હત્યા કે આત્મહત્યા – જોતા તો લાગે છે કે આ આત્મહત્યા છે પણ… શું ખરેખર…

” સાહેબ, આ તો ચોખ્ખો આત્મહત્યાનો કેસ છે.” હવાલદાર ઇન્સ્પેકટર વિશાલને જોઈને બોલ્યો.

ઇન્સ્પેકટર વિશાલ હવાલદારની કામ કરવાની આળસ પર મનમાં હસ્યો. ઈન્સ્પેક્ટરે રૂમમાં આસપાસ નજર કરી. એક આડી પડેલી પ્લાસ્ટિકની ખુરશી અને જમીન પર પડેલા એલાર્મ સીવાય રૂમનું ફર્નીચર એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલું હતું. રૂમમાં હવાની અવરજવરને કારણે પંખા પર લટકાયેલું કેપ્ટન શર્માનું શરીર થોડું હલ્યું.
ઈન્સ્પેક્ટરે લાશને પંખા પરથી ઉતરાવી. લાશને જમીન પર રાખી તેનું અવલોકન કરવા લાગ્યો. ગળામાં ગાળિયો એકદમ ફીટ બેસી ગયો હતો. ઈન્સ્પેક્ટરે ગળાના ભાગનું એકદમ સુક્ષ્મ અવલોકન કર્યું. તેને ગાળિયા સીવાય ગળા પર બીજા દોરડાના નિશાન પણ દેખાયા. તેણે લાશ પર ઝુકીને નજીકથી નિરીક્ષણ કર્યું. બીજા દોરડાના નિશાનને કારણે લોહી મરી ગયેલું જોવા મળ્યું.

” હવાલદાર, તમારું કામ વધી ગયું. આ આત્મહત્યા નથી. કોઈએ કેપ્ટનને મારીને પછી પંખે તેમની લાશ લટકાવી દીધી છે.” ઇન્સ્પેકટર બોલ્યો.

હવાલદારના ચેહરા પરની ખુશી ગાયબ થઇ ગયી.
“તમે બારણું તોડ્યું ત્યારે કુતરો ક્યાં હતો?” ઈન્સ્પેક્ટરે પુછ્યું.

“સાહેબ, કુતરાને કોઈએ અંદરના રૂમમાં બંધ કરી દીધેલો.” હવાલદારે જવાબ આપ્યો.

“એનો મતલબ એમ કે કોઈ જાણીતી વ્યક્તિ નું આ કામ છે.”

કેપ્ટન શર્મા આર્મીમાંથી રીટાયર થઈને આ એપાર્ટમેન્ટમાં તેમના કુતરા સાથે રેહતા. તેમના નજીકના સગામાં એક દીકરો હતો જે વિદેશ રેહતો હતો.

દુધવાળો જયારે પોતાના સમયે આવ્યો ત્યારે રોજની જેમ દરવાજો ખુલ્લાને બદલે બંધ જોતા તેને આશ્ચર્ય થયું. દરવાજો ખખડાવતા કોઈ જવાબ ન મળ્યો તેથી તેણે પાડોશીને જાણ કરી. પાડોશીઓએ દરવાજો અડધી કલાક ખખડાવ્યા પછી પોલીસને જાણ કરી. પોલીસે દરવાજો તોડતા કેપ્ટનનું શરીર પંખે લટકેલું મળ્યું.

ઈન્સ્પેક્ટરે રૂમમાં નજર દોડાવી. તેને કુતરો ખુણામાં શાંત બેઠેલો જોવા મળ્યો. તેણે કુતરા પાસે જઈને તેને પંપાળ્યો. કુતરો સ્વાભાવિક રીતે પોતાના માલીકના મોતથી દુઃખી હતો.

એપાર્ટમેન્ટના દરવાજે લોકોનું ટોળું ભેગું થયેલું હતું. અચાનક એક વ્યક્તિને જોઇને કુતરો ઉભો થયો અને ટોળામાં ઉમેરાયેલી વ્યક્તિ તરફ ધસ્યો. આવનારી વ્યક્તિ ગભરાઈને પાછળ હટી ગઈ. કુતરાએ સીધા જ તે વ્યક્તિ પર હુમલો કર્યો. બે હવાલદારોએ મળીને કુતરાને માંડ પકડ્યો. ઇન્સ્પેકટર વિશાલ અવાક બનીને આખું દ્રશ્ય જોઈ રહ્યો. તેણે પેલા માણસની પુછપરછ કરવાનું નક્કી કર્યું.

**********

ઈન્સ્પેકટરે તેનું નામ પુછીને કેપ્ટનના પાડોશીને ત્યાં બેસાડ્યો.

“તો સોહનલાલ, તમે કેપ્ટન શર્માને ઓળખો છો?”

“હાં, કેપ્ટનને હું દોસ્ત અને બિઝનેસ પાર્ટનર હતા.” પેલો માંડ માંડ બોલી શક્યો.

“હતા એટલે? હવે નથી?” ઈન્સ્પેકટરે ફરી સવાલ કર્યો.

“અમે ભાગીદારી છુટ્ટી કરી નાખી.” સોહનલાલના ચેહરાનો રંગ ઉડી ગયો.

“કારણ?”

“કેપ્ટને બિઝનેસમાં રોકેલા બધા પૈસા પોતાના દીકરાને આપી દીધા હતા એટેલે….” ઈન્સ્પેક્ટરે સોહનલાલના મોઢા પર ગુસ્સાની રેખાઓ અંકીત થતી જોઈ.

ઇન્સ્પેકટર મનોમન હસ્યો. તેણે ધારેલું તેના કરતા આ કેસ વધારે સેહલો બનતો જતો હતો.

“તો બધા પૈસામાં તમારા પણ પૈસા હશેને? કેટલા રૂપીયા હતા તમારા?”

સોહનલાલને અંદાજ આવી ગયો કે ઇન્સ્પેકટર શું કેહવા માંગે છે. તે થોથવાતા બોલ્યો,” મારા….મારા ચાલીસ લાખ હતા જે હું કેપ્ટન પાસે માંગતો હતો. પણ એનો મતલબ એમ નથી કે મેં કેપ્ટનનું……”

“મેં ક્યાં એવું કહ્યું કે તમે કેપ્ટનનું ખુન કર્યું છે. પણ મારે સત્ય સુધી પોહચવું જરૂરી છે. ચાલીસ લાખ બહુ મોટી રકમ કેહવાય. તેના માટે માણસ ગમે તે કરી શકે.”

ઈન્સ્પેકટરે સોહનલાલ સામે વેધક નજર કરી. સોહનલાલના કપાળ પર પરસેવાની રેખાઓ દેખાવા લાગી.

અચાનક એક હવાલદારે આવીને ઇન્સ્પેકટરના કાનમાં કંઇક કહ્યું. ઈન્સ્પેકટરે સોહનલાલ તરફ ફરીને સવાલ કર્યો,” તો સોહનલાલ, આજે સવારે તમે ક્યાં હતા?”

સોહનલાલ સવાલ સાંભળીને ધ્રુજી ગયો. તેને યાદ આવ્યું કે બિલ્ડીંગના ચોકીદારે તેને સવારે બિલ્ડીંગમાં ચડતા જોયો હતો.

“સાહેબ, મને કેપ્ટને વેહલી સવારે પૈસા વિષે વાત કરવા બોલાવ્યો હતો. મને બોલાવીને તેમણે પૈસા નહી મળે તેમ કહ્યું. અમારી વચ્ચે થોડી બોલાચાલી થઇ પછી હું ચાલ્યો ગયો. સાહેબ, હું સાવ સાચું કહું છું. હું ગયો ત્યારે કેપ્ટન એકદમ સાજા હતા.” સોહનલાલ રડતા રડતા બોલ્યો.

“સત્ય તો હવે પોલીસ સ્ટેશને જઈને તારી પાસેથી ઓકાવવું પડશે. હવાલદાર લઇ લો આને પોલીસ સ્ટેશને…” ઇન્સ્પેકટર ઉભા થતા બોલ્યો. બે હવાલદાર આવીને રડતા સોહનલાલને લઇ ગયા.

ઇન્સ્પેકટરને વિશ્વાસ ન આવ્યો કે તેણે થોડા કલાકમાં જ કેસ ઉકેલી નાખ્યો હતો.

ઇન્સ્પેકટર ધીરે ધીરે દરવાજા તરફ રવાના થયો. તેને કેપ્ટનનો પડોશી વળાવવા આવ્યો.

“સાહેબ, કેપ્ટન બહુ ભલા માણસ હતા. બધા સાથે બહું સારું વર્તન કરતા. હજુ ગઈકાલે રાત્રે જ હું તેમને તેમના ઘરમાં વાગતા એલાર્મ વિષે કેહવા ગયો હતો. તેમને મને ખુબ પ્રેમથી કહ્યું કે હવે એલાર્મ નહી વાગે.” પડોશી ચાલતા ચાલતા બોલ્યો.

અચાનક ઇન્સ્પેકટર અટકી ગયો.

“રાત્રે શેનું એલાર્મ ?” તેણે પુછ્યું.

“ખબર નહી સાહેબ પણ કેપ્ટનના ઘરમાંથી રોજ રાત્રે થોડી થોડી વારે એકથી વધારે વખત એલાર્મ વાગવાનો અવાજ આવતો. દરેક વખતે એલાર્મ વાગ્યા પછી કશુંક જમીન પર ઘસડાતું હોય તેવો અવાજ પણ આવતો.”

ઈન્સ્પેક્ટરને અચાનક પ્લાસ્ટિકની ખુરશી, એલાર્મ અને કુતરા વચ્ચેનો સંબંધ સમજાઈ ગયો. તે જડપથી બહાર દોડ્યો અને બન્ને હવાલદારને સોહનલાલ સહીત ઉપર બોલાવ્યા. બધા ઉપર આવ્યા પછી તેને પ્લાસ્ટિકની ખુરશીને થોડી દુર મુકીને બોલ્યો,” ચાલો, આજે તમને બધાને હું જાદુ બતાવું.”

ઇન્સ્પેકટર કુતરાને રૂમમાં લાવ્યો અને એલાર્મ ચાલુ કર્યું. કુતરો તરત ખુરશી પાસે ગયો અને ખુરશીને ઘસડીને પંખા નીચે લાવ્યો. બધા આશ્ચર્યચકીત થઈને બધો ખેલ જોઈ રહ્યા.

“હવાલદાર કંઈ સમજણ પડી?” ઈન્સ્પેક્ટરે વિજયી સ્મિત સાથે પુછ્યું.

હવાલદારે નકારમાં માથું ધુણાવ્યું.

“ચાલો હું સમજાવું, કેપ્ટને કુતરાને ટ્રેઈન કર્યો છે. જેથી તે જયારે એલાર્મ વગાડે ત્યારે કુતરો પ્લાસ્ટિકની ખુરશી ખેંચીને પંખા નીચે મુકે. કેપ્ટન પોતાની હત્યાના આરોપમાં સોહનલાલને ફસાવવા માંગતા હતા પણ તેમની મુશ્કેલી એ હતી કે પોલીસ ગળા પર દોરડાનું એક જ નિશાન જુએ એટલે આત્મહત્યા માની લે, માટે તેમને પોતાના ગળા પર દોરડાના બે સ્પષ્ટ અને ઉંડા નિશાન જોઈતા હતા. જેથી એમ લાગે કે કોઈએ દોરીથી ગળું દબાવી લાશ લટકાવી છે. તે માટે તેમણે એક પ્લાન બનાવ્યો. તેમને રોજ રાત્રે કુતરાને એલાર્મના અવાજ પર ખુરશી ખસેડવાનું શીખવાડવાનું શરૂ કર્યું. કુતરો જયારે ખુરશી પંખા નીચે લાવવાનું શીખી ગયો ત્યારે તેમણે પોતાનો આખરી પ્લાન અમલમાં મુક્યો.
આજે સવારે જયારે સોહનલાલ તેમના કેહવાથી ચોકીદારની નજરમાં આવે તે રીતે તેમના ઘરે આવી ને ગયો ત્યારબાદ તેમણે બારણું બંધ કરી, દોરડું બાંધી અને હાથમાં એલાર્મ રાખી કુતરા સામે પંખે લટકી ગયા. જયારે તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો ત્યારે તેમણે એલાર્મ ચાલુ કર્યું એટલે કુતરો ખુરશી પંખા નીચે લાવ્યો અને કેપ્ટન બચી ગયા. પંખે લટકાવવાને કારણે તેમના ગળા પર ઉંડા દોરડાના નિશાન અંકીત થઇ ગયા. ત્યારબાદ તેમણે કુતરાને રૂમમાં પુરી ફરીથી તે જ રીતે આત્મહત્યા કરી. ગળા પરના બે દોરડાના નિશાન, ચોકીદારની જુબાની અને કુતરાને કારણે પોલીસ સોહનલાલને પકડશે તેનો તેમને વિશ્વાસ હતો.” ઇન્સ્પેકટર એકી શ્વાસે બોલી ગયો.

હવાલદારના ચેહરા પર ખુશી પાછી ફરી.

(સમાપ્ત)

લેખક : નરેન્દ્ર રાણા

આવી જ રોચક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર…

ટીપ્પણી