“માતૃત્વ” – મિત્રો તમે જ આ વાર્તા વાંચીને નક્કી કરો, કે આવું સુખ શ્રધ્ધાને મળવું જોઈતું હતું કે નહિ…

હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં નાના ચિરાગનાં જીવન સાથે જાણે એક નહિ પણ બે-બે માંની આશા-નિરાશા ઝબકારાં લઇ રહી છે. ચિરાગ ઓપરેશન થિયેટરમાં મૃત્યુ સાથે અને બહાર બાકડા પર આશા અને શ્રધ્ધા મમત્વની ધીરજ સાથે લડી રહ્યાં હતા. આશા માટે ચિરાગ ખોળાનો ખૂંદનાર હતો પણ, શ્રધ્ધા માટે તો ચિરાગ ખરેખર જ જીવનનો અંજવાસ હતો. હોસ્પિટલના બાકડા પર બેઠાં બેઠાં પોતાના જીવનના વીતેલા પાના એક પછી એક જોઇ રહી હતી.

શ્રધ્ધા અને સુધીરે માતા-પિતાની મરજી વિરુધ્ધ લગ્ન કરેલા એટલે બંને માટે કુટુંબ કહો કે સ્નેહી કહો બંન્નેને માત્ર એક- બીજાનો આધાર અને સાથ હતો. સુધીર દેખાવે સામાન્ય પણ અત્યંત પ્રેમાળ હ્રદયનો માલિક હતો. અભ્યાસ પૂર્ણ થતાં જ એક કંપનીમાં ખૂબ જ સારી નોકરી મળી ગઈ હતી. શ્રધ્ધા પણ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતી અને તેને પણ સારી એવી નોકરી મળે તેમ હતી જ પણ સુધીરને જ પોતાનો સંસાર માનતી શ્રધ્ધાએ પોતાના સંસારને સજાવવા-શણગારવાની જવાબદારીને પ્રાથમિકતા આપી અને સ્વેચ્છાએ નોકરી કરવાનું ટાળ્યું. લગ્નનાં બે વર્ષ જાણે એ પળની જેમ વીતી ગયા. પતિ-પત્ની જાણે બે શરીરને એક જીવ હોય તેમ એકબીજામાં જ અને એકબીજા માટે જ જીવવા લાગ્યા.

બે વર્ષ સુધી એકબીજાનો પ્રેમ અનુભવ્યા પછી એક દિવસ અચાનક જ શ્રધ્ધાએ સુધીર પાસે માં બનવાની ઈચ્છા વ્યક્ત કરી. બે વર્ષ સુધી સંતાન ન હોવાથી બંનેએ ડોક્ટરની સલાહ લેવાનું નક્કી કર્યું. ડોક્ટરને બતાવ્યા પછી જાણે શ્રધ્ધાના પગ નીચેથી જમીન જ ખસી ગઇ, જાણે કે આખુ આભ તેના નાજુક ખભા પર ઝૂકી પડયું. પ્રેમથી ભરેલો સંસાર જાણે અચાનક જ એના માટે ખારા દરિયામાં ફેરવાઇ ગયો. ડોક્ટરના રીપોર્ટ મુજબ શ્રધ્ધામાં અમુક ખામીને લીધે તે કદી માં નહિ બની શકે.

પ્રેમથી સજાવેલુ ઘર હવે શ્રધ્ધાને સ્મશાન જેવુ ભાસવા લાગ્યું. ચોખ્ખાં ચણાક ઘરમાં એ ક્યારેય નાની પગલીઓ નહિં પડે , એના ઘરમાં ક્યારેય બાળકની કિકિયારીઓ નહિં ગુંજે, સુધીરની નાની છબીને છાતી સરસું ચાપવાની મહેચ્છા ક્યારેય પૂરી નહિ થાય. મમતાનાં પ્રતિક જેવી પોતાની છાતીમાંથી ક્યારેય દૂધની ધારા નહિ વહે. આજ વિચાર, નિરાશા અને દુ:ખ સાથે શ્રધ્ધાએ દસ વર્ષ વિતાવી દીધા. આ દસ વર્ષ દરમિયાન સુધીર, શ્રધ્ધા માટે અડીખમ સહારો બની રહ્યો. બંને એકબીજાની ખુશી માટે વસમી વેદના હ્રદયમાં જ ધરબાવીને મોઢા પર ખુશી જ દર્શાવવાના પ્રયત્ન કરતાં પણ એકાંતમાં તો બંનેની ધીરજ જવાબ આપી દેતી હતી. હરખના ઉજાસથી છવાયેલું રહેતુ ઘર હવે ઉદાસીમાં, અંધકારમાં ઘેરાવા લાગ્યું. પોતાના એ અધૂરા સપનાઓના આઘાતથી બચવા બંનેએ ઘર બદલવાનું નક્કી કર્યું.

દસ વર્ષ સુધી જ્યાં રહ્યા તે ઘર છોડવાનો દિવસ આવી ગયો. આજે શ્રધ્ધા અને સુધીર અન્ય એક સોસાયટીમાં રહેવા જવાના હતા. ઘર છોડવાના સમયે સુધીરે એક પણ વખત ઘર સામે ન જોયું પણ શ્રધ્ધાની આંખો ફરી ફરી ઘર સામે જોઇ રહી હતી. આ જ ઘરમાં પ્રવેશના સમયે આનંદના આવરણોથી તેની આંખોની તેજસ્વીતા છલકાતી હતી, આ જ ચમક આજે આંસુઓની વેદનાના અપાર દવાનળમાં બળીને કાળી વાદળી જેવી બની ગઈ હતી. શ્રધ્ધા અને સુધીરે મકાન બદલી નાંખ્યુ. નવી સોસાયટી ખૂબ સારી હતી. પાડોશી પણ સારા હતા. ઘર વ્યવસ્થિત ગોઠવાઇ ગયું હતું. શ્રધ્ધા દરરોજ ઉગતા સુરજ સાથે પોતાની જાતને નવી નવી પ્રવૃત્તિમાં ઢાળવાની વ્યર્થ કોશીશ કરતી હતી.

એક અઠવાડીયા જેવા સમય થયો હતો. દરરોજનું કામ પતાવી હળવાશ માણવા શ્રધ્ધા બહાર ઝૂલા પર બેઠી હતી. ત્યાં અચાનક બાજુના ઘરમાંથી સાત વર્ષનો ચિરાગ હાથમાં બે ચોકલેટ લઈ શ્રધ્ધાના ઘર તરફ આવતો હતો. ઘરનો દરવાજો ખોલી ચિરાગ બોલ્યો, ‘’ માસી, આજે મારો જન્મ દિવસ છે. હું તમને ચોકલેટ આપવા આવ્યો છું.“ આટલા શબ્દોએ શ્રધ્ધાના રોમેરોમમાં ઝણઝણાટી પ્રસરાવી દીધી હતી. માં શબ્દ સાંભળવા તરસતા કાનને માસી શબ્દ પણ મમતામય લાગ્યો. શ્રધ્ધાએ ચોકલેટ લીધી અને તેની સાથે થોડી વાત કરી તેનું નામ પૂછ્યું, તેની મમ્મીનું નામ પૂછ્યું, જાણે તેનામાં નવો જીવ આવી ગયો. ચિરાગ સાથે વાત કરીને શ્રધ્ધાને ખબર પડી કે, ચિરાગ બાજુના ઘરમાં જ રહે છે. તેને એક નાનો ભાઈ છે, તેની મમ્મીનું નામ આશા છે. વાત કરતા અચાનક જ શ્રધ્ધાને કંઈ યાદ આવ્યું. તે ચિરાગને થોડીવાર થોભવાનું કહી ઘરમાં દોડી ગઈ.

વર્ષોથી સંઘરી રાખેલી વસ્તુઓના ભંડારમાંથી તેણે એક રમકડાંની ટ્રેન કાઢી થોડીવાર જોઈને પછી વીજળી વેગે બહાર આવી અને અપાર ખુશી સાથે તેણે તે ટ્રેન ચિરાગને ભેટમાં આપી. જન્મ દિવસે આટલી સુંદર ભેટ મેળવી ચિરાગની ખુશીનો પાર ન રહ્યો. શ્રધ્ધાએ ચિરાગને સમય મળ્યે પોતાની ઘરે રમવા આવવાનું કહ્યું. તે દિવસ પછી ચિરાગ દરરોજ બે ટાઈમ શ્રધ્ધાને ત્યાં રમવા આવવા લાગ્યો. તેની દરરોજની બાળસહજ વાતો સાંભળતા શ્રધ્ધા ધરાતી ન હતી અને બસ તેને જોયા જ કરે, સાંભળ્યા જ કરે, ખૂબ વહાલ કરે. તેને સાચવેલા રમકડાંના ઢગલાં તેણે ચિરાગને રમવા આપી દીધા. તેના ફ્રીઝના ખાના ચિરાગ માટે ચોકલેટ, બિસ્કિટ અને વિવિધ વાનગીઓથી ભરેલા રહેવા લાગ્યા. આશા સાથે શ્રધ્ધાનો વ્યવહાર ચિરાગને લીધે વધવા લાગ્યો. પોતે જાણતી હતી તે સઘળી રસોઈની કળાનો નીચોડ લાવી દરરોજ ચિરાગ માટે ખાસ વાનગી બનાવતી. આંખની આસપાસની કાળાશ ધીરે ધીરે દૂર થવા માંડી. તેનું મન આનંદમાં રહેવા લાગ્યું. શ્રધ્ધાને ખુશ જોઈ સુધીર પણ તેનો થાક, દુ:ખ અને સર્વ ચિંતાઓ વિસરવા લાગ્યો. બજારમાંથી શ્રધ્ધા કયારેય ખાલી હાથે ન આવતી, જાણે તેને તેની એકલતાનો સહારો મળી ગયો. ચિરાગની સાથે રમવામાં, ટી.વી. જોવામાં, જમવામાં તેને અગાધ આનંદ મળવા લાગ્યો.

ટૂંકમાં, શ્રધ્ધાએ ચિરાગને તેના સૂના હૈયામાં સમાવી લીધો હતો. ચિરાગના મોઢેથી માસી માસી સાંભળી તેના હ્રદયની ક્યારી મહેંકી ઉઠતી. આંખોની ચમક વધી જતી હતી અને આખુ જગત તેના માટે એ બે શબ્દોમાં સમાઈ જતું. ચિરાગના આગમન સાથે શ્રધ્ધા અને સુધીરનો કરમાઇ ગયેલો પ્રેમ નવી તાજગી સાથે મહેંકી ઉઠયો. બંનેને એકબીજા માટે અંતરના ઉમળકા જાગવા લાગ્યા. દુનિયામાં પોતે એકલા નથી એવો અનુભવ કરવા લાગ્યા. આશા પણ લાડમાં શ્રધ્ધાને કહેવા લાગી, “શ્રધ્ધા, હું નહિં પણ તું ચિરાગની ખરી માં હોય એવું લાગે છે. ગયા જન્મનો કોઈ અધૂરો નાતો લાગે છે તારે અને ચિરાગને.”

ખરેખર, લોહીના સંબંધ વગર પણ શ્રધ્ધા અને ચિરાગ આત્માના ઉષ્મીય તાંતણે બંધાય ગયા હતા. ક્યારેક ચિરાગ કહેતો માસી, તમે અમારી સાથે રહેવા ચાલોને !! ત્યારે શ્રધ્ધાને સ્વ મમતાની જીત થઈ હોય એમ લાગતુ. ચિરાગ ન આવે તો શ્રધ્ધાની સવાર ન થતી. એના માટે સમય થંભી જતો. આમ, શ્રધ્ધાએ પોતાની જાતને ચિરાગમાં વસાવી દીધી હતી. સુધીર અને શ્રધ્ધા નવા ઘરે રહેવા આવ્યા અને ચિરાગ સાથેની ઓળખાણને પુરાં નવ મહિના થયા હતા. સવારના દસ વાગ્યા હશે. નવ વાગ્યાથી જ શ્રધ્ધા ચિરાગની રાહ જોતી હતી. ત્યાં અચાનક આશાનો અવાજ આવ્યો, તેણે કહ્યું, ચિરાગ રમતા- રમતા સોસાયટીની બહાર ચાલ્યો ગયો હતો અને કોઈ અજાણ્યા યુવાનની ગાડી સાથે ચિરાગનો અકસ્માત થયો છે, ખૂબ લોહી વહી ગયું છે, તેને હોસ્પિટલ લઈ જાય છે. આ વાત સાંભળી જાણે શ્રધ્ધાનો જીવ જ ઉડી ગયો. ઘડીભર તેને કંઈ સમજાયું નહિં. તેને થયું કે, સુરજમુખીના હસતા ફુલ જેવા ચિરાગના ચહેરાને લોહીમાં ખરડાયેલ તે કેવી રીતે જોઈ શકશે ? જો તે હોસ્પિટલ નહિં જાય તો પણ તે અહિં નિર્જીવ જ બની રહેશે. તે વિચાર સાથે શ્રધ્ધા આશા સાથે હોસ્પિટલ નીકળી પડી. લોહીથી લથબથ ચિરાગ આશાનાં ખોળામાં પડયો હતો. આશાના આંસુ થોભતા નથી પણ શ્રધ્ધાની તો જાણે આંખો જ સુકાઈ ગઈ, તે એકદમ દિગ્મૂઢ પથ્થર બનીને આખે રસ્તે બસ ચિરાગને જ જોતી રહી.

હોસ્પિટલ પહોંચીને ચિરાગને દાખલ કરી તેની સારવાર શરૂ થઈ. તાત્કાલિક ઓપરેશનની તૈયારી કરાઈ. સ્ટ્રેચર પર નાનાં ચિરાગને ઓપરેશન થિયેટરમાં લઇ જવાય રહ્યો હતો. શ્રધ્ધા એકીટશે ચિરાગના મુખ સામે જ જોઈ રહી હતી. જાણે તે ચિરાગને તેની આંખોમાં સમાવવાનો પ્રયત્ન કરી રહી હતી. મન કહેતું હતું, બેટા એકવાર માસી બોલ, ચિરાગ વગર એનું શું થશે …?? એવાં વિચારો તેનાં ઘાયલ હ્રદયને વીંધવા લાગ્યા.

લગભગ એકાદ કલાક ઓપરેશન ચાલ્યું એટલી વારમાં સુધીર, ચિરાગના પપ્પા અને અન્ય સ્વજનો પણ હોસ્પિટલ પહોંચી ગયા. સુધીર પથ્થરમય શ્રધ્ધાને જંજોળવાની કોશીશ કરતો જ રહ્યો તેવામાં ઓપરેશન થીયેટરની લાલ લાઈટ બંધ થઈ. કંઇક વિહવળ આંખો ડોક્ટર સામે જોવા લાગી. શ્રધ્ધાના શરીરમાં થોડી હિલચાલ થઈ. ડોક્ટરે આંખો ઢાળી બધાને કહ્યું, “અમે ચિરાગને ન બચાવી શક્યા.” આટલા શબ્દો શ્રધ્ધાના કાનમાં અગાઉ જીરવેલા આઘાત કરતા પણ વધુ જોરથી અથડાયા. શ્રધ્ધાનું શરીર બેશુધ્ધ થઈને ઢળી પડયું.

બેશુધ્ધ શ્રધ્ધાને સ્ટ્રેચર પર તપાસ માટે લઈ જવામાં આવી. ડોક્ટરોએ તપાસ કરી. એક તરફ નિર્જીવ ચિરાગને હોસ્પિટલથી ઘરે લઇ જવાય રહ્યો હતો અને બીજી તરફ શ્રધ્ધા આઘાતનાં અંધકાર સામે લડી રહી હતી. તપાસ પૂરી થઈ ગઈ. શ્રધ્ધા પણ ભાનમાં આવી ગઈ હતી. સુધીરની તો જિંદગી જ જોખમમાં હતી. તે નિ:સહાય આંખે શ્રધ્ધા સામે જોવા લાગ્યો. ડોક્ટર પણ જાણે અસમંજસમાં હતા. સુધીરને શું કહેવું તે ડોક્ટરને સમજાતું ન હતું. એક તરફ મૃત ચિરાગ તો બીજી તરફ…..!!! છતાં હોઠ પર આછું સ્મિત લાવી ડોક્ટરે શ્રધ્ધાને કહ્યું, “ અભિનંદન, તમે માતા બનવાના છો.” પથ્થર જેવી શ્રધ્ધાની બંને આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી….

લેખિકા: નિશા રાઠોડ (ગાંધીનગર)

ખુબ લાગણીસભર વાર્તા છે મિત્રો શેર કરો અને દરરોજ આવી અનેક વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી