ઓમપ્રકાશ યાદવ – બહાદુર તરુણ

ઉતરપ્રદેશની એક પ્રાથમિકશાળામાં અભ્યાસ કરનારો આ વિદ્યાર્થી એકદિવસ રોજના ક્ર્મ પ્રમાણે શાળાએ જવા માટે તૈયાર થયો. મારુતિવાનમાં બેસીને મિત્રો સાથે શાળાએ જવા માટે રવાના થયો. મારુતિવાનમાં ગેસકીટ ફીટ કરાવેલી હતી. કોઇ કારણ સર ગેસકીટમાં પ્રોબલેમ થયો અને શોર્ટ સર્કિટને કારણે આગલાગી.

મારુતીવાનનો ડ્રાઇવર દરવાજો ખોલીને ફટાફટ બહાર નીકળી ગયો. પાછળ બેઠેલા વિદ્યાર્થીઓ બચવા માટે ચીસો પાડી રહ્યા હતા. 7માં ધોરણમાં અભ્યાસ કરતા ઓમપ્રકાશ યાદવથી દરવાજો ન ખુલતા એણે દરવાજાને તોડી નાંખ્યો અને કુદીને બહાર આવી ગયો. એની પીઠ, હાથ અને મોઢુ આગની લપેટમાં આવી ગયુ હતુ એટલે ખુબ પીડા થઇ રહી હતી.

ઓમપ્રકાશ યાદવને ખુબ પીડા થઇ રહી હતી પરંતું હજુ પણ વાનમાં જ રહેલા એના નાના મિત્રોની ચિચીયારી પોતાને થતી પીડા કરતા વધુ દુ:ખદાયક હતી. નાનો એવો બાળક એમના મિત્રોને બચાવવા માટે બીજો કોઇ વિચાર કર્યા વગર વાનમાં કુદી પડ્યો અને એકપછી એક મિત્રોને ખેંચી ખેંચીને બહાર લઇ આવ્યો. ઓમપ્રકાશ યાદવે એની સાથે અભ્યાસ કરતા અને વાનમાં બેઠેલા 8 વિદ્યાર્થીઓને બચાવ્યા.

પોતે બળ્યો પણ મિત્રોને ન બળવા દીધા. મિત્રોને બચાવવા જતા ઓમપ્રકાશ ગંભીરરીતે દાઝી ગયો. એના ચહેરાની સુંદરતા ભલે ચાલી ગઇ પણ મારા મતે આ વિશ્વનો સૌથી સુંદર ચહેરો છે. જરા ધ્યાનથી જુઓ, તમને એના ચહેરા પર નિસ્વાર્થ મૈત્રી અને માનવતા છલકતી દેખાશે.

આપણે જેમ જેમ મોટા થતા જઇએ છીએ તેમ તેમ સ્વાર્થ સ્વાર્થકેન્દ્રી જીવન આપણને વધુને વધુ વામણા બનાવતું જાય છે જ્યારે ઓમપ્રકાશ જેવા નાના બાળકો પોતાની જાતનો વિચાર કર્યા વગર જાનના જોખમે મિત્રોને મદદ કરીને દીલથી મોટા હોવાની સાબિતી આપે છે.

ભારત સરકારે આ બાળકને બહાદુરી પુરસ્કારથી સન્માનિત કર્યો છે.

લેખક – શૈલેષ સગપરીયા સાહેબ

ટીપ્પણી