દિવાળી તો અટે કટે, પણ હોળી તો વટે જ એ ઉક્તિને સાર્થક કરતો તહેવાર એટલે હોળી કેમ કે તમે કેટલા પણ પ્રયત્નો કરો આ હોળીનો તહેવાર એમના માનસ પટલ પરથી ક્યારેય ન હટે “

હોળી જેમને માટે માત્ર એક તહેવાર જ નથી પણ એ એમનામાં આખા વર્ષનું જોમ પૂરી આપનાર ઇંધણ પણ છે. એ આદિજાતિ પ્રજા જે ગુજરાતના ડાંગ , છોટા ઉદેપુર, ડેડીયાપાડા અને નેત્ર્રંગ વિસ્તારમાં રહે છે.આ સિવાય કેતલાક શ્રમયોગી રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ઊંડાણવાળા અન્તીયા આખું વર્ષ તનતોડ મહેનત કરી તેઓ જે કાઈ ઉપાર્જન મેળવે છે તેનો એક મહત્વનો ભાગ તેઓ આ હોળીનાં તહેવાર માટે બચાવી રાખે છે. હોળીના તહેવારના પંદર દિવસ જ તેઓ વતન જવાની તૈયારી શરુ કરી દે છે અને હોળી પછીના પંદર દિવસ સુધી તેઓ ખૂબ જ આનંદ લુટે છે.

આ હોળીનાં દિવસોમાં તેઓનું વતનની વાટ પકડવાનું એક કારણ એ પણ છે કે આ શ્રમયોગીઓ રાજ્ય અને દેશના અલગ અલગ જગ્યા રોજગાર મેળવાના હેતુથી જાય છે આથી વર્ષના બીજા દિવસોમાં તેઓ વતનમાં મોટે ભાગે હોતા જ નથી આથી એકબીજાને મળવું હોય તો વર્ષમાં તેઓ એક જ વાર મળતા હોય છે. અને એ દિવસ છે હોળી. હોળીનો આ તેહવાર તેઓ માટે એક મિલનનો અવસર લઈને આવે છે.વિખરાયેલા ભેગા થાય છે.

આ આદિવાસી શ્રમયોગી ભાઈ બહેનો આ તહેવારને લઇ એટલા બધા ઉત્સાહી હોય છે કે આ તહેવાર દરમિયાન કોઈ કેટલું પણ પ્રલોભન આપે પણ તેઓ વિચલિત થયા વગર તેને જતું કરે છે. કોઈ કેટલું પણ રોકે એ રોકાતા નથી. તેઓના તનમનમાં માત્ર અને માત્ર હોળી ધૂળેટીનો જ રંગ ચઢેલો હોય છે. એ રંગ હોળીના પંદર દિવસ પહેલા જ ચઢવાનો શરુ થઈ જાય છે. હોળીના આ દિવસોમાં જ તેઓ નવા કપડા પણ ખરીદતા હોય છે. આમ તો તેમનું રોજનું પકવાન બાજરી ને જુવારનો રોટલો હોય છે પણ હોળીના આ દિવસોમાં તેઓ પણ મીઠા પકવાન આરોગે છે. તેઓ મોટે ભાગે જલેબી અને મીઠાઈ ખરીદીને ખાતા હોય છે અને એકબીજાને ખવડાવતા હોય છે.

જેઓ આપણા શહેર ગામ અને ફળિયાના રસ્તાઓ અને ભવનોના વિશ્વકર્મા ગણાતા આ શ્રમયોગી જેમના હાથ નીચે કામ કરે છે તે શ્રમયોગીઓ જેવા હોળીના દિવસોમાં વતનની વાટ પકડે છે કે આ કોન્ટ્રાટરોને આ દિવસો દરમિયાન શ્રમયોગીઓનો બીજો વિકલ્પ શોધવામાં ઘણી તકલીફ પડે છે આથી તેઓ પણ આ દિવસો દરમિયાન બાંધકામ કાર્ય બંધ જ રાખવાનું વધુ યોવ્ય સમજે છે કારણ તેઓ પણ આ શ્રમયોગીઓની કાર્યશૈલીથી ટેવાઈ ગયેલા હોય છે આથી તેઓને બીજા શ્રમયોગીઓ સાથે કામ કરવાની ફાવટ નથી આવતી.આ આદિવાસી શ્રમયોગીઓ ખડતલ બાંધાના હોવાથી તેઓ વધુ બળપ્રયોગવાળા કાર્યો પણ સારી રીતે પાર પાડવામાં પારંગત હોય છે. કેટલા શ્રમયોગીઓ તો તેમના બાંધકામના કાર્યમાં એટલા બધા પાવરધા થઇ જાય છે કે ક્યારેક ક્યારેક તો તેઓ તેઓના શેઠના મોટાભાગના કામની જવાબદારી એકલા ઉપાડતા થઈ જાય છે એમાંથી જ કેટલાક જે થોડું ઘણું ભણેલા હોય છે તેઓ પણ નાના મોટા કામના ઠેકા લેતા થઇ જાય છે.

હોળીના તહેવાર ઉજવવા માટે તેઓ પણ થોડા થોડા રૂપિયા તેમના ઠેકેદાર પાસે જમા કરવાતા રહે છે. તેઓ પણ આ રીતે બચત કરવાનું શીખી ગયા છે કે જેથી હોળીના તહેવારમાં તેઓને કોઈની પાસે નાણા ઉધાર માંગવા ન પડે. તેઓ પણ સ્માર્ટ ફોન વાપરતા થયા છે. એક શ્રમયોગીને તેના બીજે ઠેકાણે કામ કરતા ભાઈ સાથે થોડી વાત કરતા સાંભળવામાં આવેલું ત્યારે જાણ્યું કે તેઓ પણ હવે મુલાકાતનું સ્થળ અને વાર એકદમ વ્યવસ્થિત રીતે નક્કી કરતા થયા છે.


હોળીના તહેવાર દરમિયાન તમે ગમે તેટલા પ્રલોભન આપો, બમણી રકમ આપવા તૈયાર થાવ તો પણ તેઓ તમારા એ પ્રલોભનને ઠોકર મારવા તૈયાર :

એક સ્થાનિક ઠેકેદાર પાસેથી એવું પણ જાણવા મળ્યું હતું કે હોળીના દિવસો દરમિયાન તમારું મહત્વનું કામ હોય અને તમે એમને બમણા નાણા આપી રોકવા માંગો તો પણ તેઓ નથી રોકાતા. બસ એક જ જિદ્દ પડકી બેસે છે વતન જાવું છે. આ છે તેમનો હોળીના તેહવાર પ્રત્યેનો પ્રેમ. એક અલગ જ ઉત્ત્સાહ સાથે તેઓ વતન તરફ જવા નીકળી પડે છે. જે તે સ્થળે કામ કરતા હોય તે શહેરની વખણાતી વાનગી , વસ્તુ અને કપડા પણ તેઓ લઇ જાય છે. તેઓ એવું કહે કે “અમારા માટે આ તહેવાર એટલે દુનિયાના કોઈ પણ તહેવાર કરતા મોટો તહેવાર તમે અમને દિવાળીમા કે અન્ય મહત્વના તહેવારોમાં ગમે તેટલું રોકો કામ આપો અમે કરીશું પણ હોળીના દિવસોમાં અમને માફ કરો સાહેબ! આ તેહવાર તો અમારા આખા વરહમાં જાગતી આંખે જોયેલું એક સ્વપનું છે”

સ્વભાવે થોડા ગરમ એવા આ શ્રમયોગીને જો કોઈ હોળીના તહેવાર વિષે અજગતું બોલે તો તેઓને અપમાન જેવું અનુભવાય છે. જે તેમનો તહેવાર પ્રત્યેનો અપ્રિતમ પ્રેમ દર્શાવે છે. એક આસ્થા સાથે તેઓ આ તેહવારને માણે છે અને એમાંથી કંઇક નવું જાણે છે. હોળીના બીજા દિવસે પણ તેઓ એટલા જ ગેલમાં આવી મૌજ કરતા જોવા મળે છે. તેઓને આટલા ખુશ જોઈ એવું જ લાગે કે તેઓ આખા વર્ષની ઉર્જા ભેગી કરવા માટે વતનની વાટ પકડતા હોવા જોઈએ અને એવું જ બને છે. તહેવાર પૂર્ણ થયા પછી તેઓ કોઈ આકસ્મિક કારણ હોય તો જ વતન જાય છે બાકી તેઓ ભલા અને તેમના રસ્તાઓ અને ભવનો ભલા. આપણે જે સડકો પર પુરપાટ વાહનો દોડાવીએ છીએ તે ડામરના રસ્તાઓ પર ભર તાપમાં કામ કરવાની જે હિમ્મત દાખવે છે તે આ શ્રમયોગીઓ જેઓના આ ઉત્તમ કાર્યને ખરેખર વંદન કરવા જેવા છે.

હોળી માતાની પૂજા સાથે તેઓ તેમનું પારંપરિક લોકનૃત્ય પણ કરે છે. અને એકબીજાને રંગવામાં કેસુડાના ફૂલોના અર્કનો ઉપયોગ કરે છે.


ડાંગ જીલ્લામાં આ હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબારનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ હસ્તકલાની વસ્તુઓનું વેચાણ થાય છે. આ મેળો(દરબાર) હોળીના દિવસોમાં એટલા માટે પણ ભરવામાં આવે છે કે આ દિવસોમાં દરેક આદિવાસી ભાઈ બહેન પોતાના વતનમાં મોટે ભાગે ઉપસ્થિત હોય છે. એવું કહેવું જરા પણ ખોટું નથી કે ખરેખર આ ડાંગ દરબાર તેઓ માટે જ યોજાતો હોય છે અને અને આ ડાંગ દરબાર હોળીના દિવસથી લઈને ત્રણ દિવસ સુધી ચાલે છે જેના રંગમાં તેઓ જ નથી રંગાતા પણ દેશ વિદેશથી આવતા સહેલાણીઓ માટે પણ આ ડાંગ દરબાર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે જે આપણા પ્રવાસન ઉધોગને પણ પીઠબળ પૂરું પાડવામાં ઉપયોગી બને છે.

આવા જ નાના મોટા મેળા અને હાટ બજારો છોટા ઉદેપુર,કવાંટ, સાગબારા, સેલંબા, ડેડીયાપાડા, નેત્રંગ જેવા આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં હોળીના તહેવાર દરમિયાન યોજાતા હોય છે. આ હાટ અને મેળાઓનું પારંપરિક આકર્ષણ તેમને વતન તરફ ખેંચી જાય છે અને એ વતન પ્રેમીઓને આપણા સ્વાર્થ રોકવા એ પણ અપરાધ ભાવ જ ઉભો કરે છે.લોકગીતોની ઓડિયો કેસેટો, વિડીઓ સીડી, કપડા, ચાંદીના ઘરેણા પણ તેઓ આ હોળીના તહેવાર દરમિયાન યોજાતા મેળામાંથી ખરીદે છે.

ખરા અર્થમાં તો તેઓ આખા વર્ષની ખુશીઓ ખરીદી લાવે છે અને જેને આવતી હોળી સુધી થોડી થોડી ખર્ચ કરતા રહે છે. એક ખાનાબદોસ જિંદગી જીવતા આ આદિવાસી શ્રમયોગીઓ પાસેથી એ શીખવા મળે છે કે નિર્ભય થઈને આજમાં જીવો અને આવતીકાલ માટે થોડી થોડી ખુશીઓ ખરીદવાનું અર્થ જમા કરતા રહો પછી એ ખુશીઓ જીવનની હાટમાંથી ખરીદો અને જરૃરિયાત મુજબ ખર્ચ કરતા રહો.
તેઓ પાસેથી એ પણ શીખવા મળે છે કે જે મહેનતનું કામ ખંત પૂર્વક કરતા રહો અને એટલા થાકી જાવ કે રાતે ઊંઘ સારી આવે. ઊંઘ માટે તમને ઊંઘઆવવવાની દવા લેવી ન પડે.

એ પણ શીખવા મળે છે કે નિશ્ચીંત રહો , પરસ્પર ઝગડો થાય તો પણ એને વહેલી તકે ભુલાવી ભરી ભેગા થઈ કાર્ય કરવા લાગી જાવ. નિખાલસ રહો અને રાખો અને આવતીકાલની ચિતા પરમકૃપાળુ પરમાત્મા પર છોડી દો.

પ્રસ્તુત લેખ મારા નીજી અનુભવ અને સંબધિત લોક પરિચયને આધારે લખેલ છે. જેનો એક માત્ર આશય આપણી અનેકતામાં એકતાવાળા ભારત દેશની સન્સ્કૃતિ પ્રત્યેનો મારો આદર છે. તમને જો આ લેખ ગમ્યો હોય તો જરૂર પ્રતિભાવ આપશો અને અન્યન પણ જણાવશો.

વંદન

લેખક : નરેન કે સોનાર ‘પંખી’

દરરોજ અવનવી માહિતી જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી