નોટબંધીનો પ્રસાદ – વાંચો મુકેશ સોજીત્રાની હળવી કલમે

સૌરાષ્ટ્રમાં આવેલું ગામ. ગામ નાનું એવું પણ પંચરંગી વસ્તી ધરાવતું એવું ગામ. ગામની બાજુમાં એક નાનકડી નદી !! પહેલા તો બારેમાસ પાણી વહેતું પણ હવે ચોમાસામાં જ લીલી રહે બાકી આઠ મહિના સૂકી નદી.. થોડે દૂર નદીને કાંઠે એક નાની એવી ટેકરી, બે ત્રણ વડના ઝાડ એક લીમડો અને આજુબાજુ બાવળીયા ની કાંટય!!! ટેકરી ની નીચે વિશાળ જગ્યા ત્યાં નાનું એવું એક મંદિર વરસો સુધી અપૂજ રહેલું પણ ઘણાં સમય પહેલા ત્યાં કોઈ એક સાધુ આવેલો, જગ્યા સારી જોઈ એટલે રોકાઈ ગયો, એય ને કદાવર કાયા માથા પર જટા અને હાથમાં ચીપિયો અને આખા શરીરે રાખ ચોપડેલી હોય.!! આમેય આ મંદીરે લગભગ કોઈ જતું નહીં… કયારેક વળી રજા હોય ત્યારે છોકરાઓ આંબલી પીપળી રમે, ગામનાં ગોવાળિયા ધણ ચરાવવા જાય ત્યારે એ અહી રોકાઈ અને જયા પાર્વતી કે મોળાકતનું વ્રત આવે ત્યારે નાની દીકરીઓ ત્યાં રમવા જાય. બાકી સુમસાન જગ્યા પણ જમીન નો પટ એકદમ સીધો અને સપાટ!! સાધુ શરૂઆતમાં મંદિરની બહાર જ સૂઈ રહેતો. અને કોઈ કદાચ આપે એ ખાઈ લે!! ના આપે તો જય સિયારામ એમ ને એમ સૂઈ જાય!! થોડાક દિવસોમાં તો ગામમાં ખબર પડી કે મંદિરે સાધુ આવ્યા છેને બહુ ચમત્કારિક છે!! સાધુ અને ચમત્કાર અમારા કાઠીયાવાડ માં સમાનાર્થી શબ્દમાં આવે!! ગમે એવો ભડ ભાદર હોય , બહુ લોંઠકો કે કાંડા બળીયો હોય , લીંબુની ફાડ જેવી આંખો હોય અને પૂળો પૂળો મૂંછો હોય પણ સાધુને ભાળે એટલે વાંકો જ વળી જાય!! લોકોની આવન જાવન વધી!! સાધુમાથી એ હવે બાપુ તરીકે સ્વીકારાઇ ગયાં!! પછી તો માણસોની ભીડ વધવા લાગી.લોકો માંડ્યા આવવા અને સાથે લાવવા લાગ્યા ભેટ સોગાદ !! જેવી જેની શક્તિ એવી એની ભક્તિ !! બાપુ અને મંદિરે ધીમે ધીમે જમાવટ લીધી!! શ્રાવણ માસમાં તો વળી બાપુને બખ્ખાં થઈ ગયાં. માણસો અનાજ દૂધ ઘી અને ખાવાની અનેક ચીજો લાવવા લાગ્યાં!!

બાપુ શરૂઆતમાં ખુબજ ઓછું બોલતા કોઈ આવે તો “આજા મેરે પ્યારે” અને જાય તો “આતે રહેના મેરે પ્યારે” એવું બોલે !! પછી ધીમે ધીમે તુલસી દાસજીઈની ચોપાઈ બોલવા માંડ્યા !! જેમ માણસો વધતા ગયાં એમ બાપુનું બ્રહ્મજ્ઞાન પણ વધતું ગયું. બ્રહ્મજ્ઞાન એક એવી વસ્તુ છે કે જેમ ભીડ થતી જાય એમ બ્રહ્મજ્ઞાન પણ ઘોડાપૂરની જેમ ઉમટી પડે!! સુમસાન રહેતું એ મંદિર અને વગડો હવે માણસોની મેદની થી ભરાવા લાગ્યો. થોડાં વખતમાં ગામનાં ડાહ્યા માણસો થયાં ભેગાં અને નક્કી કર્યું કે બાપુ બહાર સુવે એમાં ગામની આબરૂ નહીં માટે એક નાનકડી ઓરડી બનાવી દઈએ.. બાપુએ ના પાડીને કહ્યું કે

“ ઐસી કોઈ જરૂરત નહીં હૈ હમ તો સાદા જીવન જીને વાલે લૉગ હૈ, યહ સબ ચીજે તો મોહ માયા હૈ. હમ જૈસે તપસ્વી કો યહ કુછ નહીં ચાહીએ, હમ તો યહ સબ મોહ માયા ત્યાગ ચુકે હૈ , યહ ચીજ તો સબ દિખાવા હૈ, સત્ય નામ તો એક હરિભજન હી હૈ ” લોકો અભિભૂત થઇ ગયાં.

પણ વાત માને તો ગામ શેનું?? અને એ ડાહ્યા માણસો તો મંડી ગયાં બાપુના મકાન માટે ફાળો કરવાં!! અને આમેય આ ગામનાં લોકોની એક ખાસિયત હતી કે તમે ના પાડો એ પહેલું કરે!! અને શરૂ થયો ફાળો જેની ઘરે કાચાં મકાન હતાં એણે પણ સિમેન્ટની થેલીઓ લખાવી, જેમની ઘરે સંડાસ નહોતું એ લોકો ટાઈલ્સની પેટિયું લખાવતા હતાં. અમુકે રોકડા પૈસા લખાવ્યા. અમુકે પોતાના ટ્રેકટર આપ્યાં કામ માટે!! આમ સહુ પોતાની યથા શક્તિ મુજબ ફાળો લખાવવા લાગ્યાં!! અને છ મહિનામાં જ એક મોટો ભવ્ય કહી શકાય એવો આશ્રમ થઈ ગયો. જોકે આ ગામમાં એક નિશાળ પડું પડું થઈ ગઈ હતી પણ એ અલગ વાત છે. આમેય શિક્ષણ કરતાં ધરમ મોટો છે એવું ગામલોકો મક્કમ મને માનતા હતાં. બાપુ માટે પૂજાનો અલગ રૂમ, રાતે આરામ કરવાનો અલગ રૂમ, અને એય પાછો સંડાસ બાથરૂમની સંકલિત વ્યવસ્થા ધરાવતો એટેચ્ડ રૂમ. આવો આશ્રમ બંધાયા પછી તો ગામમાં અને આજુબાજુના ગામમાં પણ વાતો થવા લાગી કે નક્કી બાપુ દિવ્ય પુરુષ છે દિવ્ય!!!! બાકી આટલાં ટૂંકા સમયમાં આવો આશ્રમ બને જ નહીં.. આમેય આપણે બળ કરીને તૂટી જઈએ તોય બાપદાદાએ નાંખેલો વાંસડો પણ નથી બદલાવી શકતા મકાનમાં!!! અને આની પાસે એક ચીપિયા સિવાય કાઇ નહીં ને છ મહિનામાં એક આશ્રમ કરી દીધો આશ્રમ!! વળી બાપુ પાસે એક રૂપિયો પણ નહોતો તોય આટલું ભવ્ય બાંધકામ થઇ ગયું માટે બાપુ છે સિદ્ધિ વાળા એમાં ના નઇ!! હવે તો બાપુની શાખાઓ અને સુવાસ છેક સુરત સુધી પહોંચી અને પછી તો કોઈ ધાર્મિક તહેવારો હોય અને માણસો ઉમટી પડે આશ્રમમાં!! જૂનું મંદિર એની જગ્યાએ રહ્યું અને બંધાણું નવું મંદિર!! થઈ પ્રાણ પ્રતિષ્ઠા..!! આશ્રમ દિવસે ના વધે એટલો રાતે વધે!! ચારેય બાજુની પડતર સરકારી જમીન વાળી લીધી અને આશ્રમ માં ખેતી પણ થવા લાગી. દૂધ માટે ગાયો આવી ગઈ. મંદિરની સેવા પૂજાઓ માટે સ્ત્રીઓ આવી ગયાં. ગામમાંથી માણસો ઘટતાં ગયાં અને બાપુના સેવકો વધતાં ગયાં!!

અને પછી તો આશ્રમે પ્રગતિમાં પાછું વાળીને ના જોયું. બાપુ અને આશ્રમે જોરદાર પ્રગતિ કરી. શરૂઆતમાં બાપુ ખાલી આશીર્વાદ જ આપતા પછી તો બાપુ માથું દુખે કે પેટમાં દુખે એજ મટાડતાં પણ પછી તો એણે રીતસરની પ્રેક્ટિસ જ શરૂ કરી દીધી કોઈ પણ રોગ હોય એ એક જ દવાથી મટાડવા લાગ્યાં.!! કમળો હોય , ડાયાબીટીશ હોય કે ગમે એવો હઠીલો વા હોય !! બાપુ મટાડી જ દે જો તમારામાં શ્રદ્ધા હોય તો!! અને જગતમાં મોટાભાગના લોકો દુખી જ છે એટલે લોકો વાહનો લઈને આવવા લાગ્યાં બાપુના ચરણે પડે અને બાપુ એને ભભૂતીની પ્રસાદી આપે અને પછી આવનાર બાપુને પૈસારુપી પ્રસાદી પણ આપી જાય. થોડાં વખતમાં આશ્રમ પડ્યો ટૂંકો અને બીજો માળ પણ લેવાઈ ગયો. અને બાપુ સાત્વિક અને શુદ્ધ જ આહાર જમતાં એટલે બીજી વધારની દસેક ગાયો અને એટલાજ ભાઈઓ સેવામાં રોકાઈ ગયાં. નદીના કાંઠે એક સરસ મજાનું ભોજનાલય થઈ ગયું. પડખે પાર્કિંગ થઈ ગયું. બાપુને વળી કોઈ બોલેરો જીપ પણ આપી ગયું, એને જોઇને બીજા એક ભાઈએ બાપુને ડસ્ટર ગાડી આપી ગયાં!! જે જીવનમાં કોઈ દિવસ સાઇકલ પર નહોતા બેઠા એ હવે બોલેરો અને ડસ્ટર લઈને આજુબાજુની ધરતી ધમરોળવા લાગ્યાં!! બાપુ એ હવે થોડાં થોડાં પ્રવચનો પણ કરવા લાગ્યાં. બાપુની પધરામણી માટે ત્રણ ત્રણ મહિનાનું વેઇટિંગ લિસ્ટ બનવા લાગ્યું. હવે ગામનાં લોકો ઓછા અને બહારગામના લોકો વધુ આવવા લાગ્યાં.. !! આશ્રમની બહાર દુકાનો થઈ ગઈ જેમાં તમને બાપુના ફોટા અને ગળામાં પહેરવાના માંદળીયાં મળી શકે. બાપુની આરતીની ડીવીડી પણ મળવા લાગી. બાપુના મોટા મોટા બેનરો અને સ્ટીકરો મળવા લાગ્યા. શ્રીફળ અને પ્રસાદી ની દુકાનોની લાઈનો થઇ ગઈ !! આઠમ ઉપર અને ભીમ અગિયારશ ઉપર સ્વયંભૂ મેળા ભરાવવા લાગ્યાં. અને પછી શ્રાવણ મહિનામાં આજુબાજુ ના બાળકો પણ પ્રવાસમાં આવવાં લાગ્યાં. પ્રાથમિક શાળાનાં બાળકોના પ્રવાસ થવા લાગ્યા આશ્રમમાં!! ધીમે ધીમે નાના અને મોટા રાજકરણીઓ પણ આવવાં લાગ્યાં એનાં નામનાં બાંકડાઓ નખાઈ ગયાં આશ્રમની આગળ અને પાછળ!!

હવે તો સુરતની મોટી મોટી પાર્ટીઓ આવવાં લાગી અને જમીન લે વેચ માં બાપુની સલાહ લેવા લાગી. બાપુને બે ત્રણ નકશા બતાવે અને પછી સલાહ માંગે કે બાપુ આપ કહો તે જમીન લેવી છે!!! બાપુ એ અવતાર જ લોકોની સેવા માટે લીધો હતો એટલે એ ના પણ કેવી રીતે પાડી શકે અને આમેય બાપુનો સ્વભાવ જ એવો માયાળું કે એને ના પાડતા તો આવડતું જ નહીં. એ કહેતા

“ દેખ રમણલાલ યે પૂના કુંભારિયા કી જમીન હૈ વો મુજે ઠીક નહીં લગ રહી હૈ ઐસા કરો તુંમ યહ અબ્રામા બાજુ કી યહ જમીન લેલો”

અમુક ને વળી દીકરાના લગ્ન માટે કન્યાઓનાં ફોટા લાવે અને બાપુની આગળ મૂકે.. બાપુ એણે પણ સૂચન કરે. “ દેખ રસિક લાલ યહ જો લાલ સાડીમે હૈ વો આપકે ઘરમે બઢિયાં જસેગી, યહ પસંદ કરનાં.”

કોઈ વળી ધંધાનો પ્રશ્ન લાવે તો બાપુ કહે. “તુમ વાપસ હીરા ઘસને કા કારખાના શુરુ કર દો , યહ કાપડ લાઈન મેં તુમ્હારા કુછ ભી ઉકલને વાલા નહિ હૈ “ તો કોઈને વળી એમ પણ કહેતા. “આપને જો સીતાનગર ચોકડી પે જો મકાન લિયા હૈ વો બાદ વાલા હૈ વો મકાન બેચ કે આપ યોગી ચોકડી કે ઇલાકે કે અંદર મકાન લેલો , આપકી બઢિયા પ્રગતિ હોંગી”

અને હવે બાપુએ એમની પ્રેકટીશનાં છેલ્લા તબક્કે આવી ગયાં હતાં અને સંતાનો પણ આપવા લાગ્યાં. આજુબાજુની જગ્યાઓમાં પણ હવે બાપુની હાજરી હોય જ. કોઈકના ઘરે લગ્ન પ્રસંગ હોય બાપુની હાજરી જોવા મળે અને બાપુ હવે લાંબુ લાંબુ બોલતા શીખી ગયેલા તે અમુક સમયે રાતે લોકોનો બહુ જ આગ્રહ હોય તો બે વાતો ધર્મની કરી લે.. બાકી બાપુ મોટા મોટા કલાકારોને લાવીને રાતે ડાયરાની જમાવટ કરતાં થઇ ગયાં.

એવો જ એક સમય આવ્યો આઠ નવેમ્બર બે હજારને સોળ. બાપુના પ્રખર ભક્તો કે જે બધા સુરત રહેતા હતાં એ આવ્યા બાપુના દર્શને સાંજે!! આમાં બિલ્ડરો, મોટા મોટા વેપારીઓ અને સારી સારી જમીન ધરાવતા ખેડૂતો હતાં બાપુ સાથે જમ્યા બધાએ આશ્રમનું વિચરણ કર્યું. અમૂકે આશ્રમમાં ઘટતી વસ્તુઓનું દાન કર્યું અને બાપુએ તેમને તરત જ આશીર્વાદ પણ આપ્યાં. અને પછી રાતનો સત્સંગ જામ્યો!! બાપુએ એમની વાણીનો લાભ આપ્યો

“જગતમે હમારા આત્માં હી શ્રેષ્ઠ હૈ , અગર ઇસ શરીરમે સે આત્મા નિકલ જાયે તો ઉસમે કુછ નહીં બચતા, આપ લૉગ આજુબાજુ દેખેંગે તો આપકો પતા ચલ જાયેગા કી લૉગ પૈસો કે લિયે કૈસે કૈસે પાપ કર રહે હૈ.. યહ જરૂરી હૈ કી હમે પૈસા ચાહીએ લેકિન ઇસસે ભી અધિક જરૂરી યહ હૈ કી હમારે ઘરમે પૈસે એક માત્રા મે હોને ચાહીએ!! જ્યાદા પૈસા આને સે હમારી બુદ્ધિ કુંઠિત હો જાતિ હૈ!! હમે કભીભી ધન કા સંગ્રહ નહીં કરનાં ચાહીએ ઔર અગર કિયા તો અંતમે હમકો પસ્તાના પડેગા ધન હમારે લિયે હૈ પર હમારા જન્મ ધન કમાને કે લિયે નહિ હુઆ હૈ , હમ ઇસી દુનિયામે કોઈ ઔર હેતુસે આયે હૈ લેકિન યહા આકે હમ સબ મોહમાયા મેં બુરે ફસ ગયે હૈ “ આવું ઉચ્ચ કવોલિટીનું ભાષણ ચાલતું હતું ત્યાં જ એક સેવક આવીને બાપુના કાનમાં કઇંક કીધું અને બાપુનું મોઢું લેવાણું થોડી વાર આંખો મીંચી પછી એ બોલ્યા

“અબ સભી ભક્ત લૉગ મેરે સાથ આયેંગે મૈ આપકો પ્રસાદ બાંટના ચાહતા હું!!”

સહુ ઊભા થયા. બાપુની પાછળ દોરવાણા. બાપુ આગળ વધ્યા એક રૂમ તરફ ચાલ્યાં બધા આનદમાં હતાં. આજ પ્રથમ વાર બાપુ તેમણે આવી રીતે પ્રસાદી આપી રહ્યા હતાં. રૂમની અંદર એક મોટો કબાટ હતો. બાપુ બોલ્યા

“ સેવક ઇધર આઓ ” બે સેવક આવ્યાં, અને બાપુ એ ઈશારો કર્યો અને બેય સેવકે કબાટ ખસેડયો. બધાં નવાઈ પામી ગયાં. કબાટની નીચે એક લાકડાનું મજબુત પાટિયું હતું . સેવકો એ પાટિયું પણ હટાવી લીધું .!! અંદર એક સીડી હતી. બાપુની સાથે બધાં અંદર ઉતર્યા. બધાને આજ ખબર પડી કે આશ્રમમાં એક ભોંયરું પણ છે. અંદર વિશાળ જગ્યા હતી. બાપુ બોલ્યા

“સેવક જાજમ બિછાઓ ” જાજમ પથરાણી. બધાં બેઠા બાપુ આગળ વધ્યાં અને ભોયરામાં જે કબાટ હતો એ ખોલ્યો. સહુ ફાટી આંખે જોઈ રહ્યા. કબાટ આખો પાંચસો અને હજારની નોટો થી ભરેલો હતો. બાપુ બોલ્યા.

“ અભિ અભિ હમને સૂના હૈ કી પ્રધાનમંત્રીને જાહિર કિયા હૈ કી આજ રાત બાર બજને કે બાદ યહ નોટ કાગજાતમે બદલ જાયેંગે” આપકો પતા હૈ ક્યાં ??’’

“ હા બાપુ મારે હમણાં જ મેસેજ આવ્યો એટલે હું હમણાજ નિકળવાનો હતો, આમ તો આશ્રમમાં બે દિવસ રોકાવું તો પણ હવે જાવું જ પડશે “ સુરતના બિલ્ડર બોલ્યાં.

“મારે મેસેજ આવ્યોતો મારે જાવાનું નું છેજ” એક ઠીંગણા એવા ઉધ્યોગપતિ બોલ્યાં પછી તો સહુ બોલ્યાં કે અમારે મેસેજ આવ્યાં છે. એકે તો એમ પણ કીધું કે આ પ્રધાનમંત્રીએ તો હવે દઈ દીધી છે!! એકેતો બાપુને વોટ્સએપ બતાવ્યુ પુરાવા સાથે.

“ પ્યારે એક કામ કિજીએગા આપ કી કેપેસિટી કે અનુસાર યહાંસે યહ પ્રસાદ લે જાઈએગા ઔર બાદ મે વ્હાઇટ કરકે યહાં વાપસ દે જાઈએગા ક્યુંકી હમારે પાસ તો બેન્ક કા પ્રાવધાન હી નહીં હૈ યહ પૈસા હમ કહા જમાં કરવાએગા ?? ઓર યહ લક્ષ્મી અગર બેકાર હો ગઈ તો મુજે બડા શ્રાપ લગેગા ” બાપુ એ બોમ્બ ફોડયો. બધાં મુંજાઈ ગયાં એક તો એના પૈસા હજુ ઠેકાણે પાડવાના હતાં અને એમાં આ પળોજણ ક્યાં વહોરવી!! આખરે એક વકીલ બોલ્યાં. “ યહ હમસે નહિ હો પાયેન્ગા”

“બાપુ હમ યહ કૈસે કરેંગે હમ અગર સલવાઇ ગયે તો હમ ક્યાં કરેંગે”?? જવેરી બોલ્યાં

“બાપુ હમ હમારે પૈસે કો ઠેકાણે નહીં લગા રહે હે ઔર આપ યે નયી કઠણાઇ હમકો માથે મે માર રહે હો “ હીરાના કારખાનેદાર બોલ્યાં.

“લેકિન આપ અગર યહ કામ નહીં કરેંગે તો હમ રોડ પર આ જાયેંગે, આપકે પાસ જો પૈસે હૈ સો હૈ લેકિન યહ પ્રસાદ હૈ હમારી ઓરસે ઔર સે આપકો લેના હી પડેગા!! આપણે યહ તો સુના હી હોગા કી અગર હમ પ્રસાદ કા અનાદર કરેંગે તો બહોત બુરા ફળ ભૂગતેંગે” પછી ચર્ચા વિચારણા થઈ વાતો થઈ ને છેલ્લે સેટલમેન્ટ થયું. આમેય બધાં સુરતના ને અને સુરતની એક વિશેષતા છે કે છેલ્લે સેટલમેન્ટ તો આવે જ ….. બાપુ બોલ્યાં.

“ મેરે પ્યારે આખિર યહ ફાઇનલ હુઆ હૈ કે આપ સબ જો પ્રસાદ લે જા રહે હૈ ઊનકા આધા હિસ્સા આપ રખીએગા આધા વાપીસ કર દેના!! તુમ્હારા ભી ફાયદા મેરા ભી ફાયદા અબ ક્યાં કરેગા કાયદા !!તુમ ખુશ !! હમ ખુશ !!સબ ખુશ !!! સેવક સબકો પાંચ પાંચ પેટી બાંટ દો” સેવકે બધાના નામ લખીને પાંચ પાંચ લાખ આપી દીધાને એમ કહેવાય છે કે રાતના બે વાગ્યે બાપુનો પ્રસાદ લઈને ગાડીઓ નેશનલ હાઇવે પર ચડી હતી.

લેખક :- મુકેશ સોજીત્રા
“શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ
ઢસાગામ, તા ગઢડા જિલ્લો બોટાદ
પિન 364730

ટીપ્પણી