એક લટાર… યાદોંનાં આલ્બમમાં

‘૨૨ વર્ષ અગાઉનું જૂનું આલ્બમ ખુલ્યું. આલ્બમ જૂનું છે, પણ વ્યક્તિઓ હજુ ‘તાજા’ જ છે. પૂઠામાં અંદરના ભાગમાં તિરાડ પડી ગઈ છે. મહેંદીથી રંગાયેલા એ હાથ-પગ, ફોટો પડાવાની અલગ અલગ સ્ટાઈલ. સખી-બહેનપણી સાથે ફોટાઓ… ઝીણું ભરતકામ કરેલો એ ઝભો, ગળામાં ચેન, વાળ કોરા, સેવિંગ કરાવેલું સહેજ હોઠ નીચે કરીને હસતું મોઢું… માણસમાત્રને ‘તૈયાર’ થવું ગમે છે. પાનાં ઉથલે છે. ચહેરાઓની ઓળખાણ પડતી જાય છે. કોઈક ઝીણામાંથી જાડું થયું છે, કોઈક ઉલટું. લગભગ ફોટા નાયક-નાયિકાનાં પોઝ લઈને પાડવામાં આવ્યા છે. એ ફોટામાં આજુબાજુ બેકગ્રાઉન્ડમાં જે ચહેરા ડોકાય છે, એ ૨૨ વર્ષ જૂના છે. આજે જે બાળકના પપ્પા છે, તે આમાં ખુદ બાળક છે. અમુક ચહેરા તરત જ ‘ફ્લેશ’ થાય છે, અમુક વાર લાગે છે. આજે જે ‘છે’ નઈ, જેની હયાતી નથી એ વ્યક્તિ ‘સ્થિર’ રહીને કશુંક કરી રહી છે! આજે ગહેરા વિષાદમાં રહેતી વ્યક્તિનું ખડખડાટ હાસ્ય દેખાય છે. આ સંગ્રહેલી યાદો ખોલવાની મજા છે. ક્યારેક યાદો દઝાડે પણ છે. આ ત્યારના ફોટા છે જયારે હું ન હતો, ને ફોટામાં એ વ્યક્તિઓ છે જે આજે નથી. નથી છતાં આજુબાજુ અનુભવાય, અનાયાસે સપનામાં આવી જાય, ઘરના એક રૂમમાં આવીએ ને રોજ સવારે બોલાવા માટે આવતો એવો અવાજ-એ જ એવાજ સંભળાય ત્યારે થાય કે સબંધોના આ કેવા તારે બંધાયેલા છીએ કે, બધું જ છૂટે છે પણ એ નથી છૂટતું. મમ્મી-પપ્પા સાથે દાદા-દાદી, નાના-નાની, કાકા-કાકી, મામા-મામી, ફઈ-ફુઆ વગેરે બધે જ સબંધો જન્મથી જ ફિક્ષ્ જ હોય છે! ૨૨ વર્ષ અગાઉ દેખાઈ રહ્યા છે એવા સંબંધો આજે પણ છે? માણસ મોટો થતો જાય છે. ત્યારે રોકેલા ફોટોગ્રાફર દ્વારા ખેંચાયેલી ક્ષણો દિવસો જતાં વધુ ને વધુ કિંમતી થતી જાય છે. છેલ્લું પાનું આવે છે. દરેક ચેહેરાપર આનંદ દેખાય છે. પાનું ઉથલાવી આલ્બમ બંધ કરું છું. આલ્બમ ઘણી જ બધી વખત જોવાઈ ગયું હશે એમ લાગે છે. વાંચેલા શબ્દો કે જોયેલાં દ્રશ્યો જ નઈ, પણ ક્યારેક સ્થિર રહેલા ફોટા પણ હચમચાવી શકે છે.’

આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

‘યે જવાની હે દીવાની’ મુવીનો એક ડાયલોગ છે કે, યાદોં એ મીઠાઈનાં બોક્ષ જેવી હોય છે. મીઠાઈનું બોક્ષ એક વાર ખોલો એટલે એમાંથી ફક્ત એક ટૂકડો ન ખાઈ શકો! આ પૃથ્વી પર, દુનિયામાં સતત આપણી સાથે સૌથી વધારે જો કોઈ વસ્તુ રહેતી હોય, તો એ બેશક આપણી જીવાયેલી જિંદગીની યાદો હશે. આપણું અતિત, આપણું ભૂતકાળ. અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે પણ આપણા વિચારો, આપણું ભૂતકાળ, આપણા મનમાં ધરબાયેલા સુખદ પ્રસંગો અને દુઃખદ ઘટનાઓ એક સેકન્ડ માટે પણ દૂર જતાં નથી.

ખલીલ ધનતેજવીસાહેબના શેર: ‘દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું, દરરોજ એ વિચારમાં ડૂબી જવાય છે!’ની જેમ દરેક વ્યક્તિ રોજ કશું ને કશું, કૈક ને કૈક તો વિચારતો જ હોય છે. ‘ભૂતકાળથી ભાગો નહી અને ભવિષ્યથી ડરો નહી, વર્તમાનમાં જીવો.’ આ રીતનું ઘણી વખત સાંભળ્યું, વાંચ્યું છે. પણ જે માણસ ક્યારેય હસ્યો ન હોય અથવા રડ્યો ન હોય એની કદાચ યાદદાસ્ત ખાલી હશે, ભૂતકાળ નહીવત હશે એમ કહી શકાય. પણ એ શક્ય છે? આમ પણ ભવિષ્યમાં સફળતાની અપેક્ષા રાખનાર વ્યક્તિ પાસે પોતાનો જીવાયેલો માતબર ભૂતકાળ તો હોવો જ જોઈએ ને! દરેક વ્યક્તિની એક દોડતી, ઉડતી, ભાગતી… જીવાયેલી… -એક ‘ગુઝશિતા’ જિંદગી હોવાની. આજે આ બધું અચાનક યાદ આવવાનું કારણ ઉપરોક્ત-પહેલાં ફકરામાં લખાયેલું, તારિખ ૬ ઓગસ્ટ- ૨૦૧૩નું જૂની યાદોંનાં આલ્બમમાં લટાર મારતું ફેસબુક પરનું મારું સ્ટેટ્સ છે! કહો કે એ એવા વ્યક્તિની જીવાયેલી જિંદગી છે, એમની યાદો છે, જે આજે હયાત નથી!

નજીકના સગા-વ્હાલા ઘરે આવે ત્યારે કે કયારેક એમ જ આપણે કબાટ, શોકેસ કે માળિયા ફંફોસીને  ઘરના આલ્બમ શોધી, કાઢી ને જોતા હોઈએ છીએ. જીવનના ફ્લેશબેકમાં જવાનો સૌથી સહેલો અને સારો રસ્તો હોય તો એ ફોટો આલ્બમ છે. આલ્બમ જોતી વખતે સાદો, સીધો, સરળ વ્યક્તિ પણ ફિલોસોફર બની શકે એવી ભરપુર શક્યતા રહેલી છે! ત્યારના, એ સમયના પસાર થઇ ગયેલા પ્રસંગો આલ્બમની બારે ધસી આવે છે, ફોટામાં રહેલા ચહેરાઓ જાણે વાત કરવા માંડે છે. એક પછી એક દ્રશ્યો આંખો સામે ઉપસવા માંડે છે. ઉપર લખ્યું છે એમ આ યાદો દઝાડે છે, ખૂંચે છે. એક જગ્યાએ વાંચેલું કે આ ભૂતકાળ ખરજવા જેવો છે! એ થાય, ચર બહુ આવે, ક્યારેક મીઠી ચર આવે. એને ઉપર ઉપરથી, મુલાયમ હાથે પંપાળો તો બરાબર પણ એને બહુ જ ઘસવાથી, નખ ખોતરવાથી લોહી નીકળે! અમારાં રમુજી, મોજીલા પપાનાં કાકાએ એમના દીકરા-મારાકાકાના લગ્નની સીડી આપી. બહુ ખુશ હતા. અચાનક એ જતાં રહ્યા. હવે એ સીડી જોવાનો જીવ નહતો ચાલતો. હવે જયારે પણ એ પ્લે થશે ત્યારે એ ખીલખીલાટ હસતો ચહેરો અંદર ડોકાવાનો. અને સ્ક્રિનની સામે બેઠેલો નજીકનો વ્યક્તિ પોતાના ભૂતકાળમાં, પાછલી જિંદગીમાં હ્રદયપર ભારસાથે અનાયાસે ઉતરી જવાનો.

તૂટેલાં સપનાંઓ, છૂટેલી વ્યક્તિઓ, બાકી રહી ગયેલી વાતો અને પાછલા જીવનનો ચાલતો અફસોસ… આ બધું તો છે જ. પણ યાદોમાં, ભૂતકાળમાં ચિકાર આનંદ પણ હોય છે.

એંગ્રેજીમાં એક શબ્દ છે: ‘નોસ્ટાલ્જીયા’(nostalgia) જયારે વ્યક્તિ પોતાના બચપણને યાદ કરે છે, એવી વ્યક્તિઓને સ્મૃતિપટ પર જોય છે જેને કેટલાય વર્ષોથી જોઈ નથી કે જોઈ નથી શકવાનાં… પણ એમના કારણે, એમને યાદ કરવાથી સારું લાગુ રહ્યું છે, એ જ જુનાં-પુરાણા વિચારો મમળાવ્યા કરવાની ઈચ્છા થયા કરે. કે પછી પોતાનાં સમયનું કોઈ ગીત વાગી રહ્યું છે, ને તે સાંભળતે સાંભળતે પોતાની એ દુનિયામાં ખોવાઈ જવાની, ખોવાઈ રહેવાની મજા આવે છે. એ વ્યક્તિને ‘નોસ્ટાલ્જિક’ કહી શકાય. ‘નોસ્ટાલ્જીયા’ શબ્દનો ગુજરાતી પર્યાય નથી, પણ અતિતની જલક.. પુરાણી ઘટનાઓને મમળાવી… જુનાં સમયની, પોતાના ઘરની યાદ.. વગેરેને સ્મૃતિમાં બહેલાવ્યા કરવાનાં સંતોષને, અતિતનાં અનંત આનંદને ‘નોસ્ટાલ્જીયા’ કહી શકાય. બસ, એ આપણા આનંદને વાગોળતા વર્તમાનમાં, ‘આજે’ જીવવાનું છે. અને આપણી આજ એ ભવિષ્યની સારી કે ખરાબ ‘ગઈ કાલો’ જ બનવાની છે!

આજે, હવે તો મોબાઈલ કે કેમેરામાં અધધ સંધ્યામાં પાડેલા ફોટાઓ… એક દિવસ મોબાઈલ કે લેપટોપના કોઈ ફોલ્ડરમાં, કોઈ આલ્બમનાં નામે યાદોં બની સચવાઈ રહેશે…

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

 

~ પાર્થ દવે

ટીપ્પણી