“એક વાત કહું…” – લ્યો આ વાંચો એટલે તમે હંમેશ માટે તમે ગરોળીથી નહિ ડરો !!

“એક વાત કહું…”

એ જય શ્રીકૃષ્ણ છે બધાને…રામ રામ વાલીડાઓ…!!

તમને એમ લાગ્યું કે મેં આવું કેમ કહ્યું ? આપણે બધાં જ સવારે આવું કે આના જેવું જ બીજું કંઇ ને કંઇ બોલતાં હોઈએ છીએ, ઘરના સાથે નહિ તો પાડોશીઓ સાથે તો ચોક્કસ જ. હા, કેટલાક એવાય હોય જે કાંઇ ના બોલે…મોઢામાં મગ ભરીને બેસી રહે ! ચાલો બીજે રસ્તે ફંટાઇ જાઉં એ પહેલાં મૂળ વાત પર આવી જાઉં. આપણે સવારે ભગવાનનું નામ લઈએ છીએ, કેમકે આપણે એને શુભ માનીએ છીએ. આખો દિવસ સારો જાય એટલે આપણે દિવસની શરૂઆત સારી રીતે કરતા હોઈએ છીએ.

હવે એક વાત વિચારો. તમે નહાઈને તૈયાર થઈને ચા પીવા બેઠાં હો. તમારાં શ્રીમતીજી મલકાતાં મલકાતાં હાથમાં ચા નાસ્તાની ટ્રે લઇને આવી રહ્યાં હોય, એમના મુખ પર સવારની તાજગી છલકાતી હોય, ભીના વાળમાંથી હજી પાણીની બુંદો ચમકતી દેખાતી હોય અને અચાનક…અચાનક જ છત પર લટકી રહેલી ગરોળી એની કંઇક ભૂલથી સમતોલન ઘુમાવે અને આવીને સીધી ચા નાસ્તાની ટ્રે ઉપર પડે તો…?

પહેલા તો તમારે કાન બંધ કરી દેવા પડે ! કેમકે તમારાં શ્રીમતીજી એટલે મોટેથી ચીસ પાડે કે કાનના પડદા ફાટી જવાની બીક લાગે ! બીજું ચા પીવાની આશા છોડી દેવી પડે ! કેમકે શ્રીમતીજીએ ચીસ પાડવાની સાથે હાથમાંની ટ્રે નીચે ફેંકી, એમના કાને બંને હાથ દઈ દીધા હોય. હવે એમને સંભાળવામાં તમારો અડધો કલાક તો ચોક્કસ બગાડવાનો જ. આતો બહાદુર નારી, ગરોળીથી ગભરાતી ન હોય એવીની, વાત થઈ. જો એ ગરોળીથી ડરતી હોય તો તો એ હાથમાંની ટ્રે ફેંકીને, ચીસ પાડીને સીધી સોફામાં અને ત્યાં સોફા ના હોય તો ગમેત્યાં ઉપર ચઢી જાય અને તમે હાથમાં જાડું લઈ જ્યાં સુધી પેલી બિચારી નિર્દોષ ગરોળીનું રામનામ સત્ય હે ના બોલાવી દો ત્યાં સુંધી બૂમાબૂમ કરે જાય !

મને સાલું એમ થાય કે આ ગરોળી જેવું ભોળું જનાવર જોઈ લોકો કેમ આમ ઊંચા નીચા થઇ જતાં હશે ? ઘણાં તો ભાઈઓ પણ ગરોળીથી બિતા હોય, અચાનક જો બાથરૂમમાં કે સંડાસની અંદર દેખાઈ જાય તો જ્યાં સુંધી પેલી બહાર ના જાય, એ અંદર ના જાય ! છોને કલાક તપ કરવું પડે ! બધી બહેનો તો ગરોળીથી એવી ડરે જાણે કોઈ ભૂત જોઈ લીધું હોય. મારાં મતે તો ગરોળી ભગવાને બનાવેલું સરસ જીવડું છે. એ સ્ત્રીઓના અને કેટલાંક પુરુષોના દુશ્મન નંબર બેને ખાઈ જઈ એનો નાશ કરે છે, ના સમજ્યાં… ને ! હું વાંદાની વાત કરું છું. ઘરમાં વાંદો કે વંદો આવી જાય તો ગરોળી કેટલી મસ્ત રીતે એનો શિકાર કરી એને ઓહિયા કરી જાય છે. ઘરમાં જો વાંદા આવી ગયાં હોય અને એને માટે તમે દવા છાંટો તો બે વાત બને. એકતો એ વાંદા મરીને ખૂણેખાંચરે ભરાઈ રહે અને ગંધાય. બીજું તમને જીવ હત્યાનું પાપ લાગે ! હવે, જો તમારાં ઘરમાં એક જાડી, મોટી, રાખોડી રંગની ગરોળી હોય અને એની એનાથી થોડીક જ નાની પત્ની હોય અને એમના ચાર પાંચ બચ્ચા હોય…તો કંઈ ચિંતા જેવું ખરું ? એ લોકો ભેગાં મળીને બધા વાંદાને ખાઈ જાય. ના એમના ડેડબોડી ગંધાવાથી વાસ આવે કે ના એમના મૃત્યુનું પાપ લાગે, ઉપરથી ગરોળી ફેમિલી તમને આશીર્વાદ આપે, તમારાં ઘરનાં વાંદાથી એમનું પેટ ભરાયું !

મચ્છર, માખી અને ખાસતો ચોમાસામાં આવતાં જીવડાંનો ખાત્મો બોલાવવો હોય તો ગરોળી પાળવી જોઈએ એવું મારું અંગત મંતવ્ય છે. મારું ચાલે તો બધી દુકાને એનું વેચાણ કરાવું, હંમેશા માટે ના ખરીદો તો ભાડે લઈ જાઓ. લાંબી ટૂંકી, કાળી ધોળી, જાડી પાતળી તમે ઇચ્છો એવી ગરોળી લઈ જાઓ અને કામ પતે એટલે પાછી આપી જાઓ ! ઘરનાં જીવડાતો ઠીક કેટલાંક પરાણે આવીને આપણાં ઘરમાં અડ્ડો જમાવી દેતાં મહેમાનોને પણ ડરાવવામાં કામે લાગે…વિચારો તમારાં અણગમતા મહેમાન ટેસથી, સબડકા બોલાવી બોલાવીને દાળ પિતા હોય, તમે પરાણે હસતાં શ્રીમતીજીની ફુલકા તમારી ડીશમાં પણ પરોસાય એની રાહ જોઈ બેસી રહ્યાં હોય અને એમની દાળ ભરેલી વાટકીમાં દાળની સાથે, કોઈ જલપરી જેમ પાણીમાં તરી રહી હોય એમ ગરોળી તરતી દેખાય તો…!!

અરે…ક્યાં ખોવાઈ ગયા ? મેં ફક્ત વિચારવાનું કહેલું, પાછા આવી જાઓ હવે ! એવું કરાય ? મહેમાન ભગવાનનું રૂપ હોય એવું હું નથી માનતી હો…ચોક્કસ કરાય પણ પ્લાસ્તિકની ગરોળી વડે..! હું ગરોળી પ્રેમી છું. ગરોળીનો જીવ લો તો તમારે આગલા જન્મમાં ગરોળીનો અવતાર લેવો પડે. ગરોળી કોઈ સામાન્ય જીવ નથી ખબર છે, એની પૂંછડી જો કપાઈ જાય તો એને નવી પૂંછડી ઊગે છે ! આવું ફક્ત ગરોળી જ કરી શકે… કેટલાં વરસના તપ પછી ભગવાને એને આ વરદાન આપ્યું હશે !! શી ખબર ભગવાનનું પણ મારી જેમ એ ફેવરિટ એનિમલ હોય…!!

બીજી એકવાત, ગરોળી પણ કાંચળી બદલે, સાપની જેમ જ સ્તો ! અમુક વખત જાય એટલે એની જૂની ખાલ નીકાળીને ફેંકી ના દે…એને ખાઈ જાય ! કેટલી ચોખ્ખી ! જરાય ગંદકી ન કરે !

બીજી એકવાત ગરોળીમાં ઝેર હોય છે એ વાત ખોટી છે. હકીકતે લોકોને એનાથી એટલી ચીતરી ચઢતી હોય કે એ જો ખાવામાં આવી જાય તો લોકો એમનેમ ઊલટીઓ કરવાં લાગે છે…! ચીનાઓ ગરોળીને ખાવામાં ઉપયોગમાં લે છે…લો બોલો. કેટલાં મરી ગયા..!! કેટલીયે ગરોળીઓ બિચારી સહિદ થઈ ગઈ…

તો મારા પ્યારાં દોસ્તો અને સખીઓ આજથી ગરોળીથી ડરવાનું, એને મારવાનું બંધ અને એને ઉપકારભરી નજરે જોવાનું ચાલું ! ભલે દેખાવે એ ડાયનાસોરના વંશજ જેવી લાગતી હોય, બચકું તો નથી ભરતીને..!! એના જેવું શાંત જનાવર તો આખી પૃથ્વીમાં ક્યાંય નહિ મળે.

મારી પાસે ગરોળી ઉછેર કરવાનો અને વેચવાનો નંબર વન આઈડિયા હતો, જેે તમને ફ્રીમાં કહ્યો…હું જરાય સ્વાર્થી નથી. “સબકા સાથ, સબકા વિકાસ”એ સ્લોગનમાં માનું છું. મારો આઈડિયા કેવો લાગ્યો એ જરૂર જણાવશો !!!

લેખક : નિયતી કાપડિયા.

દરરોજ અવનવી વાર્તા ને આવીજ રમૂજી વાતો માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી