહો મળતી હોય છે.
આ તર્કોની અંદર એક વધુ એંગલ ઉમેરીને સમજીએ. ધ્યાનથી સમજજો. મજા આવશે. (આ પોઈન્ટ્સ કંઈ મોટું ઇન્નોવેશન નથી, પણ છતાં આગળ કહ્યું એમ ઘણાબધા માણસો હજુ કન્ફયુઝ હોય છે.)

સોશિયલમીડિયાના સૌથી પાવરફૂલ અને વાઈડ-સ્પ્રેડ પ્લેટફોર્મ તરીકે ફેસબુકનું ઉદાહરણ લઈએ.
મૂળભૂત રીતે જ્યારે પોતાની હોસ્ટેલમાં જ્યારે માર્ક ઝુકરબર્ગને પોતાના દોસ્તો ઓનલાઈન કનેક્ટ થાય તેવું સોશિયલ પ્લેટફોર્મ બનાવવાનો વિચાર આવેલો ત્યારે જ તેની અંદરની મૂળ અનુભૂતિ એ હતી કે જેવું આપણે બધા ઓફલાઈન જીવીએ છીએ, કનેકટ થઈએ છીએ, એવું જ ઓનલાઈન થાય અને ઝડપી, મોટા સમૂહમાં, અને એક જ ક્લિક પર બધું થાય. એટલે ‘ઓફલાઈન સોસાયટી’ની જેમ ‘ઓનલાઈન સોસાયટી’ઉભી થાય એવો હેતું હતો.

જે ઓફલાઈન સોસાયટી(સમાજ)માં થતું હોય છે, એવું બધું જ આપણે ઓનલાઈન સોસાયટીમાં પણ જાણતા-અજાણતા કરીએ છીએ. તમે જે રીતે ઓફલાઈનદોસ્તો બનાવો છો, એ રીતે જ ઓનલાઈન દોસ્ત બનતા હોય છે. તમારા સ્વભાવ મુજબ ઓનલાઈન અને ઓફલાઈન દોસ્તી સરખી જ હોય છે. જેમકે ઓનલાઈન પણ તમને પાક્કા દોસ્તો, નામના દોસ્તો,લાઈક્સ વહેવારના દોસ્તો, કોઈ કારણ વિના નજીક આવી જતા સારા માણસો, પીઠ પાછળ ઘા કરનારા, ચાપલૂસી કરનારા, દગો દેનારા, છેતરનારા, પ્રેમ કરનારા આ બધા જ ટાઈપના દોસ્તો મળી જતા હોય છે, જે વાસ્તવિક સમાજમાં પણ હોય જ છે. સમાજમાં જેમ દોસ્તના દોસ્ત ક્યારેક આપણા દોસ્ત બનાવીએ છીએ એ મ્યુચ્યુઅલફ્રેન્ડ્સનો કોન્સેપ્ટ જ આપણા જીવનમાંથી આવ્યો.
તમને ઓનલાઈન કોઈ સાથે પ્રેમ થયો, અને એમાં બે શક્યતા છે: એકતો લાંબો ટકે અને જીવનભર ટકે પણ ખરો, અથવા સામેનું માણસ હકીકતમાં કેવું છે એ ખબર જ ના પડે અને થોડા સમયમાં તૂટી જાય. સેઈમ વે- ઓફલાઈન સમાજમાં પણ એવા પ્રેમ થાય છે, લાંબા ટકે છે, અને છતાં માણસોને પારખી શકાતા નથી.
ટૂંકમાં માણસો ફેસબુક નામનું માસ્ક પહેરી રાખે છે. એ જ રીતે માસ્ક પહેરીને જીવતા અને તમારી સાથે રહેતા, અને ક્યારેક ન ઓળખી શકાય એવા દગાખોર સમાજમાં અને જીવનમાં આવે જ છે.
ગામને પાદર CCTV કેમેરાની જેમ બેઠેલાં જવાનીયા કે ભાભલાઓ આખા ગામની પંચાત કરતા હોય, અથવા વાહિયાત પોલીટીકલ ચર્ચાઓ કરતા હોય, અથવા કોઈ છોકરી નીકળી તો એ કેવી રૂપાળી છે, કોની છે, ક્યાં જાય છે, અને એની જીંદગી અને ભવિષ્ય કેવા છે ત્યાં સુધીના રીસર્ચ અને ચર્ચાઓ કરતા હોય એવું બને છે. આ ડીટ્ટો વસ્તુઓ ભાભલાઓ અને જવાનિયાઓ ઓનલાઈન પણ કરતા હોય છે. પોતાનો એક સારો ફોટો મુકનાર છોકરીને પૂછી જોવું કે આમાં તે ઓળખતી હોય એવા માણસોની કેટલી લાઈક્સ-કોમેન્ટ હોય છે, અને કેટલા ઈનબોક્સમાં આવીને “Hi…” લખીને તમારી જીંદગીના જજ બનવા આવતા હોય છે. જે સ્ત્રી ઓફલાઈન સમાજમાં થોડો બળવો કરે, પોતાના હકનું માંગે કે બોલે, અથવા સામે અવાજ ઉઠાવે, અને આખા ગામમાં એનું નામ ફેલાઈ જાય (મોટેભાગે નબળી ઈમેજ માટે) એજ રીતે ઓનલાઈન સમાજ પણ દેકારો કરતો હોય છે. જેમ ઓફલાઈન સમાજમાં મોટાભાગની સ્ત્રીઓ વરુઓ જેવા સમાજ સામે અમુક પ્રાઈવેસીના નિયમો રાખવા મજબૂર થઇ જાય છે, એવું ઓનલાઈનમાં પ્રાઈવેસી સેટિંગ થતું હોય છે.આ માત્ર સ્ત્રીઓમાં નહી, પુરુષોમાં પણ એટલું જ અસર જન્માવે છે. દરેકને ‘સત્ય’ જમવું છે, પણ એને થોડું ખવરાવો ત્યાંતો ‘કડવું છે…કડવું છે’ એમ કહીને દેકારો કરી મુકે ! સમાજ ઓનલાઈન કે ઓફલાઇન સરખું જ રીએક્શન આપે છે.
સામે છેડે તમારા લગ્ન, તમારી કરિયર, તમારી નવી નોકરી કે નવા બાળક પેદા થયા હોય તેના સમાચાર પર જેવું રીએક્શન તમારા સગાઓ અને સમાજનું હોય છે એવું જ મોટું ભરપુર લાઈક્સ આપનારું રીએક્શન આ ઓનલાઈન સમાજનું હોય છે. દરેકને પોતાના લગ્નના ફોટા, જીવનની ખુશીઓ, ક્યાં ફરવા ગયા હતા એ, કે પોતાના નવા કાર-બંગલાની ખરીદીના ફોટો મુકવા છે, અને લાઈક્સ મેળવવી છે રાઈટ? બસ…આજ પોઝીટીવ રીતે ‘લાગણીઓનું શેરિંગ’ કહો કે નેગેટીવ રીતે ‘દેખાડો’ કહો એ ઓફલાઈન સોસાયટીમાં દરેક માણસ કરે છે. કશો જ ફર્ક નથી. એક રીતે કશું ખોટું પણ નથી.


હવે થોડીક સારી વાત કરીએ. આ બંને સમાજ અત્યારે એ સ્થિતિમાં છે કે તેને ત્યજી દેવા ઘણા માટે અશકયની નજીક છે. (હા…અપવાદરૂપ ક્રાંતિકારી માણસો બંને જગ્યાએ છે, રહેશે, પણ એ આંગળીને વેઢે ગણી શકાશે)
મૂળવાત: આ બંને સોસાયટીનો જન્મ સારા માટે જ થયો છે. એની અંદર નબળું ખુબ છે. પણ બધું જ નથી. ઓફલાઈન સમાજમાં જે માણસ સારી પ્રેરણાદાયી જીંદગી જીવતો હોય, મોજથી ખુશીથી મનમાં કોઈ દંભ-દેખાડો કર્યા વિના આરામથી જીવન માણતો હોય, એવું બેલેન્સ ઓનલાઈનમાં પણ શક્ય છે. એ બેલેન્સ કંઈ રીતે કરવું એ આપણે બધાએ શીખવાની જરૂર છે. એ શીખ મળે ઓફલાઈન સોસાયટીમાંથી.
જેમ હજારો ન્યુઝથી ભરેલી આપણી TRPભૂખી ન્યુઝચેનલોમાંથી કેવા ન્યુઝ જોવા, કઈ ચેનલ સ્કીપ કરવી એનું રીમોટ આપણા હાથમાં છે,જેમ આપણી જીંદગીમાં, કરિયરમાં, લવ-લાઈફમાં શું કરવું અને શું ન કરવું એનું રીમોટ આપણા હાથમાં છે,બસ એ જ રીતે ઓનલાઈન જીવનમાં તમારા અમુક નિયમો, ફિલોસોફી, પ્રાઈવેસી, કે સ્ટેટમેન્ટ, સ્ટેન્ડ કેવા લેવા, શું કરવું, કેવી કમેન્ટ કે રીએક્શન કરવું એ બધું જ આપણા હાથમાં છે. ઇનશોર્ટ…આપણે જે ડેમોક્રેસીથી જીવીએ છીએ, એ ડેમોક્રેસી ઓનલાઈન પ્લેટફોર્મ પાસે પણ છે.
હા…કેટલાયે ફેઇક આઈડી(અથવા ફેઇક માણસો), દગાખોરી, દેખાડા, કે દંભ વચ્ચે પણ ઓફલાઈન સમાજ અને ઓનલાઈન સમાજમાં સારા માણસો છે જે કશુંક નવું શીખવી જાય છે, જીંદગીના દરેક વળાંક પર સાથે ઉભા રહે છે, તમારી ખુશીમાં ખરેખર એમની લાઈક્સ કે કમેન્ટ સાચી હોય છે, કડવું કહીને પણ તમને સમજાવે છે, કે તમારી કરિયર, લાઈફ, કે પ્રગતિ જોઇને દિલથી ખુશ હોય છે એ બંને સમાજમાં શક્ય છે. તમારી સફળતા નીચે તેનું Congratulations દિલથી હોય છે.ખુબ બધા માણસો છે. એવા માણસ છે જે જેવું જીવે છે એવું જ વ્યક્ત કરે છે, જેવું કરે છે એવું જ દેખાડે છે. ખરા સમયે કામમાં આવે છે. કુદરતી રીતે જેમ જીવાતું હોય એમ ઓનલાઈન પણ તેઓ કુદરતી રીતે જીવે છે. નિયમો તોડે છે. રીવાજો તોડે છે. સત્ય લખે છે. સારું લખે છે. લાઈક્સ પણ મેળવે છે,અને દિલથી દુશ્મનો પણ બનાવે છે. ઘણા સાધું જેવું જીવે છે. પોતાની બંને જીંદગીમાં મસ્ત ફકીરી હોય છે. કશી પડી નથી હોતી એ મસ્ત મૌલાને. મજા છે. બધે જ. ગમે ત્યાં મુકો. એ મોજમાં હોય છે.

હા…એક ખાસ સમજવા જેવી વાત છે: ઓફલાઈન અને ઓનલાઈન બંનેમાં ઘણી મોટી ભેદરેખા એ છે કે બંનેની તીવ્રતા અલગ છે. એક સમાજ માત્ર શબ્દો, ફોટો, કે વિડીયોથી ચાલે છે, જ્યારે બીજો સમાજ એનાથી વધુ સારો સ્પર્શ, લાગણી, સંવેદના ભરેલ છે. એટલે ઓનલાઈન પ્રેમ કરવા કરતા ઓફલાઈન બાજુમાં બેસીને પ્રેમ કરવો એક લાખ ગણો સારો. (પણ એ કોમનસેન્સ કેળવવી રહી. પ્રેમ ઓનલાઈન ન જ કરાય જો શક્ય હોય તો. એ વોટ્સએપમાં પણ અમુક સંવાદ પુરતો જ રખાય, કારણકે અંતે જે વર્ચ્યુઅલ છે એ વર્ચ્યુઅલ જ છે. રીયલ નથી.) વાસ્તવમાં જે લાગણી તમે પારખી શકો, એ ઓનલાઈન ચેટ કે વિડીયોમાં મિસ-અન્ડરસ્ટેન્ડિંગ થઇ જાય. એટલે કઈ લાગણી ક્યાં વ્યક્ત કરવી એ તમારે જ નક્કી કરવાનું છે. માણસોના કરિયર પણ ઓનલાઈન બની જતા હોય છે. ઓનલાઈન ટ્રોલ થઈને તૂટી પણ જતા હોય છે. બંને સમાજનો એક સ્થિતપ્રજ્ઞ દૃષ્ટિથી અને દ્રષ્ટિકોણથી ઉપયોગ શીખવો ખુબ જરૂરી છે. ખાસ: “કોમનસેન્સ વાપરવી ખુબ જરૂરી છે.”
બીજું કે ઓનલાઈન સમાજને બાય-બાય કહીને ઓફલાઈન સમાજ સાથે ક્યારે જોડાઈ જવું એ આપણે બોઘાઓ હજુ સમજ્યા નથી. ફેસબુક-વોટ્સએપ-ટ્વીટર પર તમને મેન્ટર મળી જશે, પણ મા-બાપ નહીં. એટલે મા-બાપ બાજુમાં બેઠા હોય ત્યારે ઓનલાઈન સમાજને બાય-બાય કહી દેવું.પાક્કા દોસ્તને ખભે માથું રાખીને રડી લેશો તો જીવનભરનો થાક ઓછો થઇ જશે, પણ એ બાજુમાં હોય ત્યારે ઓનલાઈન સમાજમાં વહેવાર સંભાળવાનો ના હોય.

છેલ્લીવાત: ઓફલાઈન સમાજમાં તમારે કશુંક કહેવું હોય તો વચ્ચે એક મિડીયમ જોઈએ. જેમકે મારા પુસ્તકો વેંચવા હોય તો પબ્લીશરને ટ્રક જોઈએ જે દરેક બુકસ્ટોર સુધી જાય. પણ ઓનલાઈન સમાજ તમને તમારા કામ, લાગણી, કે અવાજ વચ્ચેથી બધા મિડીયમ હટાવી દે છે. તમે કશુંક મુકો, અને બસ…પછી તે કામ કેવું છે એનું રીએક્શન તમને સામે અમુક કલાકો કે દિવસોમાં મળી જાય. તમારા કામની કે જીવનની કોપી કરીને જીવનારાતો બંને જગ્યાએ છે, એ ક્યારેય અમુક લાઈક્સ (ઓનલાઈન) કે અમુક માણસોની વાહ-વાહ (ઓફલાઈન)થી ઊંચા ન આવે.
ટૂંકમાં તમે જે કરો છો, બોલો છો, જીવો છો, જે રીતે બીજાના જીવનને જીવો છો, શીખો છો, શીખવો છે…એ બધું બંને સમાજમાં સરળ-સારી-સાત્વિક રીતે શક્ય છે. તમે મરો અને તમારી સાથે સ્મશાન ભેગા આવનારા હજારો માણસો હોઈ શકે. શક્ય છે. એજ રીતે તમે સાવ તમારું ઓનલાઈન એકાઉન્ટ બંધ કરો અને દુઃખી થનારા હજારો હોઈ શકે. શક્ય છે. અને તમે એવા માણસ પણ બની શકો કે તમે મરો ત્યારે તમારી પાછળ શું થાય છે તેની કઈ પડી ન હોય, અને છોડીને જતા રહોએવી સ્થિર બુદ્ધિ હોય. મેં એવા માણસો પણ જોયા છે.
દુનિયા રંગીન છે. માત્ર સારા અને ખરાબ એ બંને જ પ્રકારના માણસો નથી. એટલે તમે જે બોલો, જે જીવો એ અસર કરે છે.કીબોર્ડથીજે શબ્દ ટાઈપ થાય કે જીભડીથી નીકળે એ બંને અસરકારક હોય છે.તમારા શબ્દ-કામ-પોસ્ટ જગત સામે મુકો એનાથી તમે જગતને અસર કરી રહ્યા છો એ યાદ રાખવું. તમે દુનિયાને બદલાવી રહ્યા છો દોસ્ત. ઓનલાઈન પણ, અને ઓફલાઈન પણ !

લેખક જીતેશદોંગાની લોકપ્રિય ગુજરાતી નવલકથા ‘નોર્થપોલ’માં એક પાત્ર છે: ગોપાલ. ગોપાલ એક યુવાન એન્જીનિયર છોકરો છે જે પોતાના “ઓનલાઈન સમાજ” અને “ઓફલાઈન સમાજ” વચ્ચે બેલેન્સ રાખી નથી શકતો. બીજાની લાઈફ જોઈને પીડાય છે. આત્મહત્યા કરવા પ્રયત્ન કરે છે. છેવટે બધું છોડીને જંગલમાં જઈને નાગો બાવો બનવા જતો રહે છે.

સમાજને સમજવા દરેક યુવાને જીવનમાં એકવાર ખાસ વાંચવા જેવી આ અફલાતૂન નવલકથાની લીંક શોધીને અમે અહીં મૂકી છે.

https://goo.gl/gVujaa

લેખકઃ જીતેશ દોંગા

લેખક જીતેશ દોંગા વિષે:
જીતેશ દોંગા (પિતા: કાળુભાઈ દોંગા. માતા: હંસાબેન દોંગા) નો જન્મ ૨૩ ઓગસ્ટ, ૧૯૯૧ના રોજ અમરેલી (ગુજરાત)ના નાનકડા ગામ સરંભડામાં ખેડૂત પરિવારમાં થયો. પોતાનું પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી સ્કૂલમાં પૂરું કર્યું. દસ ધોરણ પછી રાજકોટમાં સાયન્સ કર્યું, અને ચાંગા (આણંદ) થી પોતાનું ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું. એન્જિનિયરિંગમાં જ તેણે પોતાની પહેલી નવલકથા વિશ્વમાનવ લખવાની શરુ કરેલી. જે અઢી વર્ષ સુધી લખાતી રહી. એન્જિનિયરિંગ પૂર્ણ કરીને નોકરી સાથે રોજ રાત્રે તેણે વિશ્વમાનવ લખવાનું ચાલુ રાખ્યું. વર્ષ ૨૦૧૪માં ૨૩ વર્ષની ઉંમરે જીતેશની પહેલી નવલકથા વિશ્વમાનવ પ્રકાશિત થઇ.
વિશ્વમાનવ થોડા જ સમયમાં લોકચાહના પામ્યા બાદ ૨૦૧૭માં બીજી નવલકથા નોર્થપોલ પ્રકાશિત થઇ, જે ગુજરાતી સાહિત્યમાં નવો જ વમળ પેદા કરવામાં સફળ રહી. ખાસ કરીને યુવાન ગુજરાતી વાચકોને ગુજરાતી નવલકથાઓ વાચતા કરવામાં સફળ રહી.
વાચન, લેખન, ખેતી, એકલા પ્રવાસ, સિનેમા, અને મ્યુઝીક જીતેશનું જીવન છે. તે હંમેશા વાર્તાઓ લખીને જ જીવવા માગે છે.

www.dealdil.com પર મુકેલા પુસ્તકો માંથી કોઈપણ પુસ્તક ઘેર બેઠા મેળવવા માટે તેની ઈમેજ (ફોટો) અમને 08000057004 પર Whatsapp કરો અને સાથે તમારું પૂરું નામ, સરનામું પીનકોડ સાથે અને મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ અમને મોકલાવી આપો. અમે તે પુસ્તક / પુસ્તકો આપને COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે. બીજી કોઈ માહિતી માટે ફોન કરો 08000058004 પર અમારા કસ્ટમર કેરમાં.

ટીપ્પણી