આ ટીપ્સની મદદથી તમે જાતે જ ડીઝાઇન કરો તમારા બાળકોનો રૂમ…

પેરન્ટ્સ હંમેશા એવુ ઇચ્છે કે, પોતાનાં બાળકોનો રૂમ બીજા કરતા કંઇક અલગ જ પ્રકારનો હોય જેમાં તે રમી શકે, અભ્યાસ કરી શકે અને તેમની બુદ્ધિપ્રતિભાને વધુ સારી રીતે ખીલવી શકે. આમ, આજકાલ બાળકો માટે ખાસ બેડરૂમનો કન્સેપ્ટ વિકસ્યો છે. અલબત્ત, સંતાનોના બેડરૂમની ડિઝાઇન તૈયાર કરવામાં જો તેમના વિચારો જાણી શકાય તો કામ વધુ સરળ બને છે. જોકે આજે ઇન્ટીરિયર ડિઝાઇનરોની મદદથી કામ ખૂબ જ સરળ બની ગયુ છે. પણ જો તમે તમારા બાળકોના બેડરૂમની ડિઝાઇન તૈયાર કરવાનુ વિચારી રહ્યા છો તો ધ્યાનમાં રાખી લો આ મુદ્દાઓ…– બાળકોના બેડરૂમની ડિઝાઇન તૈયાર કરતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે તમારાં બાળકો એમાં સ્ટડી કરવાનાં છે એટલે કમ્પ્યુટર અને સ્ટડીટેબલો હોવાં આવશ્યક છે. પલંગની ડિઝાઇન પણ આ વાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવી.

– બાળકોને આજકાલ થીમ પ્રમાણે ડિઝાઇન કરેલો રૂમ પસંદ પડે છે, પણ એક વાત યાદ રાખવી જરૂરી છે કે આજે પસંદ કરેલી થીમ આવતી કાલે જૂની થઈ જશે. છ-આઠ મહિનામાં આ થીમ બાળકોને જોવી પણ નહીં ગમે. ડિઝાઇન અને ડેકોરેશનની બાબતમાં વર્તમાન ટ્રેન્ડને અપનાવવાનું વલણ રાખવું. આજકાલ વોલપેપર મ્યુરલ્સનો ટ્રેન્ડ છે. તમે પણ તમારાં સંતાનો માટે આ ટ્રાય કરી શકો છો. વિન્ડો પર કાટૂર્નવાળા પડદા લગાડવાનો ટ્રેન્ડ જૂનો થઈ ગયો. હવે સુંદર પતંગિયા અને ફૂલોની ડિઝાઇન સાથેના રોમન પડદાઓ છોકરીઓના બેડરૂમને શોભાવે છે.

– બેડરૂમની જગ્યાના આધારે રૂમ ડિઝાઇન કરો. બેડની નીચે બીજો એક બેડ બનાવીને રાતે સૂતી વખતે એને સરકાવીને બહાર કાઢી શકાય એવી ડિઝાઇન સામાન્ય છે.

– બુક્સ અને રમકડાં માટે ખાસ સ્ટોરેજની જગ્યા જરૂરી છે, જેથી રૂમમાં જ્યાં-ત્યાં ઢગલાં જોવા ન મળે. આમ બુક્સ, રમકડાં અને સી.ડી. સ્ટોર કરી શકાય એવા યુનિટ્સ બનાવવા જોઈએ જેનો ઉપયોગ સ્ટડી ટેબલ તરીકે પણ થઈ શકે.

– દીવાલો પર કયો કલર લગાવવો એનો વિચાર કરવો જરૂરી છે. આજકાલ છોકરીઓ આછો જાંબુડિયો, ભૂરાશ પડતો લીલો રંગ કે આછા રંગ પસંદ કરે છે. અલબત્ત, છોકરાઓ બ્લુ કે બ્લુના અન્ય શેડ પસંદ કરે છે. ઘણા લોકો પરંપરાગત કલરમાંથી બહાર આવીને ઓરેન્જ, લાલ, બ્રાઉન અને અન્ય ભડક કલર પસંદ કરે છે.

– આજે માર્કેટમાં રૂમ સજાવટ માટેના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે ત્યારે તમે તમારા ખિસ્સાને પરવડે એ રીતે બાળકની સર્જનશક્તિને ખીલવીશકશો અને તેના મનોજગતને મોકળું આકાશ પણ આપી શકશે.

લેખન સંકલન : નિયતી મોદી

અભિપ્રાય અને કોઈ નવા વિચારો કોમેન્ટમાં જણાવી શકો છો, દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી