હમણાંજ વેલેન્ટાઇન્સ ડે ગયો ત્યારે તમારા માટે ખાસ આ સુંદર પ્રેમપત્ર…

એક યુવકનો પહેલો પ્રેમપત્ર
***********************

“ છે ઘણાં એવા કે જેઓ… યુગને બદલાવી ગયા,
પણ બહુ ઓછા છે જેઓ…પ્રેમમાં ફાવી ગયા….!!”

હમણાંજ વેલેન્ટાઇન્સ ડે ગયો. ઘણા લોકોના દિલ તૂટ્યા અને ઘણાના જોડાયા હશે..! આ દુનિયામાં પ્રેમ કરવાની અને કારકિર્દી બનાવવાની ઉંમર એક સરખી રાખીને ભગવાને મોટો અન્યાય કર્યો હોય એવું લાગે ક્યારેક…! જિંદગી જીવવાની અને જિંદગી બનાવવાની ઉંમર એક જ, કેમ ?

કેટલાય એવા આશાસ્પદ યુવાન અને યુવતી હશે જે આ કશ્મકશ વચ્ચે ઘેરાયેલાં હશે ! એક જગાએથી હાર માનેલા બીજી જગાએ પણ હારી જતા હોય છે..કોઈક જ એવા મજબૂત મનોબળવાળા હોય જે ટકી જાય..!! ભણવાના પ્રેશરમાં કેટલીય પ્રેમની નૌકાઓ કિનારા પર જ ડૂબી જતી હશે..!

આજે મેં અહીં આવી જ ભાવના વ્યક્ત કરતો એક પત્ર મૂક્યો છે. રાઘવ નામનો એક યુવાન એની પ્રિયતમાને આ પત્ર લખી રહ્યો છે…. હા, આજના જમાનામાં પ્રેમપત્ર ! વાંચી જુઓ, મજા આવશે…દિલમાં કંઇક સ્પર્શે તો એક સરસ સ્માઈલ કરી દેજો…

એક છોકરાનો પહેલો પ્રેમ પત્ર !!

Hi,

વોટ્સ અપ જાન ?

તું રોજ રોજ મારા મેસેજીસ વાંચીને કંટાળી ગઈ હોઈશ એટલે જ આજે પત્ર લખવા બેઠો છું…લાલ રંગથી ! ના ના ચિંતા ના કર આ લાલ ઇન્ક જ છે, લોહી નથી. પણ એનો એક એક શબ્દ મારા દિલના ઊંડાણમાંથી આવી રહ્યો છે, મારી ધડકનો સાથે રમી રમીને જે પુખ્ત થયા એ શબ્દો જ અહીં મૂકીશ…

મને ખબર છે તું મારાથી નારાજ છે. તને તારી નારાજગી જતાવવાનો પૂરો હક છે. તને લાગે છે કે મારે મને મળી રહેલી સરકારી નોકરી સ્વીકારી લેવી જોઇએ. પણ સાચું કહું જાન મારું મન નથી માનતું.

મારે બિઝનેસ કરવો છે. છેલ્લાં બે વર્ષથી એમબીએ નો કોર્સ હું સરકારી નોકરી માટે તો નહતો જ કરતો ! મને ખબર છે, હાલ તને મારા આઈડિયા હવાઈ કિલ્લા જેવા લાગે છે પણ યાદ રાખજે એ હવાઈ કિલ્લો જ એક દિવસ સાચુકલો કિલ્લો બનાવવા નિમિત્ત બનશે. તને ખબર છે, હું નાનો હતો ત્યારથી જ મને ક્રિકેટર બનવું હતું. તે પણ તો ક્રિકેટર રાઘવને જ ચાહ્યો હતો ! બેટ અને બોલ જોઈને જ મને કંઇક થઈ જતું. મારી નસોમાં લોહી તેજ ગતિથી દોડવા લાગતું…જેવું અત્યારે તને જોઈને થાય છે ! સારા કોચિંગને અભાવે હું એમાં આગળ ના જઈ શક્યો પણ, હજી મારી સ્કૂલ અને ઘરની આસપાસની ગલીઓમાં લોકો મને રાઘવ ક્રિકેટર તરીકે ઓળખે છે. (તું ભૂલી ગઈ આપણી પહેલી મુલાકાત, મેં સીક્સ મારેલી અને બોલ તારા ખોળામાં આવીને પડેલો !) ઘરમાંથી ખૂબ પ્રેશર હતું, ભણવા ઉપર ધ્યાન આપ. ક્રિકેટ છોડવું પડ્યું. પૂરું ધ્યાન ભણવામાં દીધું. એન્જીનીયર થયો. એમબીએ કર્યું. હવે શું ?

ભણવાનું પૂરું થતાં જ, હવે શું ? એ એક પ્રશ્ન મારા, ફક્ત મારા જ શું કામ મારી સાથે જોડાયેલા તમામ લોકો, મારા માબાપ, મારા ભાઈ બહેન અને તું પણ જાન, આ બધા માટે ખૂબ અગત્યનો સવાલ બની ગયો છે. એના જવાબ ઉપર કેટલાયની જિંદગી નિર્ભર કરે છે એ હું સમજુ છું અને એટલે જ કહું છું. ક્રિકેટની વસ્તુઓ વેચવાનો મારો ઈરાદો મને પૂરો કરવા દે. મારી સ્પોર્ટ્સ શોપ આજે ભલે નાની છે, ગલીના નાકે આવેલી સામાન્ય દુકાન જેવી દુકાન છે પણ એમાંથી હું કમાઈ શકીશ એની મને ગળા સુધી ખાતરી છે. પછી સારી જગ્યાએ મોટો સ્ટોર ખોલીશું. બેટ અને બોલની સાથે સાથે હું છોકરાઓને ક્રિકેટ વિશે માર્ગદર્શન પણ આપીશ. જો નસીબ સાથ આપશે તો હું કોચિંગના ક્લાસ પણ ચાલું કરીશ.

જો હું અત્યારે સરકારી નોકરી કરી લઈશ તો મારા બધા સપના, મારી આગળ વધવાની ઇચ્છાઓ મરી જશે. હું જીવતો જરૂર રહીશ પણ જીવવાની તમન્ના વગર. તને યાદ છે, તને પેલું પિક્ચર બહું ગમેલું, ટાઇટેનિક ! એક પછી એક એમ ત્રણ શો આપણે એકસાથે જોયેલા…કેમ કે તને એ ગમેલું ! સાચું કહું તો મેં એ ફિલ્મ જોઈ જ નથી. તું રોઝ અને જેકને જોઈ ખુશ થતી હતી અને હું… હું બસ તને ખુશ થતી જોઈ રહેલો…! શું તું આવું ના કરી શકે? થોડો સમય મને મારી ખુશી માટે બિઝનેસ કરવા દઈ તું પ્રેમથી મને સાથ ન આપી શકે. એક વરસ ફક્ત એક વરસ શાંતિ રાખ. જો આ એક વરસમાં હું કંઈ ના કરી શક્યો તો પછી નોકરી કરી લઈશ, કોઈ જ બહાનું બનાવ્યા વગર ખુશી ખુશી આખી જિંદગી !

થોડું વધારે લખાઈ ગયું હોય તો…માફ કરજે ! લાગણીઓને તોળી તોળીને ખર્ચવાનું મને ફાવતું પણ નથી અને આવડતું પણ નથી !

તારી એક નજરનો તરસ્યો,
ફક્ત તારો રાઘવ.

લેખક : નિયતી કાપડિયા.

દરરોજ અવનવી પ્રેમીઓની વાર્તાઓ અને અનોખી સ્ટોરી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી