પત્નીનું પર્સ સાચવતા પ.પૂ.ધ.ધુ. પતિશ્રીઓ…….!!! દરેક મિત્રો ખાસ વાંચે..

લગ્નપૂર્વે મિત્રોની વચ્ચે લેડીઝ વસ્તુને અડકી જવાથી ૪૪૦ ના જટકો સાથે બેઈજ્જતી થાય જ…!! ફોર એક્ઝામ્પલ પર્સ… લેડીઝ પર્સ. લગ્ન બાદ આ બધું સ્વીકાર્ય છે. અને જો સ્વીકાર્ય ન હોય તો પણ વેલણધારીઓ ધરાર સ્વીકાર્ય કરાવે. “આ સ્ત્રીઓ લગ્ન જ એટલાં માટે કરે છે” પ.પૂ.ધ.ધુ. પતિશ્રીઓ પર્સ સાચવે અને ઈ.. એ.. ય… ને ચકડોળે ફરે……

તૂંડે તૂંડે મર્તિર ભિન્ના .. એ ન્યાયે લેડી લેડી એ પર્સમ ભિન્ના….!!!
કોઈ પર્સ પર એકલદોકલ પુષ્પ જોવા મળે … જે “એક દિવસીય મેળા” જેવું લાગે.

કોઈ પર્સ પર મોતીડાંથી સુંદર ભરતકામ હોય, કોડીઓથી શણગાર્યું હોય… તેવું પર્સ “તરણેતરના મેળા જેવું લાગે.”
કોઈ પર્સ પર માત્ર મોરપિરછ… જે “વૃંદાવનની રાસલીલા” જેવું લાગે. અને એ પર્સ ધારણ કરનાર નારી “દર્દ દીવાની મીરાં”………
કોઈ પર્સ તો એકડિયા બગડિયા ધોરણનાં બાળકની સ્લેટ જેવા… સાવ કોરા ધાકોર…
એક લેડીના પર્સ પર દિલ …. ફક્ત દિલ… બીજું ભાંગલું દિલ પણ ન દેખાયું. અને તીર પણ ન નજરે ચડ્યું. આવું અટૂલું દિલડું જોતા લાગે “હર કિસીકો નહિ મિલતા…. યહાં પ્યાર જિંદગીમે…..”

લેડીઝ પર્સની ફૈબા હોવી જોઈએ.. હરિ તારા નામ છે હજાર.. એમ પર્સના પણ પ્રકાર છે હજાર.. જેમકે સિંગલ બેગ.. વોલેટ..મેગ્નેટ પર્સ..સિમ્પલ પર્સ.. પણ એક પર્સના નામ પરથી નજર ન હટી; કે ન જ હટી…. જરા નામ તેનું હટકે હતું. “ટોટો પર્સ” પર્સના ફૈબા જબરા…. જેમાં માત્ર થોડા રૂપિયા જ સમાય.. “ત્યાગી સંત” જેવું. સિંગલ બેગ “સંસારી પર્સ”… જેમાં પીન, નેઈલપોલીસ, લિપસ્ટિક… અને જો પરણિત પાસે હોય તો બે ત્રણ બાળોતિયા… અને ડાયપર પણ મળી આવે..
કયો એવો મરદ મૂછાળો છે કે જેને પર્સની પર્સનાલિટી જોવાની ન ગમે ? પણ આવા ભડવીરો મેળામાં જાય અને તેના ટીકાકારને ( પત્નીને ) ચકડોળમાં બેસવું હોય…
અર્ધાગિની : “એ… ઈ… તમે હાલોને …. ચકડોળમાં..”

પતિપરમેશ્વર : “તૂ .. જા…” એટલું બોલાયું. પછી અવાજ ન નીકળ્યો. માત્ર હોઠ ફફડ્યા કે “લગ્ન ૨૪ કલાક અને ૩૬૫ દિવસનું એક ચકડોળ જ છે”
અર્ધાગિની : “તો આ મારું પર્સ રાખો તમારી પાસે.” સમુદ્રમંથન ટાણે રત્નાકર અમૃતકુંભ દેવોને સોંપે એમ પર્સ સોપ્યું..
“મેરે અકેલેપન કો મેરા શોખ ના સમજો યારો….
બડે હી પ્યારસે તોહફા દિયા હૈ.. કિસી ચાહનેવાલોને”
આમ ભરબજારે મને તારું પર્સ (મેકઅપનો પટારો) ન પકડાવ.. મારી આબરુના કાંકરે કાંકરા થાયે..ઓ..હો..હો..હો…ઓ. મનોમન શ્રી મનોજ ખંડેરિયાની ગઝલની પેરેડી ગણગણવા લાગે…

“પકડો પત્નીનું પર્સ ને કોઈ પળે એમ પણ બને:
હાથ આખેઆખો સળગે એમ પણ બને”
લોકોની આવન જાવન વચ્ચે પર્સ સાચવતા મહાશયને અચૂક જોવે. આનંદ મેળાનો આંનદ અહીંથી મેળવતા જાયે. કુંવારા મલકતાં જાયે. મનોમન બબડેય ખરાં. “બંદા એ બિન્દાસ હૈ”
કોઈ ટીખળખોર પૂછેય ખરો : “અંકલ, આન્ટીનું પર્સ લઈને મેળામાં” ?
અંકલ : “આ સવાલનો જવાબ તારા પિતાજીને પૂછી આવ.” ( પરંપરા…દીકરા..પરંપરા )

હજુતો પર્સ સાચવીને ઉભા છે ત્યાં હવાલદાર આવે. “હં..અં.. નર પાસે માદાનું પર્સ”
હવાલદાર : “ચાલો અમારા સાહેબ પાસે”…
પતિપરમેશ્વર : “પણ કેમ”?
હવાલદાર : “કેમ બેમ નો ટેમ નથી.. એક લેડીઝનું પર્સ ખોવાયું છે..”
પતિપરમેશ્વર : “આ પર્સ મારી પત્નીનું છે. ચોર આમ ચોરી કરી થોડો ઉભો રહે” ?

હવાલદાર : “અમારું કામ ચોરને પકડવાનું છે.” એમ કહી ચોળેલી તમ્બાકૂને એના સ્થાને બેસાડી ને સાહેબ પાસે લઈ જાય છે.
પોલિસ : “શું આ પર્સ તમારું છે એનો કોઈ ગવાહ છે” ?
પતિપરમેશ્વર : “હા, મારી પત્ની..” “આજે સત્તરમી લગ્ન એનીવર્સરી છે…”
હવાલદાર : “મને તો એનીવર્સરી બેનીવર્સરીમાં નો ખબર પડે. હા મરણ પછી વરસીવાળે એમાં ખબર પડે.”
પોલીસ : “પત્ની ક્યાં” ? “મારો મતલબ તમારી પત્ની કયા” ?

પતિપરમેશ્વર : “એ જૂઓ ચકડોળમાં..” ( સત્તર વર્ષથી મને ગોળ ગોળ ફેરવે છે )
પોલિસ : “તો કહો આ પર્સમાં શું છે” ?
પતિપરમેશ્વર : “આમાં શું છે … એની મને ખબર નથી.”
પોલિસ : તો કહો છો ને; કે તમારું છે” ?
પતિપરમેશ્વર : “હા. મારી પત્નીનું છે. ઈ મારું જ કહેવાય ને” ?!!

હવાલદાર : એમ..?? “તો તો તમારી પત્નીની સાડી પણ તમારી કહેવાય ને” ?? હા હા હા ….
એટલામાં એક બીજો હવાલદાર આવી સાહેબને કહે છે : “જે બેનનું પર્સ ખોવાયેલું તે મળી ગયું છે.”
પતિપરમેશ્વરનો છૂટકારો થયો. માત્ર પોલિસ પાસેથી. પત્ની પાસેથી ?? કદાપિ નહી…. આવું સારું સારું નહી વિચારવાનું… શું સમજ્યા….!!!

લેખન : નરેન્દ્ર જોષી

દરરોજ અવનવી વાર્તા અને અનેક હાસ્યવાર્તા વાંચવા લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી