“નુક્સાન” – આજના દરેક ફેમેલી એ વાંચવા જેવી વાત !!

A young man that has an intense headache.

શ્રુતિ દરરોજ ની જેમ નાસ્તો તૈયાર કરી ડાઇનિંગ ટેબલ પર સોહમ ની રાહ જોઈ રહી હતી.બાજુ ના ઓરડા માં સોહમ પોતાના ખભા અને કાન ની વચ્ચે મોબાઈલ દબાવી બંને હાથ વડે ફાઈલ ના પાના ઉથલાવી રહ્યો હતો.એક ઇન્ટરનેશનલ કંપની ભારત માં પોતાની શાખા ખોલવા ઇચ્છતી હતી, જેને માટે બેજ કંપનીઓ સશક્ત દાવેદાર હતી અને એમાંથી એક કંપની સોહમ ની હતી.

શ્રુતિ એક માધ્યમ વર્ગીય કુટુંબ ની દીકરી હતી.બાળપણ માં પિતા ના આકસ્મિક મૃત્યુ થી માતા ના વાત્સલ્ય હેઠળ ઉછરેલી શ્રુતિ જયારે લગ્ન કરી સોહમ ને ત્યાં આવી ત્યારે એની માતા એકલી પડી ગઈ હતી.શ્રુતિ અઠવાડિયા માં એકવાર માને મળી આવતી. સોહમ ઓફિસે જતા એને માતા પાસે છોડી જતો અને પાછા ફરતી વખતે સાથે લઇ લેતો. મોટેભાગે તે ઘર માં જવાનું ટાળતો. લાગણીવેડા માં તે પોતાનો કિંમતી સમય બગાડતો નહીં .શ્રુતિ એની પાછળ નું કારણ જાણતી હતી તેથી કશું બોલતી નહીં .સોહમ બાળપણ થીજ માતા પિતા ની છાયા ગુમાવી બેઠો હતો . ભૌતિક સમૃદ્ધિ પાછળ ની એની આંધળી દોડે એને લાગણી અને સંવેદનાઓ થી ઘણો દૂર કરી દીધો હતો.

અચાનક રંણકેલા ફોન થી શ્રુતિ ચમકી ઉઠી.બાજુ ના ઓરડા માં હજી આંકડાઓ ની આપ – લે ચાલુ હતી.શ્રુતિ એ રીસીવર ઉઠાવ્યું પરંતુ સામેની બાજુ થી બોલાયેલા શબ્દો સાંભળી એ કશું બોલી શકી નહીં .એની આંખો માંથી આંસુ સરી પડ્યા.રીસીવર નીચે મૂક્યા વિનાજ એણે ચીસ પાડી :

“સોહમ……! ”

બાજુ ના ઓરડા માંથી સોહમ દોડતો આવી પહોંચ્યો.શ્રુતિ નો આટલો
ઊંચો અવાજ એણે આ પહેલા કદી સાંભળ્યો ના હતો.શ્રુતિ નાં હાથમાંથી રીસીવર લઇ નીચે મૂકતા સોહમે પૂછ્યું :

“શું થયું શ્રુતિ ?”

” મમ્મી…..એમને હોસ્પિટલ લઇ જવી પડશે….!!!!”

શ્રુતિ ના ટૂંકા વાક્ય થીજ સોહમ આખી પરીસ્તીથી સમજી ગયો.છેલ્લા પંદરેક દિવસ થી શ્રુતિ ના માતા ખુબજ બીમાર રહેતા હતા. ડોક્ટર પણ દવા ની સાથે દુઆ કરવા ની સલાહ આપી ચૂક્યા હતા.શ્રુતિ છેલ્લા બે અઠવાડિયા થી દરરોજ માતા ને મળી આવતી . પણ આજે એમની તબિયત વધુ બગડી હતી.

સોહમ થોડો વિચલિત થયો. આજ નો આખો દિવસ બહુ વ્યસ્ત હતો. એની પાસે બિલકુલ સમય ન હતો. એ વખતે આવા અણધાર્યા સમાચાર થી એ અકળાઈ ઉઠ્યો.એણે શ્રુતિ ને સમજાવવા પ્રયત્ન કર્યો :

” શ્રુતિ , આજે મારી બહુ જરૂરી મિટિંગ છે. હું ડરાઇવર ને મોકલાવું છું . તું મમ્મી ને લઇ ને ……………….”

શ્રુતિ ફાટી આંખે સોહમ તરફ જોઈ રહી . શ્રુતિ ના ચ્હેરા ના ભાવો એ સોહમ ને આગળ બોલતા અટકાવી દીધો. એ જાણતો હતો કે શ્રુતિ ને આજે એની વધુ જરૂર છે.પણ એની મિટિંગ પણ એને માટે એટલીજ જરૂરી હતી.શ્રુતિ ની આંખો માં ક્રોધ ને હતાશા પ્રતિબિંબિત થયા. છેવટે સોહમ બોલ્યો :

“ઠીક છે . તું તૈયાર થઇ જા .હું ગાડી કાઢું છું !”

શ્રુતિ બીજા ઓરડા માં જતી રહી.સોહમ નો શ્વાસ રૂંધાવા લાગ્યો. આ મિટિંગ ની એ કેટલા દિવસો થી રાહ જોઈ રહ્યો હતો. સેક્રેટરી ને એણે ફોન પર જરૂરી સૂચનાઓ ફટાફટ આપી.શ્રુતિ તૈયાર થઇ ચૂકી અને બંને સીધા શ્રુતિ ના ઘરે પહોંચ્યા. કામવાળી ને ઘર સોંપી ને માતા ને લઇ તેઓ હોસ્પિટલ જવા ઉપડ્યા .આખા રસ્તે શ્રુતિ ધ્રુજી રહી હતી . એની માતા આજે જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહી હતી.સોહમ નું ધ્યાન હજી પણ આંકડાઓ અને મિટિંગ વચ્ચે રમી રહ્યું હતું.

હોસ્પિટલ પહોંચ્તાજ પરિસ્થિતિ વધુ નાજુક બની ચૂકી હતી. આઈ સી યુ ના એ બંધ ઓરડા માં માતા ની સારવાર ચાલુ હતી.થોડાજ સમય માં ડોક્ટર બહાર આવ્યા અને એમના શબ્દો થી શ્રુતિ તૂટી પડી :

” સોરી ,એમની પાસે બહુ ઓછો સમય છે. તમે એમને મળી શકો છો !”

સોહમે છેલ્લી વાર માતા ને મળી આવવા શ્રુતિ ને હિમ્મત આપી. શ્રુતિ આઈ સી યુ માં ગઈ અને સોહમ એકલો પડ્યો. સેક્રેટરી ને ફોન લગાવ્યો પણ સામેથી કોઈ પ્રતિક્રિયા જ નહીં . તેનો બધો ગુસ્સો સેક્રેટરી તરફ ઠલવાઇ રહ્યો હતો.પોતાની નિઃસહાયતા સોહમ ને અસહ્ય લાગી. એક વ્યક્તિ જેનું વર્તમાન સમાપ્ત થવા ની તૈયારી માં હતું એ એના ભવિષ્ય ની આડે આવી રહી હતી, એક મોટું નુકસાન નું નિમિત્ત બની! શ્રુતિ આઈ સી યુ માંથી બહાર આવી બોલી રહી :

“મમ્મી તમને મળવા માંગે છે !”

સોહમ થોડો અચકાયો.આજ સુધી એણે કદી એમની જોડે વધારે વાતો કરી ન હતી.એણે ધીમે થી આઈ સી યુ નો દરવાજો ખોલ્યો. સામે બે જડ આંખો એની રાહ જોઈ રહી હતી. સોહમ ને જોતાજ એ આંખો માં થોડી ચેતના પ્રસરી. સોહમ બાજુ ના ટેબલ પર ગોઠવાયો. શું કહેવું એની મથામણ માં પડેલા સોહમ ને સંબોધી ને એ મુશ્કેલી થી બોલ્યા :

“બેટા , તું અમારો બહુ ખ્યાલ રાખે છે. તેથીજ તો આજે પોતાનું બધુજ કામ છોડી આ વૃધ્ધા માટે અહીં દોડી આવ્યો !”

સોહમ ને થોડો આંચકો લાગ્યો.હાંફતાં શબ્દો થી ઝંખવાળો પડી ગયેલો સોહમ નીચી નજરે ચુપચાપ બધું સાંભળી રહ્યો હતો .

” બેટા , આ ગરીબ પાસે તને આપવા માટે કશું નથી . મારી બધીજ પૂંજી મારી દીકરી છે ,જે હું તને પહેલે થીજ આપી ચૂકી છું .”

લાગણીવેડા માં ન માનનારો માણસ આજે આ શબ્દો થી કોઈ જૂદીજ ભાવના અનુભવી રહ્યો હતો .

” હું ઈશ્વર પાસે હંમેશા તારી સફળતા માટે સતત પ્રાર્થના કરતી આવી છું .આજે મરતા પહેલા હું તને એજ આશીર્વાદ આપી ને જવા ઇચ્છું છું કે તું જીવન માં હંમેશા સફળતા પામે . તને કદી કોઈ નુકસાન નો સામનો કરવો પડે નહીં !”

બે વૃદ્ધ આંખો મીંચાઈ ગઈ . બીજી બે આંખો ધીરે ધીરે ઉઘડી રહી હતી .ઢીલા પગલે સોહમ આઈ સી યુ માંથી બહાર આવ્યો. સોહમ નો ચ્હેરો જોઈ શ્રુતિ બધું સમજી ગઈ અને એ સીધી આઈ સી યુ માં દોડી ગઈ.સોહમ ને મિટિંગ માં ન જવા થી જે નુકસાન થયું હતું એના કરતા વધારે મોટું નુકસાન થવા નો અનુભવ થઇ રહ્યો હતો. વાઈબ્રેટ થઇ રહેલા મોબાઈલ એ એને સચેત કર્યો.એણે ફોન ઉઠાવ્યો . સેક્રેટરી નો અવાજ સાંભળ્યો.:

” ઇટ્સ અનબિલીવેબલ સર ! કોન્ટ્રેક્ટ આપણને મળી ગયો છે. આકસ્મિક સંજોગો ને લીધે તમારા પ્રતિસ્પર્ધી પણ મિટિંગ માં ન આવી શક્યા. પ્રપોઝલ ના ડોકયુમેન્ટ ના આધારે નિર્ણય લેવાનું નક્કી થયું અને આપણા પ્રપોઝલ થી ઈમ્પ્રેસ થઇ કોન્ટ્રેક્ટ આપણી કંપની ને આપવા માં આવ્યો.”

સોહમે ફોન કટ કર્યો. એ જાણી ચૂક્યો હતો કે એ ચમત્કાર નહીં એક માં ના હૃદય ના ઊંડાણ માંથી નીકળેલા આશીર્વાદ હતા !પોતાની જાત પર શરમાતો સોહમ ધ્રુજતા પગે બાજુ ના બાંકડા પર ફસડાઈ પડ્યો……

લેખક : મરિયમ ધુપલી

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી