“ઓધા કાકા – ધ અનલીમીટેડ” : મુકેશ સોજીત્રા ની આ વાર્તા દિલખુશ કરી દેશે….

એ ભાઈ……. આ બસમાં કોઈ રાણીગામ જાવા વાળું છે??, માથે પોટલું અને 50 વર્ષની ઉપરનાં એક ભાઈએ બસમાં ચડીને ચારેબાજુ જોઈને પૂછ્યું.
” હા, હું જવાનો છું.” મેં ટૂંકમાં જવાબ આપ્યો.
” ખબર્ય છે તમને કે શેત્રુંજીમાં કેટલું પાણી છે,?? અખ્તરિયાને આરે ઉતરાઈ એવું તો છેને?”

“હા, મને ખબર્ય છે અને સવારે હું શેત્રુંજી પસાર કરીને અખ્તરિયાને આરે થઈને જ આવ્યો છું.”
“તો સારું ભાઈ સાબ, મારે સથવારો થાયને, વળી અંધારા ટાણું થાય તો વાંધો નહિ” એમ કહીને એ વડીલ મારી પાસે આવીને ધબ દઈને બેઠા. પોટલું મુકયુ બાજુમાં.

રાણીગામ ક્લોગુ ગામ,!! ગારિયાધાર આવવા માટે 5 કિમિ લંબાઈ વાળો બાવળિયાની કાટ્ય વાળો એકદમ ચીકણો, ખુતકણો રસ્તો અને પછી શેત્રુંજીનાં કેડય સમાણા નીર પસાર કરીને એક કિલોમીટર છેટે આવેલ અખ્તરિયા પહોંચો પછી તમારે દુનિયામાં જાવું હોય ત્યાં જઇ શકો. એટલામાં માટે રાણીગામમાં એક કહેવત હતી. કે
” ઝટ ગામ ઝડકલા અને પટ ગામ પા રાણીગામ જાવું હોય તો હાલતો થા” કારણ કે રાણીગામમાં એ વખતે કોઈ વાહન હાલતા જ નહિ.તમારા બે પગ એજ મોટામાં મોટું વાહન ગણાય

ચોમાસામાં આ ગામ બેટ જેવું જ બની જાય. તમારે ચાલીને જ જવું પડે. મારી બાજુમાં બેઠેલા એ સજ્જન એટલે રાણીગામનાં જમાઈ !! ઓધા ભૂરા એનું નામ,!! પણ બધા એને ઓધા કાકા કહીને જ બોલાવે, ઓધા ભૂરા એટલે એક એક અઘરી નોટ એ મને પછીથી સમજાયું.

” એ ય માસ્તર મારો હાથ પકડજો હો!!” અડધી શેત્રુંજીએ ઓધા કાકા બોલ્યાં, પાણીથી એ બીતાં હોય એમ લાગ્યું. મેં એનો હાથ પકડ્યો, પોટલું પણ બે ઘડી લઇ લીધું, મા શેતલ ને અમે પસાર કરી. જેવું ગંગાનું મહત્વ હરિદ્વારમાં એવું જ મહત્વ આ શેત્રુંજી નદીનું આ પંથકમાં.!! નદી પસાર ઘડીક કાંઠે બેઠા અને પછી મને ઓધા કાકાએ ઝાટકો આપ્યો.

” માસ્તર નાનપણમાં હું અહીં કાયમ ન્હાવા આવતો,!! અહી શેત્રુંજી બે કાંઠે હોય ને તોય હું બફાક કરીને પડતો હો!! મને પાણીની જરાય બીક જ નહિ,” હવે આ નદીથી એનું ગામ 18 કિમિ થાય અને એ અહીં ઠેઠ નાવા એ કેમ માની લેવું.?? પણ આમેય હું માસ્તરની નાત ને એટલે અમે કોઈનો વિરોધ ના કરીયે હા એ હા..જેમ હાલે એમ હાલવા દઈએ!! કોઈક માણસ એની પોતાની વાત કરીને રાજી થતું હોય તો પછી આપણે નકામો શા માટે જીવ બાળવો!! અને પછી ઠેઠ રાણીગામ આવ્યું ત્યાં સુધી ઓધા કાકાએ ટાઢા પહોરના ગપ ગોળા ચલાવ્યે રાખ્યા, હું એનો સારો એવો શ્રોતા બની ગયો, એ એને ખુબ ગમ્યું. ગામ આવ્યું. ગામનાં સરપંચ મળ્યાંને ઓધાકાકાએ બીજો ઝાટકો આપ્યો. સરપંચને કહે

” આવા માસ્તર તમે રાખો છો? કેવાં બીકણ એ તો આવતા જ ન્હોતા,!! પાણીથી બહુ બીવે મેં કીધુ કે બેય કાંઠે શેત્રુંજી જાતિ હોયને તો પણ આ ઓધા ભૂરા તમને કાંઈ ના થવા દે,પછી પરાણે પરાણે હું લાવ્યો બોલો તમે ગામ લોકો માસ્તરમાં નો ઠર્યા તે નો ઠર્યા “!! હું તો આભો જ બની ગયો.
સરપંચે મારી સામું જોઈને કીધું ” તમને ભારે સુવાણ થઇ હશે નહિ, ઓધા કાકા હોય એટલે રસ્તો ઉકલી જાય”

પછી તો ઓધાકાકા રાણીગામમાં અઠવાડિયું રોકાણાં , અને રોજ રાતે એ મારા ઘરે આવે,!!હું હતો એકલો !! નોકરી હજુ નવી નવી અને છોકરી ગોતવાની બાકી હતી એટલે પરણ્યો નહોતો હાથે રાંધીને ખાતો હતો.એકલોને ઓધા કાકાની વાતું થી ગામ કંટાળી ગયેલું એટલે એને ભાળી ને માણસો ઉભા જ ના રહે. હું એની વાતમાં હા એ હા કરું એટલે એને મારી સાથે વાત કરવાનો ઓર કોટો ચડે. એ આવે એટલે તરત જ બોલે.

” માસ્તર ઘાટી રગડા જેવી ચા મુકો” હું ચા બનાવું ને એક કપ એને આપું એટલે એનાં મોઢામાં મીરાજ તમાકુ હોય એ બહાર કાઢે એની ગોળી વાળે,ખાટલાની પાંગથે મૂકે અને ચા પી લીધા પછી એ ગોળી પાછી મોઢામાં મૂકે, અને પછી કે “તમાકુ જેટલી ઓછી ખવાય એટલી સારી મારે આ તમાકુની પડીકી એક મહિનો ચાલે!!”

મે એને પૂછ્યું કે આખો દિવસ તમે શું કરો છો અહીં ગામમાં ?? ” મને કે હું જૂની સાડીઓ વેચું છું 50 ની બે. સેવા કરું છું, રાણીગામના લોકો ઠેઠ શહેરમાં ધક્કો ખાય અને દાડી પાડે એના કરતાં એને ઘર બેઠાં સાડી મળે તો ખોટું શું??” અને મને તે દિવસે બસમાં હતું એ પોટલું યાદ આવી ગયું. ઓધા કાકાએ આગળ ચલાવ્યું, ” જોકે છોકરાં હવે ના પાડે છે કે આવી સેવા રહેવા દયો, આપણને ભગવાને ઘણું આપ્યું છે, તમને ખબર નહિ હોય માસ્તર કે આ શેત્રુંજી કાંઠે મારા બાપાની 500 વિઘા જમીન હતી, પણ પછી જેને જોતી હોય એણે બધાયે લઇ લીધી,અને આપડે આપી પણ દીધી બાકી ક્યારેક તાલુકામાં જાવ તો જોજો એ આખો શેત્રુંજી કાંઠો ભૂરા લખમણ એટલે કે મારા બાપના નામે હતો!! અને અમને પડે આઘું!! અહીં ઠેઠ કોણ ધક્કો ખાય,!!

આ સેંથકની જમીન કોણ વાવે,!! બોલો કાંઈ કહેવું છે?” મારે તો શું કહેવાનું હોય!! મારે તો ખાલી એની વાતું જ સાંભળવાની હોયને!! મને પણ ધીમે ધીમે પણ ગામમાંથી ખબર પડી કે ભગવાને ઓધા કાકાને છોકરાં સિવાય કાંઈ આપ્યું નથી. સાડીઓ વેચીને માંડ બે છેડા ભેગા કરે છે.
પણ ઓધા ભૂરા જેનું નામ !!! જિંદગીમાં કોઈ દી મોળી વાત તો કરે જ નહીં,!! એક દી રાતે ચા પીતાં પીતાં કહે કે

” માસ્તર તમારે કાંઈ કામ હોય તો કહી દેવાનું, બધા મોટા મોટા આપણને ઓળખે છે, બદલી કરાવવી હોય તોય કહી દેજો તમેતમારે શરમમાં ના રહેતા કે ઓધા કાકાને ક્યાં કેવું આ બધું”
ને પછી હળવેક થી કીધું કે

” તમારી બદલી કોણ કરી શકે? ડીડીઓ સાહેબને હું ઓળખું છું…”
” ડીડીઓ સાહેબ અમારાં ઉપરી કહેવાય, એ અમારી બદલી કરી શકે” મેં જવાબ આપ્યોને.
” અરે તમારી ભલી થાય હજુ પંદર દિવસ પહેલા જ ડીડીઓઓ ને હું એક લગ્નમાં સાથે જમવામાં હતાં” ઓધા કાકા એ રોન કાઢી.
” પણ કાકા ડીડીઓ સાહેબ તો ભાવનગર રહેને તમારા ગામમાં થોડા હોય” મેં મક્કમતાથી કીધું.

” હા તે હું લગ્નમાં ભાવનગર જ ગયોતો ને ઓળખું તમારાં ડીડીઓને!! પેલા સરકારી જીપમાં બેસે એજ ને જિલ્લા પંચાયતમાં એની ઓફીસ આવેલી છે,!! જાડા એવા છે!! મોટી ઉંમરના છે,!! તમારી કરતાં મોટા લાગે” આ વખતે ઓધા કાકાએ પાકલ રોન કાઢી.
” ના ડીડીઓ સાહેબ તો યુવાન છે અને પાતળાં છે,” મે પણ નક્કી કર્યું કે આજ તો લડી લેવું છે.

” હા… બરાબર યાદ આવ્યું, જાડો તો એનો ડ્રાઇવર છે!! ને સાબ તો પાતળાં છે, મારે એની સાથે ઘર જેવો સંબંધ છે, એણે મને જમતાં જમતાં ભાત પણ લાવી દીધેલાં કે ઓધા કાકા તમારે હેરાન નથી થવું તમારે જોતું હોય એ લાવી આપું જમીને અમે સાથે મુખવાસ ખાધો પછી ડીડીઓ સાબે કીધું કે તમારાં તાલુકામાં કોઈ શિક્ષક આડો અવળો થાતો હોય તો કેજો, સીધો તળાજા, મહુવા મૂકી દઈશ અને કોઈ સગા સંબંધી ની બદલી કરવી હોય તોય કેજો સીધા સુરત કે ગાંધીનગર મૂકી દઈશ ,અને કોઈ બહુ હોંશિયારી મારતો હોય તોય કેજો સીધો ઘરે બેહારી દઈશ , મેં ડીડીઓ સાહેબ ને કીધું કે ના ભાઈ ના બધા સારા શિક્ષકો છે કોઈને ઘરે નો બેહારતા, આમેય કોઈના પેટ પાર પાટું ક્યાં મારવું બરાબરને માસ્તર??” આ વખતે ઓધા કાકાએ ત્રણ એક્કા કાઢ્યા, મારી પાસે ખાલી પંજા સિવાય કાંઈ નહોતું.
દરરોજ રાતે ઓધાકાકા નવી વાત લાવે. એક દિવસ મને કહે કે
” ઓલી વાત તો તમને કહેવાની રહી જ ગઈ”
” કઈ વાત “?? મેં ઉત્સુકતાથી પૂછ્યું.
” કલેકટર વાળી” ઓધા કાકાએ ચલાવ્યું.

” કલેકટર અને હું સાથે ભણતાં, અમે લંગોટીયા ભાઈ બંધ, કલેકટર મારામાંથી જોઈને પાસ થયા બોલો, પ્રાથમિક શાળામાં કલેકટરને કાંઈ નો આવડતું. એક દી તાલુકામાં આવ્યા હતાં મિટિંગમાં તે હું જઈ ચડ્યો, મોટા મોટા અધિકારી હતાં. મને જોઈને કલેકટર ખુરસીમાંથી ઉભા થઇ ગયાં અને ભેટી પડ્યા અને મને આગળ બેસારીને પટ્ટાવાળા ને કીધું કે જા એક ઘાટી રગડા જેવી ચા લઇ આવ, કાકા ઘણા દિવસે આવ્યા છે,અને પછી બધાને પરિચય આપ્યો કે આ ઓધા કાકા છે મારા વડીલ છે, હું આજે જે કાંઈ છું એ આ કાકાને આભારી છે..” ઓધા કાકા હવે અનલિમિટેડ થઇ ગયા હતાં.
બે મહિના પછી ઓધા કાકા રાણીગામ પાછા સાડીનું પોટકું લઈને આવ્યા. રાતે મને મળવા આવ્યાં આ વખતે મેં કીધું
” ઓધા કાકા ચાર દિવસ પહેલા હું ટીડીઓ સાહેબનાં દીકરાના લગ્નમાં આવ્યો હતો, મને એમ હતું કે તમે તો ત્યાં હશો જ પણ મેં તમને ભાળ્યા નહિ ક્યાંય”
” હા એ લગ્નમાં હું હતો જ, પણ રસોડામાં હતો બધું જ કામ ટીડીઓ સાહેબે મને સંભાળવાનું કીધુંતું” ઓધા કાકાએ શરુ કર્યું.
” પણ હું રસોડામાં ય જોઈ આવ્યો તો, મંડપમાં બધે આંટા મારી લીધાં પણ તમને નો ભાળ્યા” મેં કીધું પણ પાછો પડે એ ઓધા ભૂરા નહિ…!!
” તમે કેટલાં વાગે આવ્યા હતાં જમવા”?
” પાંચ વાગ્યે”
” એમ….!!! ” પછી મારી પાસે આવીને કહે કે તમે કોઈને કયો નહિ તો એક વાત કહું “ખાવ મારા સોગંદ” મેં સોગંદ ખાધા.

” આ વાતની કોઈને ખબર નથી કે એ લગ્નમાં ગાંધીનગર થી સી એમ આવ્યા હતાં,એની વ્યવસ્થા એક વાડીએ કરી હતી, હું ટીડીઓ અને સી એમ ત્રણ જ વાડીએ હતાં. હેલિકોપ્ટર સીધુ વાડીએ આવ્યું તું, જો બધાને ખબર પડે તો માણસોના ટોળાં થાય, પત્રકારો ઝાલ્યા નો રે એટલે બધું ગુપ્ત રાખ્યું તું ખુદ ટીડીઓ સાબના ઘરના ને પણ ખબર નોતી પડવા દીધી કે સીએમ આવ્યા છે. હું ને સીએમ સાથે જમ્યાં. સીએમ સાહેબે કીધું કે આ ટીડીઓ બરાબર કામ કરે છે ને?? મેં હા પાડી એટલે ટીડીઓએ કીધું કે ઓધા કાકાના આશીર્વાદ છે એટલે જ મને કોઈ ચિંતા નથી.. બોલો આમ હતું” મેં હવે ઓધા કાકા સામે પત્તા રમવાનું જ બંધ કરી દીધું.
અને છેલ્લે મને ઓધા કાકા મામલતદાર કચેરી પાસે ભેગા થઇ ગયાં, મને પાસે બોલાવીને કહે કે

“મારે મતદાર યાદીમાં મારા દીકરાની વહુ નું નામ ચડાવવું છે, રોજ ધક્કા ખાવ છું, કાલ આવજો કાલ આવજો એમ ઠેબે ચડાવ્યા રાખે છે કોઈ નામ નથી ચડાવી દેતું”

” પણ તમને તો બધા ઓળખને કાકા”??
” એ બધીય વાત સાચી પણ એક નામ ચડાવી દયોને પછી કહું”
હું મામલતદાર કચેરીએ અવાર નવાર જતો એટલે ઘણાં મને ઓળખે એમાં રામભાઇ કરીને એક જૂનાગઢ બાજુના સાહેબ હતાં એને કીધું અને ઓધા કાકાનું કામ થઇ ગયું. બહાર નીકળીને ઓધા કાકા કહે, ” આમાં એવું છેને માસ્તર આ મામલતદાર મને ઓળખે છે એટલે મારું કામ ઘેરે બેઠા કરી દે,અને એને ખબર પણ ખરી કે સી એમ સાથે મારે સંબંધ એટલે પછી એ એનું કામ ને ભલામણ લઈને આવે કે કાકા તમે સીએમ ને કહોને કે મને કલેકટર બનાવી દે હવે આ જાતી જિંદગીએ મારે કેટલાનાં કામ કરવા, હવે મલકનાં કામ કરી કરીને હું થાક્યો છું માસ્તર… !!

થાક્યો છું!!તમે નહિ માનો હું પોલીસ સ્ટેશન બાજુય નથી જતો એક વાર ગ્યોતો તો પીએસઆઈ પગે લાગ્યોને કે કાકા તમારે ગૃહ મંત્રી સાથે સીધા છેડા છે અને કયોને કે મને ડીએસપી બનાવી દે… બોલો હવે તો હું ઘરની બહાર જ નથી નીકળતો બોલો… હાલો હવે ભાણાની હોટેલ પર જઈને ચા પીવી છે.. અમે ભાણા ની હોટેલ પર ગયાં, ચા આવી.. ઓધા કાકાએ રાબેતા મુજબ મોઢામાંથી મીરાજ તમાકુ કાઢી,ગોળી વાળી, હાથમાં રાખી, ચા પીને એ ગોળી પાછી મોઢામાં નાંખી. હોટેલવાળો ભાણો જોઈ જ રહ્યો અને ઓધાકાકા એ વિદાય લીધી, ગયાં પછી ભાણો બોલ્યો
“મોટી નોટ લાગે છે”??

” હા એવું જ છે” મે ચાના પૈસા ચુકવતા કહ્યું.

રસ્તામાં મને વિચાર આવ્યો કે ભગવાન મનોરંજન માટે બધે પહોંચી ના વળે એટલાં માટે જ એણે ગામે ગામ ઓધા ભૂરા જેવી વ્યક્તિઓનું સર્જન કર્યું હશે….!!! સાચું કે ખોટું??

લેખક :-મુકેશ સોજીત્રા મુ.ઢસા ગામ તા:-ગઢડા જી:- બોટાદ ૩૬૪૭૩૦

ટીપ્પણી