વોટ્સએપવાળી v/s ઘરવાળી – દગો એટલે દગો, પછી ભલેને એ નાનો હોય…!”

વોટ્સએપવાળી v/s ઘરવાળી

“જહાં દેખી નારી, વહાં લાઈન મારી
પટી તો હમારી, નહીં તો ફિર સે બાલ બ્રહમચારી !!”

આજે પહેલી વખત એવુ થયુ હશે, સાગરને ઘરમાં પગ મુકતા સંકોચ થઈ રહ્યો હતો! એનું મન ચકરાવે ચઢયું હતું. કમને એણે ગ્રુહપ્રવેશ કર્યો. હાથમાં રહેલ મોબાઈલની સ્ક્રીન ઉપર એણે એક નજર નાખી એને બંધ કર્યો અને પેન્ટના ગજવામાં સેરવ્યો.

સરિતા,એની પત્ની રસોડામાં એના કામમાં હતી. એણે બહાર આવીને પતિને પાણીનો ગ્લાસ આપ્યો. ગ્લાસ હાથમાં લેતા સાગરે સરિતાના ચહેરા સામે એક પળ જોયુ. બસ, એક પળ જેટલુ જ. એના પર કોઇ ભાવ ના હતો, કે પછી સાગર એને કળી ના શક્યો ! પત્નીની હાજરી સહેવાતી ના હોય એમ એણે ફટાફટ પાણીનો ગ્લાસ ખાલી કરીને આપી દીધો, એની સામે નજર નાખ્યા વિના !

હવે પછીની દરેક પળ પસાર કરવી સાગર માટે ખુબ કપરી હતી. સરિતાની ચુપ્પી જ સાગરને અકળાવી રહી હતી. રહી રહીને એને થતું હતું કે, હવે સરિતા ગુસ્સાથી લાલચોળ થઈને એને ખરી ખોટી સંભળાવશે, ને દરેક વખતે એવું કંઈ ના થતું..! સાગરે ટીવી જોવાના બહાના હેઠળ એના વોટ્સએપમાં રહેલા કેટલાક મેસેજીસ ફટાફટ ડિલીટ કર્યા. કોલ લોગ ચેક કરી એમાંથીય કેટલુંક ડિલીટ માર્યું. એમાં ને એમાં સુવાનો વખત પણ થઈ ગયો. છતાં, સરિતા કંઈ ના બોલી ! એતો રોજની જેમ જ પલંગની એક બાજુની કિનાર પર પડખુ ફરીને સુઇ ગઈ.

“ તું તારે જે બોલવું હોય એ બોલી નાખ એટલે પતે. આમ શાંત રહેવાનું નાટક હવે બંધ કર… ઝઘડવું હોય તો ઝઘડીલે ! ” આખરે ક્યારનાય અકળાઈ રહેલા સાગરે મનનો રઘવાટ ઠાલવ્યો !

સાગર અને સરિતા, બન્ને જણાના લગ્નને દસ વરસ થઈ ચુક્યાં હતા. આમ જુઓ તો એ લોકો સુખી હતા. સાગર સરકારી ખાતામાં મોટો ઓફિસર હતો. સારું કમાતો, કોઇ પણ જાતના વ્યસન વિનાનો, એક શાંત સ્વભાવનો વ્યક્તિ હતો, તો સામા છેડે સરિતા પણ ઠરેલ, પ્રેમાળ , ઘરરખ્ખુ ગ્રુહિણી હતી. એક દેવ જેવો દીકરો પણ હતો. આટલા વરસથી બંને સાથે જીવતા હતા. જિંદગીમાં પ્રેમ હતો કે નહિ એનીતો ખબર ન હતી પણ હવે આટલા વરસે બંનેને એકબીજાની આદત થઇ ગયેલી. ધીમી, શાંત ગતિએ એમની જિંદગી આગળ ધપે જતી હતી.
તો ?

હવે અહિં જ આવે છે નિયતીનો નવો વળાંક ! વાત એમ બની કે આજે સાંજે સરિતાને એના દીકરાને પિત્ઝા ખાવા બહાર લઈ જવો પડ્યો. છોકરો કેટલાયે દિવસોથી જીદ કરતો હતો ને સાગરને ઘરે આવતા રોજ મોડું થઈ જતુ એટલે આજે બંનેએ એકલા જવાનો જ મૂડ બનાવી લીધો. માં-દિકરો હજી હોટેલમાં પ્રવેશ્યાજ હતા કે સરિતાની નજર છેલ્લા ખુણે બેઠેલા સાગર પર પડી એની સાથે કોઇ અજાણી છોકરી હતી ! આજ વખતે સાગરની નજર પણ સરિતા પર પડી હતી. બન્નેની નજર એક ક્ષણ માટે ટકરાઈ, ને જાણે કંઈ જોયુ જ ના હોય એમ સરિતાએ નજર વાળી લિધેલી ! મા-દિકરો બન્ને પિત્ઝા ખાઈને જતા રહ્યા એના કેટલાય સમય બાદ સાગરને હોશ આવેલો. આજે ચોક્કસ ઘરે મહાભારત થશે એવી માનસિક તૈયારી સાથે જ એ ઘરે આવેલો ! સરિતાને આપવાના જવાબોનું એણે મનમાં ને મનમાં કેટલીય વાર રિહર્સલ કરેલું પણ અહિં તો મૌન છવાયેલું હતું…

સાગરને થોડી વાર તો એમ થયુ કે બિચારી કેટલી સીધીસાદી છે. કંઇજ સમજતી નથી, આની જગાએ કોઇ બીજી હોત તો તો અત્યારે…! વળી પાછું થયુ કે, શાંત પાણી જ વધારે ઊંડા હોય ! એ એના પિયરીયાને આ વાત જણાવીને કઈંક ફજેતો કરવાનું વિચારતી હશે તો ? ચાલીસ વરસે હવે કોઈ છેલબટાઉ કહી જાય તો ? નાના, આવું ના થવું જોઈએ, આખરે કંટાળીને જ સાગર જાતે બોલેલો.

સરિતાતો જાણે હજી કઈંજ ના સમજી હોય એમ આંખો ફાડીને, સાગરની આંખોમા તાકી, આરામથી તકિયાને અઢેલીને બેસી રહેલી. પણ એ નજરને જીરવવી હવે સાગર માટે અશક્ય હતી.

“જો હું તારાથી કંઈ પણ છુપાવતો નથી, હું કંઈ છુપાવવા માંગતો પણ નથી. જે છે, જેવું છે એ બધું હું સાચેસાચુજ હું કહીશ.” સાગરે સરિતાની સામે ધ્યાનથી જોયુ એના ચહેરા પરની એક રેખાયે હલી નહતી !

કહે છેને કે ભય કરતા ભયનો ભય વધારે ભયાવહ હોય છે ! સાગરને મનોમન એક ભય સતાવી રહ્યો હતો, પત્ની સાથેના ઝઘડાનો ને એથીયે વધુ, સામાજીક બદનામીનો ! ને એવુ વાસ્તવમા કંઈ જ ના બનતા એ હેરાન હતો !

“એ સ્વીટી છે, એટલેકે એનું સાચુકલું નામ જ સ્વીટી છે, મેં નથી પાડ્યું ! અમારા ક્લાર્કની દિકરી છે. એણે ઘણી જગાએ પ્રયત્ન કર્યો છતા એને ક્યાયે નોકરી નહતી મળતી. અમારી બ્રાન્ચમાં વોક ઇન-ઈંટરવ્યુમાં એ આવેલી ને પછી એજ સાંજે મળીને એણે મને નોકરી માટે રિકવેસ્ટ કરેલી. મારે તો કોઇને પણ કામે લેવાના જ હતા વળી, છોકરી સ્માર્ટ હતી પાછી અમારા ક્લાર્કની દિકરી એટલે મેં એને સિલેક્ટ કરેલી.”

થોડીવાર ચુપ રહીને એણે સરિતા સામે જોયુ, સમખાવા પુરતીયે જો એના થોબડાની એકેય રેખા હલી હોય તો ! સાગરને પરસેવો વળી ગયો.

ભય કરતા ભયનો ભય… આગળ કહ્યુ એમ યાર ! સમજી જાવને ભલા માણસ. હા, તો સાગરે ફરી વાત શરુ કરી,

“એ છોકરી પછી એક સાંજે ફરી મળવા આવી. અમે થોડી વાતો કરી છુટા પડ્યા. પછી થોડાં થોડાં દિવસોના અંતરે એ આવતી રહી અમે કોઇ હોટેલમાં સાથે નાસ્તો કરતા. એ છોકરી ખૂબ વાચાળ છે, અલક મલક્ની વાતો એની પાસે હોય. મને એની સાથે સારું લાગતું હતું. હજુ લાગે છે !” એ એની પત્ની સાથે વાત કરી રહ્યો છે એ યાદ આવતાજ એણે થોડીવાર વિરામ લીધો, “અમે એકબીજાના ફેસબુક ફ્રેન્ડ બન્યા હતા. પછી વોટ્સેપ પર મેસેજ મોકલતા થયા. એના મેસેજીસ… વાંચીને મારા આખા દિવસનો થાક એક પળમાં ઉતરી જતો ! એની વાતો સાંભળીને, વાંચીને મન ખુશ થઈ જતું. મારી કોઈ પણ પોસ્ટ પરની એની કૉમેન્ટ વાંચીને ચહેરા પર સ્મિત આપોઆપ આવી જતું !” સરિતાની સામે જોવાનુ આ વખતે એણે જાણીને ટાળ્યુ એના ચહેરા પર સ્મિત આવી ગયું હતું.

એણે ઉભા થઈને રૂમમાં એક આંટો માર્યો પછી ડ્રેસિંગ ટેબલના અરીસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળતા વાત ફરી શરુ કરી.

“એક દિવસ અચાનક એણે કહ્યુ કે સાગર આઇ લવ યુ…! મેં એને ઘણી સમજાવી કે આ શક્ય નથી.હું પરણેલો, એક છોકરાનો બાપ, સમાજથી ડરીને ચાલનારો પુરુષ ! આ બધુ મને ના ફાવે. હું એક સીધો સાદો માણસ છું !”

“મને બધી ખબર છે, છતા હું તમને ચાહું છુ ને આખી જિંદગી બસ તમને જ ચાહતી રહીશ. મને તમારી પાસેથી કંઇજ નથી જોઈતુ. હું કોઇ દિવસ તમને તમારી પત્નિને છોડી દેવાનું કે મારી સાથે લગ્ન કરવાનું પણ નહી કહું. આપણે મળતા રહીશુ, બસ આમજ થોડા થોડા દિવસે. એકબીજાને મેસેજ કરીને હાલચાલ પૂછીશું. ફની મેસેજીસ, શાયરીઓ શેર કરીશું. ક્યારેક ક્યારેક મળીને વાતો કરીશુ ને પછી છુટા પડી જશુ. તમે બસ મારા મિત્ર બની જાઓ. એક કલોઝ ફ્રેન્ડ..! જેની સાથે હું મારા મનની દરેક વાત વિના સંકોચ શેર કરી શકું ! મારા દિલમાં ઉદભવતા દરેક તરંગને વહેંચી શકું, એવો મિત્ર !”

“હું એને ના ના પાડી શક્યો ! અમે લોકો મળીયે છીયે, દર શનીવારે સાંજે કોઇ હોટેલમાં, થોડો નાસ્તો કરતા, કરતા વાતો કરીએ છીયે ને, પછી પોતપોતાના રસ્તે. રોજ સવારે એ મને ગુડ મોર્નિંગ કહે છે. કોઈ સારો મેસેજ એના વાંચવામાં આવે તો મને ફોરવર્ડ કરે છે ! ક્યારેક હું પણ એને મેસેજ કરૂ છું !”

“સાચું કહું તો હવે ચાલીસ વરસની ઉમરે, જિંદગી જાણે પુરી થઈ ગઈ એમ લાગતુ હતું ! સાવ બેજાન, નિરસ ! ત્યારે, સ્વીટી મારા જીવનમા નવો સંચાર લઈ આવી છે, હું ખુશ રહેવા લાગયો છું ! મારા સડિયલ, માંદલા જીવનમાં જાણે વસંત આવીને બેઠી !”

સાગરે ભાવુક થઈને, આંખો મિંચીને જાણે સ્વગત બોલતો હોય એમ કહ્યુ, “શું મને મારી પોતાની જિંદગીમાંથી, મારા પોતાના માટે, થોડીક પળો મારી મરજી મુજબ, મારી ખુશી માટે જીવવાનો હક નથી ? હું એની સાથે આનાથી વધારે કોઇ સંબંધ નહી રાખુ, અમારે જરુર જ નથી. અમે બસ આટલામાં જ ખુશ છીએ !”

અચાનક સરિતાનો હસવાનો અવાજ સાંભળીને સાગર પુરો ભાનમાં આવી ગયો.

“હું આટલી ગંભીર વાત કરી રહ્યો છું ને તને હસવુ શેનુ આવે છે ? સાવ મુરખ જેવી છે.” સાગર ચિઢાઈને બોલ્યો.

“તમારી આટલી ગંભીરતા જોઇને જ હસવું આવે છે.”

“ મેં તમને જયારે હોટેલમાં જોયા ત્યારે મને સપનેય ખ્યાલ નહતો આવ્યો કે આવુ પણ કંઈ હોય શકે ! મને એમ કે તમારી કોઇ સાથી કર્મચારી કે કોઇ કર્મચારીની બેન-દીકરી હશે ને કોઇ જરુરી કામથી મળવા આવી હશે. એટલેજ તો તમને જરાયે હેરાન કર્યા વિના હું ત્યાંથી નિકળી ગયેલી.”

સરિતા વિશ્વાસથી વાત કરી રહી હતી, સાગર એને સાંભળી રહ્યો, “સારું થયુ કે તમે બધુ સાચેસાચુ જણાવી દીધુ. ઘણા દિવસો થી મારેય તમને એક વાત કરવી હતી પણ સંકોચ થતો હતો. વિચારું છું કે આજે કહી દવ ?” સરિતાએ વેધક નજરે સાગર સામે જોયુ.

“હં, હાં…કહી દે તું પણ.” સાગરને થયુ હમણા થોડીવાર પહેલા જે સ્ત્રીને એ સાવ મુરખ સમજતો હતો એ ધાર્યા કરતા વધારે હોંશિયાર નિકળી.

“આપણા લગ્ન થયા એ પહેલા હું કોઇ બીજાને મનોમન પસંદ કરતી હતી. અમારા ઘરની પાછળની હરોળમાં જ એનું ઘર હતું. પછીથી એટલેકે લગ્નબાદ અમે કોઇ દિવસ મળ્યા નથી. હમણાં થોડાક વખત પહેલા એ મને ફેસબુક પર મળી ગયો. હાલ એ મુંબઈમાં જોબ કરે છે .છ- બાર મહિને આ બાજુ આંટો મારી જાય છે, મતલબ કે એના મા-બાપને મળવા આવે છે. એની ક્યારનીય ઇચ્છાછે કે હું એને એક્વાર મળું, થોડી બહું સુખ-દુ:ખની વાતો કરીએ અને પછી એ એના ઘેર હું મારે ઘેર ! તો શું હું એને મળી શકું ? ” સરિતા સાગરના ચહેરા પર ત્રાટક કરતાં બોલી.

“હમણા જ તમે પેલું શું કહ્યુ, શું મને મારી પોતાની જિંદગીમાંથી, મારા પોતાના માટે, થોડીક પળો મારી મરજી મુજબ, મારી ખુશી માટે જિવવાનો હક નથી ?”

“ છે ને ,હેં ?” સાગરને ચૂપ થઈ ગયેલો જોઈ એક કાતિલ સ્મિત મઢ્યા ચહેરા સાથે સરિતા એની જગા ઉપર જઈને સુઇ ગઈ.

સાગર હવે શું બોલે…! એના રૂંવે રૂંવે જાણે કોઈએ આગ ચાંપી હતી. સીધી સાદી આ સ્ત્રી કેટલી લુચ્ચી નીકળી ! એણે જાતે જ આ બધું ના કહ્યું હોત તો પોતે કદી આવું વિચારત પણ નહિ. કેટલું માન હતું આજ સુંધી આ સ્ત્રી પર ! પોતે પોતાની પત્નીને દેવી સમજતો હતો, હા થોડી મૂરખ, જુનવાણી પણ દેવી..! અને આ કેવી નીકળી ! એણે સરિતાનો ફોન લીધો અને આખેઆખો ચેક કર્યો. ફેમિલી મેમ્બર્સ સિવાય કોઈ એની ફ્રેન્ડ લિસ્ટમાં ન હતું. ફેસબુક પર પણ એ નિયમિત ન હતી. મહિને બે મહિને એકાદ પોસ્ટ એય કોઈ ને કોઈને બર્થડે શુભેચ્છાઓ આપતી જ હતી. કંઈ સંદેહજનક ના મળ્યું છતાં સાગર તડપી રહ્યો હતો…

“ શું થયું ? કંઈ ના મળ્યું ? એ એકપળ, અવિશ્વાસની, દગાની ગંધની કેવી વીતી સાગર ?” પેલી મૂરખ પત્ની ખૂબ જ પ્રેમ અને સંયમથી કહી રહી હતી, “સૂઈ જાઓ શાંતિથી મારે કોઈ એવો મિત્ર નથી. હું તો બસ તમને એ મહેસૂસ કરાવવા માંગતી હતી કે જ્યારે આપણો જીવનસાથી દગો કરે ભલે નાનકડો જ તોય સીનામાં કેવી પીડા થાય…! દગો એટલે દગો, પછી ભલેને એ નાનો હોય…!”

“ મને માફ કરીદે સરું ! મારી ભૂલ થઈ ગઈ. હવેથી કોઈ વખત, ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરું. બસ, આ વખત માફ કરી દે.” સાગર ઢીલો પડી ગયો. એને ખરેખર પસ્તાવો થઈ રહ્યો હતો.

“મેં તમને માફ કરી દીધા. ચાલો સૂઈ જાઓ હવે.” સરિતાએ કહ્યું. સરિતાને મન એનો પતિ હજી દેવ જેવો હતો. રસ્તો ભૂલ્યો હતો, પણ પછી ઠેકાણે આવી ગયો હોય એવો !

સરિતાએ એને માફ કરી દીધો એ સાગરના માટે બહુ મોટી વાત હતી. એ હવે ચેનથી ઊંઘી શકશે. એણે મનોમન પાક્કો નિશ્ચય કર્યો કે આજ પછી ક્યારેય એ સ્વીટી કે બીજી કોઈ પણ છોકરી સાથે ચેટિંગ નહિ કરે, ક્યારેય સરિતાને જરાકે દગો નહિ દે ! એ આડો પડ્યો અને ક્યારનોય બંધ કરી રાખેલો ફોન એના હાથે અડ્યો. એણે ઉઠાવ્યો અને કોઈ જરૂરી મેસેજ તો નથી આવ્યોને એની ઓફિસમાંથી એ જોવા વોટ્સએપમાં નજર નાખી.

સ્વીટીના ચાર મેસેજીસ હતા. એણે હાલ જ એનું પ્રોફાઈલ પિક બદલ્યું હતું. સ્લિવલેસ બોટલગ્રીન ટીશર્ટ અને સફેદ જિન્સના ચડ્ડામાં એ કમાલ લાગતી હતી. અકસ્માતે જ, ના ઈચ્છવા છતાં એની આંગળી ભૂલથી સ્વીટીના ફોટાને અડકી ગઈ. એના મેસેજીસ ખુલી ગયા. ગુડ નાઈટ અને બે ચાર શાયરીઓ અને છેલ્લે એણે ડીપીમાં રાખેલો ફોટો એને સેન્ડ કરેલો હતો.

બધું ભૂલીને સાગરની આંગળીઓએ ટાઈપ કર્યુ, “ મસ્ત લાગે છે ! કાલે મળીએ ! પીઝા નહીં હવેથી નૂડલ્સ ખાવા જઈશું…!”

લેખક : નિયતી કાપડિયા

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી