અઠંગ – તમે પણ વિચારેલું બોલી નહિ શકતા હોય, એવું ફક્ત તમારી સાથે નહિ બીજા ઘણાં મિત્રો સાથે થતું હોય છે…

અઠંગ.

મેરે દિલમેં આજ ક્યાં હે…..તું કહે તો મેં બતા દુ?

અરે!!! વોટ આર યુ સીકિંગ યાર? તને શું જોઈએ? શું છે તારા દિલ માં? ઘણી વખત એવું બનતું હોય છે કે જે ખરેખર દિલમાં/મનમાં/જીવમાં/જહેનમાં/ભીતર કોઈ ધમાસાણ ચાલતું હોય, પણ આપણે ખબર ના હોય અને પછી તેની આડ અસર!

“અરે યાર, આજે મારું મુડ નથી….મને કૈન ગમતું નથી..” વગેરે વગેરે…પણ પણ પણ……..ઘણી વખત આપણે  કોઈ વિચાર કર્યો હોય તેને અમલમાં લાવવો પણ મુશ્કેલ થઈ  જાય છે, અને એ પણ એક કુદરતી કે પ્રાકૃતિક ગોઠવણ છે. આપને કંઇક વિચાર્યું અને ચપટી વગાડતા થઇ જાય! જો એવું શક્ય બને તો તકલીફ ઉભી થઇ જાય. જેમકે મને મારા બોસ ઉપર ખુબ ગુસ્સો છે, અને હું સવારમાં ઘરેથી નીકળું અને વિચાર કરું કે આજે જો મારો બોસ મને કંઈ પણ કહેશે તો સાલ્લાને બે લાફા મારી દઈશ,, પણ જયારે હું મારા બોસની સામેં જઈ ઉભો રહું તો હું એવું નથી કરતો. મતલબ? મતલબ એજ કે, હું મેં કરેલા વિચારોને અમલમાં નથી લાવી શકતો. તે સમયે મને બીજો વિચાર આવશે કે આતો મારો બોસ છે. આને થોડો લાફો મરાય? હવે મને નવો વિચાર આવ્યો તો તે વિચારને મેં ન્યાય આપ્યો.. અને એવીજ રીતે આપણું દિમાગ ઓર્ડરમાં રહે છે. અન્યથા દરેક વિચારને અમલમાં લાવ્યા તો? તો હાલના સમયમાં સાયન્સની ભાષા તેને ડીસોર્ડર કહેવાય ! અરે ભાઈ આ માણસ ગાંડો થઇ ગયો છે! ખેર આતો એક વાત થઇ પણ આવીજ એક ઘટના મારી સાથે બની ગઈ જેનું તાદ્સ ઉદાહરણ હું તમને આપું..

આજથી લગભગ  દસ  વર્ષ પહેલાની વાત છે. મારા પિતાશ્રી એકદમ સરળ સ્વભાવના અને વતા ઓછા પ્રમાણમાં  શોર્ટ ટેમ્પર, અને જલ્દી ઠંડા પણ થઇ જતા. જોકે હું મારા લગ્ન થયાના થોડા દીવસોમાં અલગ થઇ ગયો હતો, પણ રવિવાર કે રજાના દીવસોમાં હું પપ્પા મમ્મી સાથે સમય પસાર કરવા પહોંચી જતો. ક્યારેક પપ્પાનું  મિત્ર વર્તુળ આવ્યું હોય તો એ પત્તા  રમવાના જબરા શોખીન હતા. ચોવીસ ચોવીસ કલાક પતા રમતા નીકળી જાય, એમના અન્ય ચાર મિત્રો હતા,, ભાવેશ, જીગર, રાજુ, અને રમેશ, બસ આ પાંચ જણાની એક ટીમ અને આ પાંચેય મહાનુભાવો ભેગા થાય એટલે મારી મમ્મીને તો રસોડામાંજ  સમય કાઢવાનો, ચાય, નાસ્તો, બીડી, સિગરેટ અને મોજ મસ્તી સિવાય બીજું કશુંજ નહિ. એ પણ એક એમની જાહોજલાલી હતી અને આ પાંચેય મહાનુભાવો નિવૃત હતા, પાંચેય મહાનુભાવોને સારું એવું પેન્સન મળતું, અને બાળકો પણ મોટા થઇ ગયા હતા તેમજ પોતાની જવાબદારી સંભાળતા હતા. ક્યારેક તો એ રમી રમવા માટે એમના છોકરાઓ પણ મુકવા આવતા હતા. ટૂંકમાં ઘરમાં પણ બધાંને એ  પરવડતું હતું. કોઈ જુગાર નહી. બસ મોજમસ્તી, અને જીવનનો અનેરો આનંદ ઉઠાવવો. આમ નિવૃત્તિનો સમયગાળો પસાર થતો અને ક્યારેક હું અને મારી વાઈફ આવા સમયે પહોંચી ગયા હોઈએ તો બજારમાંથી નાસ્તો,બીડી,સિગરેટ, અને ક્યારેક સ્પેશિયલ જમવાનું પાર્સલ લેવા જવાની ડ્યુટી હું સંભાળી લેતો, અરે!!! ઘણી વખત પાંચસોની નોટ આપી અને સો રૂપિયાનો નાસ્તો મંગાવે તો બાકીના ચારસો રૂપિયા પાછા લેવાનું પણ ભૂલી જતાં… અને હું યાદ કરાવું તો કહેતા કે,

“એ તું વાપર, તારા બાળકો માટે નાસ્તો લઇ લેજે..મીઠાઈ લઇ લેજે,”

પણ એમની લાઈફમાં જબરી જાહોજલાલી હતી. એ પણ સમય પસાર થયો મારે બે બાળકો થયા અને હું બંને બાળકોને લઇને સહપરિવાર રજાઓ ગાળવા પહોંચી જતો. બંને બાળકોને પપ્પા ઉપર છુટા મૂકી દેતો એ એમના ચશ્માં છુપાવી દેતા, છાતી ઉપર ચડી જતાં અને ક્યારેક તો એટલી મોજ મસ્તી કરતા કે પપ્પાને શ્વાસ ચડી જતો.  જોકે પપ્પાને હાર્ટ બ્લોકેજ હતું, હાર્ટ પેશન્ટ હતા, જયારે મારા મેરેજ થયા ત્યારે ચેક કરાવ્યું હતું તો પચાસ ટકા બ્લોકેજ હતું. એટલે એમની દવા ચાલુ હતી. મારો નાનો ભાઈ છેલ્લા દસ વર્ષથી  ઓસ્ટ્રેલીયા હતો તેની સાથે પણ વાતચીત થતી, બસ એક કન્ટેન્ટ લાઈફ સુખી જીવન પસાર થતું.

એ સમય ગાળામાં મારો નાનો ભાઈ અને તેની વાઈફ ઓસ્ટ્રેલીયાથી આવ્યા અને પછી તો મોજ મસ્તીમાં ચારચાંદ લાગી ગયા, પણ મમ્મી નો આગ્રહ એવો રહ્યો કે

“હવે આ પતા રમવાનું અને ઘરે ભાઈબંધોને ભેગા કરવાનું બંધ કરો. હવે છોકરાઓ મોટા થઇ ગયા. વહુ ઘરમાં હોય અને આમ તમે ચોવીસ ચોવીસ કલાક ઘરમાં ભાઈબંધો ભેગા કરી અને પત્તા રમવા બેસો  એ સારું ન લાગે.”

જોકે મમ્મીની વાત સાચી પણ હતી, પણ ઘરમાં આ બાબતે કોઈને પ્રોબ્લેમ ન હતી, પણ પપ્પાએ મમ્મીની વાત ગંભીરતાથી  લીધી, અને શનિવાર કે રવિવારનો દિવસ હોય તો એ પોતે તેમના મિત્રોને મળવા પહોંચી જતાં. આમ બે ત્રણ મહિના વીતી ગયા અને એક દિવસ રાત્રે નવ વાગ્યે હું મારા ઘરે જમવા બેસવાની તૈયારી કરતો હતો અને નાનાભાઈ નો ફોન આવ્યો..

“ભાઈ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે,” નાનાભાઈ એ સામેથી કહ્યું.

“કેમ શું થયું? ભાઈ?” મેં કહ્યું.

“પપ્પાની તબિયત ખરાબ થઇ ગઈ છે. પપ્પા ને શ્વાસ ચડે છે. એન્જાયટી થાય છે. મુંજવણ થવાની ફરિયાદ કરે છે.  જનરલી આવું થાય તો તમે કયા ડોક્ટર પાસે લઇ જાવ છો?”

“ભાઈ એક કામ કર. હું તને જીગલા કાકાના નંબર આપું છું. એમને ફોન કર, અને એમને એમ કહેવાનું કે ભાવુકાકા,રમેશ કાકા અને રાજુકાકાને લઇ ને અમારા ઘરે આવો, અને હા એમને એવું કહેજે કે સાથે બે જોડી પતા લેતા આવે,” મેં કહ્યું..

“અરે ભાઈ કેવી વાત કરે છે તું? એમની તબિયત ખરાબ છે અને તને મસ્તી સુજે છે? હું મજાક નથી કરતો આઈ એમ સીરીયસ બ્રો.” નાના ભાઈ એ કહ્યું..

“એ જે હોય તે, મેં તને કીધું એમ કર,,પપ્પાની તબિયતમાં કોઈ સુધારો ના આવે તો મને ફોન કરજે. પપ્પાને  દવાખાને લઇ જઈશું. ઓકે?”

“ઓકે ભાઈ”

સામેથી ફોન કટ થયો એટલે હું જમવા બેસી ગયો. જમી અને આમ તેમ થોડીવાર ટેરેસ ઉપર આંટાફેરા કરતો હતો, અને અડધો કલાક રહીને  ફરી ભાઈનો ફોન આવ્યો. મેં ઉતાવળે ફોન ઉપાડતા કહ્યું..

“હા બોલ ભાઈ શું થયું? કેમ છે હવે પપ્પાને?”

“અરે! શું કહું તને? ભાઈ? ગ્રેટ! યુ આર ગ્રેટ!  તું તો ખરેખરો જડીબુટ્ટી છે.”

“અરે પણ થયું શું? એ તો કહે..” મેં ઉત્સુકતાવસ પૂછ્યું.

“અરે ભાઈ આ ચંડાળ ચોકડીને ફોન કર્યાને દસ મિનીટમાં તો ભેગા થઇ ગયા, ને આ અડધો કલાકમાં બે વખત તો ચાય ઠપકારી, બીડીઓ પીધી અને મહેફિલ જમાવી બેસી ગયા. આ ડોહો  તો જબરો નાટકબાજ છે યાર!! આને કોઈ તકલીફ નથી.”

“ભાઈ હું છેલ્લા દસ વર્ષથી ભલે અલગ રહું છું, પણ મારો જીવ મારી સ્મૃતિ, મારું મન ત્યાંજ હોય છે, અને એમનું મન ક્યાં હોય છે. ક્યારે કઈ દવા લાગુ પડે એ બધી જો ખબર ના પડે તો તો થઇ રિયું ને ભાઈ!”

“હા સાચી વાત ભાઈ, ઓકે ભાઈ ગુડ નાઈટ કાલે મળીએ ત્યારે.”

“ઓકે ભાઈ.”

અહીં ભાઈ સાથે વાત પૂરી થઇ પણ વોટ હી વોજ સીકિંગ ? જે મને ખબર હતી એ એમને ખબર ન હતી?

કદાજ મારા પપ્પાને ખબર ન હતી કે એમને શું જોઈતું હતું? આપણે સમય અનુસાર મોટા તો થઇ જઈએ છીએ પણ આપણી અંદર જે મન/મગજ છે એ તો એક બાળકનું જ હોય છે! હોતું હશે નાનું બાળક ઘણી વખત રડે છે, આપણે તેને  ચુપ કરાવવા ઘણા બધા કીમિયા કરીએ છીએ, ચોકલેટ,રમકડા, ઘૂઘરા, અવનવું મ્યુજિક વગાડીને કે તાળીઓ પાડીને પણ તેને શાંત  કરવા કોશિષ કરીએ છીએ, અને ઘણી વખત આપણે સફળ પણ થઈએ છીએ, પણ ઘણી વખત એ બાળકને જે જોઈતું હોય એ નથી આપતા, પણ જેનાથી એ બાળક શાંત થઈ જાય એવું કંઈ પણ આપી દઈએ છીએ…

ખેર આતો જિંદગીની માયાજાળ છે,ક્યારે ક્યાં શું મળી જાય અને ક્યારે શું ભૂલી અને કઈ માયાજાળમાં જીવન ગૂંથાઈ  જાય છે એ ખબર નથી પડતી, અનેઆપણે  ઘણી વખત અનાયાસે પણ ઉલ્લેખ કરતા હોઈએ છીએ કે મારે આ કરવાનું હતું અને પેલું કરવાનું હતું, મને આ બનવું હતું અને પેલું બનવું હતું…

ટૂંકમાં જીવન પાણીના પ્રવાહની જેમ વહેતું રહે અને એક ઝરણું બને અને જીવન જંજટમય નહિ પણ ઝંઝાવાતમય વહેતું રહે એવી શુભેચ્છાઓ….

સમાપ્ત….

 

લેખક :નીલેશ મુરાણી.

આપના આ વિષય પર અભિપ્રાય જરૂર આપજો,દરરોજ આવી અલગ અલગવાર્તાઓવાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી