સવારમાં વાંચો ચાણક્યના આ ૧૦ જીવન વિષયક નીતિસૂત્રો – લાઈફ બદલી શકે છે !!!

- Advertisement -

[1] જ્યારે કોઈ બ્રાહ્મણને ભોજનનું કે કથવાર્તા કરવાનું નિમંત્રણ મળે છે ત્યારે તેને સુખ થાય છે. પત્નીનું સુખ તેના પતિને મળતા ધન ઉપર છે. મંત્રીનું સુખ રાજમંત્ર તથા રાજાની સેવા છે. કામીનું સુખ સ્ત્રી છે. બ્રાહ્મણનું સુખ વેદપાઠ છે. નીચને નીચ કાર્ય કરવાથી જ સુખ મળે છે. આ પ્રકારે સુખ મેળવવા માટેના દરેકના માર્ગો અલગ અલગ હોય છે.

[2] કૂતરું હંમેશા પોતાની પૂંછડી વાંકી જ રાખે છે, સાપ હમેશાં વાંકોચૂકો જ ચાલશે, ગધેડું હમેશાં લાતો જ મારશે, મંકોડાને દૂર ફેંકો તો પણ ત્યાં જ આવશે, માખીને કેટલીય કેમ ના ઉડાડો, ફરીથી ત્યાં જ આવીને બેસશે. આથી તમે એ વાત તરત સમજી જશો કે જેને જે આદત પડી ગઈ તે તે જ કામ કરશે. મનુષ્ય કેવળ પોતાની ટેવોનો ગુલામ હોય છે.

[3] સુંદર છોકરી, રૂપવતી વિધવા, ઘરડો વિધૂર, સાંઢ, ઢોંગી, સંન્યાસી, તાંત્રિક તેમજ ગધેડું – આ બધાથી બચીને ચાલવું જોઈએ. બુદ્ધિમાન આમનાથી પચાસ કદમ દૂર ભાગે છે.

[4] બધી આંગળીઓ સરખી હોતી નથી. એટલા માટે બધા લોકો સરખા સ્વભાવના હોતા નથી, જ્યારે આપણે જુદા જુદા વિભાગોમાં, કામોમાં વહેંચાઈ જ ગયા છીએ, ત્યારે આપણાં કામ પણ જુદાં જુદાં જ હોય ને ? આપણે એકબીજાની ઈર્ષા કેમ કરવી જોઈએ ? તેમજ એકબીજાનો દ્વેષ પણ કેવી રીતે કરી શકીએ ? ઈર્ષાળુ અને દ્વેષીલા ન બનો. તમે સુખી થશો, સંતુષ્ટ થશો, આનંદ પ્રાપ્ત કરશો. દુનિયામાં આવી બધી વાતો જ શીખો ને !

[5] વેશ્યાને સવારમાં, જુગારીને બપોરે, પાપીને મંદિરમાં, શબને ચિતા પર અને બાળકને ખોળામાં જોઈને કોઈને કોઈ પાપ લાગતું નથી. આ બધાં જ શુભ ગણાય છે. એમને આ રૂપે જોવાથી જ્ઞાન વધે છે અને સચ્ચાઈની ખબર પડે છે. આના પર વિચાર કરીને જો જો ને !

[6] પુત્ર સાથે પાંચ વર્ષ સુધી પ્યાર કરો, દસ વર્ષની ઉંમર સુધી તેને ધાકમાં રાખો, સોળ વર્ષની ઉંમર થાય ત્યારે તેને પોતાનો મિત્ર માનો. મિત્રતાનો વ્યવહાર કરવાથી તમે એકમાંથી અગિયાર બની જશો. તે જ સંતાન તમારી સાથે ખભેખભો મેળવીને ચાલવા લાગશે.

[7] સુખી અને શાંતિપૂર્ણ ઘર તે જ છે – જે ઘરમાં સંતાન બુદ્ધિમાન તેમજ ભણેલા-ગણેલાં છે, પત્ની શાંતિપૂર્ણ અને સંપૂર્ણ રીતે સાચી ગૃહિણી હોય, જે ઘરનાં બધાં કામ પોતાના હાથેથી જાતે કરે, જે ઘરમાં મહેમાનોનો આદર સત્કાર થતો હોય, જે ઘરમાં ભગવાનનું પૂજન થતું હોય, જે ઘરમાં હર સમય પીવાને સ્વચ્છ પાણી અને ખાવા માટે તાજું ગરમ ગરમ ખાવાનું મળતું હોય, જ્યાં બુદ્ધિમાનો તેમજ ગુણવાનો સાથેનો સત્સંગ થતો હોય. – આવું ઘર સૌથી સારું અને સ્વર્ગના અંશવાળુ હોય છે. આવા ઘરમાં રહેનાર લોકો સદા સુખી રહે છે.

[8] ઊંઘમાં નસકોરાં બોલતા હોય તેવી સ્ત્રી, નગ્ન સૂઈ જનારો પુરુષ – આ બંને અલ્પાયુ બને છે. દિવસે સંભોગ, રાત્રે જુગાર – આ બંને કાર્યો જીવનના દિવસો ટૂંકા કરે છે. એક વાત હમેશાં ધ્યાનમાં રાખો કે દરેક કામનો એક સમય હોય છે. સમયના ટાંકણે જ કામ કરનારા મહાન બને છે.

[9] પોતાનાથી મોટાંઓની સામે કદી જૂઠું બોલવું જોઈએ નહીં. તેમની સાથે કદી દગો પણ ન કરાય. રાજાની સામે અસત્ય બોલવાથી મૃત્યુદંડ પણ મળી શકે છે. દુશ્મન સાથે દગો કરવાથી ધનનો નાશ થાય છે. બ્રાહ્મણ સાથે દગો કરવાથી કુળનો નાશ થાય છે. એટલા માટે કદી કોઈની સાથે દગો ન કરો. કોઈને અસત્ય બોલીને ફસાવવાનો પ્રયત્ન ન કરો. ભલે ને તમને અસત્ય બોલીને તેમને વિજય અને ધન મળી જાય, પરંતુ મનની શાંતિ કદી નહીં મળી શકે. અસત્ય અને દગો લાંબો સમય ટકી શકતાં નથી.

[10] તે આદમીનું જરૂર મૃત્યુ થશે, તે સંકટમાં પણ અવશ્ય પડશે જેની પત્ની ચરિત્રહીન હશે. માટે ચરિત્રહીન પત્ની, શેતાન મિત્ર, વાતવાતમાં સામો જવાબ આપનાર નોકર, ઘરમાં રહેતો સાપ –આ ચારેય સરખાં છે. ગમે ત્યારે કનડે જ કનડે.

સૌજન્ય : દીપેન પટેલ

 

ટીપ્પણી