સાઠેકડું – ગામડા ગામમાં બનતી સામાન્ય ઘટના પણ અર્થ ખૂબ સુંદર…

સાઠેકડું…!!

એક કહેવત : પોદળામાં સાઠેકડું ખોસવું.

કહેવતનો મતલબ સમજાવો હોય તો એના ઉપરથી બનેલી વાર્તા વાંચો…પછી ક્યારેય નહી ભૂલો..

આજે નીમૂડી સવારે લોટો લઈને નીકળી ત્યારે એણે કુવાથી દસ ડગલા દૂર એક મસ્ત લીલોછમ, મોટો પોદળો પડેલો જોયો. એને જોતાજ એના મનમાં ઘણાં નવા નવા વિચાર ટીવીમાં ફિલ્મ જોતાં હોય અને એક પછી એક સીન આવી જાય એમ આવી ગયા.

આ પોદળામાં થોડો લાકડાનો ભૂકો ભેળવીને છાણાં થાપુ તો ઓછામાં ઓછાં દસ છાણાં તો થપાય જ. બે દિવસની રસોઈ બની જાય. પછી થયું કે એમના આંગણામાં હમણાં વરસાદ ગયો ત્યારનું અમુક જગાએથી લીંપણ ઉખડી ગયું છે. આવા સરસ તાજા પોદળામાં થોડી ખેતરની ચીકણી માટી ભેળવીને લીંપણ કર્યું હોય અને એમાં પાછી ત્રણ આંગળીઓથી ટપકા પાડી, ફૂટેલા માટલાના અડધા કાંઠલાથી ડિઝાઈનું પાડી હોય તો તો આહા.. હા…હા..! આંગણું કેવું દીપી ઉઠે ! આખું ગામ કહેશે, “ ભરતાની વહુ જેવી કોઈની વહુ નહિ ! નીમૂડી કલાકાર છે !”

નીમુડી એના વિચારોમાં ખોવાઈને મનમાં જ મલકાતી પોદળાથી દસ કદમ દૂર ઊભી, વિચારોમાં જ પોદળા સાથે રમતી હતી ત્યારેજ ત્યાં ઘનશ્યામની વહુ લીલુડીએ દોડતા આવીને પોદળામાં સાથેકડું ખોસી દીધું.

“ અલી..એ..ય ભાળતી નહિ હું આયા ઊભી શું તે ? ઇ મારો પોદળો સે. મીએ ઇ પેલ્લા જોયો સે. હું એ લઈ જાવાનું જ કરતીતી અને તું ન્યા વચમાં ઘુસ ના માર.” નીમૂડીએ એના પાતળા સોટા જેવા શરીરમાંથી શક્ય એટલું જોર લગાવી, ઊંચો અવાજ કરી કહ્યું.

“ તે પેલ્લા જોયો તો ઉભી હું લેવાને રઈતી ? મીએ એમાં સાથેકડું ખોસ્યું…ઇ હવે મારો સે..” લીલુડીએ ચોક્ખું સુણાવી દીધું.

“ જો લીલુડી ઇ પોદળાને હાથ લગાડ્યો તો તને માતાજીની આણ સે !”

“ અને જો તીએ હાથ લગાડ્યો તો તને તારા ભરતાના હમ !”

“ એક પોદળા હારું થઈને તું મને ભરતાના હમ આપે સે, હલકટ ! તને કંઈ ભાન સે કે નઈ? ભાન વગરની !”

“ હું ભાન વગરની તો તું લાજ વગરની સે, મારો રોયો ભરતો તો મારી હારે જ પૈણવાનો હતો અમારા મન તો નિહાળમાંથી ભાગીને હું બોર વીણવા જાતિતી ન્યા બોરડીના કાંટા વચાળે જ મળી ગયેલા, તે એ ટાણે તારા બાપાએ ભરતાના ઘરે જઈ, હારો વર અન ઘર જોઈને પોદળામાં સાથેકડું ખોસી દીધેલું. તારી વાત ઇની હારે નક્કી થઈ ગઈ. હું ચેટલું રોએલી એ ટાણે..” લીલુડીનો અવાજ અત્યારેય ઢીલો થઇ ગયો. “ એટલ જ મેં ગોમના હૌથી માથાભારે એવા ઘનશ્યામ જોડે વિવા કર્યાં… જે દી લાગમાં આવન એ દી તારું નખખોદ વાળવા.”

“ તું હું મારું નખખોદ વાળવાની, બાજરાના ડૂંડા જેવી ! તારો ડોળો હજી મારા ભરતા ઉપર સે ? ઊભી રેજે, આજ તન નઈ મેલું, ” એણે એનો પાણી ભરેલો લોટો લીલુડી માથે છુટ્ટો ફેંક્યો. લીલુડી ત્યાંથી તો ખસી ગઈ પણ પછી એ દોડીને નીમુડીને મારવા આગળ ધપી. પચાસ કિલોની નીમૂડી અને સો કિલો એકસો પચાસ ગ્રામની લીલુડી વચ્ચે કોઈએ કદી ના જોયા હોય એવા એવા કુસ્તીના દાવ પેચ રમાવા લાગ્યા…

બરાબર આજ વખતે નૈના ત્યાંથી નીકળી અને એણે એ લીલો છમ, મોટો, તાજો પોદળો જોયો, એમાં ખોસેલું સાથેકડું જોયું અને આ બે નારીઓને કુસ્તી કરતાય જોઈ… એણે સાથીકડું કાઢીને દૂર ઘાસ વચાળે ફેંક્યું, થોડાં દાંત કાઢ્યાં અને પોદળો ઉઠાવીને ભાગી ગઈ…

લેખક : નિયતી કાપડિયા.

દરરોજ અવનવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી