‘નિહારીકાની રક્ષા – બંધન’ – એક રેશમનો દોરો બહેનને’ય બાંધજો, તેના’ય તુટેલાં સપનાઓને પ્રેમથી સાંધજો…!

નિહારીકા ક્યારનીયે રાહ જોઇને થાકી….!
ભઇલુંના બેડરુમની બેલ પણ પાંચેક વાર વગાડી હશે…
પણ ભઇલું તો, ‘આવું છું…. હમણાં….!’ એમ છેલ્લા એકાદ કલાકથી કહી રહ્યો હતો.

બે વાર તો માં પણ અકળાઇ હતી, જો કે તેનો ગુસ્સો ભઇલું પર નહી નિહારીકા પર હતો…!

‘અરે… આવશે… તું થોડીવાર તો રાહ જોઇને બેસ…!’ માંના આ શબ્દો નિહારીકાને કાળજે વાગ્યા હતા, કારણ કે ગયા વર્ષે તેને માથું દુ:ખતું હતું અને તેથી રક્ષાબંધનના દિવસે થોડી મોડી ઉઠી, તો માંએ જ તેને ખૂબ સંભળાવ્યું હતું.., ‘આમ દિકરી થઇને મોડા સુધી સુઇ રહે છે, ઇ સારુ ન કે’વાય….! કેવું સાસરું મળશે..? આમ ને આમ ખોટી આદતો પડી જાય…! અને રાખડી બંધાવવા માટે ભઇલું ક્યારનો તારી રાહ જોઇને બેઠો છે….!’

જ્યારે આજે આ ટકોર ભઇલુંના સંદર્ભે સાવ બદલાઇ જતી હતી. ‘તેને તો આખી જિંદગી કામ જ કરવાનું છે… ભલે ને અત્યારે સુતો… હમણાં જ પરીક્ષા પતી છે…. તેને’ય આરામ જોઇએ’ને…! તારે વળી ક્યાં જવાનું છે..? થોડી રાહ જોઇશ તો કાંઇ દુબળી નહી થઇ જાય….!’

રક્ષાબંધને ભઇલું મોડો ઉઠે તે સહજ હતું પણ બેનડીને તો વહેલા ઉઠીને તૈયાર રહેવું જ જોઇએ તેવું મમ્મી શીખવતી.

નિહરીકાએ આ વર્ષે જ ધોરણ બાર વિજ્ઞાનપ્રવાહ બી ગ્રુપમાંથી પાસ કર્યુ અને નીટમાં પણ તેને સારા માર્ક્સ મળ્યાં હતા.

દીકરાનું નામ નિશાન, પણ ઘરમાં તેને સૌ ભઇલું જ કહેતાં… ! અભ્યાસમાં અતિસાધારણ અને આ વર્ષે ધોરણ દસમાં આવ્યો હતો.

‘સારુ અમે મંદિરે જઇને થોડીવારમાં આવીએ છીએ…!’ મમ્મી- પપ્પા ઘરની બહાર નીકળ્યા.

ભાઇ અને બહેનમાં ભાઇની કુળદિપક અને એકના એક દિકરા તરીકેનો મમ્મીની દ્રષ્ટીએ દરજ્જો ઉંચો હતો.

આખરે છેક સાડા નવે ભઇલું બેડરુમથી બહાર આવ્યો.
અને ભઇલું ને જોઇ બેન રાજી-રાજી થઇને સામેથી બે-ત્રણ પગથીયાં ઉત્સાહથી ચડી ગઇ… પણ તેનાં એક પગની ખોટને કારણે તે વધુ પગથીયાં ચડી નહોતી શકતી.

નિહારીકા જન્મથી એકપગે અપંગ હતી… જો કે તેનું મન અને વિચારો ખૂબ પરીપક્વ અને પૂર્ણતાના આસમાનને આંબે તેવા હતા.

ત્રીજા પગથીયે તે થોડી વાર ઉભી રહી અને પછી તે પાછી વળી, તેને યાદ આવ્યું કે તેને પોતાની કાંખ-ઘોડી તો સાથે લીધી નહોતી.

ભઇલું તેને સહારો આપી નીચે સુધી લઇ આવ્યો.
અને બન્ને ડ્રોઇંગ રુમમાં સામસામે ગોઠવાયાં.

ભઇલું એ મોબાઇલમાં ‘ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના..’ શરુ કર્યું.
કપાળે તિલક અને પછી લાલ રેશમની દોરીમાં મોતી અને જુદી જુદી સજાવટથી જાતે તૈયાર કરેલી રાખડી ભાઇના કાંડા તરફ ધરી.

નિહારીકાથી એમ જ બોલાઇ જવાયું, ‘ભઇલું, હજુ તો ગઇકાલ રવિવારે રજાના દિવસે પણ તુ સવારે સાત વાગે વહેલો તૈયાર થઇને બહાર ગયો હતો.. જ્યારે આજે રક્ષાબંધનના દિવસે તું મોડો ઉઠ્યો…??’

‘જો તારે રાખડી બાંધવી હોય તો બાંધ, પણ આડાં- અવળાં પ્રશ્નો ના પુછીશ…!’ નિશાનના શબ્દો તેજ બાણની જેમ છુટ્યાં.

‘મને કાવ્યાએ કહ્યું હતું કે ગઇકાલે તમે બધાએ સવારે ફ્રેન્ડશીપ ડે મનાવ્યો હતો અને મોર્નીંગ શોમાં પિક્ચર જોવા ગયા હતા. તેને તમારી પાર્ટીના ફોટા મને મોકલ્યા હતા. જો ભઇલું, ફ્રેન્ડશીપ ડે માટે વહેલું ઉઠાય તો રક્ષાબંધન માટે તો વહેલું ઉઠવું જોઇએ…! ’ આ શબ્દોથી નિશાનની ચોરી પકડાઇ ગઇ હોય તેમ તેની નજર ચકળ વિકળ થવા લાગી.

‘જો તેં આ વાત મમ્મી પપ્પાને કરી છે…. તો…!’ ફરીથી ધમકીભર્યા સ્વરે નિશાને પોતાનો રોફ જમાવ્યો.

‘સારું.. સારું નહી કહું…! બસ…! લાવ તારો હાથ જો મેં તારા માટે કેટલી સરસ રાખડી બનાવી છે.’

ભઇલુંએ જમણો હાથ લાંબો કર્યો પણ આ શું ? કાંડા પર તો દસેક જેટલાં ફ્રેન્ડશીપ બેલ્ટ પહેલેથી જ બાંધેલા હતા.

નિહારીકા પોતાની રાખડી બાંધવી ક્યાં તે માટે જગ્યા શોધી રહી હતી.

એકદમ સ્ટાયલીસ્ટ અને અફલાતૂન ફ્રેન્ડશીપ બેલ્ટની વચ્ચે રેશમની રાખડી સમાય તેવી નહોતી.

‘ભઇલું… આ ફ્રેન્ડશીપ ડે પતી ગયો…આ બેલ્ટ કાઢી નાખે તો મારી રાખડી માટે તારા કાંડામાં થોડી જગ્યા થાય..!’ નિહારીકાએ સહજતાથી કહ્યું.

પણ ભઇલુંને તો જાણે કાંડુ કાપવાનું કહ્યું હોય તેમ તાડુકી ઉઠ્યો, ‘ એ નહી બને…. એ મારા બેસ્ટ ફ્રેન્ડની નિશાની છે, આ બેલ્ટ મારે મંગળવાર સુધી રાખવાના છે, મારા બધા ફ્રેન્ડસને બતાવવાના છે.. જો તારે…!’ અધ્યારમાં ફરી એ જ શબ્દો હતા.

અને ત્યાં જ મમ્મી અને પપ્પા ડ્રોઇંગ રુમમાં દાખલ થયાં.

‘નિશાન આવી ગયો બેટા…!’ માં એ તો નિશાનને વ્હાલથી બોલાવ્યો.

‘રાખડી બાંધી દે બેટા..નિહારીકા..!’ પપ્પાએ નિહારીકા સામે જોઇને હેતથી કહ્યું. પપ્પા નિહારિકાને કાયમ બેટા કહીને જ બોલાવતા.

નિશાનનું ફ્રેન્ડશીપ બેલ્ટથી ભરાયેલું કાંડુ જોઇને પપ્પા લાલઘૂમ થઇ ગયા.

મમ્મીએ તરત જ પરિસ્થિતીને જોઇને હળવાશથી નિહારીકાને કાંડે રાખડી બાંધવા જણાવી દીધું.

નિહારીકાએ તે બેલ્ટની ઉપર રેશમની રાખડી બાંધી અને સૌનું મોં મીઠું કરાવ્યું.
નિશાને નિહારીકાને નાનું ચોકલેટ બોક્ષ આપ્યું.

જો કે આ કરતાં તો ગઇકાલે નિશાને તેના ફ્રેન્ડસ ને વધુ મોટી ગીફ્ટ આપી હતી અને બધા ફ્રેન્ડને પરાણે ચોકલેટ સામેથી ખવડાવીને સેલ્ફીઓ લીધેલી.

જ્યારે બેનને નાની અમથી ગોળની કાંકરી પણ ચખાડવાનું ભુલી ગયેલો.

‘સારું હું જાઉં છું….!’ નિશાન તો જાણે એક કામ પતી ગયું હોય તેમ ઘરની બહાર દોડ્યો.

‘ભઇલું… સાચવીને….!’ દરેક બેનની જેમ નિહારીકાએ પણ તેનો હાથ ઉંચો કરીને સાદ દીધો.

અને ત્યાં જ મમ્મીની નજર નિહારીકાએ તેના જમણાં હાથમાં પહેરેલા ફ્રેન્ડશીપ બેલ્ટ પર નજર પડી અને તરત જ હાથ પકડીને ગુસ્સાથી બોલી, ‘ આમ, છોકરી થઇને ફ્રેન્ડશીપ બેલ્ટ પહેરે છે ? જો કોઇ છોકરા સાથે તારે ફ્રેન્ડશીપ હોય તો સાંભળી લે જે કે ….!’ માં નો ગુસ્સો વધી જાય તે પહેલાં પપ્પાએ તેને વારી લીધી.

‘શું, તું પણ આમ ગુસ્સો કરે છે, છોકરાઓ તો…!’ પપ્પાએ કહ્યુ.

‘જો છોકરાને ચાલે… પણ દિકરીને તો ઘરની આબરુ સાચવવી જ પડે…!’ મમ્મીએ ગુસ્સો પોતાના શબ્દોમાં ઠાલવી દીધો.

નિહારીકા તેના આંસુઓને છુપાવી પોતાની ઘોડી કાંખમાં કરી પોતાના રુમ તરફ ચાલી.

‘પપ્પા.. તમે ચિંતા ના કરશો… હું કોઇ’દી તમારી આબરુની લક્ષ્મણ રેખા નહી ઓળંગુ..!’ નિહારીકાએ ભરાયેલા ડુમે કહી દીધું.

‘મને ખબર છે, બેટા…!’ પપ્પાએ તેને છાતી સરસી ચાંપી લીધી.

બન્નેના હૃદય આંસુથી ભરાઇ ચુક્યા હતા, પણ આંખોથી બન્નેએ કોરા રહેવાની આવડત કેળવી લીધી હતી.

પપ્પાએ તેને ટેકો આપ્યો, પણ નિહારીકાએ તેમને વાળીને એકલી જ રુમ તરફ ચાલવા લાગી.

‘નિહારીકા… બેટા… એક વાત છે…. છેલ્લા ચાર દિવસથી મારે તને કહેવું છે પણ…..!’

‘પપ્પા, તમારે મને પુછવાનું હોય…??’ હજુ તેની નજર તો પપ્પાથી વિરુધ્ધ દિશામાં જ હતી.

‘બેટા… તને એમબીબીએસમાં સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં એડમિશન મળે છે…. પણ તેની ફીને આપણી ઘરની પરિસ્થિતિ પહોંચી વળે તેવી નથી.. એટલે……!’ પપ્પાના શબ્દો રોકાઇ ગયા.

નિહારીકા થોડીવાર ચુપ થઇ ગઇ અને પછી બોલી, ‘અરે.. પપ્પા, એમાં મને થોડું પુછવાનું હોય…! તમે જે કરશો તે મારા માટે સારું જ કરશો…!’

પપ્પા પણ જીવનની કેટકેટલી કરુણતાને સહજતાથી પચાવી રહેલી દિકરી પર ખુશ થઇને બોલ્યા, ‘ સારું, બેટા.. આજે રક્ષાબંધને તારે કાંઇ જોઇએ છે…?’

નિહારીકાની નજર હજુ પણ દિવાલ તરફ જ હતી. તે થોડીવારે બોલી, ‘ હા પપ્પા, મારે જોઇએ છે…..!’

‘હા… બોલને દિકરા……!’

‘પપ્પા.. તમે મને બેટા કહીને ના બોલાવશો… મને બેટી કહીને જ બોલાવો….! કારણ કે હું તમારી દિકરી છું… દિકરો નહી….! જો હું તમારો દિકરો હોત તો મારે વહેલાં ઉઠવાની કોઇ ઝંઝટ ના હોત… કુટુંબની આબરું સાચવાની કોઇ ઉપાધી ન હોત… મારા કાંડા પર પણ કેટલાય ફ્રેન્ડશીપ બેલ્ટ બંધાયેલા હોત… મુક્ત બની ગમે ત્યારે ઘરની બહાર આવવા જવાની છૂટ હોત… અને દિકરા માટે તો દેવું કરીને પણ એમબીબીએસની ફી ભરાઇ હોત…! બસ પપ્પા આજ પછી મને દિકરી કહો… હું દિકરી છું, જેને ઘરમાં આબરું સાચવવાની… સમર્પણ કરવાનું અને ભઇલુંની રક્ષાની પ્રાર્થના જ કરવાની જ જિંદગી નસીબ છે…!’ અને નિહારીકા પોતાના રુમમાં ચાલી ગઇ અને અંદરથી દરવજો બંધ કરી દીધો.

રુમની બહાર પપ્પાની નજર પોતાના આંસુના ધોધથી ઢંકાઇ ચુકી હતી. પણ તે દીકરીના સ્વપ્નોના બંધ દરવાજાને સ્પષ્ટ જોઇ શકતા હતા.

સ્ટેટસ

એક રેશમનો દોરો બહેનને’ય બાંધજો,
તેના’ય તુટેલાં સપનાઓને પ્રેમથી સાંધજો…!

લેખક :- ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ

ટીપ્પણી