રોશની ભાગ – ૧ એ યુવાનના જીવનમાં ખરેખર રોશની એ રોશની બનીને આવી હતી પણ….

રોશની – ભાગ ૧.

દિવાલપર લટકતા ગીટાર ઉપર મારી નજર થોભી ગઈ. રાત્રીના અઢી વાગ્યા, રૂમમાં અંધકાર અને સન્નાટાની વચ્ચે ઘડિયાળનાં સેકંડ કાંટાનો ધીમો અવાજ પણ મને આજે વધારે કર્કશ લાગી રહ્યો, પણ મને ઊંઘ કેમ નથી આવતી? અરે! મારું બધુજ લુંટાઈ ગયું?

બરબાદ થઇ ગયો તેને આજે છ મહિના થયા, પણ છેલ્લા એક અઠવાડિયાથી તો જાણે મારી ઊંઘ હરામ થઇ ગઈ? શું ખૂટે છે? જ્હેનમાં કંઇક ખુંચે છે, કંઇક બળતરા થઈ રહી છે, બ્લેક એન્ડ વ્હાઈટ ચૂડીદાર ડ્રેસમાં મલ્લિકા અટ્ટહાસ્ય કરતી દેખાય છે. ટવેરાની આગળની સીટ ઉપર બેસી સડક ઉપર ઉભેલા મને જોઈ જાણે કોઈ ભિખારીને જોયો હોય તેવા ભાવ એના ચહેરા ઉપર હતાં. ઓહ! એ દ્રશ્ય કદાચ મારી ઊંઘ હરામ કરી રહ્યું છે. અને ઉમેશ? નમક હરામ છે સાલો. મારી થાળીમાં ખાધું અને થુંક્યો, નગુણો છે સાલો. ક્યારેક તો એવું લાગતું કે સાલાનું મર્ડર કરી નાખું. ના, પણ મને મારા પપ્પાએ વસીયતમાં આપેલ સંસ્કાર નડે છે. પપ્પા વારસામાં જે સંસ્કાર આપી ગયાં એજ મારી મૂડી હતી.
કદાચ મારી જગ્યાએ કોઈ બીજો હોત તો આત્મહત્યા કરી લીધી હોત, મને પણ ગઈ કાલે આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. ઘડિયાળ ઉપર થોભેલી મારી નજર છતમાં ધીમેધીમે ફરતા પંખા ઉપર ખોડાઈ. અરે! ગઈ કાલે મેં આ પંખામાં લટકીને આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો! ખેર, એ તો વિચાર આવીને ચાલ્યો ગયો, દરેક વિચારનો તાત્કાલિક અમલ થઇ જતો હોય તો એ પણ નુકશાનકારક છે. પણ મને આ શું થઇ રહ્યું છે? અરે આનાથી પણ અડધી મહેનત કરીને ઘરે આવતો, તો પણ મને કેવી ઊંઘ આવી જતી? અરે! ઘણી વખત તો ખાધા વગર, અને શોક્સ ઉતાર્યા વગર સુઈ ગયાના દાખલા છે, અને મોડી રાત્રે મમ્મી મારા શોક્સ ઉતારી આપતી, ઘણી વખત હું સુઈ ગયો હોઉં, અને મમ્મી ઉઠાડીને ખવડાવતી. પરંતુ અત્યારે… મને એમ લાગે છે મને અનિદ્રાનો રોગ લાગુ પડી ગયો છે.
મલ્લિકા અને ઉમેશનાં વિચારો હું કરવા નહોતો ઈચ્છતો, તો પણ એ મારા દિમાગમાં હથોડાની જેમ ખુંચતા. ખેર, મલ્લિકા મારો પહેલો પ્રેમ છે એટલે કદાચ, પણ મારે આ ઇન્સોમેનિયાનો કંઇક ઈલાજતો કરાવવો પડશે.
એજ વિચારોમાં ખોવાયો અને પંખા ઉપર થોભેલી મારી નજર ટીવી પર સરકી, રીમોટ હાથમાં લઇ ટીવી ચાલુ કર્યું, ચેનલો બદલતો રહ્યો, ટીવી બંધ કરી મારી નજર મ્યુજિક સીસ્ટમ પર પડી. મ્યુજિક સીસ્ટમની બાજુમાં પડેલા ડીવીડીનાં થપ્પા ઉપર પડી. શું કરું? એ વિડીઓ અત્યારે જોઉં? ના, ફરી એ વિડીઓ જોઈને મારું દિમાગ ખરાબ થશે. અરે! મારા પોતાના ગીત સાંભળીને મારું દિમાગ ખરાબ થશે? થશેજ, કારણ કે એ વિડીઓમાં મેં મલ્લિકા સાથે લાઈવ ચેટ કરેલું. મારા પોતાનાં કમ્પોઝ કરેલા ગીત, લિરીક્સ અને ગીટારનું એ મ્યુઝિક આજે મને ખાવા દોડી રહ્યું હતું!
“ચિરાગ, આજે કોઈ નવું સોંગ સંભળાવને,”
મલ્લિકા દ્વારા અસંખ્ય વખત બોલાયેલું આ વાક્ય આજે મને ખાવા દોડી રહ્યું હતું. સવારે નોકરી ઉપર જવું પડશે? ના.. રજા મૂકી દઈશ પહેલાં મગજને શાંત કરવા માટે કોઈ મનોચિકિત્સકની એપોઇન્ટમેન્ટ લઈશ. માંડ સવારે પાંચ વાગ્યે આંખ ઘેરાઈ, સાડા નવ વાગ્યે મોબાઈલની રીંગએ મારી ઊંઘમાં વિક્ષેપ પાડ્યો..
“કેમ ચિરાગ આજે નોકરી ઉપર નથી આવવાનો?”
“ઓહ! સોરી સર, હું રાત્રે તમને ફોન કરવાનું ભૂલી ગયો, આજે મારી તબિયત બરાબર નથી, આજે હું નહી આવી શકું.”
“ઓકે ચિરાગ, પણ આ રીતે રજા રાખવી હોય તો આગલા દિવસે જાણ કરી દેવી, બીજી વાર ધ્યાન રહે.”
“જી…..જી….જી… સોરી સર……શ્યોર…શ્યોર.”
અડધી ઊંઘમાંથી ઉઠી ફ્રેશ થયો, ફ્રિજમાંથી બ્રેડ-બટર કાઢી બ્રેડને ટોસ્ટ કરવા મૂકી અને ચાય નાસ્તો કરી નીચે આવ્યો,બાઈકની ફયુલ ટેંક ખોલી નજર કરી, એકાદ લીટર પેટ્રોલ જોઈ એમ થયું કે આજનો દિવસ નીકળી જશે, બાઈક લઇ શબ્બીરભાઈનાં ગલ્લે ગયો, થોડા દિવસ પહેલાં ત્યાં જતાં સંકોચ થતો, પણ હવે આદત પડી ગઈ હતી. પાનનાં ગલ્લા પર જઈ ઉભો રહ્યો. શબ્બીરભાઈ પાન બનાવવામાં વ્યસ્ત હતાં.
“ચલ ભાઈ શબ્બીર, લાવ મારો આજનો કોટા.”
કોઈ બે અજાણ્યા માણસો મને તાકી તાકીને જોઈ રહ્યા હતા, અને મારી બાઈકને જોઈ રહ્યા હતા, મને જોઈને એ બંને ખુસુર પુસુર કરી રહ્યા હતા, એમને ખબર ન હતી કે એમની ધીમાં અવાજે થતી વાતચીત પણ મારા કાન ખાઈ રહી હતી, એમની વાતચીત મારા દિમાગમાં હથોડાની જેમ વાગી રહી હતી! એમાનાં એક વ્યક્તિએ બીજાને કહ્યું.

“આ એજ છેને પેલો.. ?”
“હા એક સમયે આ નબીરો મર્સીડીસ કાર લઇને આવતો, અને માર્લબોરો સિગરેટનું પેકેટ, અને દસ માવાનું પાર્સલ બંધાવી જતો,, જોજે હમણાં બીડીનું બંડલ લેશે, અને બે માવા બંધાવશે..
“લ્યો ચિરાગભાઈ, અને પેલું પેમેન્ટ આજે આપી દેશો? ” શબ્બીરભાઈએ બીડી, માચીસ અને બે માવા મારી તરફ સરકાવતાં કહ્યું,
“કેટલા બાકી છે?”
“પાંચસો સીતેર રૂપિયા છે.”
“જી આ પગારમાંથી આપી દઈશ.”
શબ્બીરભાઈએ મોં બગાડ્યું, પણ હું ત્યાંથી નીકળી ગયો, ખિસ્સામાં રોકડા બારસો રૂપિયા હતા,એને પાંચસો સીતેર રૂપિયા આપી દઉં તો હું ડોક્ટર સાહેબને શું આપું? એ ડોક્ટર અંકલ પપ્પાનાં ખાસ મિત્ર હતાં, મમ્મીને ડીપ્રેશનની પ્રોબ્લેમ થઇ હતી ત્યારે મમ્મીની દવા પણ એમની પાસેથીજ લેતાં, અને આ ત્રણ માળનું આલીશાન હોસ્પિટલનું બાંધકામ પણ અમારી કંપનીએ જ કર્યું હતું, પણ એનો મતલબ એવો તો નહીં કે મારે એ સંબંધનો ગેરલાભ ઉઠાવવો!
ઘણાંબધાં પેશન્ટની વચ્ચેથી ડોક્ટર અંકલે મારો કેસ લીધો, કદાચ એમની કેબીનમાં લાગેલા સીસીટીવીમાંથી મને જોઈ ગયાં હશે. કેબીનમાં પ્રવેશ કરતાંજ,
“અરે! ચિરાગ બેટા, આવ આવ, કેમ આવવાનું થયું બેટા? બધુ બરાબર છે ને? બેસ બેસ.. ”
“અંકલ ઊંઘ નથી આવતી, આખેઆખી રાત નીકળી જાય છે, પણ ઊંઘ નથી આવતી,”ડોક્ટર અંકલની સામેનાં સ્ટુલ ઉપર બેસતાં મેં કહ્યું..

“ઓકે, બેટા બની શકે, આ અચાનક આવેલી મુસીબત સહન ન થઇ હોય, હું એક મહિનાની ગોળી લખી આપું છું, તેમ છતાં વચ્ચે કોઈ પ્રોબ્લેમ થાય તો આવી જજે. અને હા, બીજું એ કે આપણે તારું કાઉન્સેલિંગ કરાવવું પડશે.” બીપી અને આંખ ચેક કરતાં કરતાં ડોક્ટર અંકલે કહ્યું.

“જી અંકલ, જરૂરી છે?” મેં પૂછ્યું.
“હા બેટા, લે આ કાર્ડ, મિસ રોશનીનું કાર્ડ છે, બહુ ફ્રેન્ડલી છે.. આ ઉપર લખેલ નંબર ઉપર ફોન કરીને અપોઈન્ટમેન્ટ લઇ લેજે, હું તારી ભલામણ કરી દઉં છું.” ડોક્ટર અંકલે મિસ રોશનીનું કાર્ડ અને દવાનું પ્રીસ્ક્રીપ્શન મને આપતાં, મારા ચહેરા પરનાં ભાવ જોઈ એ મારી પરિસ્થિતિ કળી ગયાં હોય એમ ઉમેર્યું.
“ચિરાગ બેટા, મિસ રોશનીની ફીસ બાબતે ચિંતા ન કરીશ, હું એ પણ ભલામણ કરી દઉં છું.”
“જી અંકલ.”
હું કેબીનની બહાર આવ્યો, કન્સલ્ટીંગ ચાર્જ માટે મેં ખિસ્સામાંથી પાંચસોની નોટ કાઢી આપી રહ્યો હતો, એ રીસેપ્ટનિષ્ટે ફોન ઉપર ડોક્ટર સાથે ઇન્ટરકોમમાં વાત કરી ફોન નીચે મુક્તાં કહ્યું..
“જી ચિરાગભાઈ તમારી ફીસ નથી લેવાની, સાહેબ ના પાડે છે.”
બહાર મેડીકલ સ્ટોરમાંથી પ્રીસ્ક્રીપ્શન મુજબ ચારસો ત્રીસ રૂપિયાની દવા લીધી.
બાઈક પાસે આવી રોશની મેડમને ફોન કર્યો. સાંજે છ વાગ્યાની એપોઇન્ટમેન્ટ મળી ગઈ. સાંજ સુધીનો સમય કાઢવાનો હતો. ઘરે જઈ જમવાનું બનાવ્યું. આમ તેમ આંટા ફેરા કર્યાં. થોડીવાર ટીવી સામે બેઠો, પણ હજુ મગજ કામ નહોતું કરતું, ટીવીના શો-કેસ ઉપર પડેલી ડીવીડીઓ ઉઠાવી જોવા લાગ્યો. એક એક ડીવીડી ઉપર તારીખ અને સમય માર્કરથી લખ્યા હતા. ઓહ! કેટલી બધી ડીવીડી છે?. ડીવીડી તરફ જોતા ફરીએકવાર મલ્લિકા સાથે થયેલ વિડીઓ ચેટનાં વિચારોમાં ખોવાઈ ગયો. કેવા દીવસો હતાં એ! હું મલ્લિકાને વિડીયો કોલ કરતો, ટેબલ ઉપર મોબાઈલ રાખી દર વખતે ગીટાર પકડી અને હું મારું પોતાનું કમ્પોઝ કરેલું નવું ગીત સંભળાવતો, અને મારા ગીતોનાં એકએક શબ્દો સાંભળી એ કેવી ખુશ થઇ જતી!, મારા અવાજનાં, લિરીક્સનાં, મ્યુઝિકનાં કેટલાં વખાણ કરતી! અને આજે! એ સાલા ઉમેશ સાથે મોજ માણી રહી છે. અરે આજે હું રૂપિયા રૂપિયાનો મોહતાજ છું, અને મલ્લિકાને મેં કેટલી વખત રોકડા દસ હજાર, તો ક્યારેક વીસ હજાર આપ્યા છે, બેહિસાબ આપ્યાં છે! આજે મને જરૂર છે, આમ એ મને ઉલ્લુ ન બનાવી શકે. કમસે કમ આજે મને જરૂર છે તો એક સારા દોસ્તની. અરે પૈસા ગયા ભાડમાં..!
ખેર એ એની મરજી, પણ એકવાર હું એક દોસ્તના નાતે એની મદદ માંગી જોઉં? ઘણાં દિવસ થયા એનો અવાજ પણ નથી સાંભળ્યો, અને એજ વિચારે મેં મલ્લિકાને ફોન લગાવ્યો.
“હા બોલ”
“મલ્લિકા મને થોડા પૈસા ની જરૂર છે, પ્લીઝ.”
“ઓહો…..હો…હો….હો… એના માટે ફોન કર્યો.?. મને તો એમ હતું કે તું મને ભાષણ આપીશ, કે ઉમેશ સાથે ફરવાનું છોડી દે, એ નીચ છે, નાલાયક છે..વુમેનાઈજર છે, વગેરે વગેરે.”

“મલ્લિકા ફાલતું વાતો નહી કર, પ્લીઝ, તું મને હેલ્પ કરી શકે છે કે નહી?”
“શા માટે હેલ્પ કરું તને? અને તું ઉમેશ માટે જેમતેમ બકવાસ કરે એ હું સાંભળું અને તને હેલ્પ પણ કરું? એટલે હું તને મૂર્ખી લાગું છું?”
“યુ બ્લડી બીચ.. ઉમેશ રાંડોડિયો છે, છે અને હજારવાર છે, મારી સાઈટ પર કામ ચાલતું હતું ત્યારે કેટલી વખત તેને ત્યાં સાઈટ ઉપર કામ કરતી બિચારી મજબુર મજુરી કરતી ઔરતો સાથે રંગે હાથ મેં પકડ્યો છે, ખેર તારા ઉપર હમણાં ઉમેશનું ભૂત સવાર છે, અને મારા દિવસો ખરાબ ચાલી રહ્યા છે.”

“ભિખારી સાલા, હવે બીજીવાર મને ફોન નહી કરતો, અરેતું કરીજ નહી શકે, હું તને બ્લોક લીસ્ટમાં જનાખી દઉં છું.”
ટુ…..ટુ……ટુ…..ટુ….
સાલી મારોજ ગીફ્ટમાં આપેલો આઈફોન સેવન! અને મનેજ બ્લોક કરશે? મલ્લિકા સાથે ફોન ઉપર થયેલી વાતએ મારું મગજ વધુ ખરાબ કરી નાખ્યું, પણ આજે એ મારી વાત નહી સાંભળે તો એ દુ:ખી થશે. અરે મારે અત્યારે એનું ન વિચારવું જોઈએ. ખરેખરો દુ:ખીતો હું છું, તો પણ મારાથી રહેવાયું નહી. ચાર વાગ્યા હતા અને હજુ દોઢ કલાક કાઢવાનો હતો. ટેબલ ઉપર પડેલી ડીવીડીમાંથી મેં ૧૪ ફેબ્રુઆરીના સવારે રેકોર્ડ કરેલી ડીવીડી ઉઠાવી અને સીસ્ટમમાં લગાવી, એ મારુ મલ્લિકા સાથે થયેલું લાસ્ટ ચેટ હતું, મેં તેને લાસ્ટ સોંગ સંભળાવ્યું હતું, એ જોવા બેસી ગયો.
“મેરી જિંદગી મેં તુમ એકબાર આ ગયે હો, અબ ઠહર જાઓગે,, બસ જાઓગે યહાં દિલકી આવાજમેં, સાઝ બનકર સંવર જાઓગે.”
એ દ્રશ્ય જોઈ, એ ગીત સાંભળી ફરી મારું મગજ ચકરાવે ચડી ગયું. હું એના વિચાર કરવા નહોતો માંગતો, અને એનાજ વિચારો કેમ આવી રહ્યા છે? એજ વેલેન્ટાઈન ડેનાં દિવસે તો હું બરબાદ થયો હતો.
****
સાંજે છ વાગ્યે મિસ રોશનીની ઓફિસે પહોંચ્યો. નાનકડી કેબીનની બહાર બે જણ બેસી શકે એવો સોફા હતો,સોફા પર બેસતાંજ ઓફીસની અંદર લેપટોપ પર સફેદ પંજાબી ડ્રેસમાં મિસ રોશની બેઠા હતા, મને બહાર આવેલ જોઈ અંદર બોલાવ્યો.
“મિસ્ટર ચિરાગ?” મને ચેર ઉપર બેસવાનો ઈશારો કરતાં પૂછ્યું.
“જી મેમ” કહી હું સામેની ચેર પર બેસી ગયો.
“હા તો મિસ્ટર ચિરાગ, ડોક્ટર અંકલનો ફોન આવ્યો હતો, તમને ઊંઘ નથી આવતી બરાબર?”
“જી મેમ”
“કેમ?”
“વિચારો આવ્યે રાખે છે, થાક લાગે છે, પણ ઊંઘ નથી આવતી, ખુબ ગુસ્સો આવે છે.”
“હા, પણ કેમ? તમને કોઈ ચિંતા ખાઈ રહી છે? જુઓ ચિરાગ.. મને એક દોસ્ત સમજો, તમને જે કંઈ પણ વિચાર આવે છે એ મને જણાવો.”
મિસ રોશની ખુબ આત્મીયતાથી વાત કરી રહ્યાં હતાં, એમનાં અવાજમાં કોઈ જાદુ હતો, એ મારી આંખોમાં જોઈને વાતો કરી રહ્યાં, એમનાં એક હાથમાં બોલપેન અને બીજા હાથમાં સફેદ રૂમાલ હતો એ વારવારે રૂમાલ ગાલ ઉપર અને કપાળ ઉપર ફેરવી રહ્યા હતા, દેખાવે ગોરા પણ નહી અને કાળા પણ નહી એવા ભરાવદાર ગાલ સાથે સુટ થતી સાઈઝનું નાક, મોટી મોટી આંખો, હોઠનો નેચરલ ગુલાબી કલર, કોઈ મેક-અપ નહી. હું એમનો ચહરો જોતો રહ્યો.
“ચિરાગ શું પ્રોબ્લેમ છે ? તને શું વિચાર આવે છે?” મિસ રોશનીએ હવે તું થી વાત કરવાનું શરૂં કર્યું.
“મેમ શરૂઆતથી જણાવું?” મેં અચકાતા અને ગભરાતા પૂછ્યું.
“હા, શરૂઆતથી બધુ જણાવ. અને હા, ચિરાગ.. ચા પીવી છે કે કંઈ ઠંડું મંગાવું?”
“કંઈ પણ ચાલશે, મેમ.”
“ઓકે,, તું સિગરેટ પીવે છે બરાબર? એ છોડી દે, એ પણ તારા માટે હાનીકારક છે.”
“જી, મેમ.”
રોશનીએ પર્સમાંથી મોબાઈલ કાઢી બે ચાનો ઓર્ડર આપ્યો, અને ફરી મારી તરફ જોઇને કહ્યું.
“બોલો ચિરાગ.”
“મેમ, આજથી છ મહિના પહેલા ૧૪ ફેબ્રુઆરીના દિવસે હું બરબાદ થયો. મારા ફાધર એક મોટા કોન્ટ્રેકટર હતાં. શહેરમાં બસ-સ્ટેશનની બાજુમાં આવેલ “ચિરાગ મહેલ” એ અમારો હતો. કરોડપતિ કહેવાતાં મારા પપ્પા. શહેરની મોટી મોટી લગભગ સિતેરથી વધારે બિલ્ડીંગ પપ્પાએ બનાવી છે. હું પણ મારો અભ્યાસ પૂર્ણ કરી અને પપ્પા સાથે મદદમાં લાગી ગયો, એ દરમિયાન મલ્લિકા મારા સંપર્કમાં આવી. થોડાજ દિવસોમાં અમારી મિત્રતા પ્રેમમાં પરિણમી. એ પપ્પાની ઓફીસમાં એકાઉન્ટનું કામ કરતી, અને સમય જતાં પપ્પાને પણ ખબર પડી ગઈ, અમારા સંબંધથી પપ્પાને કોઈ પ્રોબ્લેમ ન હતો. પપ્પા સ્ત્રીઓનો ખુબ આદર કરતાં, પણ મને ખબર નથી કે પપ્પા સ્ત્રીઓનો આટલો આદર કેમ કરતા?”
“કેમ સ્ત્રીઓનો આદર ન કરવો જોઈએ?”

મારી વાત સાંભળી અને મિસ રોશનીએ બંધુકની ગોળી જેવો સવાલ કરી મુક્યો. મારી પાસે કોઈ જવાબ ન હતો. હું જવાબ આપવા જતો ત્યાં ચા આવી.

“લે ચિરાગ ચા પીલે પછી આગળ વાત કરીએ.”
“જી મેમ.”
ચા પીતાં પીતાં હું ગોઠવી રહ્યો હતો, કે શું જવાબ આપું? અઘરો સવાલ છે. મને ફક્ત મલ્લિકાનાં કારણે જ તો સ્ત્રી જાતિથી નફરત ન થવી જોઈએ, અનેઆ રોશની પણ એક સ્ત્રીજ છે ને? કેટલા સરળ અને સરસ સ્વભાવની છે.
“મેમ એવું નથી, પણ મલ્લિકા જેવી એક સ્ત્રી મારી લાઈફમાં આવી અને સ્ત્રીઓ પ્રત્યેનો મારો અભિગમ બદલાયો છે, પણ દરેક સ્ત્રી મલ્લિકા જેવી નથી હોતી.”
મેં ચાનો ખાલી કપ ટેબલ પર મુક્તાં કહ્યું.
“ઓકે, પછી આગળ શું થયું, ચિરાગ?”
“ હું અને મલ્લિકા રોજ સાંજે મારી મર્સીડીસ કાર લઈને લોંગ ડ્રાઈવ ઉપર નીકળી જતા. મને ગીટાર વગાડવાનો અને ગીતો ગાવાનો તેમજ ગીતો કમ્પોઝ કરવાનો ખુબ શોખ હતો. અમે બંને પહાડોમાં નદી કિનારે વનવગડામાં બેસતાં, ઘણીબધી વાતો કરતાં. હું મલ્લિકાને રોજ એક ગીત સંભળાવતો, મારા ગીતો સાંભળી એ ખુબ ખુશ થઇ જતી. એ મારા ઉપર મરતી હતી. અમે એક સરકારી પુલનું મોટું કામ રાખ્યું હતું. તે કામ ખુબ મોટું હતું, એટલે ઘરે આવવામાં મોડું થઇ જતું તો હું મલ્લિકાને વિડિયો કોલ કરતો, અને સોંગ સંભળાવતો. કેવા સુંદર દિવસો હતા એ?
“વાઉ! વેરી નાઈસ લવ સ્ટોરી” વચ્ચે હસતાં હસતાં મિસ રોશનીએ કહ્યું.
“શું નાઈસ લવ સ્ટોરી? એ લવ સ્ટોરીમાં એ દિવસે કેવી ટ્વીસ્ટ આવી?” મેં નિરાશાથી કહ્યું.
“ઓકે, ચિરાગ આગળ જણાવો શું ટ્વીસ્ટ આવી આટલી સુંદર લવ સ્ટોરીમાં?”
“રોશની, ઓહ સોરી રોશની મેમ”
“અરે વાંધો નહી તું મને રોશની કહી શકે છે.”
“મેમ, મારી પ્રોબ્લેમ એજ છે! તમારી સાથે આટલા ટૂંકા ગાળામાં એટલી આત્મીયતા બંધાઈ ગઈ કે મારા મોમાંથી નીકળી ગયું. સોરી મેમ..”
“અરે કોઈ વાંધો નહી આગળ જણાવ, પછી શું થયું?.”
“મારી કંપનીમાં મારો એક મિત્ર સુપરવાઈજરનું કામ કરતો, ઉમેશ.. એ કોલેજમાં મારી સાથે ભણતો, એટલે મારી ભલામણથી પપ્પાએ એને નોકરીમાં રાખ્યો હતો, એને સારો એવો પગાર પણ આપતાં.”
“ચિરાગ, વચ્ચે ઉમેશ ક્યાંથી આવ્યો?”
“અરે મેમ, એજ તો! વચ્ચે એજ આવ્યો અમારી લવ સ્ટોરીમાં. અમારા નાના મોટા કામ કરતો. ક્યારેક મલ્લિકાને મુકવા કે તેડવા જવાનું કામ હોય, હું કામમાં હોઉંતો એ કરતો, મલ્લિકા સાથે એ પણ હસી હસીને વાત કરતો, પણ તેનાથી મને કોઈ પ્રોબ્લેમ ન હતો! પણ તે દિવસે સાંજે પપ્પાને ફોન આવ્યો, કે પપ્પાએ જે સરકારી પુલ બનાવવાનું કામ રાખ્યું હતું, તે કામમાં કોઈ ગડબડ થઇ છે. અમે એ કામ નેવું કરોડમાં રાખ્યું હતું. એ કામના સીતેર ટકા પેમેન્ટ બાકી હતું, અને કામ લગભગ પૂરું થવાને આરે હતું. પણ સિમેન્ટ અને લોખંડની ગડબડ થયા હોવાનો આરોપ લગાવી અમારી કંપની ઉપર કોર્ટમાં કેશ થયો, અને તે કારણે અમારી કંપનીના સીતેર કરોડ રૂપિયા બ્લોક થઇ ગયા. કોર્ટના હુકમથી એ પેમેન્ટ સ્ટોપ કરી દેવામાં આવ્યું, પપ્પાએ બેંકમાંથી લોન લઇ એ કામમાં રોકાણ કર્યું હતું.
૧૪ ફેબ્રુઆરીનો એ દિવસ હતો. એ દિવસે કંપનીને સીલ કરવાનો કોર્ટનો ઓર્ડર આવ્યો, પપ્પાનું હાર્ટ એટેક ના કારણે મૃત્યુ થયું. હું ખુબ તૂટી ગયો હતો એ દિવસે. મેં મલ્લિકાને ફોન કર્યો હતો, પપ્પાનું મૃત્યુ થયાના સમાચાર મીડિયામાં અને સોશિયલ મીડિયામાં વાયુ વેગે ફેલાઈ ગયાં હતાં, પણ એ મારા ફોન નહોતી ઉઠાવતી, ઉમેશને પણ ફોન કર્યો, એ પણ નહોતો ઉઠાવતો, મારી કંપનીના અન્ય કર્મચારીઓ આવી પહોંચ્યાં હતાં.

મારી મમ્મીનાં દાગીના, ઘર, ગાડી, બેંક બેલેન્સ, પ્રોપર્ટી, બધું વેચી અને મેં અમારી કંપનીનું બધું દેવું ચુકવ્યું, અંતે ગામડામાં અમારી જમીન હતી, એ પણ વેચાઈ ગઈ. એ કંપની પણ મારા નામેજ હતી, ચિરાગ કન્સ્ટ્રક્શન.. બસ એ દિવસે એ કંપનીનાં પાટિયા પડી ગયાં.”

“ઓહ! તો તું ચિરાગ કન્સ્ટ્રકશનનો માલિક છે? અરે તારા ફાધરને તો મેં જોયા છે, એમને સાંભળ્યાં પણ છે, કેટલા ઉચ્ચ વિચાર હતા એમનાં.”

“હા, હું એમનો દીકરો બદનસીબ ચિરાગ છું.”
“ઓહ નો! ચિરાગ સાડા સાત વાગી ગયા! મારે જવું પડશે, મમ્મીની તબિયત ખરાબ છે,”
“એક મિનીટ મેમ, મમ્મી ઉપરથી મને યાદ આવ્યું, પપ્પાના દેહાંત બાદ પંદર દિવસમાં મમ્મી પણ મને છોડીને સ્વર્ગ સિધાવી ગયા.”
“વેરી બેડ. મુસીબતોનો પહાડ તૂટી પડ્યો કહેવાય,”
થોડીવાર માટે રોશની વિચારોમાં પડી અને ફરી કહ્યું.
“ચિરાગ, તું કાલે સાંજે ફરી આવજે, આપણે આગળ વાત કરીશું,તું બસમાં આવ્યો છે? નહીંતો ચાલ હું તને ડ્રોપ કરી દઉં? ”
“ના મેમ હું બાઈકથી આવ્યો છું.”
મારી સામે હાથ લાંબો કર્યો, હાથ મિલાવતાં કહ્યું.
“ઓકે, કોઈ પ્રોબ્લેમ હોય તો મને ફોન કરજે, એની ટાઈમ,”
એના હાથમાં કોઈ અદભુત સ્પંદનો હતા, કોઈ સુંવાળી હુંફ હતી, એ પ્રોફેશનલ કાઉન્સેલિંગ કરતી પણ મારા કેસમાં અલગ આત્મીયતા ઉભરતી દેખાતી હતી કે પછી મારો લાગણીશીલ સ્વભાવ હોવાને કારણે મને એવું લાગી રહ્યું હતું. હું બહાર આવ્યો. રસ્તામાંથી દાલ ફ્રાઈડ, રાઈસ અને પરોઠા પાર્સલ કરાવી રાત્રે નવ વાગ્યે ઘરે પહોંચ્યો. જમી અને બેડ ઉપર પડ્યો, એ દોઢ કલાક રોશની સાથે થયેલી વાતચીતથી મગજ ને કોઈ અનેરી શાંતિ મળી, ડોક્ટર અંકલએ આપેલી ગોળીઓ કાઢી મોબાઈલ હાથમાં લીધો, એ ગોળીઓના કન્ટેન્ટ નું ગુગલ કર્યું. ઓહ નો! આ ગોળીમાંતો ડ્રગનું પ્રમાણ છે. શું આ ગોળી મારે ખાવી જોઈએ? આજે ખાઈ લઉં કાલે રોશનીને પૂછી જોઇશ આ ગોળીની કોઈ સાઈડ ઈફેક્ટ તો નથીને?
એ ગોળી ખાઈ અને થોડીવાર બેડ પર પડ્યો, મારી નજર ફરી એ ગીટાર ઉપર ખોડાઈ, ક્યારે મને ઊંઘ આવી ગઈએ ખબર પણ ન પડી!
સવારે ફ્રેશ થઈ નોકરી ઉપર પહોંચી ગયો, અને સાંજ થવાની રાહ જોવા લાગ્યો. ક્યારે સાંજ પડે અને રોશનીને મળવા જાઉં. બપોરે લંચ ટાઈમમાં થોડીવાર મોબાઈલ હાથમાં લઇ ફેસબુક ઉપર રોશનીનું નામ સર્ચ કર્યું, પણ ફોનના ડિસ્પ્લે ઉપર દુનિયા ભરની રોશનીઓ આવી ગઈ. રોશનીનું પૂરું નામ મને ખબર ન હતી, કાર્ડમાં પણ ફક્ત રોશનીજ લખ્યું હતું, ફરી મને યાદ આવ્યું, તેની ઓફીસ ઉપર “આઈ કેર ફોર યુ” લખ્યું હતું, કદાચ તેના ફર્મનું નામ “આઈ કેર ફોર યુ” હશે? મેં એ નામથી સર્ચ કર્યું, અને રોશની મળી આવી, ફેસબુક પ્રોફાઈલ ચેક કર્યું, પહેલાં તો ફ્રેન્ડ રીક્વેસ્ટ મૂકી. તેના ફોટા જોતો રહ્યો, પાંચ કે સાત મિનીટમાં રીક્વેસ્ટ એક્સેપ્ટ થયાનું નોટીફીકેસન મળ્યું. મેં ઉતાવળે “ગુડ નુન “ નો મેસેજ ટાઈપ કરીને મોકલાવ્યો. કોઈ જવાબ ન આવ્યો,
થોડી વાર રાહ જોઈ અને ત્યારેબાદ મારા લાઈવ સોંગનો એક રેકોર્ડેડ વિડીઓ મોકલાવ્યો, રોશની ઓફ લાઈન હતી. ઓન લાઈન થશે તો જવાબ આપશે. એ વિચારે હું મારા કામમાં લાગી ગયો.
સાંજે છ વાગ્યે છૂટ્યો અને ઓફીસના વોશ રૂમમાં ફ્રેશ થઇ સીધો રોશનીની ઓફિસે પહોંચ્યો. ઓફિસમાં એ કોઈ અન્ય પેશન્ટ સાથે વાત કરી રહી હતી. હું બહાર સોફા પર બેસી ગયો, પેશન્ટ સાથે વાત કરતાં કરતાં એની નજર મારી પર પડતાં બોલપેન થી ઈશારો કરી અંદર બોલાવ્યો.
“ઓકે.. કોઈ પ્રોબ્લેમ થાય તો કહેજો, અને હા.. દવા ટાઈમ પર ખાઈ લેજો.” રોશનીએ બીજા પેશન્ટને રજા આપતાં કહ્યું, અને મને એની માદક આંખોથી બેસવાનો ઈશારો કર્યો. બીજો પેશન્ટ જેવો બહાર ગયો, એણે મારી બાજુની ચેર પર બેસતાં કહ્યું.
“વોટ અ ગ્રેટ સોંગ ચિરાગ! તું કેટલું સરસ ગાય છે, એ સોંગ તારું કમ્પોઝ કરેલું છે?”
“જી મેમ, એ મ્યુજિક પણ. અને એ તો મારા કલેક્શનનું એક સોંગ છે, એવા તો કેટલાયે ગીતો મેં ગાયાં છે.” મેં કહ્યું.
“વાઉ! લાખો માંથી કોઈ એક વ્યક્તિમાં આવી પ્રતિભા હોય છે. તું તારા ગીતોનું આલ્બમ બનાવી એને પબ્લિશ કેમ નથી કરતો?”
“મેમ, એ ગીતો… મને આગળ બોલતો અટકાવી રોશનીએ કહ્યું.
“અરે ચિરાગ તું મને ઘડીએ ઘડીએ મેમ કહીને ના બોલાવીશ, મને રોશની કહીશ તો ચાલશે.”
“ઓકે રોશની, એ ગીતો મેં મલ્લિકા માટે ગાયાં હતાં, અને મલ્લિકા મારો પહેલો પ્રેમ છે, એ મારી લાઈફનું એવું પ્રકરણ છે, જેને હું ભૂલવા માંગું છું, પણ ભૂલી નથી શકતો, અને તમે એ ગીતોનું આલ્બમ બનાવવા સલાહ આપી રહ્યા છો.”
“હા, પણ એ તારો પહેલો પ્રેમ…
“અરે એ કલેક્શન અને ડીવીડીને હું સળગાવી નાખીશ, મારી લાઈફમાંથી એને ડીલીટ કરી નાખીશ.” મેં રોશનીને વચ્ચે અટકાવતાં કહ્યું.
“દિમાગ માંથી પણ? ચિરાગ એ શક્ય નથી, તું તારું કલેક્શન મને આપ એ વિડીઓને હું એડિટ કરી અને મારી પોતાની યુ-ટ્યુબ ચેનલ છે, આઈ કેર ફોર યુ, તેમાં પબ્લિશ કરીશ, જો તને વાંધો ન હોય તો? ”
“પણ તેમાં મે મલ્લિકા સાથે વિડીયો ચેટ કર્યું છે, તેમાં ઇન્સેટમાં એ પણ જોવાશે”
“ હું એડિટ કરી એને કાઢી નાખીશ, બસ એકવાર તું તારું કલેક્શન મને આપતો ખરો! ”
“ઓકે રોશની, હું કાલે એ બધીજ ડીવીડી તમને આપી જઈશ, ભલે મને તમારો એટલો પરિચય નથી પણ બીજી મુલાકાતમાં તમારી સાથે જે આત્મીયતા બંધાઈ ગઈ છે કે એટલો વિશ્વાસ તો હું તમારા ઉપર કરી શકું છું.”
“ગુડ બોય, પણ આ વાતવાતમાં તમે કહેવાનું ક્યારે બંધ કરીશ?” એમ કહીને રોશની મલકાતું હસવા લાગી અને ઉમેર્યું.“મારી પાસે કેટલા પેશન્ટ આવે છે, પણ તું અલગ પ્રકારનો છે. સ્માર્ટ પેશન્ટ!” એમ કહી રોશની હસવા લાગી.”
“રોશની, આજે તારા આ સ્માર્ટ પેશન્ટ ને ચા નહી પીવડાવે?” મેં પણ હસતાં હસતાં કહ્યું.
રોશની સાથે મને આત્મીયતા બંધાઈ ગઈ, પણ રોશની મને એક પેશન્ટની જેમ ટ્રીટ કરી રહી હતી. મને વધારે પડતું ઈમોશનલ થવું પણ હવે ખતરનાક લાગી રહ્યું હતું. પણ મને રોશનીનો સાથ ખુબ ગમતો. સતત દસ દિવસ સુધી હું રોશનીને રોજ મળવા જતો, ક્યારેક કલાક તો ક્યારેક બે-બે કલાક સુધી અમે વાતો કરતાં, પણ મને એમ લાગતું કે એ મારા ઈલાજનો એક ભાગ છે, અને રોશનીને પણ જાણે મારો ઈલાજ કરવામાં અને મારી વાતો સાંભળવામાં મજા આવતી હોય તેમ ઇન્ટરેસ્ટ લઈને એમારી વાતો સાંભળતી. મને રોશનીની આદત પડી ગઈ હતી. રોશનીને પણ ગીતો સાંભળવા ખુબ ગમતાં એટલે એ મને ગીટાર સાથે લાવવા કહેતી, મારા માટે સ્પેશિયલ એણે એની કેબીનમાં એક કેરીઓકે પ્લેટફોર્મ ઉભું કર્યું. એ પ્લેટફોર્મ ઉપર મને ઉભો રાખી અને મારા ગીતો રેકોર્ડ કરવા લાગી. મારી લાઈફમાં ફરી ખુશીની લહેરખી આવી હોય એવું લાગ્યું. અમે બંને ઘણી વખત ડીનર અને રજાના દિવસોમાં લંચ સાથે કરતાં. એ દિવસે સાંજે અમે ડીનર કરી રહ્યાં હતાં..
“ચિરાગ, તારા લગભગ સાત ગીતો મે રેકોર્ડ કર્યાં છે, અને એ હું યુ-ટ્યુબ માં મુકવાની છું તને કોઈ પ્રોબ્લેમ નથીને?”
“અરે! એ પૂછવાનું ન હોય ડીયર, એ સોંગ્સની હવે મારા માટે કોઈ કીમત નથી.”
“ઓહ! સોરી ચિરાગ એ ગીતોની વાત છેડી અને મેં તને ફરી તારો ભૂતકાળ યાદ દેવડાવ્યો.”
“ઇટ્સ ઓકે રોશની, મારો ભૂતકાળ હતો તો હતો, હવે એ ભૂતકાળને હું મિટાવી તો નહી શકું ને? ચાલ છોડ એ વાતને લે આ મંચુરિયન ખા કેવા છે? મારા ફેવરીટ છે.”
રોશની મારી સામે જોઈ રહી હતી, તેનો એક હાથ ટેબલ પર અને બીજો હાથ હડપચી પર હતો તેના વાળ ટેબલ પરથી સરકી નીચે લહેરાતા હતા, તેનાં ચહેરા ઉપર કોઈ વિજય ભાવ હતો, તેએ મને ઠીક કરી નાખ્યો, મને ડીપ્રેશનનાં કુવામાંથી બહાર કાઢ્યો હોવાની ખુશી રોશનીનાં ચહેરા પર સાફ દેખાઈ રહી હતી. અમે જમી અને આઈસ્ક્રીમ ખાવા બહાર આવ્યા. ત્યાં મારા ફોનની રીંગ વાગી.

મારા સુપરવાઈજરનો ફોન હતો..
“યસ સર, ગુડ ઇવનિંગ.”
“હા, ગુડ ઇવનિંગ ચિરાગ, સોરી ટુ સે. મારા કારણે તને પ્રોબ્લેમ થશે, બોસએ મને પંદર દિવસ માટે બેંગ્લોર જવા કહ્યું, પણ મેં તારું નામ રીકમંડ કર્યું છે, મારી વાઈફનો બર્થડે છે, તો તારે જવું પડશે. ફક્ત પંદર દિવસની વાત છે, તું જઈ આવીશ ને? પ્લીઝ. તો તારી કાલ સાંજની ટીકીટ કરાવી લઉં ?”
“અરે! નો પ્રોબ્લેમ સર, હું જઈ આવીશ, તમે જન્મદિવસ ઉજવો, અને હા, ભાભીને મારા તરફથી પણ શુભેચ્છાઓ પાઠવજો.”
“ચોક્કસ ચિરાગ,, થેન્ક્સ,”
ફોન કટ થતાં મેં ખીસામાં નાંખ્યો.
“શું થયું ચિરાગ, કોઈ પ્રોબ્લેમ? રોશનીએ પૂછ્યું.
“કંઈ નહી કાલે રાત્રે કંપનીનાં કામથી પંદર દિવસ માટે બેંગ્લોર જવાનું છે,.. તો પરવાનગી આપીશ ને?”
“તારી કંપની છે અને તારે જવું છે, તો પરવાનગી આપવા વાળી હું કોણ?” રોશનીએ છણકો કરતા કહ્યું.
“ઓકે તો આ સ્માર્ટ પેશન્ટને રેલ્વે સ્ટેશને મુકવા તો આવીશને?” મેં મજાક કરતાં પૂછ્યું.
“ઓહ! હવે એ મારો સ્માર્ટ પેશન્ટ.. પેશન્ટ નથી રહ્યો થોડો નટખટ થઇ ગયો છે, બગડી ગયો છે.”
અમે બંને વાતો કરતાં કરતાં આઈસ્ક્રીમ પાર્લર પહોંચી આઈસ્ક્રીમ ઓર્ડર કરી, ચેર પર બેસી એકબીજાને ખામોશ જોતા રહ્યા, રોશનીની આંખોમાં ઉદાસી દેખાઈ, મેં પૂછ્યું.
“શું વિચારે છે રોશની?”
“કઈ નહિ મારે પંદર દિવસ મારા એક સ્માર્ટ પેશન્ટ વગર કાઢવાનાં છે, તો એ કેમ નીકળશે એ વિચારી રહી છું.”
રોશની ઘડીએ ઘડીએ મને પેશન્ટ કહી રહી હતી મને સારું લાગી રહ્યું હતું. મને એ ડર લાગવા લાગ્યો હતોકે એ મને એમ કહેશે કે હવે તને આવવાની જરૂર નથી, તારી ટ્રીટમેન્ટ પૂરી થઇ, અને તેમાં પણ મારે પંદર દિવસ બેંગ્લોર જવાનું થયું, મારે રોશની વિષે ઘણું બધું જાણવું હતું, પૂછવું હતું, અમુક માનસિક રોગ વિષે માહિતી લેવી હતી, પણ જે દિવસો રોશની સાથે વિતાવ્યાંએ દિવસોમાં રોશનીએ મારી ઝીણી ઝીણી માહિતી મેળવી લીધી,પણ તેનાં પરિવાર વિષે કે પોતાનાં વિષે ક્યારેય કઈ પણ કહ્યુંન હતું, મારે પંદર દિવસ બેંગ્લોર જવાનું હતું, અને હું વધારેમાં વધારે સમય રોશની સાથે વિતાવવાં માંગતો હતો. એ વિચારતા મેં રોશનીને પૂછ્યું.
“રોશની તારા પરિવાર વિષે તો તેં મને કશુજ જણાવ્યું નથી?”
“હું અને મારી મમ્મી, બસ અમે બેજ… છ મહિના પહેલા પપ્પાનું કાર એક્સીડેન્ટમાં મૃત્યુ થયું, ત્યારથી મમ્મી બીમાર રહે છે, મમ્મીની માનસિક સ્થિતિ બરાબર નથી રહેતી, એટલે ઘરે નાનો ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે. પાપડ, અથાણું, ચિપ્સ વગેરે બનાવી અને પેકિંગ કરવાનું કામ કરે છે, આજુ બાજુની અન્ય ચાર પાંચ મહિલાઓ આવે છે, એમની સાથે કામમાં વ્યસ્ત રહે તો વાંધો નથી આવતો.”
“વાઉ! કેરીનું અથાણું મારું ફેવરિટ છે, મને ખવડાવીશ?”
“ લે તારી ફેવરિટ આઈસ્ક્રીમ પણ આવી ગઈ, અથાણું પછી ખાજે પહેલા આઈસ્ક્રીમ ખાઈ લે.”
વેઇટર આઈસ્ક્રીમનાં કપ અને સ્પુન ટેબલ પર રાખી રહ્યો હતો, ત્યાં રોશનીનાં ફોનની રીંગ વાગી..રોશનીએ પર્સમાંથી ફોન કાઢી ડીસ્પ્લે પર જોતા બબડી,,
“ઓહ નો! પપ્પાનો ફોન છે.”
એમ કહી રોશની ફોન પર વાત કરવા બહાર જતી રહી, મારું દિમાગ ચકરાવે ચડી ગયું, પપ્પાનું કાર એક્સીડેન્ટ માં મૃત્યુ થયું, તો પછી આ ક્યા પપ્પાનો ફોન છે? રોશની ખોટું બોલી રહી હતી? કપમાં રહેલી આઈસ્ક્રીમ ઓગળવા લાગી. હું રોશનીની રાહ જોતો રહ્યો, પાંચ મિનીટ પછી રોશની રૂમાલથી મોબાઈલનું સ્ક્રીન સાફ કરતાં કરતાં અંદર આવી દુપટ્ટો સરખો કરતા અને વાળ કાનની પાછળ કરતાં મારી સામે બેસી ગઈ.
“પપ્પાનું કાર એક્સીડેન્ટમાં મૃત્યુ થયું, તો પછી આ ક્યા પપ્પાનો ફોન હતો?”
“ઓહ! સ્માર્ટ ક્વેશ્ચન.., મારા સસરાનો ફોન હતો ડીયર.”
એકદમ ઠંડા કલેજે રોશનીએ જવાબ આપ્યો, પણ એ જવાબ મારા કલેજા ઉપર ખંજરની જેમ લાગી આવ્યો,
પંદર દિવસ કરેલા મારા દિમાગી ઈલાજ ઉપર પાણી ફરી ગયું હોય એટલો ગુસ્સો આવી ગયો. મેં કોઈ પ્રતિભાવ ન આપ્યો, મેં ચહેરાનાં હાવભાવ બનાવવા નાટકીય ઢબે ખુબ કોશિષ કરી, હું આઈસ્ક્રીમ ખાવા લાગ્યો. ઉતાવળે આઈસ્ક્રીમ ખાધી.
“ચાલો મારે જવું પડશે, બેંગ્લોર જવાની તૈયારી કરવાની છે, સેવિંગ ક્રીમ, ટુથ પેસ્ટ, સાબુ વગેરે લેવાનું છે, કપડાં પ્રેસ કરવાના છે.”
“ટ્રેનનો સમય શું છે, મને કહેજે હું આવીશ રેલ્વે સ્ટેશન પર.”
“ઓકે, હું ટીકીટ હાથમાં આવતાજ તને વોટસએપ કરીશ.”
“ઓકે બાય.”
એમ કહી હું ત્યાંથી નીકળી ગયો. મારા દિમાગમાં રોશનીનું એજ વાક્ય સાયક્લોન ની જેમ ફરી રહ્યું હતું.
“મારા સસરાનો ફોન હતો” મારા અંદર કોઈ જ્વાળામુખી ફાટી રહ્યો હતો. સાલી પરણેલી છે તો મને કહેતી પણ નથી? ન કોઈ મંગલસૂત્ર ન સિંદુર કંઈજ નહી! અરે ક્યારેય વાતોવાતોમાં પણ પોતાના પતિનો ઉલ્લેખ નથી કર્યો, મારી સાથે ફલર્ટ કરી રહી છે સાલી. આતો જોગાનુજોગ સસરાનો ફોન આવ્યો ત્યારે મને ખબર પડી કે પરણેલી છે, પણ આવી ચિંતા હું શા માટે કરી રહ્યો છું? મેં ક્યારેય એને પ્રપોઝ નથી કર્યું. કદાચ હું એને પ્રેમ કરવા લાગ્યો છું, ભૂલ મારી છે, હું થોડો વધારે લાગણીશીલ છું. મારે રોશની વિષે આવું ન વિચારવું જોઈએ. જે થયું તે સારું થયું, કદાચ હું ક્યારેક લાગણીના અતિરેકમાં આવી ગયો હોત, અને મેં પ્રપોઝ કર્યું હોત, તો કાચું કપાઈ જાત. જે થયું તે સારું થયું, પણ હવે મારે રોશનીથી દુર રહેવું જોઈએ, હવે મારી માનસિક સ્થિતિ પણ સારી છે, ઊંઘ પણ મસ્ત આવી જાય છે. અને હવે રોશનીની નજીક ગયા પછી ફરી મારી માનસિક સ્થિતિ પહેલાં જેવી થઇ જાય અને ઊંઘ હરામ થઈ જાય તેનાં કરતાં મારે એનાંથી એક અંતર કેળવવુંજ પડશે, આમ પણ ફીસ તો લેતી નથી મારી પાસેથી!આજે પંદર દિવસ પછી હું બેંગ્લોર થી પરત આવ્યો, રેલ્વે સ્ટેશનથી ઘરે આવવા ટેક્ષીમાં બેઠો. એ પંદર દિવસોમાં રોશની સાથે રોજ ચાર પાંચ મિનીટ વાત થતી, પણ એ સામેથી ફોન કરતી, હું વધારે વાત કરવાનું અને ફોન કરવાનું ટાળવા લાગ્યો. એ વારે વારે મને કહેતી કે તારા માટે એક સરપ્રાઈઝ છે. તું આવીશ પછીજ જણાવીશ. મારા માટે તો રોશની ખુદ એક સરપ્રાઈઝ હતી, પહેલાં મલ્લિકાએ દિલ તોડ્યું, અને જે થોડી ઘણી અધુરાશ હતી તે રોશનીએ પૂરી કરી. ફોન પણ કરતી તો એ બોલ્યે રાખતી અને હું સાંભળ્યા રાખતો. એની વાતો મારા કાન ખાઈ રહી હતી, રોશનીના અવાજમાં જે જાદુ હતો તે જાણે ગાયબ થઇ ગયો હતો. પણ ભૂલ તો મારીજ હતીને! એ વિચારે હું રોશનીને કંઈ કહેતો નહી.
“સાહેબ ક્યાં ઉતરવું છે તમારે?” ટેક્ષી ડ્રાઈવરે મારા વિચારોમાં વિક્ષેપ પાડતા પૂછ્યું.
“બસ અહીજ ઉતારી દે ભઈલા.”
ટેક્ષી માંથી બહાર આવી ઉભો રહ્યો, ડ્રાઈવર ટેક્ષી ઉપરનાં કેરિયરમાં પડેલી મારી ભારી ભરખમ બેગ નીચે ઉતારી રહ્યો હતો, મે ટેક્ષીના મીટર તરફ નજર કરી છુટા સીતેર રૂપિયા ડ્રાઈવરને આપ્યાં. હું બેગ ઉઠાવી રહ્યો હતો મારા એરિયાનાં લોકો મને તાકી તાકીને જોઈ રહ્યા હતાં. મને જોઈ એમના ચહેરા ઉપર કોઈ અલગ પ્રકારનાંજ ભાવ હતાં, સામે ઉભેલા બે છોકરાઓએ મારી બેગ ઉચકી લીધી.
“ચાલો સર અમે મદદ કરીએ.”
ત્યાં સામેથી એકી સાથે સાત આઠ કોલેજની યુવતિઓ અને કોલેજના છોકરાઓએ આવી મને ઘેરી લીધો, તેઓ મારી સાથે એક પછી એક સેલ્ફી લેવા લાગ્યા, ટોળા માંથી એક છોકરીએ નાની બુક મારા હાથમાં આપતા કહ્યું.
“સર ઓટો-ગ્રાફ પ્લીઝ.”
અને થોડી વારમાં લોકોનું એક ટોળું ત્યાં જમા થઇ ગયું. મને કંઈ સમજાતું ન હતું. આમની કોઈ ભૂલ થઇ રહી છે. મેં ખીસા માંથી મોબાઈલ કાઢ્યો, મારો ચહેરો બરાબર જોયો.
અરે, હું પેલા શાહરૂખ ખાન કે સલમાન ખાન જેવો તો નથી લાગતો ને? એ ટોળાની વચ્ચે હું બધાને સ્માઈલ આપતો રહ્યો અને કહેતો રહ્યો કે.
“મને જવાદો પ્લીઝ.”
મહા મુસીબતે હું એ ટોળાને વિખેરી પગથીયા ચડી ગયો. પેલા બે છોકરાઓ મારી બેગ પકડીને મારી રાહ જોઈ રહ્યા હતા. મારા રૂમનુ લોક ખોલી હું સીધો અંદર જતો રહ્યો. પેલા બે છોકરાને જોઈને મેંકહ્યું, “થેન્ક્સ ગાય્સ.”
“ઇટ્સ ઓકે સર..”
મેં દરવાજો બંધ કર્યો અને શાંતિનો શ્વાસ લીધો. હજુ મને કંઈ સમજાતું ન હતું, આ મારી સાથે કેવી મજાક થઇ રહી હતી! રોશનીએ કહ્યું હતું કે આવે તો મને ફોન કરજે, પણ મેં ભૂલ કરી, એ લેવા આવી હોત તો કંઇક ખબર પડતી. હજુ રોશનીની સરપ્રાઈઝ તો બાકી છે. મને સપનું તો નથી આવી રહ્યું ને?
હું બેગનો સામાન સમેટી અને ફ્રેશ થયો, બહાર નીકળવું હતું, પણ હજુ લોકો નીચે ઉભા હતા, મેં રોશનીને ફોન લગાવ્યો. ર્રોશની ફોન ઉઠાવતાંજ તાડૂકી.
“કઈ ટ્રેનમાં આવે છે? તું જાણ પણ નથી કરતો, ક્યાં પહોંચ્યો?”
“અરે રસ્તામાં નેટવર્ક ન હતું, હું ઘરે પહોંચી ગયો.”
“ઘરે આવી ગયો? મને કહેવું જોઈએ ને, હું લેવા આવતે?”
“એ બધું છોડ, આ બધું શું થઇ રહ્યું છે, મારા દિમાગમાં કોઈ પ્રોબ્લેમ છે ? લોકો મને સેલીબ્રીટી જેવું કેમ ફિલ કરાવે છે?”
“હા… હા…હા… એજ તો સરપ્રાઈઝ છે.”
“અરે કેવી સરપ્રાઈઝ? હું પાગલ થઇ જઈશ રોશની. તું શું કહે છે મને કઈ સમજાતું નથી.”
“હું નહી આવી શકું, ખુબ ટાયર્ડ ફિલ કરું છું, તું આવને પ્લીઝ,અને હું આવીશ તો બહાર લોકો મને ખાઈ જશે,”
“ઓકે, હું આવું છું.”
અડધો કલાક સુધી હું રૂમમાં આમ તેમ આંટા ફેરા કરતો રહ્યો, દરવાજો નોક થયો,
“કોણ? ”
“અરે, હું છું રોશની દરવાજો ખોલ.”
મેં ફટાફટ દરવાજો ખોલ્યો રોશની અંદર આવી કે તરત દરવાજો બંધ કર્યો.”
રોશની અંદર આવતાની સાથે ખડખડાટ હસવા લાગી. તેના હાથમાં લેપટોપ બેગ હતું.
“રોશની આ બધું શું થઇ રહ્યું છે ? મને સમજાવીશ પ્લીઝ.”
“કામ ડાઉન ચિરાગ,, વેઇટ,, વેઇટ.”
એમ કહી રોશનીએ બેગમાંથી લેપટોપ બહાર કાઢી ટેબલ પર સેટ કર્યું, પોતાના મોબાઈલમાં હોટ-સ્પોટ ઓન કરી ઇન્ટરનેટ ચાલુ કર્યું, યુ ટ્યુબ ઓપન કરી, આઈ કેર ફોર યુ ચેનલ લોગ-ઈન કર્યું..મારી સામે લેપટોપની સ્ક્રીન ફેરવતાં બોલી, “આ જો.. તારા સોંગસ. અઠવાડિયા પહેલા મુકેલું છે, ત્રણ લાખ વ્યૂઅર્સએ લાઈક કર્યું છે, અને કોમેન્ટ્સ તો વાંચ, બાપરે! ચાર દિવસ પહેલા અપલોડ કરેલું સોંગ બે લાખ વ્યૂઅર્સએ લાઈક કર્યું. અરે મારા ઈમેઈલનો ઈનબોક્સ તો જો! ઢગલો ઈમેઈલ આવ્યા છે! અરે, લોકોને જવાબ આપી આપીને થાકી ગઈ છું. લોકો તારા ગીતનાં, તારા મ્યુઝીકનાં, તારા લિરીક્સનાં દીવાના થઇ ગયાં છે. આ જો.. આ તારું સોંગ સાંભળ.”
“મેરી જિંદગી મેં તુંમ એકબાર આ ગયે હો. અબ ઠહર જાઓગે,, બસ જાઓગે યહાં દિલકી આવાજમેં સાઝ બનકર સંવર જાઓગે.”
હું યુ ટ્યુબ ઉપર એ મારું ગીત સાંભળી રહ્યો હતો, પ્લેટફોર્મ ઉપર ઉભા ઉભા ગીત ગાઈ રહ્યો હતો. એ જોઈ રહ્યો હતો, રોશનીએ તેના પર્સમાંથી બે ત્રણ વિઝીટીંગ કાર્ડ કાઢ્યાં અને મને બતાવતા કહ્યું.
“આ જો રાજુભાઈનું કાર્ડ છે, એ એડ માટે જિંગલ સોંગ માટે તને હાયર કરવા માંગે છે. આ સુલેમાન ભાઈનું કાર્ડ એ પોતાની નવી સીરીયલ માટેનાં ટાઈટલ સોંગ માટે તને હાયર કરવા માંગે છે. આ જો આશિષ ભાઈનું કાર્ડ, એ એમની ફિલ્મના સોંગ તારી પાસે કમ્પોઝ કરાવવા માંગે છે, ઓહ! આ બધાને મેં હાલ કોઈ જવાબ નથી આપ્યો, અને એ બધા તારા જવાબની રાહ જોઈ રહ્યા છે, આ ત્રણેય મહાનુભાવોએ અઠવાડિયામાં ચારથી પાંચ વખત મને ફોન કર્યા છે. હવે આ મહાનુભાવો એમ સમજે છે કે હું તારી આસિસ્ટન્ટ છું. એ લોકો તને ફોન કરવા કોશીષ કરી રહ્યા હતાં પણ તે તારા ફોનમાં સેટિંગસ મુક્યું છેને, કે સેવ કરેલા નંબર હોય એજ તને ફોન કરી શકે! અને એટલેજ એ લોકો મારો કોન્ટેક્ટ કરી રહ્યાં હતાં.”
ક્રમશઃ

લેખક:- નીલેશ મુરાણી.

અભિપ્રાય કોમેન્ટમાં અચૂક આપજો, વાર્તાનો અંતિમ ભાગ કાલે વાંચો આ જ સમયે આપણા પોતાના પેજ જલસાકરોનેજેન્તીલાલ પર…

ટીપ્પણી