જીવન સંઘર્ષ! – જીવનમાં સંઘર્ષ કર્યા વગર ક્યારેય સફળતા મળતી નથી, વાંચો આ નાનકડી વાર્તા અને શીખો…

જીવન સંઘર્ષ !

આજે સવારના દાદર ઉતરી ઘરનો દરવાજો ખોલ્યો. તો એક અલગ જ જિંદગીનો સંઘર્ષ નજરમાં આવ્યો.
એક મધમાખી સાવ શુષ્ક થયેલ પગથિયા પર પડી હતી.
મારા ભુતકાળના નિરિક્ષણથી સમજવામાં આવી ગયુ કે આ મધમાખી આ શિયાળાની ઠંડીમા રસ્તો ભટકતા અહિ આવી હશે. પોતાની જિંદગી ટકાવી રાખવા સતત લેંમ્પની નજીક રહીને ગરમીમાં રહેવા સતત ઉડતી રહી. થાકી જતા નીચે પટકાઇને પડી હોય .

તેને કાગળના ટુકડા વડે કાળજીપૂર્વક ઉચકીને પાસે રહેલા સિમેન્ટના થાંભલામા એ રીતે મુકી જેથી ઉગતા સુરજનો પ્રકાશ તેના પર પડે.

હું મારી દિનચર્યા પુરી કરીને કલાક બાદ મારા ક્લિનિક જવા નીકળ્યો, તો જોયુકે મધમાખી મારી કાર નજીક પોતાની મસ્તી મા ઉડતી હતી. જેવો કારનો દરવાજો ખોલીને બેસવા ગયો કે તરત જ મારા ચહેરા નજીક ક્ષણવાર આવીને દુર પોતાના રસ્તે નીકળી.

મને તેનો આ સંઘર્ષ જોઇને થયુ કે કેવડી નાની અમથી મધમાખી અને કેવો તેનો સંઘર્ષ ! પોતાના અસ્તિત્વ ને ટકાવી રાખવા કેવો સંઘર્ષ કરીને મુસીબતની રાત પસાર કરી લીધી .

આવી જ સર્જનસભર જિંદગીની લડાઇ મારા પરિચિત એવા પુનિતાબહેનની છે.

આજથી થોડા વર્ષ પહેલા જયારે મે રાજકોટમાં ક્લિનિક શરુ કર્યું , તે સમયે દવાખાનાની સાફસફાઈ અને કચરાપોતા કરવા માટે પુનિતાબહેન ને કામગીરી સોપી. રોજ સવારે ૯-૦૦ કલાકે દવાખાનું ખોલુ તો એવુ ચોખ્ખુંચણાક હોય કે તેમની કામગિરી પર માન થાય .

તેમની ઉમર તો હશે ૪૨ વર્ષ આસપાસ. પણ ,દેખાવે વધુ ઉમરલાયક જણાય. હું તેમને માનથી માજી જ કહેતો.
એકવાર જયારે પગાર લેવા આવ્યા ત્યારે તેમને નિરાતે બેસવાનુ કહ્યું . તેમની જિંદગીના સંઘર્ષની વાત જાણી.
અેજ વાત આપના સમક્ષ રજુ કરુ છુ.

સમયની થપાટ પડવાની હોય તેમ તેમની ભરયુવાનીમાં જ તેમના પતિનું અવસાન થયુ. ૩ બાળકો અને પુનિતાબહેન.એમને હવે આ બાળકોને મોટા કરવા અને પોતાના જીવનનિર્વાહ માટે શુ કરવુ તેવો સવાલ સામે ઉભો થયો ?.

પણ હિમ્મત હારે એ પુનિતાબહેન નહિ. એ જયાં રહેતા તે આસ-પાસના વિસ્તારના દરેક દવાખાનામાં જઇને ડોક્ટર સાહેબને મળી તેમના દવાખાનામાં સાફસફાઈ ના કામ કરવા લાગી ગયા. થોડા વર્ષમા મોટો દિકરો મનિષ પોતાનુ મન ભણતરમા ન લાગતા કારખાનામા મજૂરીકામ કરવા લાગ્યો. તેના લગ્ન પોતાની શક્તિ મુજબ મંજુ સાથે કરાવી દિધા. પરંતું મનમેળ ના રહેતા તેને પોતાનાજ ઘરમા અલગ રુમ રહેવા આપી દીધો .

હવે શિતલ અને સાગર ને ભણાવવા અને પુનિતાબહેન પોતાના કામમા પ્રવૃત રહેવા લાગ્યાં છે. ના કોઇ જ ફરિયાદ કે ગુસ્સો પોતાના મોટા દીકરા મનિષ કે તેની પત્ની મંજુ પર. શિતલ ૯ ધોરણ સુધી ભણીને તેનો જીવ ભણવામાં ન લાગતા ભણતર છોડી દે છે. સાગર ભણતરમા હોશિયાર પુરવાર થયો. એટલે મારી સલાહથી તેને બી.ફાર્મ કરવા આણંદ મુકયો.

સમય જતા શિતલ યુવાન થાય છે. તેને યોગ્ય પાત્ર મળતા તેના લગ્ન રાજકોટમાંજ કરાવી આપે છે.

હવે સાગર બી.ફાર્મ થયોને સિવીલમા કરારબદ્ધ નોકરી મળતા તે સ્વીકારી લે છે.
સાગર પોતાનો પહેલો પગાર મળતા જ ૭૦૦૦ રુ. માના હાથમાં મુકીને હવે પારકા કામ કરવાનું બંધ કરવાનુ વચન માગે છે. તો પુનિતાબહેન કહે છે કે બધાજ કામ મુકી દઇશ પણ પંડ્યાસાહેબનુ કામ ચાલુ રાખવાની છુટ આપ તો વચન આપુ.

સાગર ૧ વર્ષ નોકરી કરે છે ત્યા તેને આણંદથી સમાચાર આવે છે કે એમ ફાર્મ કરવુ હોય તો એડમિશન મળી જસે.

બંને મને મળીને નક્કી કરે છે કે સાગર એમ ફાર્મ કરશે. અને સાથે આણંદમા જ કોઇ પાર્ટ-ટાઇમ ની નોકરી પણ કરશે.

આ વાત ને ૩ વર્ષ વિતી જાય છે. સાગર સારા માર્ક સાથે એમ ફાર્મમાં ગોલ્ડ મેડલ મેળવે છે. સાથે જ તેને પ્રોફેસર તરીકે કોલેજ માં જ નોકરી પણ મળી .

કયારેય પરિસ્થિતિ ને સામે હાર નહિં માનવાની ને નિરાશાને તો નજીક ફરકવા નહિ દેવાની વૃતિથી પુનિતાબહેનનુ તો જીવન સફળ બની જાય છે.

આ રીતે જો જિંદગીમાં કયારેય હિમ્મત હાર્યા વગર જો જઝુમવાનુ રાખવામાં આવે તો !?.
કેવા સફળતાપૂર્વક પોતાના લક્ષ્ય ને સિદ્ધ કરી શકાય !.

આથી જ તો ગીતાજીમાં કહયુ છે, કર્મ કરતો જા ફળની આશા નહી રાખવાની.
જેવુ કર્મ હશે તેવુ ફળ જરુર મળશે.

લેખક : ડો.નચિકેત એ. પંડયા.

દરરોજ આવી નાની નાની અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી