પપ્પા મારા વેલેન્ટાઈન – દરેકના જીવનનો પેહલો પ્રેમ માતા પિતા જ હોય છે..

પપ્પા મારા વેલેન્ટાઈન

કૉલેજના પાર્કિંગમાં વૈભવે સાઈકલ પાર્ક કરી. તેની બાજુમાં પાર્ક થયેલું બાઈક સાઈકલ સાથે મોં મચકોડીને જ વાત કરવા તત્પર રહેતું..

બાઈક : “અરે ઓ સાઈકલડી….!! તું મારી બાજુમાં પાર્ક થાય છે એ મને જરા પણ પસંદ નથી.” જાત જાતનાં મોં મચકોડીને અપમાન કરવાની કળા આ બાઈક અહીં કોલેજીયનો પાસેથી શીખેલું.

પરંતુ બાઈક ચલાવનાર હિમાંશુએ તેને વચ્ચે જ અટકાવીને બોલ્યો : “જો સાંભળ… વૈભવ ભલે સાઈકલ લઈને આવે.. પણ તેની પાસે આપણી આખીય કૉલેજમા બધાં થી બેસ્ટ સ્ટડી મટીરિયલ હોય છે. માટે તારે અત્યારે સાઈકલને પણ સલામ ભરવાની. આ તારી બાજુમાં ઉભેલા બુલેટને જો…!! તે પણ આ સાઈકલને સલામ કરે છે. તું શું સમજ્યો? બાકી કૉલેજ પૂરી થવા દે…!! આ સાઈકલ એના રસ્તે અને આપણે આપણા રસ્તે..!!”
હિમાંશુ તેની નિર્જીવ બાઈકને સજીવ લોકો વચ્ચે નિર્જીવ વ્યવહારપણું કેમ રાખવું તે આ કૉલેજ કેમ્પસમાં શીખવતો…!!!

વૈભવની સાઈકલ કૉલેજમાં મોંઘીદાટ બાઈક અને ફોર-વ્હીલર્સને કણાંની માફક ખૂંચતી… પરંતુ વૈભવના હાથે લખાયેલું મટીરિયલ જ બધાની બોલતી બંધ કરવા માટે પૂરતું હતું.

વૈભવનું નામ કોઈ ભણેલ ગણેલ વ્યક્તિએ પાડેલું હશે…!!

“વૈભવનો વૈભવ જોયા વિના જ..”

કૉલેજ કરતો વૈભવે સાઈકલ પણ થર્ડ-ફોર્ડ (સેકન્ડમાં મળે તેવો હજુ અવસર જ નથી મળ્યો.)માં ખરીદેલી.. બૂટ એટલે શું? એના પગના તળિયાને જાણ જ નહોતી..!! શર્ટનાં વૈવિધ્યસભર બટન અને સોઈ દોરાના મંડાણ માંથી શર્ટ સાથે વૈભવની અમીરાત છલકાતી..!! સાઈકલની ચેન ચડાવવાના વૈભવના દર્શન આખીય કૉલેજને સહજ હતા. કિન્તુ પરંતુ વૈભવની આત્મવિશ્વાસથી સભર મુખાકૃતિ જ તેની સાઈકલને ફોસલાવતી કે

“તું આમ ઉદાસ કાં થા? હમારા ભી એક દિન આયેગા..!!”

અને બધાં જયારે પેનને “યૂઝ એન્ડ થ્રો” જેમ વાપરતા ત્યારે આ પેનમાં એક રૂપિયાની રીફીલ લઇ ને ભરતો.. વૈભવમાં ક્યાંય વૈભવ જોવા નહોતો મળતો… હા વૈભવમાં એક જ બાબતમાં વૈભવ હતો કે તે યુનિવર્સીટીમાં અવ્વલ આવતો. અને દરેક મિત્રોને તેના હાથે લખાયેલું મટીરિયલ મળતું… પેનની રીફીલ માફક સંબંધોને યૂઝ એન્ડ થ્રોમાં નહોતો માનતો…!!

આજે ૧૪ ફેબ્રુઆરી હતી.. વૈભવને કૉલેજમાં તેનો મિત્ર હિમાંશુ મળી ગયો..

હિમાંશુ : વૈભવ આજે તું કોઈ ને કાર્ડ આપીશ?

વૈભવ : ના. નહી..

હિમાંશુ : આપણી કૉલેજમાં તને કોઈ ના નહી કહે.. યાદ છે પેલી ઊર્મિ… ફૂલ… પુસ્તક… એક હસીના થી..!!
વૈભવ : પણ એક દિવાના નહી થા… બસ હવે..!!

હિમાંશુ : ઊર્મિની ઊર્મિઓ પાંગરવા ન દીધી તે.. પણ દોસ્ત ૧૪ ફેબ્રુઆરી વર્ષમાં એક વખત જ આવે છે…. પછી મોડું થઇ જશે..

વૈભવ : મારે લાઈબ્રેરીમાં જવાનું મોડું થાય છે…

હિમાંશુ : “કિસી સે તુમ પ્યાર કરો, તો ફિર ઇઝહાર કરો.

કહીંના ફિર દેર હો જાયે… કહીંના ફિર દેર ના હો જાયે… હા હા હા…. એ….સાં..ભ..ળ….તો…”
વૈભવની પાક્કી મિત્ર આ લાઈબ્રેરી.. પ્રત્યેક લાઈબ્રેરી તેના વાચકને ખભે હાથ મૂકી વ્હાલો મિત્ર બની કેટલુંય શીખવી જાય છે.. મૌની મિત્ર છતાં ખૂબ જ બોલે છે આ વાંચનાલય.. પરંતુ હવે વાચકના ખભે હાથ મૂકીને વાતો કરવાનો લ્હાવો લાઇબ્રેરીને ભાગ્યે જ મળે છે..

“બંધ કબાટમાં રહેલા પુસ્તકોને પણ રાત્રે ઊંઘમાં બબડવાની બિમારી થઇ ગઈ છે.”
અરે….!! કેટલીક શાળાઓમાં બાર મહિને માત્ર બે જ વખત બાળકોને લાઈબ્રેરીની મુલાકાતે લઇ જવામાં આવે છે. આ લાઈબ્રેરીનો વૈભવી ઠાઠ હવે ઓસરતો જાય છે. પરંતુ વૈભવ જેવા વાચકો જ વાંચનાલયોની શોભા વધારે છે.
કૉલેજમાં જયારે વૈભવ આવે ત્યારે સ્વયંમ્ લાઈબ્રેરી દોટ મૂકી; હાથ પકડીને તેની સાથે બેસવા લઇ જાય.. જાણે કૃષ્ણ સુદામાની જોડી જોઈ લો… અને પછી બંનેની ગોઠડી મંડાય..
લાઈબ્રેરી : “વૈભુ… તારે કોઈને ફૂલ નથી આપવું?”
વૈભવ : “ના…રે…. મારે તો પહેલાં ભણવું છે.”
લાઈબ્રેરી : “પછી તો તારી ઉંમર જતી રહેશે તો?”
વૈભવ : “તારું સાચું… સાથે મારી ભણવાની ઉંમર પણ જતી રહેશે…”
લાઈબ્રેરી : “વૈભુ… હું તો દરેક વેલેન્ટાઈન વખતે મારા બેસ્ટ વાચકોને ગુલાબ આપું છું.. આ વર્ષે પણ તું જ હકદાર છે. માટે આ ફૂલ તને આપું છું..” લાઈબ્રેરીનાં પુસ્તકોએ તાળીઓના ગડગડાટથી અભિવાદન કર્યું…
“વૈભુ…..!! યુ આર માય બેસ્ટ વેલેન્ટાઈન…..!!! અહીં હંમેશ તારું સ્વાગત છે. તું મારા માટે બેસ્ટ છે.”
વૈભવે લાઈબ્રેરીના હાથમાંથી ગુલાબ લીધું…
તું થોડીવાર અહીં બેસ. હું એક પુસ્તક લઇને આવું. એમ કહીને લાઈબ્રેરી પુસ્તક લેવા ચાલી અને વૈભવને એકાંતનું માધુર્ય માણવા સોપ્યું…
વૈભવ વિચારોમાં સરી પડ્યો.. કે “મારા બેસ્ટ વેલેન્ટાઈન કોણ?”
વૈભવને પોતાનું બાળપણ યાદ આવ્યું.. એ… પપ્પાની પકડેલી પહેલી આંગળીની આકૃતિ સર્જાઈ.


શાળા છૂટતી વખતે પપ્પા ચંપલ સવળા કરીને પહેરાવતા.. પ્રાથમિક શાળામાં મારી નાનકડી પગલીઓથી માંડીને કૉલેજના દ્વાર સુધી પહોચાડી મને વિરાટ બનાવનાર પપ્પા જ મારા ખરાં વેલેન્ટાઈન છે. હનુમાન ચાલીસા મને બાલમંદિર થી પાક્કી હતી.
“હીંચકાવતી વખતે હાલરડાનો વિકલ્પ મારા પપ્પાએ હનુમાન ચાલીસા શોધેલો..”
એ પહેલી સિસોટીનો અવાજ નાનકડા ઘરને ભરી દેતો… મેળામાં પોતાના ખભા પર બેસાડીને કુલ્ફી ખવડાવતા પ્યારા… પપ્પા..
“કુલ્ફી અને મેળા કરતા પણ મસ્ત મારા પપ્પા..!!”
મારા પપ્પા મારા હીરો બની જતાં જયારે મારી પાસે મુશ્કેલીઓ આવતી; અને એ મુશ્કેલીઓને પણ મુશ્કેલીમાં મૂકી દેતા.. એના બરછટ હાથની મુલાયમતા મને તેમની પાસે ખેચ્યા કરતી.. તો તેમના કપાળ પરની રેખાઓ જ મારી હસ્તરેખા માટે વધ્યા કરતી.. રોજ રોજ મુશ્કેલીઓનું વંટોળ અમારું ઘર શોધીને પહોચી જતું. પરંતુ મારા પપ્પા સુપરમેન બનીને મુશ્કેલીઓને એના સરનામે મૂકી આવતા.. મારા પપ્પા જ મારા વેલેન્ટાઈન છે.. આવી તો કેટલીય સ્મૃતિઓ હૃદયની દાબડીમાંથી બહાર કાઢીને કાગળ પર લખી… હું ખૂબ નાનો હતો ત્યારથી મમ્મી અમને છોડીને ચાલી ગયેલી.. “પરંતુ જયારે મને મમ્મીની યાદ આવે ત્યારે મારા પપ્પા જ મારા મમ્મી બની જતાં..!!”
રોજ સવારે રસોડામાં પપ્પા જ મમ્મીનું સ્વરૂપ ધારણ કરી લેતાં. મારા સાથી… મારા મિત્ર… મારા ભાઈ… મારા મમ્મી… કે પપ્પાનાં સ્વરૂપે દુનિયા આખી મારી… બસ પપ્પા જ પપ્પા…!!
એ સ્વર્ગ સમાન સાનિધ્યની ધન્ય ક્ષણોને બયાન કરવા.. વૈભવે વર્ગને બદલે ઝડપથી પોતાના ઘરે પપ્પાને થેંક્યું કહેવા નીકળી પડ્યો.. પપ્પા કામે જાય તે પહેલાં..
“પપ્પા માટે ગમે તેટલું લખીએ; શબ્દો ઓછા અને આછા જ પડે…!!”
તેના પપ્પા બહાર દરવાજાને તાળું મારી કામે જતાં હતા એ સમયે વૈભવે ત્યાં આવીને પેલો કાગળ આપ્યો.. અને લાઇબ્રેરીએ આપેલું ગુલાબ પણ આપી દીધું.. સૂરજનારાયણનાં કિરણો પણ ઘરની વંડી પર આ દ્રશ્ય નિહાળવા બેઠા.
પપ્પા તમેજ મારા વેલેન્ટાઈન…!!!

એવું કહે તે પહેલા જ તેના પપ્પા બોલ્યા : “શું લખ્યું છે આમાં? મને વાંચીને સંભળાવ..”
વૈભવને થયું કે મેં જે લખ્યું છે તે મારા પપ્પા વાંચી નહી શકે. અને હું વાંચીને કહી નહી શકું..!!
ત્યાં એના પપ્પા બોલ્યા : “આમાં તું શું લખીને લાવ્યો છે તે મને તારી આંખોથી સમજાય છે બેટા.. મને કાગળ વાંચતા નથી આવડતો પણ તારો વણલખ્યો ચહેરો વંચાય છે.


“વૈભુ હું હંમેશા તારી સાથે જ છું….”
અલીબાબાના ખજાના જેવો પપ્પાના બંને હાથનો દરવાજો ખૂલ્યો અને ભરબજારે વૈભવને એમાં સમાવી લીધો.. એ ક્ષણે પેલા સૂરજનારાયણનાં કિરણોએ સાથે જગ્યા લઇ લીધી.. વૈભવનો વૈભવ આખીય બજારે નિહાળ્યો…
પપ્પાની આંગળી નાનપણમાં…!!
પપ્પાની વાત જીવતરમાં..!!
પપ્પાનો ખભો જુવાનીમાં…!!
વૈભવ અમીરોને પણ ઈર્ષ્યા થાય તેવું તેના પપ્પાનું સાંનિધ્ય પ્રત્યેક ક્ષણોમાં ભોગવી રહ્યો હતો..
વૈભવની સાઈકલ ટ્રીન ટ્રીન કરતી બોલી : “હમારા ભી દિન આ ગયા વૈભુ ”

લેખક : નરેન્દ્ર જોષી

દરરોજ અવનવી લાગણીસભર વાર્તાઓ અને અનુભવ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી