લવની લાફટ… – આજે વાત અમારા જેંતીલાલના બીજા પ્રેમની…

લવની લાફટ....

“ખોરડાના મોભારે મૂકી છે હાય મારી, વલવલતી વ્હાલપની વાત,
દૂર દૂર વગડામાં વાંસળી વાગેને અહીં, ગામલોક માંડે પંચાત…
મારા તે હૈયામાં સંઘરેલી વાત તને, સાચુકલા કે’ને શું કહી દઉં?
એમ કર, આ..લ્લે..લે.. આખુંય દિલ તને, તારા તે હાથમાં દઈ દઉં !!”

અમારો મિત્ર જેંતી શહેરમાં એના મિત્ર દુદાને મળવા ગયો. પણ દુદાને તો શહેરના હવા અને પાણી બંને લાગી ગયા હતા. દુદો જેંતીના કાનમાં કહેવા લાગ્યો કે…

“તુ મને બધાની વચ્ચે દુદો…દુદો… નહી કહેતો… આ શહેર છે.. અહીના મિત્રોમાં મારું નામ દુદાની બદલે “ડેની” રાખ્યું છે. આ કૉલેજ છે બોસ…!!”

જેંતી : “તારો કાઈ નેઠો નઈ ભાઈ.. તો તો કાલે તું તારું નામ દુદામાંથી ડોનાલ્ડ(ટ્રમ્પ) પાડી દે.. તો શું અમારે એ નામથી તને બોલાવવાનો? મારી જીભલડી તો તને જોઈને દુદો જ બોલવા ટેવાયેલી છે.”

દુદો : “સારું ચાલ હવે…!! બાઈક પાછળ બેસ. મારે એક કાર્ડ ખરીદવા જાવુ છે. આ વેલેન્ટાઈન ડે ના દિવસે હું કૉલેજમાં જેને પ્રેમ કરું છું તેને આપવા માટે.. તું પણ એકાદ ખરીદી લેજે.. ગામડાંની ગોરીને આપવા માટે.. હા હા હા ….”

કોને કીધું કે આ ચૌદ ફેબ્રુઆરીએ ગામડાના જુવાનિયાને પ્રેમના ઉભરા નો આવે? શહેરમાં થતી પ્રેમવર્ષાની વાછટો છેક ગામડાં સુધી હવે તો લંબાણી છે…

જેંતીને નવાઈ લાગી. આ શહેરના લોકો તો પ્રેમને આંખોથી કહેવાને બદલે કાર્ડમાં લખીને કહે છે. અમારાં ગામડામાં કાર્ડમાં આ એક રેશન કાર્ડ હોઈ….. ઠીક તારે…!! બોલવામાં થોથવાય ન જવાય અને શબ્દો લપસી ન જાય માટે અહીં કાર્ડમાં લખાય છે…

બાકી આપડે તો ગામડામાં એક ઘા ને બે કટકા..!!

આ દુદો નાનપણથી છે જ એવો.. ત્રીજા ધોરણમાં ભણતો ત્યારે ટીવી માંથી એક આંખ બંધ કરવાનું અમારાં ગામમાં સૌથી પહેલાં શીખેલો.. એટલે આ પ્રયોગ એને શાળામાં કરેલો.. ગોવિંદાની જેમ એક આંખ બંધ કરીને… એક છોકરી સામે.. જોકે આ છોકરી તો બીજા ધોરણમાં ભણતી એટલે તે તેનો નાસ્તાનો ડબ્બો લઈને વર્ગમાં બેસી ગઈ. પણ અમારાં સાહેબ દુદાને બારીમાંથી ભાળી ગયાં.. અને પ્રાર્થનામાં મારે જાણવા જેવું રજૂ કરવાનું હતું તેના બદલે સાહેબે દુદાની ન જાણવાની વાત બધાને જણાવી.. મને તે દિવશે જાણવા જેવું રજૂ કરવા ન દીધું..

“ત્રીજા ધોરણનું ટેણીયું એક આંખ બંધ કરતા શીખી ગયું છે..!!” બસ પછી શું ?

ઈ… જમાનામાં…. સાહેબો….. બિન્ધાસ્ત….!! બનીને બાળકોને ફટકારતા.. એક બંધ રૂમમાં જોરદાર ધબધબાટી બોલેલી.. અને સાહેબોએ ઘરવાળીની દાજ દુદા પર કાઢી નાખેલી.. હવે આવા લ્હાવા સદંતર મૂલતવી રખાયા છે. સાહેબના અપ્રતિમ સ્નેહ બાદ… મને બરાબર યાદ છે; કે દુદો પાંચ દિવસ બેસી નહોતો શકતો.. વર્ગમાં પણ ઉભડક બેસતો.. અને છોકરી સામે જે આંખ બંધ કરેલી ઈ આંખ પટપટ પટાવવાનું અઠવાડિયું બંધ રાખેલું… અને ટીવી માં જે હીરો આવે તેપણ હિરોઈન સામે આંખ નહોતો મારતો.. હીરો પણ અમારાં સાહેબ પાસે બિલ્લી બની જાતો.. અમારાં સાહેબની ધાક જ એટલી બધી હતી..

હવે આ દુદો “દૂધનો દાજેલો છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે” એ ન્યાયે હવે કૉલેજમાં કાર્ડ લખીને કહે કે “હું તને પ્રેમ કરું છું…!!”

ત્યાં દુદો બોલ્યો : “યાદ છે પેલી બબલી? હું એકવાર ગામડે આવેલો અને પાદરના વડલાં હેઠળ બબલી ઉભેલી. આપડી ચારેય આંખો એની બે આંખોને હારે હાઈ હેલ્લો કહેવા દોડેલી..!!”

“તે હરખ પદુડા થઈને પૂછેલું કે; યાદ છે બબલી આપડે હારે ભણતાં?”
બબલી : “હા, યાદ છે ને..!!”

(એ ઈ કોક દિલના ડોક્ટરને બોલાવો. ૫.૭ નો લવેરિયા અટેક આવી ગ્યો)
બસ પછીતો આજની ઘડી અને કાલનો દિવસ.. જેંતીએ નક્કી કરી લીધું કે ભણેલી ગણેલી સોકરીયું હારે પ્રેમમાં બ્રેમમાં પડવાનું નહી..

દુદો : “હા,હો… બોવ ભણે એના દિલડામાં લવની બારી બંધ થઇ જાય છે. આપડે ખોટે ખોટી સાંકળ ખખડાવે રાખીએ છીએ…”

જેંતી : “બાકી મે તો અંગુઠા પકડી ઉંધા થઈ બે પગ વચ્ચેથી આ બબલીને સ્માઈલું આપેલી..” લે બોલ..!!

“બાકી ઈ ટાણે આપડી હારે કોઈ કવિ બવી ભણતો નોતો નકર આપડા પ્રેમ ઉપર કવિતા લખવાનું એને મન થઈ જ જાય…”

દુદો : “જેંતી, ઈ બબલી પછી તને કોઈ હારે પોચી પોચી લાગણીયું બંધાણી કે નઈ?”

“આ ૧૪ ફ્રેબ્રુઆરી આવે છે તો તુંય મારી હારે કાર્ડ લઈલે… અને ફૂલો લઈને આમ ઢીંચણભેર પડીને આપી દેવાનું.
જેંતી એની જીણી જીણી આંખો કરીને યાદ કરવા મથવા માંડ્યો કે હજુ આપડા દિલ પર કોનું શાસન સ્થપાયું છે?

“બબલી પછી મને ઢબુડી હારે પ્રીતું બંધાણી.. હું જયારે વાડીયે જાતો તારે ઈ એની ભેંસુને લઈને હવાડે પાણી પાવા આવતી.. ઓની કોર ઢબુડી એને નવરાવે ને આની કોર હું તરબતર બની ઢબુડીના પ્રેમમાં નીતરવા માંડું…!! ભેંસુની હારે હુંય ભીંજાવવા લાગેલો.. મને ભેંસુના ભાગ્યની ઈર્ષા થાવા માંડતી. ભેંસુના વાંસે હાથ પસવારતી ઢબુડીને હું આંખો બંધ કરીને વીચારું તો મારા ગાલે હાથ ફેરવતી હોઈ એમ મને થાતું…”

“હા, પ્રેમનું ઝરણું..!!
અવેડામાંથી નીકળ્યું,
અને જેંતીડો માલીપા ડૂબકી મારીને
ઢબુડીનો આશીકડો બની જાય છે…”

“ઈ ઢબુડીનો હાથ હવેડાની માલીપા પડે અને હવેડાનું પાણી શ..ર..બ..ત.. બની જાતું.. એમ મને લાગતું.. વાડીયે જાવાનું હું મોડું કરીને હવેડામાંથી બે કળશા(લોટા) પાણી પી જાતો…” (પ્રેમામૃત….!!)
દુદો : “જેંતી તને ઓલી બબલીએ ભલે ના પાડી, પણ આ ઢબુડી હારે તારા પ્રેમની આખી દુનિયામાં ચર્ચા જરૂર થાશે. ગાંડાભાઈ…. તને કાંઈ નઈ ને હવાડે પ્રેમ થયો છે. આલે તુંય ઢબુડીભાભીને એક કાર્ડ આપી દેજે..”
જેંતીએ કાર્ડ લઇને ટેમ્પામાં બેસી, ગામડાની વાટ પકડી.. અને ઢબુડીના વિચારોમાં આળોટવા લાગ્યો.. તે એવો આળોટવા લાગ્યો કે જેમ વૈશાખનંદન કોઈ ઉકરડે આળોટી મોજમાં આવી જાય તેમ..!!! કાલે ઢબુ હવાડે આવે એની રાહ જોતા આખી રાત જાગ્યો.. વેલી સવારે નવા કપડા પેર્યા. એક ગુલાબ લીધું. એક કાર્ડ લીધું. અને એક ઢબુડી માટે ધક ધક થાતું દિલડું પણ લીધું..!! બાકી ઢબુતો રોજ એના હાથમાં ભેસુંને વારવા એક દંડીકો લઈને આવતી.. તોય મને બોવ સુંદર લાગતી. પાનનાં ગલ્લે આપડા પ્રેમની ચર્ચાયું થાતી… તારે મને પોર નોતો માતો….
વાત પણ સાચી કે સુંદર દેખાવ ત્યારે પ્રેમમાં નથી પડાતું, પરંતુ પ્રેમમાં પડ્યા પછી બધું જ સુંદર દેખાય છે.
જેંતી હવેડાની પાછળ સંતાઈ ગયો. ત્યાં તો ભાંભરતી ભેંસુ દેખાણી.. ઢબુ એ ઈ ભેંસુની વાંહે હશે.. બસ આજ ખરો મોકો છે. હવેડાનું પાણી પણ થનગનવા લાગ્યું. ને જેંતીનો માંહલો મોર બની થનગાટ કરવા લાગ્યો. જેમ જેમ ભેંસુનું ધણ નજીક આવવા માંડ્યું.. તેમ તેમ જેંતીને ગલીગલી વધવા લાગી.. ઢબુ આ કાર્ડને મારા લગનનું કાર્ડ સમજશે તો??? અને ગુલાબ કોકની વાડીમાંથી તોડીને બતાવવા લાવ્યો છું, તેમ સમજશે તો???
માટે સો વાતની એક વાત આ બધું તો આપી દઈશ. અને હારે હારે ગુજરાતીમાં જ કહી દેવું છે કે “ઢબુ તું જેટલો આ ભેંસુને પ્રેમ કરે છે ને, એથીય વધારે હું તને પ્રેમ કરું છું.”

આપડી ગુજરાતી ભાષા જિંદાબાદ…

કારણ, ઢબુ પેલા ધોરણમાં નાની રિસેસ સુધી જ ભણેલી છે. એને “આઈ લવ યું” નો સમજાય… આમ જેંતી મનોમન વિચારતો હતો ત્યાં ભેસું પચ્ચૂક… પચ્ચૂક…. ચાલતી હવેડે પહોંચી ગઈ.. જેંતી અને ઢબુના મિલનમાં આજે ભેંસુના ભાંભરવાનો અવાજ શહેનાઈની જેમ કોરસમાં ગૂંજવાનો હતો..

આં..અ..અ..ઉ…ઉ….અં…,,,

આં..અ..અ..ઉ…ઉ….અં…,,,

જેંતીને ભાંભરતી ભેંસુનો સાદ પણ મીઠો લાઈગો… હવે જેંતી આંખો ભીડાય એટલી ભીડીને ઢીંચણભેર ઢબુ પાસે થઇ ગયો..

ભેંસુએ આ માનવીને જનાવર જેવી ક્રિયા કરતો જોયો.. પણ પાણી પીવાનું અગત્યનું લાગ્યું. એટલે ભેંસુ પૂંછડી ઉલાળતી પાણી પીવા માંડી. અને જેંતી આગળ વધ્યો..

“ઢબુ… ઢબુ… જેમ તેને આ તારી ભેંસુ વાલી છે, એમ મને તું બવ વાલી લાગે સો..” “હું તને પ્રેમ કરું સુ..”
જેંતી બોલ્યો તો એક જ વખત, પણ હવાડાની બાજુમાં અવાવરું વાવ હતી તેમાંથી શબ્દો પડઘાયા…

“હું તને પ્રેમ કરું સુ..” “હું તને પ્રેમ કરું સુ..” “હું તને પ્રેમ કરું સુ..”
અવાવરું વાવ માંથી માળો બાંધતી સુગરી બહાર આવી. અને એની ભાષામાં બોલી પણ ખરી… “પ્રેમ કરે છે એમાં બાંગરવાની ક્યાં જરૂર છે?”

ઢબુ તરફથી કોઈ જવાબ ન મળ્યો.. પરંતુ એક ભેંસે પલળેલી પૂંછડીએ જેંતીનાં મોઢા પર પાણી છાંટ્યું.. (આજ દિન હૈ પાની પાની પાની…..) અને જેંતીડાને લાગ્યું કે ઢબુ મને હવેડાનાં પાણીએ મો પર જાલક મારે છે.. એટલે વધારે નીચે જોઈને શરમાયો.. પણ ફરી વખત ભેંસે પોતાની પૂંછડી ગોબર સાથે ફેરવી અને જેંતીની આંખો ખૂલી ગઈ…
“આલ્લે……. લે…. ઢબુ આજે એના બાપના જોડા પેરીને આવી લાગે સે..”

જેંતીએ નીચી નજરે જોયું તો ઢબુના પગ બૂટમા જોયા. અને ઉપરનું વાક્ય બોલાઇ ગયું…
ઉપર જો…. ખરો…!! ઢબુ એના બાપના જોડા નથી પેરી લાવી… જોડા હારે એનો બાપો પણ છે…!!
કાર્ડને ફાડી નાખવામાં આવ્યું..!!

ગુલાબની પાંખડીઓ વેર વિખેર થાય છે…!!

ભેસું જેંતીના મો પર ગોબર ઉછાળીને ઘર તરફ જાય છે..!!!
(પ્રારંભ પંક્તિ મિત્ર ડૉ.ભરત ગોહેલ)

લેખન : નરેન્દ્ર જોષી.

દરરોજ આવી અનેક હાસ્ય વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો આપણું પેજ –  ” જલ્સા કરોને જેંતીલાલ”  

ટીપ્પણી