તમે માનશો? – દરેક પતિ અને પુરુષ આ વાર્તા વાંચીને માની જશે… શું માનશે એના માટે ક્લિક કરો અહિયાં…

તમે માનશો?

શાલીનીએ મારી સામે જોયું છતાં ના જોયું હોય એમ નજર ફેરવી લીધી. મને થોડી નવાઇ લાગી, મેં બહુ ધ્યાંન ના આપ્યુ. એ મારી બાળપણની સહેલી હતી. થોડી વાર રહીને હું જાતેજ એની પાસે પહુંચી.

“અરે! યાર, આમ દુર કેમ ભાગે છે. જાણે મને ઓળખતીજ ના હોય?” એક ખુણા પરની ખુરશીમાં એને એકલી બેઠેલી જોઇને મેં પુછ્યુ.

“ હેં? ના ના એવુ કંઈ નથી. મારું ધ્યાન ન હતુ.” સાડીના પાલવને ખભા પર સરખો કરતા, સંકોચાઇને એ બોલેલી.

“અરે મેડમ તમે?” રવીએ મને શાલુની બાજુમાં બેઠેલી જોતા જ, અમારી પાસે આવીને કહ્યું. એ મારી ઓફિસમાં જુનીયર એંજિનિયર હતો,

“આ મારી વાઈફ છે, અનફોર્ચ્યુનેટલી! ” ખોટી સ્માઈલ સાથે એણે શાલુ તરફ આંખનો કઈંક ઇશારો કર્યો.

“હું આવી, એક મિનિટ. ”

શાલુ ઊભી થવા જતી હતી મેં એનો હાથ પકડીને રોકી લીધી, “બેસ ને યાર! ક્યાંય જવું નથી.”

“જવાદો એને મેડમ! એ સાવ બોરિંગ છે તમારોય મુડ ખરાબ કરી મુકશે. હું તો એને સમજાવી સમજાવીને થાક્યો! આટલા બધા લોકો છે અહિં તોય એને તો એક ખુણામાંજ લપાઇને બેસી રહેવાનું! આ એની સાડી જ જુઓને આવી સોનેરી મોટી બોર્ડેર વાળી સાડી હવે કોણ પહેરે છે? ”

હું એની વાત ધ્યાનથી સાંભળી રહી છું એ જોઇને બંદા ફુલ ફોર્મમાં આવી ગયા.

“તમે માનશો? હું જાતે એને પાર્લરમાં લઈને ગયેલો, મને એમ કે હેઅર-સ્ટાઇલ સરસ હોય, તો એ જરી ઠીકઠાક દેખાય એટલે. તમે માનશો? ત્યાં જઈને એવો ભવાડો કર્યો, રોવા માંડી! કહે, મારા વાળ નહિં કપાવું! બોલો, તમે માનશો? મારી આબરુના કાંકરા કરી મેલ્યા.”

“આ હું એના વખાણ કરુ છું? તે મેડમ ઊભા ઊભા સાંભળે છે. આનામાં કદી અક્કલ નહીં આવે!” શાલુને ચુપ બેઠેલી જોતા એણે એને ઓર્ડેર કર્યો, “આમ બેઠી શું રહી છે ફુવડની જેમ? જા મેડમ માટે જ્યુસ લઈ આવ.”

“હાં, હું જ્યુસ લઈ આવુ.” આંખોમાં ભરાઇ આવેલા પાણીને બહુ સિફતથી કાજલ ઠીક કરવાને બહાને લુછીને એ ઊભી થવા જતી હતી કે મેં એનો હાથ પકડીને એને પાછી બેસાડી.

“તમે પણ બેસો રવીજી, તમે માનશો? તમને સાંભળીને મને પણ બે શબ્દો બોલવાની ઇચ્છા થઈ આવી.”

“ચોક્કસ બોલો, બોલો !” એ મારી બાજુમાં એક ખાલી ખુરસી ખેંચી લાવીને બેસી ગયો.

“હાં તો રવીજી આ જે તમારી બાપડી, બિચારી પત્ની છેને એ તમે માનશો? મારી બાળપણની સખી છે! ને એના જેટલી જબરી છોકરી અમારા ગ્રુપમાં બીજી એકે નહતી. તમે માનસશો? આ ડરપોક સ્ત્રીને હું નથી ઓળખતી જે ક્યારનીયે તમારી બક બક આટલી શાંતિથી સાંભળી રહી છે! જો એ મારી શાલુ હોતને તો તમને બરોબરનો જવાબ મળી ગયો હોત! તમે માનશો? અને એની આવી હાલતના જવાબદાર તમે છો! તમને તમારી પત્ની કરતા મારી સાડી સારી લાગી, હેને? હા, કેમ કે એ સારી જ છે! પચ્ચીસ હજારની આ સાડી આજે આ પાર્ટી માટેજ મેં ખાસ ખરીદેલી. શું તમે શાલુને આટલી મોંઘી સાડી, એક સાંજ માટે અપાવી શકશો? ના! તમારો અડધો પગાર એમા જતો રહેશેં! તમે માનશો? શાલુ જેટલા લાંબા,સુંવાળા વાળ મારા માટે એક સ્વપ્ન સમાન છે, એ નથી એટલેજ આ શહેરના સારામાં સારા હેઅર-સ્ટાઇલિસ્ટ પાસે જઈને મારે એને સેટ કરાવવા પડે છે, હજારો રુપીયા ખર્ચીને! ”

“બસ કર યાર!” શાલુએ મારો હાથ દબાવી મને રોકવાનો પ્રયાસ કર્યો.

“આ, જે મને રોકી રહી છેને એ એજ સ્ત્રી છે જેની તમે હમણા બેઈજતી કરી રહ્યા હતા. કોઇ સ્ત્રીને સસ્તી સાડી પહેરવાનું પસંદ નથી હોતુ, સસ્તા પાર્લરમાં જજઈને જરુર જેટલીજ ટ્રીટમેંટ લેવાનું એનું મન નથી કહેતું હોતું. બસના ધક્કા ખાતી કે શાકભાજીવાળા પાસે એક-બે રુપિયા માટે કચકચ કરતી સ્ત્રીને એ બધુ કમને કરવું પડે છે જેથી એ એનું ઘર ચલાવી શકે! તમે માનશો? તમારી પત્ની તમને ફુવડ લાગતી હોય તો એના માટેનું સૌથી મોટું ને જવાબદાર કારણ તમે પોતેજ છો! તમે તમારી પત્નીને એ સાહુલિયત નથી આપી શકતા, એને એની રીતે ખિલવાનો, બોલવાનો મોકો નથી આપતા, એને એ હદે દબાવીને રાખો છો કે એ બિચારી એનું સ્વતંત્ર અસ્તિત્વજ ભુલી જાય. છેલ્લી વાર, તમે માનશો? એનું જીવતું જાગતું ઉદાહરણ તમારી પત્ની છે.” હું ઊભી થઈને ત્યાંથી જતી રહી.

પાર્કિંગમાં પહોંચી હું મારી ગાડીનો દરવાજો ખોલી રહી હતી કે પાછળથી મને કોઇ બોલાવતું હોય એમ લાગ્યું, એ શાલુ હતી. એનો ચહેરો હસી રહ્યો હતો.

“ લડકી…હૈ એક નામ રજની હૈ! રજની ,રજની, રજની! રજનીકી એક હી કહાની હૈ..!” શાલુ ગાઇ રહી હતી,

“નાનપણમાં હું રોજ આ ગીત ગાઇને તને ચિઢવતી તને યાદ છે, રજની? રજની ટીવી સીરીઅલ?”

“મનેતો બધું યાદ છે તુંજ ભુલી ગયેલી, હવે બરોબર યાદ આવી ગયું કે એક ડૉઝ્તનેય આપવો પડશે?”

“યાદ આવી ગયું, બધુંજ. તમે માનશો? ”

બન્ને સખીઓ હસી પડી,ખડખડાટ્!

લેખક : નિયતી કાપડિઆ.

દરરોજ આવી અનેક વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર અને આ વાર્તાનો અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો…

ટીપ્પણી