બીલ્લુ વણજારા…. એક બાળકીની નાના કબીલાથી લઈને પોલીસ ઓફિસર બનવા સુધીની સફર…

બીલ્લુ વણજારા….

રામજી મંદિરની ફરકતી ધજાને સ્પર્શતી હવાની લહેરો રોજ નજીકની પ્રાથમિક શાળામાં પહોંચવા માટે થનગનતી હતી. મંદિરની બાજુમાં વહેતી નદીનો ખળખળ અવાજ પણ શાળાને શોધતો આવી જતો. શાળાની પાછળની ટેકરીઓ પર સૂર્યનારાયણ પણ રોજ થોડો વખત પગ પર પગ ચડાવી બેઠક લઈને બાલુડાંની ગમ્મત નિહાળીને જ ભ્રમણ કરવા નીકળતા. પ્રત્યેક પૂષ્પો વહેલી સવારે જાગીને શાળામાં આવનાર ભૂલકાઓનું સ્વાગત કરતા. તો આ શાળાના પ્રાથઁનામાં રેલાતા સૂરો એ પંખીડાને ટહુકવાનું પણ ભુલાવી દેતા… અને રિસેસ સમયનો બાળકોનો મધુરો કોલાહલ ત્યાંથી પસાર થાતાં રાહદારીઓ સાંભળે એટલે થોડી વખત ઉભા રહીને પોતાનું બાળપણ મમળાવે અને પછી મલકીને ચાલતા થાયે.. આવી દરેક શાળાઓમાં હવાની લહેરો, નદીનો ખળખળ અવાજ, સૂર્યનારાયણનું કિરણ તો શું પરંતુ આકાશમાંથી દેવો પણ આકર્ષીત બનીને આવી જતાં.. આવી શાળામાં આવવું કોને ન ગમે?

આજે સવારે એક ગાગર શાળામાં પ્રવેશી… થોડી શરમાઈને… થોડા ખચકાટ સાથે… કોને પૂછું અહીં? કોને મળું અહીં? ત્યા જ આ શાળાના શિક્ષિકા સાધનાબહેને તે ગાગર પાસે આવ્યા.. ગાગર માથા પર હતી.. નીચે બારેક વર્ષની છોકરી હતી…!!

પાછલી રાતે આ શાળાની બાજુમાં વણજારાએ પડાવ નાખેલો. એના કસબામાંથી આ છોકરી પાણી ભરવા આવેલી. આ છોકરીના માતાએ બીલીના વૃક્ષ નીચે જન્મ આપેલો તેથી તેણીનું નામ “બીલ્લુ” પાડેલું. બીલ્લુના કપડા ક્યાં રોજનીશી લખે છે કે તેને યાદ હોઈ કે ક્યારે તેને ધોયાં હતા…!! બીલ્લુની વાળની લટો આખીય શાળામાં આંટો મારવા લાગી… બીલ્લુના ખુલ્લાં પગ જાણે રોજ રોજ ધરતીમાતાને ચૂમવાનો લ્હાવો ન લેતાં હોય.. જેમ ચંદ્રમાં પર થોડા થોડા અંતરે ખાડાઓ જોવા મળે એમ બીલ્લુની ગાગર પર ગોબા પડેલા હતા…
સાધનાબહેન : “બોલો બેટાં શું કામ છે?”
બીલ્લુના કાનને આશ્ચર્ય થયું કે અમારાં વણજારાના કસબામાં બીડીની ધૂમ્રશેરો સાથે નીકળતો ગૂસ્સો.. તુકારો… અપમાન રોજ રોજ થાય અહીં.. અને મને અહીં પૂછ્યું કે “બોલો બેટા શું કામ છે?”

“ગાગરને તો આ શાળા ધરતી પરની સ્વર્ગ જેવી લાગી..”
બિલ્લુને પણ શાળામાં ખૂબ ગમ્યું..
બીલ્લુ : “અમે આંય પડખે રે’વાં આવ્યા સીએ.. તરણ ચાર વરહ રે’વાના સીએ.. હું પાણી ભરવા આવી સુ.. પીવા હાટુ.. આપોને.”
જેમ કોઈ રેઢિયાર છોકરાને પરાણે એની માતા ઘસી ઘસીને નવરાવે એમ અહીં સાધનાબેહેને બીલ્લુની ગાગરને ઘસી ઘસીને સાફ કરી પાણી ભરી આપ્યું..
શાળા તો સાંજે છૂટી ગઈ પણ બીલ્લુને પેલા ચશ્માંવાળા બહેને કહેલું કે “બેટા શું કામ છે?”

એ શબ્દોની માયા ન છૂટી. બીલ્લુ અને એના કાન બંનેને બીજા દિવસની રાહે પડખું ફેરવતા રહ્યા…!!
બીજા દિવશે પણ શિક્ષિકા બહેને ગાગર ભરી આપી..
“લાવ બેટા, પાણી ઘટે તો ફરીવાર લેવા આવજે” શીતળ જળ સાથે શબ્દોની શીતળતા બીલ્લુ અને ગાગરને લોભાવતી..
પ્રાર્થનાનો અવાજ વણજારા કસબામાંથી બીલ્લુને ખેંચતો… શાળાની દીવાલ પાછળ બીલ્લુ પાંચ સાત ઈંટો મૂકીને કોઈ તેને જોઈ ન જાય એ રીતે બધું સાંભળતી. પ્રાર્થના પછી વર્ગખંડોમાં કાવ્યોનો ગુંજારવ સમજાતો નહી પણ બીલ્લુને ખૂબ ગમતો. વર્ગમાં સાહેબની વાતો પછીનું બાળકોનું ખડખડાટ હાસ્યની લહેરોમાં બીલ્લુ પણ સ્મિત સાથે જોડાતી..
ત્યાં અચાનક સાધનાબહેન બિલ્લુને જોઈ ગયા.. એટલે તેણી ભાગી ગઈ…

પણ એકાદ કલાક પછી ફરી ગાગર સાથે બીલ્લુ શાળામાં આવી. રીસેસનો સમય હતો. બધાં મધ્યાહન ભોજન જમતા હતા. બહેને બીલ્લુને ગરમ દાળભાત જમાડ્યા.
પહેલાં પાણી… હવે ગરમ ગરમ ભોજન..
બીલ્લુએ તેની ગાગરને કીધું : “જો આને નિસાળ કે’વાય.. મને આંય ગમે સે.. મારેય ભણવું સે.. પણ બેનને કેવું કેમ?”
બીલ્લુના શબ્દો હોઠરેખા ઓળંગી ન શક્યા.. બીલ્લુનાં શબ્દો હોઠની બહાર ન નીકળ્યા તો શું થયું પણ સાધનાબહેન સમજી ગયાં કે બીલ્લુને શાળામાં ભણવું છે. “મારું કર્તવ્ય અહીં શરૂ થાય છે.”

બે દસકાથી સાધનાબહેન આ શાળામાં “બાળકોને ભણાવવાની સાધના” કરી રહ્યા હતા. ખૂબજ ચાહથી બાળકોને ભણાવવાનું.. હંમેશ ઘડિયાળ સાથેની હરીફાઈમાં સાધનાબહેન સામે સમય હાંફી જતો.. પછી સમય હારી પણ જતો.. અને બહેન પહેલાં શાળામાં પહોચી જતાં.. બાળકોની નિર્દોષ આંખો અને સ્નેહ જો ખેચ્યા કરતા હતા.. વેકેશન તો બહેનને જરા પણ ગમતું નહોતું. માટે જ દર વેકેશનમાં વિવિધતા સભર કેમ્પ યોજી બાળકો સાથે રહેતા.. તેથી બાળકોની આંખો વાંચવી સહજ હતું.. અહીં બીલ્લુની આંખો અને વર્તન બહેને વાંચી લીધાં.. એટલે બહેન બીલ્લુના પપ્પા પાસે ગયાં.

સાધનાબહેન : “તમારી દીકરીને અમારી શાળામાં ભણવા મોકલો.”
આટલા વર્ષની કામગીરી બાદ બહેન વાલી સાથે આદેશ સ્વરૂપે જ વાત કરતાં. અને વાલીઓ તેમનો આદેશનો અનાદર ભાગ્યેજ કરતા. જોઈએ આ બીલ્લુનાં પપ્પા શું કહે છે..!!
બીલ્લુ અને તેની ગાગર વિચારે ચડ્યા કે “અમારા મનમાં ચાલતી વાત આ ચશ્માંવાળા બહેનને કેમ ખબર પડી ગઈ?”
બીલ્લુના પપ્પા : “આટલા વરહ તો ભઈણાં વિના વયા ગીયા.” “હવે સુ મોકલવી?….. એ..ક..ડો..ય… નથી આવડતો..”
સાધનાબહેન : “બીલ્લુને શાળામાં મોકલવાનું કામ તમારું; એને ભણાવવાનું કામ અમારું”

બીલ્લુના પપ્પા : “આમેય એનું આઈ કાઈ કામ નથી..!! ભલે આવતી… તારે….”
અને બીલ્લુના પપ્પા સાધનાબહેનનો આદેશ માની ગયા.. બીલ્લુ પહેલાં તેની મિત્ર ગાગર હસી પડી..!!
ગાગરે બીલ્લુને કહ્યું : “બીલ્લુ મને પણ શાળમાં તારી સાથે લેતી જાજે.. મને બહાર બેસાડજે. જો હું તારી બહેન હોત તો તારી સાથે વર્ગમાં જ બેસું. પણ… બહાર બધાને જોવાની અને બધાં વાતો કરે તે સંભાળવાની ખૂબ મજા આવશે.”
બીલ્લુ : “હા, જરૂર લેતી જઈશ.”

આજની રાતે બીલ્લુ તારલાઓ સાથે વાતે વળગી..
બીલ્લુ : “હેં…!! તારલીયાઓ તમે ક્યારેય નિશાળે ગયાં સો?” માત્ર ટમટમીને જવાબ આપ્યો તારલીયાએ… પરંતુ પૂનમની ચાંદનીથી ન રહેવાયું. અને તે ચર્ચામાં વચ્ચે જ કૂદી પડી..
“બીલ્લુ તારી શાળામાં અમને બધાને આવવું ગમે છે, પણ… તારી શાળા સવારની હોય છે.. અને અમારું આગમન રાત્રે થાય છે.. હા જયારે બાળકોને “ચાંદામામા” વિષે નિબંધ લખવાનો હોઈ ત્યારે બાળકો મને જોઈ ને નિબંધ લખે અને મારી સામે મલક્યા કરે ત્યારે ખૂબ મજા પડે.. ખૂબ ગમે પણ છે”
ત્યાં ગાગર બોલી : “બીલ્લુ હવે સુઈ જા. કાલે વહેલી સવારે શાળામાં જવાનું છે.”

છતાં બીલ્લુની તગતગતી બંને આંખો તારલીયાઓ અને પૂનમની ચાંદની સાથે ઈશારાઓથી વાતો કરતી રહી. ગાગરને ખબર ન પડે તે માટે….!! મિત્રનું માન પણ રહ્યું અને વાતો પણ થઇ..
બીજા દિવસે બીલ્લુના ગાગર ઉપરાંત નવા મિત્રોની યાદી બહુવચન ફેરવાયા.. પાટી, પેન, દફતર, વોટરબેગ અને રંગીન આંક…!!
રાત્રે બીલ્લુએ આંકમાંથી મિત્ર ગાગરને તેનું ચિત્ર બતાવ્યું : “જો આમાં તારું પણ ચિત્ર છે.”
ગાગર : “આમા તો ગાગરનું ચિત્ર કેટલું સારું છે”
બીલ્લુ : “પણ મને તો તુજ બોવ રૂપાળી લાગે સે” અને બંને હસી પડ્યા.
ગાગર : “હવે બોલ્યા વિના બહેને કીધું એટલું લખી દે.”

બાર વર્ષે પહેલી વખત એકડો અને કક્કો લખતી બીલ્લુ સાથે થોડું અજાણ્યું લાગ્યું. શબ્દોએ અતડાપણું દર્શાવ્યું, તો અંકો બીલ્લુંની સામે તાકી તાકીને જોવા લાગ્યા. પણ બીલ્લુએ તો રમતા રમતા બધાં સાથે મિત્રતા કરી લીધી. નાના સાથે મોટાની મિત્રતા મુશ્કેલ હોઈ શકે પરંતુ અસંભવ નથી..!! જે બીલ્લુયે શાક્ષરતા સાથે સાબિત કરી રહી હતી..
થોડાં સમય પછી બીલ્લુ એના પપ્પાનો હિસાબ પણ લખવા લાગી. બીલ્લુને ઉમરના હિસાબે ચાર મહિના પછી સાતમાં ધોરણના હેતુઓ સિદ્ધ કરી પરીક્ષા આપીને આઠમાં ધોરણમાં આવી. બીલ્લુની રખડતી વાળની લટો હવે બે ચોટલામાં પરિવર્તિત થઇ હતી. શાળામાંથી ગણવેશ આવ્યો. પ્રાર્થનામાં સંચાલન પણ કરવા લાગી. અને બાળગીતો તો બીલ્લુ તેના સ્વપ્નમાં આવતી પરીઓને પણ શીખવાડતી. સાધનાબહેન સાથે રિસેસમાં અલક મલકની વાતો થતી. બીલ્લુના કાન બહેનની વાતો સાંભળવા હંમેશ તત્પર રહેતા.. માટે જ બીલ્લુ ઝડપથી બધું શીખતી હતી. પ્રવાસ, સ્પર્ધાઓ, અને ભણવામાં ધોરણ આઠનો વિદાય દિવસના કિનારે પહોચી ગયા. બધાં બાળકો શાળામાંટે નાનકડી ભેટ લઈને આવે. બીલ્લુ આજે કેમ નથી આવી તે સમજી ગયાં. એટલે બહેન બીલ્લુના કસબામાં ગયાં.

સાધનાબહેન : “બીલ્લુ ઓ બીલ્લુ….”
બીલ્લુ : “હા.. બહેન..!!”
સાધનાબહેન : “તું આજે શાળામાં કેમ નથી આવી તેની મને ખબર છે. આજે તો તારે શાળાને ફરજીયાત એક ભેટ આપવાની છે. ચાલો લાવો તમારી ભેટ…!!”
બીલ્લુ : “પ….ણ…. બેન…!!”
સાધનાબહેન : “તું મને વચન આપ કે “તું જ્યાં જઈશ ત્યાં આગળ જરૂર ભણીશ.”
બીલ્લુના પપ્પા : “હા… બોન હવે તો હુંજ એને મોટી નિશાળે મેલવા જાઈશ. હવે આ તમારી બીલુડી ભણતર નો સોડે ઈ પાક્કું હો. મારું વસન.. બસ લો તારે..!!”

ધોરણ આઠની પરીક્ષા અને પરિણામ બાદ બીલ્લુ તેના કસબા સાથે નીકળી પડી. શાળાની પ્રત્યેક નિર્જીવ વસ્તુઓને બીલ્લુ સજીવ બનાવી ધબકતું કરી નીકળી પડી. અને બદલામાં અહીંની યાદોની વ…ણ…જા…ર…!!; બીલ્લુ વણજારાનો કયારેય પીછો ન છોડવા હઠે ચડી હતી… સાધનાબહેને તેના ચશ્માં પાછળના આંખોના ખૂણાને ભીના થયાં પછી રૂમાલથી કોરા કરવાનું મુનાસિફ ન લાગ્યું.. કારણ, આંસુને પણ બીલ્લુ છેલ્લી વખત જોવી હતી…
આ વાતને દસેક વર્ષ વીતી ગયા. આજે પણ શાળાની બાજુમાં વણજારાનો પડાવ નખાય તો સાધનાબહેનને બીલ્લુની યાદ આવતી. બીલ્લુને યાદ કરવામાં શાળા પણ પાછી કેમ રહે? બંનેની એકજ સ્થિતિ રહેતી.
શાળામાં માત્ર એકજ બાબત બદલાય હતી.

સાધનાબહેનના કાળાવાળ લઘુમતીમાં આવી ગયા હતા. અને બાળકો પ્રત્યેનો બહેનનો સ્નેહ બહુમતીમાં.. વધતો જ ચાલ્યો..
એક દિવસ વહેલી સવારે શાળાના દરવાજે પોલીસની ગાડી આવી. ગાડી માંથી એક પોલીસ બહેન ઉતર્યા. અને શાળામાં પ્રવેશી સાધનાબહેનને વંદન કર્યા. બહેનની આંખો ઓળખવાનો પ્રયાસ કરે તે પહેલાં પોલીસ બહેન બોલ્યા : “બહેન હું તમારી બીલ્લુ..!!”

“બીલ્લુ વણજારા..” “ગાગર…” “પાણી…”
આટલું કહ્યા પછી બીલ્લુ પોલીસ હોવા છતાં તેના આંસુડાઓ પાંપણોની દીવાલ કૂદીને ભાગી નીકળ્યા. અને આમેય “આંસુઓને ક્યાં પાળ હોય છે, એને પણ લાગણીઓનું બંધાણ હોઈ છે.” આજે બે બંધાણી ભેગા થયાં હતા.
બીલ્લુના ખભા પરના સ્ટાર્સ પર દૂર ટેકરીઓ પરથી નિહાળતા સૂર્યનારાયણનું કિરણ પરાવર્તિત બની સાધનાબહેનના આંસુને મળવા દોટ મૂકી…

લેખન . નરેન્દ્ર જોષી.

દરરોજ અવનવી વાર્તાઓ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી