એક મજબુર પિતા, મજબુર પતિ… અને એક લાચાર દિકરો… લાગણીસભર વાર્તા…

વિક્રમ પોતાના કામમાં વ્યસ્ત હતો. સવારે ઓફીસે આવ્યો ત્યારથી હજુ સુધી તેને સમય નોહતો મળ્યો. તે પોતાના કોમ્પ્યુટર પર એક પછી એક કામ પતાવી રહ્યો હતો. તેને કેટલા વાગ્યા તે પણ ધ્યાન ન હતું. તે પોતાની ધુનમાં કામ કર્યે જતો હતો. તે હંમેશા પુરી ધગશથી કામ કરતો એટલે જ તે બોસનો માનીતો હતો અને બોસ તેના હંમેશા વખાણ કરતા. તે કંપનીનો સૌથી મહત્વનો કર્મચારી હતો. તેને પગાર પણ બીજા કર્મચારીઓ કરતા વધારે મળતો. તેની સાથે તેના પર ઓફીસમાં જવાબદારીઓ પણ સૌથી વધુ હતી.

“સાહેબ, લંચ ટાઈમ પુરો થઇ જશે. જમી લો.” પટ્ટાવાળાએ તેને યાદ દેવડાવ્યું.

વિક્રમને ભાન થયું કે જમવાનો સમય ક્યારનો થઇ ગયો હતો. તેને કામમાં ખબર જ નોહતી રહી. તે ટીફીન લઈને ઉભો થયો અને કંપનીની કેન્ટીન ચાલ્યો. તેણે તેના રોજના ટેબલ પર જઈને ટીફીન ખોલ્યું. સવારથી અત્યાર સુધીમાં પેહલીવાર તેનું મગજ નવરું થયું હતું. તે ઘણીવાર પછી આસપાસના વાતાવરણ પ્રત્યે સજાગ થયો હતો. તેની આ ખરાબ આદત હતી. તે કામમાં ડુબી જતો ત્યારે તેનું ધ્યાન ભાગ્યે જ કોઈ બીજી બાબતો પર રહેતું.

વિક્રમ માટે જો કે તેની આ આદત વરદાન સાબિત થઇ હતી. તે પોતાની આ કામમાં ડૂબી જવાની ટેવના કારણે કામને બધા કરતા સારી રીતે કરવા સક્ષમ હતો. તેની પ્રગતિ આ કારણે જ થઇ હતી.

વિક્રમ કેન્ટીનમાં આવીને બેઠો અને આસપાસ નજર કરી. તેના કેટલાક કહેવાતા મિત્રોએ તેને જોઈને હાથ ઊંચો કરીને તેમની સાથે જમવા બોલાવ્યો પણ આજે તેને એકલા જમવાનું મન હતું. તેણે હાથ હલાવીને ના પાડી. તે ટેબલ પર ગોઠવાયો અને યંત્રવત જમવાનું શરૂ કર્યું. આજે જમવાનું તેના મમ્મીએ બનાવ્યું હતું. દિશાની ગેરહાજરીમાં કાયમ મમ્મી જ જમવાનું બનાવતી. તેને મમ્મીના હાથનું જમવાનું ભાવતું પણ હવે તેને દિશાના હાથનું જમવાની ટેવ પડી ગઈ હતી.

વિક્રમે સવારે ઘરેથી નીકળતા મમ્મીને જાણ કરી હતી કે આજે દિશા અને ઈશાન આવવાના હતા. મમ્મીએ તેને ગોળી યાદ દેવડાવી હતી. તેણે યાદ આવ્યું કે તેણે સવારે ગોળી લીધી હતી એટલે જ તેના હાથ આજે ધ્રુજતા નોહતા.

આજે દિશા અને ઈશાન ઘરે પાછા આવવાના હતા. ઈશાન તેમનો ત્રણ વર્ષનો તોફાની દીકરો હતો. તેણે બન્નેને સ્ટેશને લેવા જવાનું વિચાર્યું. ટ્રેન સાંજે પાંચ વાગ્યે આવવાની હતી. પોતાના દીકરા અને પત્નીને મળવાની વાતથી તે ખુશ થયો. તેણે પોતાના મિત્રોના ટેબલ સામે જોયું. તેઓ તેના ટેબલ સામે જોઈને અંદરો અંદર વાતો કરતા હતા. વિક્રમને તેમના વર્તનમાં કશુંક અજુગતું લાગ્યું પણ તેને કોઈની પરવાહ નહતી.

વિક્રમે જમવાનું પતાવ્યું અને પોતાના ટેબલ પર આવીને ફરીથી કામે વળગ્યો પણ તેનું મન કામમાં ન ચોટ્યું. તેને દિશા અને ઈશાન ફરીથી યાદ આવ્યા. તેને પોતાની કાંડા ઘડીયાળ તરફ જોયું. હજુ પાંચ વાગવાને ઘણીવાર હતી. તે આજે વહેલો ઘરે જવા માંગતો હતો પણ કામનું ભારણ આજે વધારે હતું. તે ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ પાંચ વાગ્યા પેહલા નીકળી શકે તેમ નહતો.

છેલ્લા ઘણા વર્ષોથી આ કંપની જ તેનું બીજું ઘર હતી. તેણે રાત દિવસ જોયા વગર મહેનતથી કામ કર્યું હતું. દિશા અને ઇશાનના ભવિષ્યને સુરક્ષીત કરવા તે રાત દીવસ મથ્યો હતો અને તેને તેનું ફળ પણ મળ્યું હતું. તેણે કંપનીમાં ઘણી ઝડપી પ્રગતિ કરી હતી. તે ઘણી નાની ઉંમરમાં પોતાનું ઘર લઇ શક્યો હતો. તેના સાથી કર્મચારીઓ તેની ઈર્ષા કરતા.

વિક્રમ જાણતો હતો કે આ દુનિયામાં કશું મફત મળતું નથી. તેણે પણ પોતાની સફળતાની કિંમત ચૂકવી હતી. તે કિંમત તેના પરીવારે પણ ચુકવી હતી. તે પોતાના પરીવારને પુરતો સમય આપી શકતો નહીં. તે રજાના દીવસે અને ક્યારેક રાત્રે પણ કામ કરતો રહેતો. ઘણીવાર અગત્યના પ્રસંગોએ પણ તે હાજરી આપી શકતો નહીં. તેની પ્રગતિ સાથે તેની જવાબદારીઓ પણ વધતી ચાલી અને પરીવાર પાછળ છુટતો ચાલ્યો. આ બાબતે તેની અને દિશા વચ્ચે બહુ ઝઘડા થતા. દિશા આ કારણે જ રીસાઈને ઘણીવાર પીયર ચાલી જતી. આ વખતે પણ તેવું જ બન્યું હતું.

વિક્રમને તેમની ગેરહાજરીમાં જ તેમનું મહત્વ સમજાયું હતું. તે ઘણીવાર આ નોકરી છોડીને બીજી કોઈ ઓછી જવાબદારી વાળી નોકરી કરવાનું વિચારતો હતો. તે ઘણીવાર રાજીનામાં માટેનો મેઈલ પણ ટાઈપ કરી નાખતો પણ મોકલવાના સમયે તેની હિંમત જવાબ દઈ જતી. તેને પરીવાર માટે નોકરી મુકીને નવેસરથી શરૂઆત કરવામાં ડર લાગતો. આજે તેણે નક્કી કરી લીધું હતું કે તે નિર્ણય લઈને જ રહેશે. તેણે ફરી એકવાર મેઈલ ટાઈપ કર્યો અને ઘણી માનસીક કશમકશ પછી પણ તે મેઈલ મોકલવાની હિંમત ન ભેગી કરી શક્યો.

“હું આ બધું તે બન્ને માટે જ કરું છું. તેવું તે કેમ સમજતી નહી હોય? એક વાર તેમનું ભવિષ્ય સુરક્ષિત થઇ જાય તેટલા પૈસા ભેગા થઇ જાય એટલે હું તેમની સાથે જ સમય પસાર કરવાનો હતો ને…” વિક્રમ વિચારી રહ્યો.

“આજે બન્ને ઘરે આવી જાય પછી બન્નેને મનાવી લઈશ. દીશાને તે સમજાવશે એટલે તે સમજશે કે આ બધું એ તેમના માટે જ કરે છે.” વિક્રમને આશા બંધાઈ.

વિક્રમ પોતાના રોજના સમયે જ ઓફીસેથી નીકળ્યો. તેણે રસ્તામાંથી ઈશાન માટે ફુગ્ગા લીધા. ઇશાનને ફુગ્ગા બહુ ગમતા. “આજે તે આટલા બધા ફુગ્ગા જોઈને જરૂર ખુશ થશે.” તેણે વિચાર્યું.

વિક્રમ પરીવારને મળવાની ખુશીમાં ઝડપથી પગથીયા ચડીને ઘરના દરવાજે પોંહચ્યો. તેને ડોરબેલ વગાડી. તેના મમ્મીએ બારણું ખોલ્યું. તેના મોં પર વિક્રમને જોઈને દુઃખની રેખાઓ અંકીત થઇ. વિક્રમ ઇશાનના નામની બુમોં પાડતો પાડતો ડ્રોઈંગરૂમ વટાવીને બેડરૂમ તરફ આગળ વધ્યો. તેને એમ હતું કે હમણાં ઈશાન દોડતો આવશે અને તેને વળગી પડશે.

અચાનક તેને આ બધું બની ગયું હોય તેમ લાગ્યું. તે જાણે રોજ આમ જ કરતો હોય તેમ લાગ્યું. તેને કઈંક યાદ આવ્યું. એ યાદ આવતા જ તેના પગ ભારે થવા લાગ્યા. તેના હાથ ધ્રુજવા લાગ્યા. બેડરૂમના બારણાં સુધીનું અંતર તેણે લગભગ લથડતા લથડતા કાપ્યું. તેણે ધ્રુજતા હાથે બેડરૂમના બારણાને ધક્કો માર્યો. બેડરૂમમાં પગ મુકતા જ તેની નજર રૂમના સીલીંગ પર ચોંટેલા ફુગ્ગાઓ પર પડી. રૂમમાં ફુગ્ગાઓ જ હતા. ફુગ્ગાઓ જાણે તેને કઈંક યાદ દેવડાવતાં હોય તેમ રૂમમાં આમ તેમ ઉડી રહ્યા હતા.

વિક્રમ પલંગ પર ફસડાઈ પડ્યો. તેની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા. તેની મુઠ્ઠીમાંથી ફુગ્ગાઓ છુટી ગયા અને બીજા ફુગ્ગાઓ સાથે ભળી ગયા. રૂમના ઝાંખા પ્રકાશમાં બે હાર ચડાવેલા ફોટાઓમાં બે ચેહરા હસી રહ્યા હતા.

સમાપ્ત

લેખક : નરેન્દ્ર રાણા

દરરોજ આવી લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી