શ્વેત વસ્ત્રમાં સાધુ – આજે વાંચો એક વ્યક્તિ આવો પણ નથી કોઈ સ્વાર્થ નથી કોઈ લાલચ…

‌‌‍શ્વેત વસ્ત્રમાં સાધુ

શહેરી કોલેજીયનો આજે પહેલી વખત ટેમ્પામાં બેઠાં હતા. અને ગામડાની વાટ પકડી હતી. બધાં ને કરછના રણમાં ટેમ્પામાં બેસાડીને અમિતાબ લઇ જાય છે. અને કહે છે કે “કબ તક રહોગેં સિમેન્ટકે મકાનમેં? કુછ દિન તો ગુજારો ગુજરાતમે….” એવી ફીલિંગ્સ થઇ રહી હતી.
ટેમ્પાનો ઠક્ક… ઠક્ક… ઠક્ક… અવાજ, ધીમી ગતિએ હવાની થપાટો, ટેકરીઓને વીંધીને ચાલતો ટેમ્પો તેની ગતિ ઘટાડી નાખતો ત્યારે છેલ્લે બેઠેલા લવરમૂછીયાઓ નીચે ઉતરી ટેમ્પાને ધક્કો મારીને સાથેની છોકરીઓ પર વટ પાડી દેવાની હોડ જામતી.
“થેન્ક્સ ટેકરીઓ..” આવું મનોમન છોકરાઓ કહેતાં.. બધાની વચ્ચે બેઠેલા પ્રોફેસર પંડ્યાસર મનોમન મલકી રહ્યા હતા. એક નાનકડા ટેમ્પામાં આજે સ્વર્ગ ખડું થયું હતું. પ્રોફેસર સાથે આજે એન.સી.સી.નો પંદર દિવસ માટેનો કેમ્પ ગામડાને ખૂંદવા કોલેજની ચાર દીવાલો બહાર નીકળી પડેલો.
પ્રોફેસર પંડ્યા તો ગામડાનાં પાદરમાં રખડીને મોટા થયેલા. ગામડામાં ઉડતી ધરતીમાતાની ધૂળનો સ્વાદ પણ ચાખેલો. એ ધૂળ તો એમને મન ગુલાલ લાગતી. છોડ અને વૃક્ષોની સાથે પાક્કી દોસ્તી હતી. અને ટેકરીઓ પર મિત્રો સાથે બેસીને અલક-મલકની વાતો મન ભરીને કરેલી. અને એટલે જ કૉલેજમાં કોઈ ગામડા તરફનો કેમ્પનો પત્ર આવે તો પંડ્યાસરના નામ પર પૂછ્યા વિના મહોર લાગી જતી….
ઢાળ ચડતા ટેમ્પાની ગતિ ઓછી થતા કૈરવ નીચે ઉતરી રોડની બાજુએથી જાંબલી રંગના પૂષ્પો ધરાવતા છોડની ડાળખી તોડી લાવ્યો.
કૈરવ : “સર આ કયો છોડ છે?”

પંડ્યાસર : “આ વિકળો છે. જેને કમળો થાય તેને આના દસથી પંદર પાનનો રસ કાઢીને પીવડાવો, ધીરે ધીરે કમળો ઓછો થતો જાય છે. પંડ્યાસરની માહિતી સાંભળી વિદ્યાર્થીઓ ખુશ થઈ જતાં. બધાં તેમને હરતી ફરતી લાઈબ્રેરી કહેતાં…
ટેમ્પામાં ભરાયેલું યૌવન આજે ટેમ્પાને પણ પોતાનું ઘડપણ ભૂલાવીને મસ્તીથી ભાગવા માટે મજબૂર કરી રહ્યું હતું. શહેરોની ધમધમાટથી દૂર આ છોકરડાઓને ગામડાંની નીરવતા ભણી લઇ જતો હતો. અને પ્રદૂષણથી મુક્ત અહીં શુદ્ધ શ્વાસ ફેફસામાં ભરવા માટે ટેમ્પો ગતિ કરતો હતો. શહેરના ઘોંઘાટભર્યા મહાલયોને છોડીને દૂર દૂર પંખીડાઓના કલશોર માણવા માટે કિશોરોને ધૂળિયે મારગ લઇ જાતો હતો.
આ આવી ગયું એ ગામડું…. કે જેની પ્રાથમિક શાળામાં કોલેજીયનોને ઉતારો કરીને પંદર દિવસ સુધી વિવિધ કાર્યક્રમો પૂર્ણ કરવાના હતા. આ શાળામાંથી આવતો ભૂલકાંઓનો ઘડિયાં ગાનનો અવાજ છેક પાદર સુધી ટેમ્પામાંથી ઉતરતા કોલેજીયનોને સંભળાયો અને પોતાનું બાળપણ યાદ કરાવી દીધું. તો આ શાળાના મેદાનમાં રાજ્ય કક્ષાના રમત માટે કબડ્ડીની તૈયારી કરતા બાળકોનો કબડ્ડી… કબડ્ડીનો અવાજ બાળપણ ખંખેરી કિશોરાવસ્થાનો કોટ પહેરાવી ગયું. અને પ્રાર્થના હોલમાં સ્વાગત ગીતની તૈયારી કરતી બાળાઓ અને તેના શબ્દો….
“સ્વાગતમ શુભ સ્વાગતમ… સત્ સ્વાગતમ….!!” આ કોલેજીયનોને શાળામાં જિંદગીભર રોકાઈ જવા માટે આમંત્રણ આપી રહ્યા હતા.
પ્રત્યેક પ્રાથમિક શાળાનું વાતાવરણ અલૈાકિક હોય છે. માતાનો પાલવ છોડી હમણાં હમણાં જ આ ધરતી પર વિહરતા બાલુડાંઓની ચંચળતા જ કોઈપણને સમાધિસ્થ કરવા પૂરતી બની રહે છે.
પ્રો. પંડ્યાસર એના યૌવનને લઈને આજે બાળારાજાના દરબારમાં પ્રવેશ કર્યો. તો કોલેજીયનો સાથે રહેલો સામાન આવું દ્રશ્ય નિહાળીને નાચવા લાગ્યું. આ સમયે અહીના મોહનસર સામે ચાલીને સ્વાગત કરવા માટે આવ્યા..
મોહનસર : “પધારો… પધારો… આપ સર્વેનું સ્વાગત છે… અમારું અહોભાગ્ય કે આપ અહીં પધાર્યા.. અને પંડ્યાસર આપનું પણ સ્વાગતમ…!!”
શહેરી બાળકોને આવું મીઠું સ્વાગત ખૂબ ગમ્યું. અને મો…હ…ન…સ….ર….!! ખરેખર પ્રોઢત્વનું આટલું ખેચાણ દરેક કોલેજીયને અનુભવ્યું.. સફેદ વસ્ત્રોમાં સજ્જ મોહનસરના માથાના વાળ પણ સફેદ હવાની લહેરોથી ફરફરી રહ્યા હતા. બાળકો સાથે રહીને કસાયેલું શરીર સસ્મિત આવકાર આપે ત્યારે બધાને ખૂબ ગમી જાય છે. મોહનસરે બધાને શાળાનું પરિસરનું દર્શન કરાવી ઉતારાની વ્યવસ્થા સમજાવી.

મોહનસર : “અહીં પાણી છે, ભાઈયો- બહેનોના આ અલગ રૂમ, અહીં રસોડું, આ આપણો સભાખંડ, અને આ અમારી શાળાના બાળારાજાઓ… વગેરે…”
કોલેજીયનોને થયું કે “આવી મસ્ત અને અલ્લડ જગ્યા માટે પંદર દિવસ રોકાઈને ચાલ્યા જાવાનું? ઓછા પડશે પંદર દિવસ…!!!” પરંતુ હવે જે મળ્યું છે તે માણવાની મોસમ છે… માણી જ લઈએ… પંડ્યાસરે અને મોહનસરે ભેગા મળીને આયોજન જણાવ્યું. અને કાર્યોની સોંપણી કરવામાં આવી.
વહેલી સવારની પ્રભાતફેરીમાં બાળકો પણ દોડી દોડીને આવી જાય અને આ બાળકો જયારે મનમોહના અવાજે નારાઓ પણ બોલે ત્યારે જ સવાર સોના જેવી બની જતી…!!! ગ્રામ સફાઈ, શેરી નાટકો, કવાયત, રમત ગમત, વિવિધ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમનો દોર એવો ચાલ્યો કે બાળકો પોતાના ઘરને ભૂલી ગયા અને પંડ્યાસરના બાળકોતો અહીં જ રોકાઈ જઈએ તો જીવવાનું સાર્થક બની રહે તેમ સમજવા લાગ્યા… અને મોહનસરની સાથી જેમ સાથે રહ્યા તો તેમની મોહની રોજ રોજ જૂદેરી રીતે ખેંચવા માંડતી.. પડછાયાની જેમ સાથે રહેતા મોહનસર કોલેજીયનો માટે મોટા ભાઈ જેવા બની ગયેલા…
મોહનસર સાથે રહીને એવું મીઠું પૂછે કે કોઈને ઘર સાંભરવા જ નહોતા દેતાં.
મોહનસર: “જમવાનું ભાવ્યું કે નહી?… કોઈ તકલીફ તો નથી ને?… અહીનું પાણી ભાવે છે ને?.. ગઈ કાલે ઊંઘ આવી કે નહી?… અહીં ગમે તો છે ને?..” આવા હેતાળ શબ્દો ઘર તો શું સ્વર્ગ પણ ભૂલાવી દે… આ સવાલો જ નહોતા પરતું મોહનસરની હુંફ છલકતી… આટલી મીઠડી આવાગત તો શામળીયાને પણ સ્વર્ગ ભૂલાવી દે..!! આવું બધાને મનોમન લાગતું…
પંદર દિવસ તો રમતાં રમતાં પૂર્ણ થયાં…
એટલે પ્રો.પંડ્યાસરે મોહનસરને કહ્યું : “હવે અમને રજા આપો. આપની સાથે, બાળકો સાથે અને ગામલોકો સાથે બધાને ખૂબ મજા પડી.. કેમ બરાબરને?”
એટલે બધાં કોલેજીયનોયે એક સાથે કહ્યું : “હા સર ખૂબ મજા પડી, સર… આપણે કૉલેજ નથી જવું… કોલેજને અહીં લાવી દઈયે.. જેથી બીજાને પણ મોહનસરની સાથે રહેવાની મજા પડે..”
અને બધાં હસી પડ્યા…

પંડ્યાસર : “હવે એક છેલ્લું કામ હતું મોહનસર…”
મોહનસર : “અરે ફરમાવો…”
પંડ્યાસર : “અમે અહીં પંદર દિવસ રોકાઈને કાર્ય પૂર્ણ કરેલ છે; એવો લેખિત એક દાખલો આચાર્ય સાહેબ પાસેથી લખી લેવાનો હોઈ છે. તો આપ લખી આપો…!!”
મોહનસર મલક્યા.. અને પછી બોલ્યા..
“તમે જે દાખલો માગ્યો, તે તો અમારા આચાર્ય સાહેબ આપશે..”
પંડ્યાસર : “તો શું આપ આચાર્ય નથી?”
મોહનસર: “ના, હું આચાર્ય નથી. અને અહીનો શિક્ષક પણ નથી.. હા.. હું અહીં પહેલાં શિક્ષક હતો. મારે નિવૃત થયાને બાર વર્ષ થઇ ગયા છે… વિદાય દિવસ બાદ હું ઘરે ગયો.. અને મને મારા આ બાળારાજાની ખૂબ યાદ આવી..!!! અને હું ફરી એજ દિવસે શાળમાં પાછો આવ્યો. આચાર્ય અને સ્ટાફની સહમતીથી અહીં સેવા કરવા માટે આવી ગયો… હું અહીં છેલ્લા શ્વાસ સુધી ભણાવીશ..”
બધાં આ સાંભળીને અવાક થઇ ગયાં… નિવૃત્તિ બાદ આટલી પ્રવૃત્તિ…!!! કેવી માટી માંથી બન્યા છે આ મોહનસર…?? બાળકો માટે આટલો બધો પ્રેમ કયાંથી લાવતા હશે??
બાલ દેવો ભવ..!! ચરિતાર્થ કરે છે આ મોહનસર…!!

મોહનસર : “તમે આવો ઓફિસમાં દાખલો લખી આપે..”
પંડ્યાસર : “ઓહ….!! પંદર દિવસથી અમે બધાં તમને જ આચાર્ય સમજતા હતા.. ધન્ય છે આપની સેવાને..!! અમને પણ આનંદ છે કે આપનું સાનિધ્ય મળ્યું..”
“ભગવા વસ્ત્રમાં સાધુની વાતો ખૂબ સાંભળેલી.. પરંતુ આજે તો સાક્ષાત શ્વેત વસ્ત્રોમાં સાધુના દર્શન કરીએ છીએ…”
“આ સાહેબ બાળકો વિના નથી રહી શકતા તો આપણે જોયું કે બાળકો પણ સાહેબ વિના અધૂરા છે..” “આપનો હૃદય પૂર્વક આભાર… મોહનસર…!!”
અને પંડ્યાસર પ્રોફેસર હોવા છતાં શબ્દો ઓછા પડ્યા..
બધાં ટેમ્પામાં ગોઠવાયા અને મોહનસર બધાના હૃદયમાં ગોઠવાયા…
બધાના મનમાં માત્રને માત્ર મોહનસરની છબી તરવરી રહી હતી.. મોહનસરે એવા તે તેનામાં ઓળઘોળ કરી દીધાં કે અંતાક્ષરી ને અલક મલકની વાતો થંભીને માત્ર ટેમ્પો જ ચાલતો હતો.. અમિતાબને બદલે મોહનસરની આકૃતિ જ દેખાતી હતી અને પૂછ્યા કરતી હતી કે
“કૂછ દિન તો ગુજારો હમારી સ્કૂલમે…!!”
શ્વેત વસ્ત્રના એ સાધુ બધાને આવજો કહેતાં હતા…
અને કોલેજીયનોને મોહનસરના હસતા ચહેરાંથી માંડીને તેમની હુંફ.
ગમે છે ને? લઈને પુનઃ પધારજો વાલા…!! અને તેમની નિવૃત્તિ પછીની પ્રવૃત્તી…
ખરેખર ચાર દીવાલો બહારનું શિક્ષણ એવું તે શીખ્યા આ કોલેજીયનો કે ભવિષ્યમાં જિંદગી ગમ્મે તેવાં સવાલો પૂછે… ઉત્તરો તો અફલાતૂન જ આપશે..!!!

લેખક : નરેન્દ્ર જોષી

દરરોજ આવી અનેક વાર્તાઓ અને અનુભવો વાંચો ફકત અમારા પેજ પર.

ટીપ્પણી