ઘંટડી વાગી!! – હાય ક્યારે વાગશે આ ઘંટડી અને ક્યારે મળશે એનો ઈશારો… કે આજ છે એ જેની હું રાહ જોતી હતી…

ઘંટડી વાગી!!

ટીવીમાં દિલ તો પાગલ હૈ ફિલ્મ ચાલી રહી હતી. માધુરી શહરુખને કહી રહી હતી, “ઉપરવાલેને હમ સબ કો જોડીઓમેં બનાયા હૈ! કહીં ના કહીં વો જરુર હોગા જો બસ, આપકે લિયે બના હૈ, વહ આપકો કહીં ના કહીં જરુર મીલેગા. ઊપરવાલા બસ એક ઇશારા કરેગા ઔર આપકા દિલ સમજ જાયેગા”

“અનેરી… શું આખો દિવસ પિચ્ચરો જોયા કરે છે, દિકરા? એ જે કે છે ને એવુ કંઈ થતુ નથી. તું જે પૂછવું હોય ને તે મને પૂછ.”

“મમ્મી… તે લગ્ન પહેલા, જ્યારે પપ્પાને પહેલી વાર જોયા ત્યારે તને કંઈ થયેલુ? મતલબ કે, દિલમાં અચાનક કોઇ ઘંટડી વાગી હોય! કે, અચાનક મનમાં કોઇ ગીત વાગવા માંડ્યુ હોય!”

“શું ગાંડા જેવી વાતો કરે છે, દીકરા? એવુ બધું આ તારી ફિલમમાં બતાવે સાચુકલું કઈ ના હોય.”

“તો તને કેવી રીતે ખબર પડીકે, પપ્પા જ એ માણસ છે જેની સાથે તું તારી આખી જીંદગી,”“જો તું આ માધુરીના ડાયલોગ મારવાનું બંધ કર, દીકરા!” માલતીબેને એને વચમાં જ અટકાવી કહ્યું, “તારા મનમાં તે, તારા ભાવી પતિ વિશે કંઈ વિચારી રાખ્યું હોય તો કહે, દિકરા! અમે એવુ પાત્ર શોધીએ.”

“કંઈ ખાસ નથી વિચાર્યુ પણ એને જોઇને જ મનમાં ઘંટડી વાગે! કે પછી,”

“બસ કર દિકરા! એમ કોઇ દી દિલમાંથી ઘંટડી ના સંભળાય. એક બીજાની સાથે રહેતા, વખત જતા જતાએતો પ્રેમ-બ્રેમ બધુ થઈ જાય. હું ને તારા પપ્પા જ જોઇલે ને.”

અનેરી એના નામ પ્રમાણેજ અનેરી હતી. રુપાળી એવી કે કેટરીના કૈફ પણ એની આગળ સુગંધ વગરનુ ફુલ લાગે! (એક નવી ઉપમા! હાલ જ મારા ફળદ્રુપ ભેજામાંથી ઉપજી) દરેક વાતે અવ્વલ એવી અનેરીને ફિલ્મ જોવાનો ગજબનો શોખ હતો. એ એની જીંદગીની હિરોઇન હતી અને એના હીરોની રાહ જોતી હતી. સ્કૂલ, કોલેજ પુરી થઈ ગઈ પણ એવો કોઇના મળ્યો જેને લાગે કે આને ભગવાને આને એના માટેજ મોકલ્યો હોય! કેટલાયે છોકરાઓ એને જોવા આવ્યા ને હતાશ થઈને ગયા, અનેરીના દિલની ઘંટડી ના વાગી! અનેરીને કોઇનામાં કંઈક ખાસ ના દેખાયું, એવું ખાસ જે શું છે? કે, શું હોવુ જોઇએ? એની એને પોતાને પણ ખબર નહતી…

આખરે એના માબાપને એની ચિંતા થવા લાગી. એ લાડકી એટલી હતી કે એના માબાપ એને કશું કહી શકતા ન હતા, પણ એ ખોટા માર્ગે જઈ રહી છે એવું એમને હવે લાગતું હતું.

અનેરીની ખાસ સખી કવિતા એના માટે એક વાત લાવી હતી. કવિતાના લગ્નમાં ગયેલી, અનેરીને જોતાજ એના પિતરાઇ ભાઇના મનમા એ વસી ગયેલી. કવિતાનો ભાઇ, દેવ બધી રીતે અનેરીને લાયક હતો. બધાને દેવ અને અનેરીની જોડી રામ સીતાની જોડી જેવી લાગી.

અનેરીને ના પાડવાનું કોઇ કારણ જ ના હતું. મમ્મી પપ્પાને ખુશ કરવા એણે દેવને હા તો કહી હતી પણ, હજી ઘંટડી વાગી નહતી!!

આજે ૧૪મી ફેબ્રુઆરીની સાંજ હતી દેવ અનેરીની સાથે પહેલી વખત એકલો બહાર ફરવા જવાનો હતો. એ અનેરીના ઘરે એને લેવા આવેલો. બંને જણા સાથે બહાર નીકળ્યા હતા.

“તમારા શહેરમાં હું અજાણ્યો છું તમે કહો, ત્યાં ગાડી લઈ લવ.” દેવે અનેરી સાથે વાત શરુ કરી.

“આ તરફ આગળ મંદિર આવે છે ત્યાં લઈલે, લઈલો.” અનેરીએ તરત જ કહી દીધું.

“મંદિરમાં?” દેવને નવાઈ લાગી. છોકરો છોકરી એમની પહેલી ડેટ મંદિરમાં કરે?

“હા!”
“ઠીક છે,” દેવે એક નજર ભરીને અનેરીને જોતા કહ્યું, “આપણા જિવનની આ પહેલી મુલાકાત ભગવાનની સાક્ષીએ!” દેવે અનેરીને રાજી કરવા મન મનાવ્યું.

અનેરી આખા રસ્તે ચુપચાપ બેસી રહી. દેવની સામે એકવાર જોયુ પણ નહિં! દેવને નવાઈ તો લાગી પછી એને થયું કે એ શરમાતી હશે કદાચ!

“દર્શન કરીને પછી કોઇક રેસ્ટોરામાં જઈએ, પિઝ્ઝા ભાવે?” દેવે આગળનું પ્લાનિંગ કરવા માટે પૂછેલું.

“ના.” ફરી એકાક્ષરી જવાબ.

“ઓકે! ચાઇનીજફુડ ચાલશે?”

“ના.”

“ગુજરાતી થાળી? એ તો ફાવશેને?” દેવે સહેજ હસીને કહ્યું.

“રોજ ઘેર એજ તો લઈએ છીએ!” અનેરી થોડુંક ઊંચા અવાજે બોલી.

“જો હવે આઇસક્રીમની ના, ના કહેતા નહિતર મને અને આઇસ્ક્રીમ બંનેને ખોટું લાગી જશે!” મંદિર આવી જતા અનેરીને નીચે ઉતારી દેવ ગાડી પાર્ક કરવા ગયો.

દેવ પાછો આવ્યો ત્યારે એને અનેરી ત્યાં ઊભેલી દેખાઈ નહિ! એણે ચારે બાજુ નજર કરી ત્યારે અનેરી એને મંદિરની સીડીઓ ચઢતી દેખાઈ. દેવ પણ એની પાછળ ઝડપથી સીડીઓ ચઢવા લાગ્યો. એ વખતે અનેરી બધી સીડીઓ ચડીને ઉપર ગર્ભગ્રુહમાં પહોચી ગઈ હતી. દેવને હતું કે, એ અનેરીનો હાથ પકડીને, એની સાથે સાથે ઉપર જશે!

ઉપર જતાજ દેવે અનેરીને ભગવાન આગળ બે હાથ જોડી, આંખો મિંચીને, ભગવાનની પૂજામાં મગ્ન જોઇ. એ જોતો જ રહ્યો…

કેસરીયા કલરની સિલ્કની કુર્તીની ઉપર ઘાટા વાદળી રંગનો દુપટ્ટો! એક ખભા ઉપર દુપટ્ટાનો છેડો પાટલીઓ વાળીને કદાચ, પિન મારીને સરકે નહિં તેમ ગોઠવેલો, તો બીજા ખભા પરનો છેડો છૂટ્ટો, આખો હાથ ઢાંકી દે તેવી રીતે લહેરાતો હતો. પાતળા દુપટ્ટામાંથી દેખાતા, એની છાતી સાથે તાલ મેળવી, લય બધ્ધ ઉપર નીચે થઈ રહેલા એની કુર્તીના બે હીરાના શો-બટન ચમકી રહ્યા હતા. દેવની નજર એ બટન પર હતી અને એજ વખતે અનેરીની દેવ પર!

અચાનક દેવનું ધ્યાન એ તરફ જતા, એ છોભીલો પડી ગયો, “આ બટન હીરાના છે?” કંઈના સુજતા એણે એમનેમ જ પુછી લીધું.

“હીરો તો છે પણ, નકલી!” અનેરીએ એની નજરને બરોબર દેવની સામે ટકટકાવીને રુક્ષ સ્વરે કહ્યું.

અત્યાર સુંધી અનેરીની એક નજર માટે તરસતો દેવ એની આ નજરથી અકળાઇ ગયો! એ માથું નમાવી, ભગવાનની સામે ફર્યો. મનમાં ને મનમાં પોતાને આવો વાહિયાત સવાલ પૂંછવા બદલ ગાળો આપતો રહ્યો.

અનેરી જાણે દેવથી પીંછો છોડાવવા માંગતી હોય એમ ફટોફટ મંદિરના પગથીયા ઉતરી, જલદી કોઇની નજરે ના ચડે એવી, એક ખુણાની બેંચ પર જઈ બેસી ગઈ. એને તો બસ કોઇક બહાનું જોઇતુ હતું દેવને ના પાડવાનું અને એ એને મળી ગયું, એની નજર સારી નથી!દેવને આવતા થોડી વાર થઈ. અનેરીને પોતાની જાત સાથે વાત કરવાનો, વિચારવાનો સમય મળ્યો.

શું વિચારે છે અનેરી? એનુ મન બોલ્યું હતું. આમ ક્યાં સુંધી ચાલશે? ક્યારેક ને ક્યારેક કોઈક પર તો પસંદગી ઉતારવી પડશેને! બીજા કોઈનો નહિ તો મમ્મી પપ્પાનો વિચાર કર. એ લોકોને દરેક વખતે મુરતિયાને ‘ના’ કહેવામાં કેટલી તકલીફ થતી હશે!! એની આંખો આપમેળે બંધ થઈ ગઈ. એના મનમાં બેઠેલા ઇશ્વરને એ વિનવી રહી હતી. કોઇ તો ઇશારો કર મારા વહાલા! મને કેવી રીતે ખબર પડશે કે, કોને તે મારા માટે બનાવ્યો છે?

આ બાજું દેવને એમ કે અનેરી પ્રદક્ષીણા કરવા ગઈ હશે એટલે એ મંદિરના પાછળના ભાગ સુંધી જોઇ આવ્યો. અનેરી ના દેખાતા એ સીડીના પહેલા પગથીયા પર ઊભો રહીને નીચે જોઇ રહ્યો હતો. ત્યાંજ એને પાછળથી એક માજીનો જરીક હાથ અડી ગયો, એ લથડ્યો, બે પગથીયા સામટા, નીચે ઊતરી ગયો, એની સામેથી બરોબર એજ વખતે એક માજી પાણી ભરેલો લોટો શીવજી પર અભિશેક કરવા ઉપર લઈને જતા હતા. એ લોટો વાંકા વળેલા દેવને માથે રેડાઇ ગયો. દેવના બધા વાળ, એનો કોટ ભીનો થઈ ગયા. ઠંડુ પાણી માથા પર પડતા એને સામટી બે-ત્રણ છીંકો આવી ગઈ. ભીનો કોટ કાઢીને એણે હાથની ખુણી પર લટકાવ્યો. ભીના વાળ પરથી પાણી ઝાટકવા એણે માથું બન્ને બાજુ ફટોફટ ચારથી પાંચ વાર વિંઝ્યુ.

અનેરી નીચે બેઠી બેઠી આ બધો તમાશો જોઇ રહી હતી. એની નજર ફક્ત દેવ પર હતી. સીડીઓની વચ્ચોવચ્ચ ઉભેલો દેવ એનુ માથું ઝડપથી બે બાજુ ફેરવી રહ્યો હતો, એના સહેજ લાંબા વાળ પણ એની સાથે બન્ને બાજુ જુમી રહ્યા હતા, વાળમાંથી જીણાજીણા પાણીના ફોરા ઉડતા હતા. દેવના માથાની સહેજ જ ઉપરની તરફ સુરજ તપી રહ્યો હતો. એના વાળમાંથી ઉડતા પાણીના ફોરામાંથી પસાર થતા સુર્યના કિરણો એક અનેરી આભા એના માથાની ચારે તરફ રચી રહ્યા હતા. કોટને હાથમાં પકડી ગોળ ગોળ ગુમાવતો દેવ, કુદતો કુદતો પગથિયા ઉતરી રહ્યો હતો. સુરજ એના માથાની બરોબર પાછળ હતો. આ બધું સાથે મળીને અનેરીને કંઈક આછો આછો ઇશારો કરી રહ્યા હતા…

અચાનક અનેરીને થયુ જાણે એનું દિલ થોડુંક વધારે ઝડપથી ધડકી રહ્યું છે. એના કાનમાં ક્યાંક દુર દુર વાગતું એક ગીત સ્પષ્ટ સંભળાઇ રહ્યુ હતું,

“સુરત સે ના મેં ઉસકો જાનુંગી,
નામ સે ભી ના પહેચાનુંગી,
દેખુંગી કૂછ ના મેં સોચુંગી,
દિલ જો કહેંગા વહી માનુંગી….”
“ઓહ, તમે અહીં છો. હું તો પલળી ગયો.” દેવે અનેરી પાસે આવી ગજવામાંથી રુમાલ કાઢીને ચહેરો લૂંછતા કહ્યું.

“અહિં બેસો!” અનેરીએ ઉભા થઈને દેવ માટે જગા કરી. દેવ કંઈ વિચારે એ પહેલા, એનો હાથ પકડીને અનેરીએ એને બેસાડી દીધો. એના પર્સમાંથી રુમાલ નિકાળીને દેવનો ચહેરો લુછવામાં મદદ કરી.

“ચાલો, હવે રેસ્ટોરામાં જઈને પહેલા પિઝ્ઝા ખાઇશું, પછી હક્કાનૂડલ્સ અને છેલ્લે રોડ પર સાથે ચાલતા ચાલતા ચોપાટી કુલ્ફી.” અનેરી એકસાથે આટલું બોલી ગઈ.

દેવ અનેરીને જોઇ જ રહ્યો. એનું દિલ કહી રહ્યું હતું, એની સાથે હમણા, ઉપર જે હતી, તે આ છોકરી નથી! આતો એ છે, જેને એ પહેલી જ નજરે એનુ દિલ દઈ બેઠેલો!!!

“આમ શું જોઇ રહ્યા છો?” પ્રેમથી ભરેલી બે નજર પુછી રહી.

“ગુજરાતી થાળી રહી ગઈ.” દેવ હાથે કરીને અનેરી ખીજવાય છે કે નહિ એ જોવા બોલ્યો હતો.

“રહી નથી ગઈ, રહેવા દીધી છે. એતો મારા હાથે જ બનાવીને ખવડાવીશ.” અનેરીએ એનો છેલ્લો અને ફાયનલ જવાબ આપતી હોય એમ કહી દીધું.

બરોબર એજ વખતે અનેરીનો ફોન રણક્યો, એની મમ્મીનો કોલ હતો. પહેલી વાર એમણે, એમની લાડકીને કોઇ અજાણ્યા સાથે બહાર મોકલી હતી. જુવાન છોકરીની એમને ચિંતા હતી એટલે મોકલવી જરૂરી હતી અને મોકલ્યા બાદ ફોન પણ એટલે જ કરવો પડેલો, જુવાન છોકરી હતી! એ થોડા ચિંતિત હતા પણ, અનેરીના એકજ વાક્યએ એમને ચિંતામુક્ત કરી દીધા,

“મમ્મી તમે અને પપ્પા મારી જરાય ચિંતા ના કરો, ઘંટડી વાગી…..!!!”

લેખક : નિયતી કાપડિયા.

વાર્તા પ્રત્યે અભિપ્રાય કોમેન્ટમાં આપજો. દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી