તમને પણ આ લેખિકાના જીવનપ્રસંગમાં તમારા જીવનના અમુક દ્રશ્યો દેખાશે…

જય શ્રીકૃષ્ણ દોસ્ત !!

હમણાં હમણાંથી લોકો મને એક લેખિકા તરીકે ઓળખવા લાગ્યા છે, ક્યાંય બહાર સામાજિક મેળાવડામાં જવાનું થાય ત્યારે બે ચાર જણા તો એવા મળે જ છે જેમને હું ના ઓળખતી હોઉં પણ એ મને ઓળખતા હોય, એક લેખિકા તરીકે !!

આ દુનિયાનો સૌથી સશક્ત કોઈ લેખક હોય તો એ છે ભગવાન પોતે ! દરેક મનુષ્યના જીવનમાં એટલા બધા ભિન્ન ભિન્ન પ્રસંગો ભરે છે કે મારા જેવા લખવાના શોખીન જીવડાને ચારે બાજુ વાર્તા જ દેખાય..! બીજાના જીવનમાં ડોકિયું કરવાનો આમેય માનવીનો શોખ રહ્યો છે..! હું બીજાની વાતો તો રોજ કરું છું, ચાલો આજે મારી પોતાની વાત કરું…

પરિક્ષાઓની મૌસમ આવી રહી છે, બોર્ડમાં ભણતાં છોકરા છોકરીઓને પરિણામ પહેલા અને પછી પણ ઘણી બધી લમણાઝિંકનો સામનો કરવો પડે… ચાલો આજ ટોપિક પર હું મારી અંગત વાત કહું…જો જો પાછા પ્રેરણા લેવાનું નથી કહેતી..આગળ તમારી મરજી..!!

હું નાનપણથી નહિ પણ જનમથી જ થોડી જીદ્દી છું એમ કહું તો ચાલે ! જ્યારથી સમજણી થઈ ત્યારથી મને યાદ નથી કે હું ક્યારેય કોઈની વાતોમાં આવી ગઈ હોઉં અને મારું કોઈ કામ કે ઈચ્છા પડતી મૂકી હોય !

મારી ઈચ્છા ડૉક્ટર થવાની હતી. બાર સાયન્સમાં ખૂબ મહેનત પણ કરેલી. કોઈ ટ્યુશન ટીચર મને મારા પ્રાયમરી ટીચર જેવા પ્રેમાળ અને છોકરાના હીત ખાતર ભણાવનારા ન મળ્યા અને મેં ટ્યુશન રાખવાની મનાઈ કરી દીધી. ગણિતની મને પહેલાથી જ બહું બિક લાગતી એટલે એનું ટ્યુશન રખાવેલું, બાકીના વિષય જાતે ભણીને તૈયાર કરેલા. પરિણામ આવી ગયું. ફોર્મ ભરાઈ ગયા.

પપ્પાએ શાંતિથી કહ્યું કે, “થોડાંક ટકા ઓછા છે એટલે મેડિકલ કોલેજમાં દાખલો નહિ મળે ! Dentist કે ફિસીઓથેરાપીસ્ત બની શકાય ! ”

“ ના. હું કોઈના સડેલા દાંત નહિ ખોતરું. ફિઝીઓ પણ મને નથી પસંદ !” મેં મોઢું ચઢાવીને કહી દીધું.

એ હસ્યા થોડું, “ દાંતના ડૉક્ટર પણ સારું કમાય.”

“ ના એટલે ના. ” જીદ્દી તો હું જન્મી ત્યારની છું…પહેલા જ કહ્યું.

“ એન્જિનિયરિંગ કોલેજમાં જોઈએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કેમિકલ એન્જિનિયરિંગ સારી બ્રાન્ચ છે, ગર્લ્સ ક્વોટામાં એડમિશન મળી જઇ શકે.” એમણે મને સમજાવવાના પૂરા પ્રયત્ન કર્યા.

“ તમને ખબર નથી મને એન્જિનિયર જરાકે પસંદ નથી !” “ એ લોકો કેટલાં ગણતરીબાજ હોય છે. હું તો કોઇ એન્જિનિયર સાથે મેરેજ પણ નહિ કરું ! ” બિચારા પપ્પા એમણે થોડીવાર વિચાર્યું અને કહ્યું,

“ તો ફાર્મસીમાં પ્રયત્ન કરીએ. એમાંય ઘણા સ્કોપ છે. અમદાવાદમાં સરકારી કોલેજ પણ છે.”

“ હા, એ સારું છે. હું પછી કોઈ ડૉક્ટર સાથે મેરેજ કરી લઈશ. એ દર્દી તપાસશે અને હું દવા આપીશ..! ગાંધીનગરમાં ફાર્મસી કોલેજ નથી ?”

હસવું આવ્યું હોય તો હસી લો… ઘણાં લોકો કહેતા આ છોકરી ગાંડી છે…એ જેવું વિચારે એવું જ થવાનું નક્કી જાણે ! પણ, મારા પપ્પા કહેતા, “ એ જેવું વિચારે એવું જ કરીને દેખાડશે.” એમનો મારા પરનો વિશ્વાસ મને નવું બળ આપતો..મારી દરેક વાતમાં મારા પપ્પાએ વિશ્વાસ મૂક્યો.

આખરે મેં ગાંધીનગરમાં જ, મારા ઘરથી નજીકની જ ફાર્મસી કોલેજમાં દાખલો લીધો અને ગાંધીનગરના જ ડૉક્ટર છોકરા સાથે મેરેજ પણ કર્યા…!!

મારા પપ્પા, મારા જીવનના સાચુકલા હીરો ! એમની સાથે જોડાયેલા એવા કેટલાય પ્રસંગ છે જેને મને મારા મિત્રો સાથે શેર કરવાનું ગમે. એવો જ એક પ્રસંગ અહીં વર્ણવી રહી છું…

એક દિવસ મેં જોયું કે મારા પપ્પા ઉદાસ લાગતાં હતાં. ઘરની સૌથી મોટી દીકરી હું અને મમ્મીનાં ગયા પછી ઘરની સંભાળ લેનાર તરીકે પપ્પા પછી બીજો નંબર મારો આવતો. એટલે મેં એમને પૂછ્યું કે,“ શું થયું ? કંઈ ચિંતામાં હો એવું લાગે છે !”

એમણે સ્વભાવગત સહેજ હસીને કહ્યું, “ ઑફિસના કામનું ટેન્શન છે !” એમને એમ કે હું ઑફિસ શબ્દ સાંભળીને જતી રહીશ.

મેં પૂછ્યું, “ શું ટેન્શન છે ?” મને એ ખબર હતી કે હું એમની કોઈ રીતે મદદ નહીં કરી શકું પણ એક વિશ્વાસ હતો કે, છેલ્લે એમને સારું લાગે એવી કંઇક સલાહ તો ચોક્કસ આપી જ શકું !

એ થોડીવાર મારી સામે જોઈ રહ્યાં, એમની આંખો જાણે માપી રહી કે એમની મુન્ની હવે મોટી અને સમજદાર થઈ ગઈ છે ! એમણે વિસ્તારથી આખી વાત કહી. મારા પપ્પા ઓડિટર હતા. આ વખતે એમને જે સહકારી મંડળીનું ઓડિટ કરવાનું હતું એ કેટલાક આઇ.એસ.ઓફિસરે ભેગા મળીને બનાવેલી મંડળી હતી. બધા ઓફિસર ખૂબ પહોંચેલી માયા હતા અને એમની મંડળીમાં મોટા ગોટાળા હતાં. કોઈ ઓડિટર આ કામ હાથમાં લેવા તૈયાર ન હતો. વરસોથી મંડળીનું ઓડિટ જ નહતું થયું. એમના સાહેબે મારા પપ્પાને વિનંતી કરી અને મારા પપ્પાની કમજોરી કે એ કોઈને “ ના” ન કહી શકતા, કામ મારા પપ્પાને જ કરવાનું આવ્યું ! હવે એ જો ક્લીન ચિટ આપી દે તો એમને પોતાને જ સરકાર દોશી ઠેરવે અને જો ભૂલો દેખાડે તો પેલા આઇ.એસ.ઓફિસર ભવિષ્યમાં એમને નડ્યા કરે..! એક તરફ કૂવા ઔર એક તરફ ખાઈ જેવી પરિસ્થિતિ હતી. શું કરવું એનું જ એમને ટેન્શન હતું.

બધું સાંભળ્યા પછી મેં કહ્યું, “ આમા શું મોટી વાત છે ? તમે વરસોથી ઓડિટ કરો છો, મોટા મોટા ગુંડા જેવા માણસો સાથે, સાવ અભણ અને જડસું નેતાઓ સાથે કામ પાર પાડી શકો છો તો આતો ભણેલા ગણેલા અને હોંશિયાર લોકો છે. એમની મંડળીની એમનેય ચિંતા તો હશે જ ને ! તમને યોગ્ય લાગે એવો રિપોર્ટ બનાવો !” ખરું કહું તો હું પણ મુંજાઈ ગયેલી પણ, મને હાર માનવાનું પસંદ નથી. જ્યાંથી હારી રહી છું એમ લાગે ત્યાંથી કંઇક નવી શરૂઆત થાય…મેં મારી સલાહ આપી દીધી.

થોડાં દિવસો બાદ પપ્પા ખૂબ ખુશ હતા. એ મારી જ રાહ જોતા હતા. હું સ્કૂલથી ઘરે આવીને મારી સાયકલ મૂકતી હતી ત્યારે જ એમણે મને કહ્યું, “ પેલો કેસ પતિ ગયો !”

મારા પપ્પાએ એમને યોગ્ય લાગ્યો એવો રિપોર્ટ બનાવીને એ મંડળીના જે પ્રમુખ જેવા આઇ.એસ.ઓફિસર હતા એમને બતાવેલો. મંડળીના ગોટાળા, એમાંથી કોઈ રીતે બચી શકાય એમ હોય તો એના રસ્તા અને આમા કંઈ થઈ શકે એમ નથી એવી વાતો પણ જણાવી. પેલો ઑફિસર મારા પપ્પાથી પ્રભાવિત થઈ ગયો. એમના મુજબ આજ સુધી ઘણા ઓડિટર આવીને ગયા પણ કોઈએ આટલું સરસ કામ નહતું કર્યું. એમણે કહ્યું કે, એમને પપ્પા પર પૂરો ભરોસો છે. જે કંઈ દંડ થતો હશે એ, એ જોઈ લેશે. તમતમારે નિશ્ચિંત થઈને રિપોર્ટ બનાવો ! એ ઑફિસર પછીં તો મારા પપ્પાના મિત્ર બની ગયેલા અને એક જરૂરી કામમાં પણ મદદ કરેલી એની વાતો ફરી ક્યારેક !

મને હું જેની વાર્તાઓ વાંચતી હોય એના વિશે જાણવાનું ગમે છે, જે લોકો મને વાંચતા હોય એમની પણ ઈચ્છા હોઇ શકે મારાં વિશે જાણવાની… કૈંક એવું જ વિચારીને મારા અંગત જીવનમાં ડૂબકી મારી આ બે પ્રસંગ રૂપી મોતી શોધી લાવી અને આપ સમક્ષ મૂક્યા છે દોસ્તો..! ખૂબ આભાર !!

લેખક : નિયતી કાપડિયા.

દરરોજ આવા અનેક લેખકોના અનુભવો વાંચો ફક્ત અમારા પેજ પર.

તમારા આવા કોઈ અનુભવ હોય તો અમને ઈનબોક્સમાં કે પછી કોમેન્ટમાં જણાવી શકો છો..

ટીપ્પણી