પ્રેમકાંડ – દોસ્તની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન… અરે બાપરે હવે શું થશે…

પ્રેમ-કાંડ – ૧

નક્કી કર્યું હતું કે આજે તો નવ વાગ્યા સુધી ધાબળામાં પડ્યું રહેવું છે, પણ કહેવાય છે ને કે અમુક અણધારી આફતના એંધાણ ન હોય, મારી સાથે પણ એવુંજ થયું, રાત્રીનાં મોડે સુધી ફેસબુક અને વ્હાટસએપ્પ નું જબરું એડીકસન થઇ ગયું હતું. અને એમાં પણ પાયલ! અરે પાયલનો અડધી રાત્રે પણ મેસેજ આવે એટલે જવાબ આપવોજ પડે, એના ગુડ મોર્નિંગનો જો હું જવાબ ન આપું, તો કહેશે કે તને એટીટ્યુડ છે! એટલેજ હું એને પાયલ કમ પાગલ કહેતો. દેખાવે બહુ ગોરી નહી પણ કાળી પણ નાં કહી શકાય, નમણો ચહેરો, હરણી જેવી આંખો, હળવા ઉપસેલા ગાલ ઉપર જયારે એ સ્માઈલ કરતી ત્યારે ખાડા પડી જતાં,

અરે પાગલ થઇ ગઈ હતી મારી પાછળ, જોકે હું પણ એ પાગલના પ્રેમમાં ગળાડૂબ હતો. રાત્રે ત્રણ વાગ્યા સુધી વ્હાટસએપ્પ ઉપર ચેટ કર્યું. તોય સવારમાં છ વાગ્યામાં ગુડમોર્નિંગનો મેસેજ તો આવીજ ગયો! હજુ એ પાગલને જવાબ આપી અને ધાબળામાં પોઢી સુતો હતો, ત્યાં કાર્તિકનો ફોન આવ્યો. ત્રણ ચાર રીંગ વાગી માંડ માંડ આંખ ખુલી ફોન ઉઠાવ્યો.

“હા, બોલ કાર્તિક,”
“ભાઈ ક્યાં છે તું ?, જેમ બને એમ જલ્દી હીરાકાકાની હોટલ પર આવી જા,”
“અલ્યા કોઈ ઈમરજન્સી છે ?,”
“હા ઈમરજન્સી જ છે, એમ સમજ તું, સવાલ નહી કર, આવી જા પ્લીઝ.”
ટુ.. ટુ… ટુ…ટુ…
“સાલ્લા બંને મારી ઊંઘના દુશ્મન પાક્યા! ચાલો જવું પડશે. સાલ્લો નફફટ કંઈ બોલતો પણ નથી કે બ્રશ કરીને આવું કે સીધો ઉઠીને આવી જઉં? કેવી ઈમરજન્સી? એની ઈમરજન્સી પણ એના જેવીજ હોય છે.
હું તો ફ્રેશ થઈ પહોંચ્યો હીરાકાકાની હોટલપર, એ સ્ટુલ ઉપર વીલું મો કરી લમણે હાથ દઈને બેઠો હતો.
“બોલ કાર્તિક શું થયું, તારી નાની મરી ગઈ કે?”
“ભાઈ મજાક નહી કર, અહી મુસીબત આવી પડી છે.”
“કેમ શું થયું?”

“આ બાજુ મારી સગાઇની વાતો ચાલી રહી છે અને આ સીમુડી મારો જીવ લેશે. મારી તો ઊંઘ હરામ થઇ ગઈ છે.
“ઓહ! ડફોળ એ વાત માટે તે મારી ઊંઘ ખરાબ કરી? સાલ્લા સેમ પ્રોબ્લેમ મારે છે. ગઈ કાલે રાત્રે પાયલને ખુબ સમજાવીને કીધું, કે ચાલ ભાગી જઈએ. તો કહે છે ના ! મારે ભાગીને લવ મેરેજ નથી કરવા. ત્યારે શું કરવાનું ? અલ્યા આ મમ્મી અને પપ્પા એકજ વાત પકડીને બેઠા છે કે એ પાયલ આપણી જ્ઞાતિની નથી, તો! હવે હું શું કરું? બોલ. અને તારી પાસે તો સમય છે ને? મારે આવતા અઠવાડિયે નક્કી જ છે. આ પાયલ સમજતી નથી. કહે છે કે જો તું સગાઇ કરીશ તો હું મંડપમાં આવીને હોબાળો મચાવીશ. બોલ એનાથી મોટી ઉપાધી તો નથીને તારે ?”
“તો? તે શું નક્કી કર્યું?”

“નક્કી શું કરવાનું હોય? સરન્ડર! જ્યાં મારું નક્કી કર્યું છે એ છોકરીનો મેં ફક્ત ફોટો જોયો છે, કેવી? એ પણ કેવી ખબર ? એડિટ કરેલો હશે કે શું? કાળી છે કે કાબરચીતરી છે, સ્વભાવની કેવી છે, કે શું એ કશુંજ ખબર નથી, આવતા રવીવારે બલીનો બકરો બનીને કારમાં બેસી જઈશ, હલાલ થઇ જઈશ.”
“અલ્યા હું તને મારી મુસીબત કહેવા આવ્યો અને તું! તું મને તારા ઉઠા ભણાવે છે? હું મારી પ્રોબ્લેમ લઈને તારી પાસે આવ્યો, મને એમ હતું કે તું કોઈક રસ્તો કાઢીસ, અહિયાં તારી હાલત તો મારાથી પણ ખરાબ છે,”
“શિખ, કંઇક શિખ મારાજેવી મહાનઆત્મા પાસેથી, આટલી વાત માટે મારી ઊંઘ ખરાબ કરી સાલ્લા નફફટ. ચાલ ચાય મંગાય, અને સીગરેટ નું પણ કહેજે,”
બીચારો કાર્તિક વીલું મો કરી અને ચાય માટે હિરાકાકાને ઈશારો કરે છે, પણ એની હાલત જોવા જેવી હતી, અરે લૈલા-મજનું, સીરી-ફરહાદની જેમ શહીદ તો નહી થવાયને? એ ચુપચાપ ચાયની ચૂસકી લેતો રહ્યો, મારે માટે સીગરેટ લાવ્યો સળગાવી આપી. દિલનો સાફ મારો દોસ્ત કાર્તિક. મને ખબર હતી કે આવીજ ઈમરજન્સી હશે, પણ કાર્તિકનો ફોન આવે એટલે હું પહોંચી જ જાઉં, કોઈ પણ કામ મુકીને, અને એ પણ એવોજ, અરે કોલેજમાં એક છોકરાએ મને ખાલી ગાલ ઉપર હાથ લગાવ્યો હતો, આ કાર્તિ એ એના હાડકા ભાંગી નાખ્યા હતા.

હવે હું અમારી ફેકટરીમાં સેટ થઇ ગયો હતો, અને કાર્તિક એના પપ્પાની દુકાનમાં. સાલ્લો એ સીમુડી માટે કોલેજમાં પણ કોઈ કોઇ છોકરીઓને ભાવ નહોતો આપતો, અને હવે ! હવે એના મમ્મી અને પપ્પા એનું બીજે ક્યાંક નક્કી કરવા જઈ રહ્યા છે, બસ એટલેજ મુંજાયો છે. ખેર એ તો જેને બળવો કર્યો હોય એનેજ ખબર હોય. હું પણ મારા ઘરમાં બળવો કરી ચુક્યો છું, પણ? માં બાપની એકજ વાત સમાજમાં આપણું નામ ખરાબ થાય, બીજી જ્ઞાતિમાં નો જવાય, અને બીજું! અમે તને આટલો મોટો કર્યો, તને ભણાવ્યો અને તું અમારી વિરુધ્ધમાં જઈને મેરેજ કરીશ? બોલો, આવું થાય ત્યારે એમ થાય કે આના કરતા કોઈ માથા ઉપર ગન રાખીને મારી નાખવાની ધમકી આપતો હોય ને! એને પણ થોડીક તો દયા હોય.

આ ઈમોશનલી બ્લેક-મેઈલ થવું એટલે જિંદગી હારી જવી, બસ આર-પાર ની લડાઈ જેવું લાગે ક્યારેક તો. જોકે કાર્તિક મારા સંપર્કમાં કોલેજનાં પહેલા વર્ષથી આવ્યો હતો, પણ જાણે અમે બચપન ના દોસ્ત હોઈએ એવી દોસ્તી હતી. કાર્તિક સ્ટુલ ઉપરથી ઉભો થયો અને ખિસ્સા માંથી પાકીટ કાઢી હીરાકાકને પૈસા આપી રહ્યો હતો.
ઉદાશ ચહેરે રૂમાલથી મોં સાફ કરતા કરતા એ સ્ટુલ ઉપર બેઠો,

મેં પૂછ્યું.

“શું કરવું છે તારે? બોલ”

આ સાંભળી એના ચહેરા ઉપર કોઈ તેજ આવી ગયું એમ કહેવા લાગ્યો..

“લગ્નતો સીમુડી જોડેજ કરવા છે. પણ મમ્મી અને પપ્પા મને વલસાડ મોકલવા માંગે છે.”

“વલસાડ કેમ?”

“મમ્મી કહે છે કે ત્યાં મામા જોડે રહીશ તો થોડો કંટ્રોલમાં રહીશ, અને મારું જ્યાં નક્કી કરવાનું છે તે મામાની દુકાનની બાજુમાંજ રહે છે,”

“તો જતો રહે વલસાડ. ફિર દેખા જાયેગા, છોકરી તો જોઈ આવ! ફિર દેખા જાયેગા, હું પણ જઈ આવું પેલીને. થોડા નાટકતો કરવાજ પડશે”

ત્યાંતો મારા ફોનની રીંગ વાગી, મને ખિસ્સામાં હાથ નાખતાજ ખ્યાલ આવી ગયો હતો, કે આ પાયલ નોજ ફોન હશે. અને એનોજ ફોન હતો.

“શું નક્કી કર્યું? રાત્રે મેં કીધું હતું એ કંઈ સમજમાં આવ્યું કે ભૂલી ગયો? અને ક્યાં છો તું?” સામેથી પાયલ એ સવાલોનો મારો કર્યો.

“અરે મારી વ્હાલી હું અહીં બીજી મુસીબતમાં ફસાયો છું, અને તને તારી રાતની વાતની પડી છે?”

“કેમ ક્યાં છો તું?”

“અહીં કાર્તિકની સાથે બહાર છું,”

“સવાર સાંજ કાર્તિક સાથેજ ફરતો હોય છે, બીજું કશું કામ છે કે નહી ?,”

“અરે યાર પાગલ, સોરી પાયલ તું સમજવાની કોશિષ કર, ડીયર,”

ટુ… ટુ…. ટુ…. ટુ….

પાયલએ ગુસ્સામાં ફોન કટ કરી મુક્યો.

અને એ વાતો સાંભળી કાર્તિક જતો રહ્યો, ઘણી બધી આશાઓ લઇ ને આવ્યો હતો, પણ બીચારો નિરાશ થઇને ગયો, અને હું ઘરે જઈ ફ્રેશ થઇ અને ફેક્ટરીએ જતો રહ્યો.

એ પાંચ દિવસોમાં પાયલના પચાસ જેટલા ફોન અને દોઢસો જેટ;અ મેસેજ આવી ગયા, એકજ વાત, તું પેલીને રીજેક્ટ કરી દેજે, અને એક વર્ષ થોભી જા, એક વર્ષ થોભી જવા મમ્મી પપ્પાને કહેવું એટલે? માંડ માંડ છ મહિના બહાના કરી કરીને કાઢ્યા હવે એક વર્ષ? અને પપ્પા સાથે ફેકટરી સંભાળવા લાગ્યો હતો, એટલે સમાજમાં પણ એક નામ થયું, કે છોકરો પપ્પાની ફેક્ટરી સંભાળે છે, અને ખાધે પીધે શુંખી છે, બસ આ સમાજનાં અમુક પંચાતીયાઓને તો જોઈએજ એટલું, અને પાછા ન હોય એવા માંગા લઇ ને પહોંચી આવે. અને છેલ્લે એ દિવસ આવીજ ગયો. એ દિવસની આગલી રાત્રેજ પપ્પાએ મારો ફોન લઇ લીધો, અને સીમ બદલાવી નાખ્યું, અને ધમકી પણ આપી, જોકે મમ્મી તો પ્રેમથી સમજાવી રહ્યા હતા, પણ પપ્પાએ તો ખુલ્લી ધમકી આપી દીધી હતી, જોકે મારે એ ધમકીઓથી કોઈ ફર્ક નહોતો પડતો. મેં પણ નક્કી કરી લીધું હતું. બસ હલાલ થઇ જવું છે.

આગલા દિવસે રાત્રે નક્કી થયા મુજબ હું તો કારની પાછલી સીટ પર ગોઠવાઈ ગયો, અને અમે નીકળી પડ્યા બરોડા, ઘર ગોતવામાં થોડી તકલીફ પડી, પણ એ છોકરીનો મોટોભાઈ રોડ ઉપર લેવા આવ્યો.,
ઘર જોઈને તો લાગ્યું અમારી જેમ પૈસે ટકે સુખી લગતા હતા, પણ મારે શું? મારે તો એ છોકરી જોવાની હતી જે મારા માટે પસંદ કરવામાં આવી હતી, મોટા બેઠક ખંડમાં અમે ગોઠવાઈ ગયા, આલીશાન હોલમાં ત્રણેય બાજુ મોટા મોટા પાક્કા લાકડાનાં સોફાસેટ અને વચ્ચે મોટી ટીપોઈ, મારા ભાવી સ્વસુર તો મને એમ જોઈ રહ્યા હતા જાણે હું એમના ઘરમાં ધાડ મારવા કેમ ન ગયો હોઉં?

વાતચીતનો દોર શરુ થયો, ઔપચારિક વાતચીત થઈ મારા ભાવી સાસુએજ સરુઆત કરી..
“અમારી વૈશાલીએ સી.એ કર્યું છે., અને બધીજ રસોઈ બનાવવામાં માસ્ટર છે. પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન હોય કે પછી ગુજરાતી.”

અચ્છા તો મેડમ નું નામ વૈશાલી છે એમ, અને ભાવી સાસુએ સરુઆત તો એવી રીતે કરી જાણે અમે કોઈ માસ્ટર-સેફનું ઓડીસન કરવા ગયા હોઈએ. મારી મમ્મીએ વચ્ચેજ ટોકતા કહ્યું.

“અરે બેન એ તો આજકાલના છોકરા છોકરીઓ પોતેજ બધું એકબીજાને પૂછી લેશે,”

“હા એ વાત ખરી.” ભાવી સ્વસુર એ સુર પુરાવ્યો.

ત્યાંતો વૈશાલી મેડમ પાણીના ગ્લાસની ટ્રે લઇને પહોંચી આવી. દેખાવે તો સુંદર હતી, પણ મારી પાયલ જેટલી સુંદર નહીં, પણ મને એકવાર વાત કરવાની ઈચ્છા થઈ, એકવાર વૈશાલીનો આવાજ સાંભળવાની ઈચ્છા થઇ. મેં ધીમેથી મમ્મીને કાનમાં કહ્યું..

“મમ્મી મારે વાત કરવી છે.”

“તું ચુપ બેસ હું એજ ગોઠવું છું.”

વાહ! મારી મમ્મી મારા દિલની વાત સમજી ગઈ હતી, એ પણ એજ ગોઠવણમાં હતી કે મારી અને વૈશાલીની એકવાર વાતચીત થાય, તો હું વૈશાલીને કંઇક કહી શકું, કે એજ સામેથી મને રીજેક્ટ કરે અને મામલો અહીજ પૂરો થાય. મમ્મીએ પપ્પા સામે જોયું અને કંઇક ઈશારો કર્યો, અને પપ્પા જાણે એકજ ઇશારામાં હરકતમાં આવી ગયા અને મારા ભાવી સ્વસુરને કહ્યું.

“તમને વાંધો ન હોય તો છોકરો અને છોકરી એકબીજાથી વાતચીત કરી લે.”

“અરે એમાં શું વાંધો હોય ? આજકાલ એ સમય નથી રહ્યો કે આપણે એમના ઉપર કોઈ રોકટોક લગાવી શકીએ, હમણાં વાત નહી પણ કરવા દઈએ તો એકબીજાના ફોન નંબર લઈ લેશે, તો કેમ નહી આપણી અનુમતિથી અહીંજ વાત કરી લે?”

બધા હસી પડ્યા, મને તો પપ્પાને કહેવાની ઈચ્છા થઇ ગઈ કે સીખો સીખો કંઇક આ મહાન આત્માથી, વૈશાલી તો ઠીક પણ પહેલીજ મુલાકાત માં મારા ભાવી સ્વસુરએ મારું દિલ જીતી લીધું.
મમ્મી એ મારા ગાલ ઉપર હાથ મૂકી મને વૈશાલી પાસે જવા કહ્યું. વૈશાલીનો મોટોભાઈ મારી સામે તાકી તાકીને જોઈ રહ્યો હતો, સાસુમાએ મલકાતા મોએ કહ્યું.

“જાઓ રાજેશકુમાર.”

હું શરમાતા શરમાતા ઉભો થયો અને બાજુના રૂમમાં જ્યાં વૈશાલી બેઠી હતી ત્યાં જઈને સામેની ચેર પર બેસી ગયો, વૈશાલી નીચું મોં કરીને બેઠી હતી.

“ફેશબુક યુઝ કરશ?” મેં પહેલોજ સણસણતો પ્રશ્ન પૂછી લીધો.

“ના, વોસ્ટસ -એપ્પ યુજ કરતી હતી પણ હમણાં બંધ કરી નાખ્યું છે.”
થોડી વાર બંને સાંત રહ્યા પછી મેં પૂછ્યું.

“ભગવાનમાં માને છે?”
મારા સવાલોથી વૈશાલી મુંજાઈ ગઈ હતી મને એવું લાગ્યું કે મેં અઘરા સવાલો પૂછી નાખ્યા, હું ફરી સ્વસ્થ થયો અને કહ્યું.

“જો વૈશાલી અહીં આપણે એકબીજાથી વાતો નહી કરીએ તો ભવિષ્યમાં એકબીજાના માથા ફોડીશું, તાવડા અને તપેલા ઉડાડીશું, એટલે તું મારી સાથે ખુલ્લીને વાત કર તો મને મજા આવે પ્લીઝ.”

“તું ભગવાન માં મને છે?” વૈશાલી એ તુકારાથી સામે સવાલ કર્યો.

“નાં હું નથી માનતો, એટલેજ પૂછું છું, ડીયર.”

મારા મોમાંથી વૈશાલી માટે ડીયર નીકળી ગયું ને વૈશાલી શરમાઈ ગઈ..

“થેંક ગોડ હું ભગવાનમાં બિલકુલ વિશ્વાસ નથી કરતી, હું પ્રકૃતિ પ્રેમી છું અને જે જીવંત, તાદ્સ અને નજરની સામે છે તેમાજ વિશ્વાસ કરું છું. એક સમયે ભગવાનમાં વિશ્વાસ હતો પણ હવે એ વિશ્વાસ ગુમાવી બેઠી છું.”

“કેમ? મારી જેમ તો નથીને તારું પણ?”

“મારી જેમ એટલે?”

“એટલે તારા જીવનમાં બીજો કોઈ હતો શું? મતલબ કોઈ બોય ફ્રેન્ડ? જુનું અફેર?”

મારો સવાલ સાંભળીને વૈશાલી ડઘાઈ ગઈ હોય એમ મારી સામે જોવા લાગી, મને એવું લાગ્યું કે મેં ઉતાવળે સવાલ પૂછી

લીધો. પણ હવે તીર કમાનથી છૂટી ચુક્યો હતો. વૈશાલી તરફથી કોઈ જવાબ ન મળતા મેં હિમ્મત કરી અને મારી વાત આગળ વધારી.

“જો વૈશાલી સાચું કહું તો હું એક છોકરીને પ્રેમ કરું છું, અને એનું નામ પાયલ છે. અને છેલ્લા ચાર વર્ષથી મારું પાયલ સાથે અફેર ચાલી રહ્યું છે, આ તો ઘરવાળા દબાણ કરે છે એટલે તને જોવા આવ્યો છું અને હા, મારી રીક્વેસ્ટ છે કે તું મને રીજેક્ટ કરે, મને કોઈ પ્રોબ્લેમ નથી.”

મારી વાત સાંભળી વૈશાલી ખુશ થઇ ગઈ હોય એમ કહેવા લાગી.

“હું તને રીજેક્ટ નહી કરી શકું, અને હું પણ એવુજ ઇચ્છુ છું કે તું મને રીજેક્ટ કરે.”

વાહ મને વૈશાલીનો આગળના મારા સવાલનો જવાબ મળી ગયો, મતલબ વૈશાલીના જીવનમાં પણ કોઈક છોકરો છે અને એ મારા માટે ફાયદાકારક પુરવાર થશે.

“કેમ હું શા માટે રીજેક્ટ કરું તને.?”

“મારી લાઈફમાં પણ એક છોકરો છે, પણ એ આપણી જ્ઞાતિનો નથી એટલે મમ્મી પપ્પા નથી માનતા, અને આ જ્ઞાતિ વ્યવસ્થામાં તો હું બિલકુલ નથી માનતી.”

“વાહ મારી લાઈફમાં મારી આસ પાસ બધા સમદુખિયા જ ભેગા થયા છે.”

“કેમ એવું કેમ કહે છે?”

“મારો દોસ્ત કાર્તિક, પાયલ, હું, તું, આપણી બધાની સેમ પ્રોબ્લેમ છે.”

“કાર્તિક કોણ?”

“મારો દોસ્ત છે, મારી સાથે કોલેજમાં ભણતો હતો.”

“હાલ ક્યાં રહે છે એ કાર્તિક?”

“અમદાવાદ માં, મારા ઘરની બાજુમાં, કેમ પણ તું કાર્તિક વિષે આટલા સવાલ કેમ કરે છે?”

વૈશાલી ઉભી થઇ અને પલંગ ઉપર પડેલા તેના પર્શ માંથી કંઇક કાઢી રહી હતી, ત્યાં ભાવી સાસુમા એ દરવાજો નોક કર્યો અને મારી તરફ જોયું હાથમાં ચાયની ટ્રે જોઈ હું સમજી ગયો,
ભાવી સાસુમાને જોઈ વૈશાલીએ પર્શનું ચેન બંધ કર્યું,

ભાવી સાસુમા ચાયની ટ્રે મૂકીને જતા રહ્યા એટલે ફરી વૈશાલીએ ખોળામાં પડેલું પર્શ ઉપાડ્યું અને પર્શ માંથી એપ્પલ આઈ ફોન કાઢ્યો. ડિસ્પ્લે ઉપર પાસવર્ડ મુકેલો હતો એ પાસવર્ડ નાખી અને ફોટો ગેલેરી માંથી એક ફોટો મને બતાવ્યો.

“ આ કાર્તિક?”

“અરે હા, એજ, પણ આને તું કેવી રીતે ઓળખે?”

“એજ તો મારો હાઈસ્કુલનો સાથી છે. અને હું આ કાર્તિક સાથેજ મેરેજ કરવા માંગું છે, રાજેશ.”

“પણ એતો કોઈ સીમરન ને પ્રેમ કરે છે.”

“વૈશાલીનું બીજું નામ સીમરન છે, અને એ નામ મને કાર્તિક એજ આપ્યું છે.”

“બસ હવે કાર્તિકની અને તારી પ્રોબ્લેમ સોલ!”

“કેમ? એમ કેમ કહે છે?”

“કંઈ નહીં, હવે મારી વાત સાંભળ ન તો હું તને રીજેક્ટ કરવાનો, કે ન તું મને રીજેક્ટ કરીશ સમજી?”

“કેમ પણ એવુ કેમ કરવું છે?”

“જો હવે કોઈ પણ સાઈડથી રીજેક્સન આવશે એટલે હોબાળો મચી જશે, માટે હાલ તો જેમ હું કહું છું એમ કરતી જા,, હવે જો, હું કેવો ખેલ કરું છું?, પ્યાર ઔર લડાઈ મેં સબ કુછ જાહીજ હે.”

મને એક નવો અધ્યાય મળ્યો, એક નવું મિસન મળ્યું, હા..ક્યારેય પણ કાર્તિકને કોઈ કામ પડ્યું હોય તો નિરાશ નથી કર્યો, અને આ મિસનમાં પણ કંઇક એવુજ કરવું છે.

“વૈશાલી મારી વાત સાંભળ આપણે વાતચીત કરવા દસથી પંદર મિનીટ મળી છે, અને હજુ આપણી પાસે ઘણો સમય છે, માટે આપણે અહીં વધારે વાત નહીં કરી શકીએ, પણ હાલ પુરતું આપણે બંને હા પાડી દઈએ અને બાકી આગળ શું કરવું છે એ હું તને ફોન ઉપર જણાવીશ, અને હા આ બાબતે કાર્તિકને કંઈ પણ કહેતી નહીં, પ્લીઝ.”

“કાર્તિક સાથે હું વાત નથી કરતી, મેં મારો નંબર પણ બદલી નાખ્યો છે, કાર્તિક પાસે મારો નવો નંબર પણ નથી, અને એ વાત કરતા કરતા રડી પડે છે, ઈમોશનલ થઇ જાય છે, હું પણ એવુજ ઈચ્છતી હતી કે એ મને ભૂલી જાય, પણ તારા આવ્યા પછી મને થોડી આશાઓની કિરણ દેખાય છે.”

“અરે આશાઓની કિરણ નહી પૂરે પોરો સુરજ નીચે ઉતારીને લાવીશ, બસ તું જોતી જા.”

મારા દિમાગમાં કોઈ સાતીર પ્લાન ઘડાઈ રહ્યો હતો, કોઈ મોટો કાંડ કરવા હું પ્રેરાઈ રહ્યો હતો.

હું હસતા મોઢે રૂમથી બહાર નીકળ્યો, મારા ચહેરાના હાવભાવ બનાવ્યા, ઘરના બધાજ સભ્યોના ચહેરા ઉપર ખુશી ની લહેરખી આવી, બધાને એમ લાગવા માંડ્યું કે મેં વૈશાલીને પસંદ કરી લીધી, થોડીવારમાં તો મીઠાઈ આવી ગઈ મારા અને વૈશાલીના દૂધ પીણા થયા અને નેક્સ્ટ વીકમાં સગાઈની તારીખ નક્કી થઇ, મારે કોઈ પ્લાનને ટૂંકા ગાળામાં અંજામ આપવાનો હતો, કોઈ એવો પ્લાન જે ફૂલ પ્રૂફ હોય, જેમાં હું સફળ થઇ જાઉં. આ યોજનામાં મારી નિષ્ફળતા એ ચાર જણાની દુનિયા બરબાદ કરી શકે છે. સગાઈની યોજનાનો અને તે અંગેની વાતચીત નો દોર પૂરો થયો અમે વૈશાલીના ઘરેથી નીકળી રહ્યા હતા, વૈશાલી ગેટ ઉપર ઉભાઉભા મને બાય કરી રહી હતી, વૈશાલીના ચહેરા ઉપર કોઈ અજીબ પ્રકારનો ગ્લો હતો, વૈશાલીને મારાથી કોઈ અપેક્ષઓ હતી, ખુબ ટૂંકા ગાળામાં વૈશાલી સાથે થયેલી દોસ્તી ગહેરી થઇ ગઈ હતી, કદાજ હું મારા માટે બળવો ન પણ કરું, પણ વૈશાલી માટે કંઈ પણ કરી છૂટવાની ભાવનાએ મારા મગજમાં ઘર કરી લીધું હતું, સાલ્લ્લો કાર્તિક પણ જબરો છે,, આટલો સમય થયો ક્યારેય તેની ગર્લ ફ્રેન્ડનો ફોટો પણ ન બતાવ્યો? અઘરી આઈટમ છે, એ પણ! સાલ્લાને બીજી કોઈ જ્ઞાતિમાં છોકરી ન મળી? સલ્લાએ મારી જ્ઞાતિની છોકરી ઉપર તરાપ મારી? ખેર જે થયું એ સારું થયું, મારું જે થવું હોય તે થાય પણ કાર્તિક માટે રસ્તો ખુલ્લો થયો, અને મારી પાસે કોઈ ઉપાય પણ ન હતો, જો હું વૈશાલીને રીજેક્ટ પણ કરતો તો એવું પણ બની કે અમારી જ્ઞાતિનો કોઈ બીજો છોકરો પસંદ કરી લેતો, અને પછી બાજી મારા હાથ માંથી નીકળી પણ જતી, આ તો કોઈ કુદરતની કરામત છે કે જોગાનુજોગ વૈશાલી મારી લાઈફમાં આવી. હવે પછીનો મારો અધ્યાય કાર્તિક ને મળવાનો.

બરોડાથી અમદાવાદના રસ્તામાં પપ્પા અને મમ્મી મારા કેરિયર અને ફેકટરીમાં મારી જવાબદરી અંગે ચર્ચા કરી રહ્યા હતા, મારું ધ્યાન એમની વાતોમાં જરા પણ ન હતું, હું કોઈ સાતીર પ્લાન બનાવી રહ્યો હતો, કોઈ એવો પ્લાન કે જેના પરિણામે હું વૈશાલી અને કાર્તિક નું મિલન કરાવી શકું.

અમે ઘરે પહોંચી આવ્યા હતા, પપ્પાને મારી સાથે કંઇક વાત કરવી હતી પણ હું કાર્તિકને મળવા ઉતાવળો હતો. ઘરની બહાર નીકળી મેં કાર્તિકને ફોન લગાવ્યો. કાર્તિક ફોન ઉઠાવતાની સાથે હસવા લાગ્યો, એ ખડખડાટ હશી રહ્યો હતો.
“કેમ? ડોફા બહુ હસવું આવે છે?”

“થઈ ગયો ને હલાલ! અરે આજે મને તારા ઉપર દયા આવે છે, સાલ્લા મને સલાહ આપવા આવ્યો હતો, કે જેમ મમ્મી અને પપ્પા કહે છે એમ કર! કેવું કપરું લાગી રહ્યું હશે તને?”

“તો! નીચ નાલાયક તું તો ખુશ થઇ રહ્યો છે!”

“હા, હું તો ખુશ થવાનોજ ? તને પણ ખબર પડે કે મારા ઉપર શું વીતી રહી હશે!”

“રહેવાદે ચાલ સાંજે મળીએ આપણા અડ્ડા ઉપર, ચાય પીવડાવીશ ને?”

“સાલ્લા નક્કી તારું કરી આવ્યો અને ચાય હું પીવડાવું?”

“અરે, નાલાયક તારું પણ નક્કી કરી આવ્યો છું, સાંજે મળ તો ખરો, તને એક મોટો ઝટકો આપવાનો છું, હા તને હાર્ટ-એટેક ન આવી જાય એ ધ્યાન રાખજે, તારા જોખમે મને મળવા આવજે.”

“હા સાંજે મળીએ, મને પણ તારું ઉતરી ગયેલું મોઢું જોવાની ખુબ ઈચ્છા છે.”

કાર્તિક સાથેની વાત પૂરી થયા પછી પાયલને વોટ્સેપ માં મેસેજ કર્યો,

ક્રમશઃ ભાગ ૨ વાંચો કાલે આ જ સમયે આ જ પેજ પર…

લેખક : નીલેશ મુરાણી

ટીપ્પણી