અકસ્માત – ડૂબતાંને તરણાનો સહારો… એવી હાલત થઇ હતી પરાગની…

અકસ્માત

સવારથી સુરભી ઉતાવળે બધા કામ આટોપી રહી હતી. આજે એને સપરિવાર એના ભાઈના દીકરાની જન્મદિનની પાર્ટીમાં જવાનું હતું. એને એની ભાભીએ વહેલા આવી જવાનું કહેલું જેથી એ કંઇક મદદ કરાવી શકે..! સુકાયેલા કપડાં વરગણીએથી લેતા એને પાછું યાદ આવ્યું અને અંદર આવી એણે કપડાનો ઢગલો સોફામાં ફેકતાં ફોન હાથમાં લીધો.

“ હલ્લો…પરાગ ! આજે અડધી રજા લઈને ઘરે આવી જવાનું છે, યાદ છેને ? જોજો કામમાં ને કામમાં પાછા ભૂલી ન જતા !” સુરભીએ સાંજની પાર્ટીના ઉત્સાહમાં એના પતિમહોદય પરાગને કહ્યું.

“ અરે યાર ! આજે મારે બહું કામ છે ! હમણાં ફોરેનથી એક ગેસ્ટ આવવાના છે એમને મારે સાચવવાના છે !મારો બોસ આમેય રજા આપતા પહેલાં સત્તર સવાલ કરે છે, આજે તો નહિ જ માને !” પરાગે એની ઘડિયાળ સામે નજર કરતા કહ્યું.

“ તમારું તો દરેક વખતે આજ બહાનું હોય છે….સાંજે ચિંટુંની પાર્ટીમાં જવાનું છે, આજે એનો બર્થડે છે,” સુરભીએ છેવટે પરાગની મુશ્કેલી સમજી વચલો રસ્તો કાઢ્યો, “ ઠીક છે, એમ કરો આજે તમે સુહાનીને સ્કૂલેથી લઈ આવો અને એને મારાભાઈના ઘરે મૂકવાને બહાને બધાને મળી લેજો એટલે સાંજે આવતા થોડુ વહેલું મોડું થાય તોય વાંધો નહિ…” સુરભીએ પતિદેવને વિનંતી કરી, “ મને વહેલી ત્યાં બોલાવી છે. તમને તો ખબર છેને વંદનાથી આ બધું કામ એકલા નથી થતું.”

“ ઠીક છે બાબા લઈ આવીશ….લઈ આવીશ, ચલ મુક હવે. ” પરાગે પરાણે “હા” કહી હતી. એનેય ખબર હતી કે સુરભીને એના

સુહાનીનો સ્કૂલેથી છૂટવાનો સમય થઈ ગયો હતો. હજી ફોરેનથી આવવાવાળા મહેમાન આવ્યા ન હતા. મનમાંજ કંઇક ગાળ બોલીને પરાગે એની બાઈકને કીક મારી….

હજી દીકરીને લઇને એ સ્કૂલની આગળના રસ્તા ઉપર પહોંચ્યો જ હતો કે એનો ફોન વાગ્યો. બૉસનો ફોન હતો. ચારે બાજુથી ગાડીઓ વચ્ચે ઘેરાયેલાં પરાગે પરાણે બાઈક એક બાજુ લઈ જઈ ઊભી રાખી કૉલ લીધો,

“ પરાગ આજના ગેસ્ટનું ધ્યાન રાખવાનું તને… કહેવાયું હતું ને ! ક્યાં છે તું ? એમનો બે વાર ફોન આવી ગયો. હજી એરપોર્ટ પર એમને રિસિવ કરવા ગાડી નથી મોકલી. હાઉ ઇરરીસ્પોન્સિબલ યું આર !” બીજે છેડે બૉસ તાડૂકી રહ્યા.

“ સોરી ! હું હાલ એ કેબવાળાને કૉલ કરું છું. ”

પરાગે બીજી બેચાર હળવી, અંગ્રેજી ગાળો ખાધી, જેવી આજનો ભદ્ર સમાજ બોલવામાં પોતાની હોંશિયાર સમજે છે !

“ ક્યાં છે લા’તું ? તને દોઢવાગે એરપોર્ટ પહોંચી જવાનું કહેલું ને ! ” હવે પરાગે કેબડ્રાઈવરનો ઉધડો લેવા માંડયો. જાણે એના બૉસનો રોલ હવે એ ભજવી રહ્યો…

“ ટ્રાફિક વધારે હતો સાહેબ…એટલે લેટ થઈ ગયું ! હવે પહોંચી જ ગયો છું. ”

“ બધાને સાલાઓને એક જ બહાનું મળી ગયું છે ! ” પરાગે અડધું વાક્ય બોલીને ફોન કટ કર્યો અને બાઈકને કીક મારતા વાક્ય પૂરું કર્યું.

દીકરીને એના મામાના ઘરે છોડીને એ ઓફિસ જવા નીકળ્યો જ હતો કે પાછો બૉસનો કૉલ આવેલો. હજી એમના ગેસ્ટને લેવા કોઇ પહોંચ્યું ન હતું. એણે કેબવાળાને કૉલ કર્યો તો ખબર પડી કે એ એરપોર્ટ પર પહોંચી ગયો છે પણ, એને ક્યાંય ફોરેનથી આવેલા કોઈ ગેસ્ટ દેખાતા નથી….

હવે પરાગની ખરેખર છટકી હતી. એણે બાઈક પાછી એના સાળાને ઘેર લીધી અને એના સાળાની ગાડી લઈને એ જાતે મહેમાનને લેવા નીકળી ગયો….એ રોજ ગાડી નહતો ચલાવતો પણ એને ડ્રાઈવિંગ આવડતું હતું. એરપોર્ટ જવાના રસ્તા પર ખરેખર બહું ટ્રાફિક હતો. એણે જ્યાં, જ્યાં થોડી ઘણી જગા મળી ત્યાં, ત્યાં ઘુસાડીને ગાડી બહાર કાઢી…હાશ ! હવે આગળનો રસ્તો ખુલ્લો હતો. એણે ગજવામાંથી રૂમાલ કાઢી પરસેવો લૂછતાં એક પગ ઍક્સિલેટર પર દબાવ્યો…એક જ પળ નજર રસ્તા પરથી હટી, ને એ પળ એને બહું ભારે પડી ગઈ !

એક્ટિવા પર પુર ઝડપે જઈ રહેલી બે સખીઓ ગાડીને ઓવરટેક કરીને આગળ નીકળવા જતી હતી ને એજ વખતે પરાગે પરસેવો લૂછવા રૂમાલ મોઢા પર ફેરવ્યો હતો અને ગાડીની સ્પીડ વધારી હતી…એ છોકરીઓ ગાડીની હડફેટે આવી ગઈ ! શોર્ટ બ્રેક મારીને એણે ગાડી ઊભીતો રાખી દીધી હતી પણ ન થવાનું થઇ ગયું હતું..! જીવનની આખરી ક્ષણો ઘણી રહેલી બે લોહી લુહાણ છોકરીઓને જોઈને પરાગ ગભરાઈ ગયો હતો. એકપળ માટે ભાગી જવાની ઇરછા થઈ આવી…

એટલામાં તો આસપાસ ભીડ એકઠી થઇ ગઇ. લોહીમાં નહાયેલી એક છોકરીનું માથું ફાટી ગયેલું એનું આખું શરીર સતત ધ્રુજી રહેલ, એવી અવસ્થામાંય એ છોકરી બેઠી થઈ હતી…રોડ ઉપર બધા એને ટોળું વળીને જોઈ રહ્યા હતા. બીજી છોકરી ઉછળીને આગળ ડીવાઈડર પડેલી….હજી પરાગ કંઈ સમજે, વિચારે એ પહેલા બૉસની રીંગ આવી…પરાગે ફોન ઉઠાવ્યો એને એમ કે બૉસ કદાચ એની મદદ કરી શકે…પણ, બૉસ કંઈ સાંભળવા જ તૈયાર ન હતા. એમને એમના ગેસ્ટ સિવાય કોઈ વાતમાં રસ નહતો. પરાગનું માથું ફાટી રહ્યું હતું…આખરે કંટાળેલા, ગભરાયેલા પરાગે જીભ પરનો સંયમ ગુમાવ્યો હતો.

“ ચૂપ કર જાડિયા ! સવા કરોડનો પ્રોજેક્ટ તને મળશે એમાંથી તું મને પાંચસો રૂપિયાનોય પગાર વધારો આપવાનો છે ? તોય મેનેજ કરી રહ્યો છું ને !” પરાગની આંખોમાં આંસુ આવી ગયાં.

“ જાડિયો ! તે મને જાડિયો કહ્યો ? છુટ્ટો… તું આજથી, આ ઘડીથી મને તારું મોઢું ના બતાવતો…” બૉસ પણ હવે અંગ્રેજીમાંથી દેશી ગાળો પર આવી ગયા.

પરાગ કંઈ વિચારે ત્યાં સુધીમાં તો એક મવાલી જેવો માણસ આવીને એનો દરવાજો ઠોકી રહ્યો હતો. સેન્ટ્રલ લોક ખોલતાં જ એ ગુંડા જેવા માણસને જાણે એની જિંદગીની કોઈ અમૂલ્ય તક મળી હોય હીરોગીરી કરવાની એમ પરાગને કોલરેથી પકડીને બહાર ખેંચી કાઢ્યો…

અત્યાર સુધી જાણે એક ક્ષણ પણ વેડફવી પાલવતી ન હોય એમ ભાગી રહેલો ટ્રાફિક અચાનક થંભી ગયો હતો. બધા હવે સાથે મળીને, એકસાથે પરાગને ભાંડી રહ્યા… પરાગ અચાનક કોઈ મોટો ગુંડો, ખૂની બની ગયો હતો. ચારે બાજુથી લોકો એના પર ફિટકાર વરસાવી રહ્યાં હતા, એમાં પરાગનો અવાજ ભીડમાં દબાઈ ગયો અને પોલીસ આવી ત્યાં સુધીમાં ભીડમાં હાજર ઘણા બધાએ પરાગ પર હાથ સાફ કરી લીધા. એ લોકો બધા ટ્રાફિક નિયમોનું બરોબર પાલન કરવાવાળા ખરાને !

પોલીસકેસ થયો. બેમાંથી એક છોકરી સ્થળ પર જ મૃત્યુ પામી હતી અને બીજી હજી બેભાન હતી. મૃત્યું પામનાર એના માબાપની એકની એક દીકરી હતી. અઠવાડિયા પહેલાં જ કોલેજમાં દાખલ થયેલી દીકરીને એના પપ્પાએ આ એકટીવા અપાવેલું…કોલેજની સફર માટે અને એ એકટીવા જ અત્યારે એને બહું જ લાંબી સફરે લઈ ગયું, કદી ના ખૂટે એવી !!

“ તને હું ફાંસીના માચડે લટકાવીને જ રહીશ, સાલા….” દીકરીના પપ્પા જે વ્યવસાયે વકીલ હતા એ ગુસ્સાથી ગરજેલા !

*******

કોર્ટમાં કેસ ઝડપથી ચાલવા લાગેલો. વસંત નાણાવટી એક નામચીન વકીલ હતા. એમની પહોંચ બહુ ઉપર સુંધી હતી. કેટલાયને એમણે ગુનેગાર હોવા છતાં ફાંસીને ફંદાંમાથી છોડાવેલા તો કેટલાય નિર્દોષોને જીવન ભર માટે જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા. એ બધું તો એમણે પૈસા અને પ્રતિષ્ઠા માટે કરેલું જ્યારે આજે તો વાત એમની એકની એક દીકરીની હતી. વહાલી, ખૂબ લાડકોડથી ઉછેરેલી એકની એક દીકરી…એના ખૂનીને કેમ જવા દેવાય !

કેસ એકતરફી બની ગયો હતો. પરાગની તરફેણમાં બોલવાવાળું એની પત્ની અને નજીકના સગા સિવાય કોઈ ન હતું. એમાનુ કોઈ ઘટનાવખતે ત્યાં હાજર ન હતું. જે લોકો હાજર હતા અને કહેતાં હતાં કે એમણે સમગ્ર ઘટનાક્રમ એમની આંખે નિહાળ્યો હતો. એ બધાની નજરે પરાગ દોશી હતો. મરનાર છોકરીના બાપા મોટી તોપ છે એમ જાણ્યા પછી તો ઘણાયે એમની જુબાનીમાં પરાગને એક તદ્દન બેજવાબદાર ડ્રાઈવર બનાવી મૂકેલો. જેણે જિંદગીમાં દારૂની એક બુંદ પણ મોઢે નહતી લીધી એને નશાખોર બનાવીને ટીવીમાં, છાપામાં સમાચારની હેડલાઇન ચમકવા લાગી !

સુરભી ઘણી જગાએ દોડી પણ ક્યાંયથી કોઈ મદદની આશ નજરે ન ચડી. પરાગના બૉસ પણ એના પક્ષમાં બોલવા તૈયાર ન હતા. એનો વકીલ પણ કેસ લડ્યા પહેલાં જ હારી ગયો હોય એમ વર્તતો હતો.

જજ સાહેબ ફેસલો સુનાવી રહ્યા હતા, “જે ગાડી પરાગ વ્યાસ ચલાવી રહ્યો હતો એ એની પોતાની ન હતી. એની પાસે એ વખતે એનું ડ્રાઈવિંગ લાયસન્સ પણ ન હતું. પરાગ પાસે એની પક્ષે બોલે એવો એક પણ પુરાવો નથી. મરનાર અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છોકરી નિર્દોષ હતા એવું કહેનાર સાક્ષીઓ હાજર છે. ચોખ્ખું દેખાય છે કે પરાગ ગુનેગાર છે. ઓફિસના સમયે એ બીજે ક્યાંક ગયો હતો અને બૉસની દાંટથી બચાવ એણે છેલ્લે બેજવાબદારી ભર્યું ડ્રાઈવિંગ કર્યું હતું. વસંત નાણાવટીએ અકસ્માત થયો એનાથી થોડેક પાછળનાં રસ્તાનું સીસીટીવી ફૂટેજ અદાલતમાં હાજર કર્યું છે જેમાં પરાગ વ્યાસ બેજવાબદાર રીતે ગાડી હંકારતો સાફ નજરે ચડે છે. એમનો ગુનો સાબિત થાય છે, ”

“ સાહેબ મારે કંઇક કહેવું છે !” પબ્લિકમાથી કોઈ હાથ ઉપર કરીને કહ્યું. બધાની નજર એ તરફ ખેંચાણી. એ વસંત નાણાવટીના શ્રીમતીજી હતા.

“ તમારે જે કહેવું હોય એ અહીં આવીને કહો. ”

આસમાની રંગના, રેશમી પોત જેવી સાડીમાં સજ્જ, પિસ્તાલીસ વરસની ઉંમરે પહોંચેલી એ બાઈ જાજરમાન લાગતી હતી. કશાય શણગાર વગરનો એનો ચહેરો તેજસ્વી હતો. એનો લાંબો અને ઢીલો ઓળાયેલો ચોટલો એક નાગણની જેમ એના નિતંબ પર ફરી રહ્યો હતો. એ ધીરેથી ચાલીને જજસાહેબ આગળ ગઈ ત્યાં સુંધી બધા એનેજ તાકી રહ્યા હતા. કેટલાકે ચણભણ શરૂ કરી દીધેલી, “ એક માનું દિલ છે, શું વિતતી હશે બિચારી પર. હમણાં એ આ પરાગિયાને કડીમાં કડી સજા કરવાનું કહેશે….”

“ ઓર્ડર…! ઓર્ડર…! ” બધા શાંત થઈ ગયા. “ બોલો બેન તમારે શું કહેવું છે ?” જજસાહેબ શ્રીમતી નાણાવટીને સારી રીતે ઓળખતા હતા. વકીલોની પાર્ટીમાં એમને ઘણીવાર મળવાનું થયેલું.

“ મારે કહેવું છે કે પરાગ વ્યાસને છોડી દેવામાં આવે. એમનાથી ભૂલ થઈ ગઈ છે, જે થયું એ એક અકસ્માત હતો અને એમાં વાંક મારી દીકરીનો પણ હતો.” એકધારું આટલું બોલીને એ શ્વાસ લેવા અટક્યા હતા, “ હાલ જ શ્વેતા સાથે મારી વાત થઈ, એ જે એ વખતે મારી દીકરી સાથે હતી. એણે કહ્યું એ મુજબ મારી દીકરીએ શરત લગાવેલી કે આ સામે ઉતાવળે જઈ રહેલી સ્વિફ્ટને એ ઓવરટેક કરી લેશે અને અચાનક જ એણે ખૂબ જ સ્પીડ વધારી એકટીવાને ગાડીની આગળ લઈ લીધેલું….બરોબર એજ વખતે ગાડીવાળાએ પણ કદાચ આગળ રસ્તો ખુલ્લો જોતા સ્પીડ વધારેલી અને અકસ્માત થઈ ગયો. મારી દીકરીનું ડ્રાઇવિંગ બેજવાબદારી ભર્યું હતું એ હું જાણતી હતી. જ્યારથી નવું એકટીવા એના હાથમાં આવેલું ત્યારથી દર બીજે દિવસે એ ક્યાંકને ક્યાંક અડાડીને જ આવેલી. એના પપ્પા મોટા વકીલ છે…એમની પહોંચ બહું ઉપર સુધી છે એટલે ગમેતે થાય એમની દીકરીને એ બચાવી જ લેશે એવી માન્યતા બાપ દીકરી બંનેને હતી ! અફસોસ મારી દીકરી આજે એટલી ઊંચાઈએ પહોંચી ગઈ કે ત્યાં એના પાપાની લાગવગ નથી ચાલતી ! ” એમની આંખો વરસી રહી.

આખો કોર્ટરૂમ સ્તબ્ધ બનીને આ બાઈને જોઈ જ રહ્યો. સુરભી રડતી રડતી હાથ જોડીને, આંખોથી આભાર વ્યક્ત કરી રહી હતી. છેક છેલ્લે, ડૂબતાંને તરણાનો સહારો એમ એ શ્વેતાને મળી હતી અને પછી શ્રીમતી નાણાવટીનાં ચરણોમાં એમની દીકરીને લેટાવી દીધી હતી….

“ જે થયું એ એક અકસ્માત હતો. મારા પતિથી ભૂલ થઈ ગઈ. એમને માફ કરી દો ! એમને સજા અપાવીને તમને તમારી દીકરી પાછી નહિ મળે પણ મારો સંસાર ઉજડી જશે ! આ મારી દીકરી છે જો તમારા મનમાં એટલો જ રોષ હોય તો મૂકી દો એના પર પગ…એની લાશ જોઈ હું પણ સુખેથી મરી શકીશ…મારે ક્યાંય કોઈની ઓળખાણ નથી કે નથી એટલા રૂપિયા કે હું આગળ કેસ લડી શકું, એક તમારો જ આશરો છે !” સુરભીએ એનો ખોળો પાથરીને પતિના જીવનની ભીખ માંગેલી…

“ એય…! તું શું બકે છે, તને ભાન છે એનું ? જેણે મારી દીકરીનો ભોગ લીધો, તું મા થઇને એની વકાલત કરવા નીકળી છે…!” વસંત નાણાવટી ગુસ્સામાં એમના દેખાડાનાં સભ્ય વર્તાવમાંથી બહાર આવી ગયા. જે સ્ત્રી આજ સુધી એમની સામે એક હરફે ઉચ્ચારવાની હિંમત નહતી કરતી એનું આ રૂપ એમનાથી સહ્ય ન હતું.

“ મારી દીકરી ? ત્યાં જ તમારી ભૂલ થાય છે વસંતરાય, ક્યારેક તો કહો, આપણી દીકરી ! હું એની મા નથી ? એના સારા નરસાનો વિચાર મને નહિ આવતો હોય ? કેટલીવાર મેં ના પાડેલી, કેટલીવાર મે તમને ટોકેલા કે એને સરખી પ્રેક્ટિસ કરાવો પછી વ્હિકલની ચાવી એના હાથમાં મૂકો ! સફળતાના નશામાં ચૂર થયેલા તમે મારી એક વાત ના માની….તમારું અભિમાન જ આપડી દીકરીને ભરખી ગયું. કેટલા નિર્દોષ માણસોને તમે જરાક રૂપિયાની લાલચમાં જેલ ભેગા કર્યા છે, એમની જ હાય મારી દીકરીને લાગી…કેટકેટલાં નીઃશાસા તમે લીધા છે વસંતરાય એ નીઃશાસા મારી દીકરીને ગળી ગયા….

હવેતો સુધરો ! તમારી કોઈ હોંશિયારી મારી દીકરીને પાછી નહિ લાવે ! એ જ્યાં ગઈ છે ત્યાં એની સુખાકારી ઇચ્છતા હોય તો આને જવા દો…એના પરિવારની દુઆ મળશે તો આપણી દીકરીની આત્માને સદગતિ મળશે….”

ધ્રુસકે ધ્રુસકે રડી રહેલા શ્રીમતી નાણાવટી નીચે ફસડાઈ પડ્યા…વસંત નાણાવટી ધબ્બ કરતા એમની ખુરસીમાં બેસી પડ્યાં. જીવનનો બહુ મોટો કેસ આજે એ હારી ગયા હતા, આગળ બોલવા માટે એમની પાસે શબ્દો ન હતા…એમની દીકરી ગુમાવ્યાનું દુઃખ એ અત્યારે અનુભવી રહ્યા…અને આ અહેસાસ એમને કરાવ્યો હતો એમની પત્નીએ જે એમની નજરે સાવ બેવકૂફ હતી !

જજ સાહેબે ફેંસલો સુનાવ્યો, “ પરાગ વ્યાસને નિર્દોષ છોડી દેવામાં આવે છે, જે થયું એ એક અકસ્માત હતો…! પહેલાથીજ હાર માની ચૂકેલો પરાગ આ ફેંસલો સાંભળી નીચે ફસડાઈ પડ્યો, એની આંખો આંસુ અને આભાર મિશ્રિત ભાવ સાથે શ્રીમતી નાણાવટી અને એની પત્ની તરફ જોઈ રહ્યો…

લેખક : નિયતી કાપડિયા

દરરોજ આવી અનેક સમજવા જેવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી