દરેક બાળક સ્પેશિઅલ હોય છે… ભલે એ પેહલી બેંચ પર બેસે કે છેલ્લી બેંચ પર….

- Advertisement -

“નિબંધ”

ગુજરાતી ના અધ્યાપક તરીકે ઝવેરચંદ પ્રાથમિક શાળા માં મારુ બીજું વર્ષ હતું. શાળા માં આજે યોજાયેલ નિબંધ સ્પર્ધા ના નિર્ણાયક અને અતિથિ વિશેષ તરીકે શહેર ના જાણીતા લેખક અને વિવેચક શ્રીમાન યોગેશ શાહ પધાર્યા હતા. એ શાળા માટે ખુબજ ગર્વ ની વાત હતી. લેખક બનવું, વિચારો ને વાચા આપવી,લેખો ને કવિતા લખવા એ મારા કેટલાક અપૂર્ણ જ રહી ગયેલા સ્વપ્નો માનું એક. જવાબદારીઓ અને ફરજો ના ભાર નીચે માનવ સ્વપ્નો કચડાતાંજ રહ્યા છે ,એમાં નવાઈ કેવી?

આજે તો ફક્ત સૌરભ આ નિબંધ સ્પર્ધા માં પ્રથમ નીકળે એટલે એક શિક્ષક તરીકે મારી જીત.સૌરભ ધોરણ ૬ -ક નો મારો ગુજરાતી વિષય નો ઝળહળતો સિતારો. ગુજરાતી ભાષા ની સરસ પકડ, અક્ષર મોતી ના દાણાઓ, વ્યાકરણ માં એક્કો, વાક્ય રચનાઓ ભૂલરહિત, ગદ્ય પદ્ય બંને માં અવ્વલ, યાદશક્તિ સૌથી તેજ અને હંમેશા જીતવા માટે તત્પર. અતિથિ વિશેષે બ્લેક બોર્ડ ઉપર વિષય નક્કી કરી લખી આપ્યો : ‘મારા દાદા ‘

વિદ્યાર્થીઓ ને અપાયેલી ત્રીસ મિનિટ નો મહત્તમ ઉપયોગ કરવા બધાજ હાથો ઝડપ થી પેન્સિલ થી કાગળ ભરવા માંડ્યા . વિષય શિક્ષકો ને સોંપાયેલી જવાબદારી નો એક હિસ્સો બની હું પણ વિદ્યાર્થીઓ ની હરોળ વચ્ચે પસાર થતા સૌરભ ની આગળપાછળ ફરી રહ્યો. એના કાગળ પર ફરતી મારી અધ્યાપક આંખો સંતુષ્ટિ નો સ્વાદ માણી રહી. અપેક્ષા મુજબ જ સુંદર મરોડદાર અક્ષરો, વાક્યરચના ક્ષતિ રહિત, જોડણીઓ તદ્દન સ્પષ્ટ ને સાચી, યાદશક્તિ એ વાંચન શક્તિ ને આપેલો પુરેપુરો ટેકો! અભિમાન ને ગર્વ થી મારી છાતી ફૂલી રહી. મંચ ઉપર મુકાયેલી એ સુંદર ટ્રોફી હાથ લાગવા માં હવે બહુ સમય નહિ!

ત્રીસ મિનિટ ની સમય મર્યાદા સમાપ્ત થતા જ બધા કાગળ ઉઘરાવી લેવાયા. મારા હાથમાંના કાગળો માં સૌરભ નું કાગળ સૌથી ઉપર ચમકી રહ્યું હતું. અતિથિ વિશેષ પોતાની નિર્ણાયક અને અનુભવી દ્રષ્ટિ થી બધાજ નિબંધ તપાસી રહ્યા અને થોડાજ સમય માં પોતાનો નિર્ણય જાહેર કરવા મંચ ઉપર મુકાયેલા માઈક સ્ટેંડ નજીક પહોંચ્યા. કેટલીક ઔપચારિક વાતો, આચાર્ય સાથે ના સંબંધ, સાહિત્ય અને ભાષા નું જીવન માં મહત્વ વગેરે વિષયો પોતાના વક્તવ્ય માં આવરી લીધા પછી રાહ જોવાતી એ ક્ષણ માટે આખરે વિજેતા ના નામ ની ઘોષણા કરી:

ધોરણ ૬ -ક નો વિદ્યાર્થી વિદિત !

મારા અધ્યાપક હૃદય ને જોરદાર આંચકો લાગ્યો.

વિદિત? મારો વિદ્યાર્થી વિદિત ? એ કઈ રીતે શક્ય ? ટ્રોફી મારી થઇ ચુકી હતી એ વાત ની ખુશી કરતા જેણે આ ટ્રોફી અપાવી હતી એ વાત નું આશ્ચર્ય વધુ હતું.

વિદિત એટલે ૬ -ક ની છેલ્લી બેન્ચ પર નો સૌથી શાંત વિદ્યાર્થી. જવાબ આપવા ભાગ્યેજ એનો હાથ ઊંચો થતો . અંતર્મુખી, એનીજ ધૂન માં રહેતો,સૌથી ભિન્ન ને સૌથી જુદો. ‘અક્ષર સુધારો ‘ ની સૂચના થી એની નિબંધ બુક ભરાયેલી. વ્યાકરણ માં મહત્તમ માર્ક્સ ગુમાવતો.જોડણી ની નીચે લાલ લાલ લીટીઓ નું પૂર! બે અક્ષરો વચ્ચે યોગ્ય અંતર ક્યારેય નહિ. એકજ શબ્દ ની જોડણી એકજ પાના ઉપર બે પ્રકાર ની. એના પ્રશ્ન પત્ર તપાસતા માથા નો દુખાવો ઉપડે , એજ વિદિત ???

સ્પર્ધા સમાપ્ત થતાંજ આચાર્ય એ પોતાની ગાડી માં શ્રીમાન યોગેશ
શાહ ને આદર સહ છોડી આવવાની જવાબદારી મને સોંપી ને ગર્વ સાથે એ જવાબદારી નિભાવવા હું નીકળ્યો .વાતો માં છલકાતી સહજતા ને ચરીત્ર ની ઉપસી આવતી સાદગી થી પ્રેરાય એ લેખક અને સમીક્ષક સામે મન ની મૂંઝવણ ઠલવાયજ ગઈ.

” સર આજનો વિજેતા…. મારોજ વિદ્યાર્થી વિદિત…પણ …..”
એક અધ્યાપક ની મૂંઝવણ પામી ગયેલા એ અનુભવી વ્યક્તિત્વ પોતાના ખિસ્સા માંથી વિદિત વાળો કાગળ કાઢી જોઈ રહ્યા. એના નિબંધ ને જોઈ રહેલી દ્રષ્ટિ ઊંડી ઉતરી…….

” જાણું છું ….અક્ષરો સુંદરજ હોવા જોઈએ..જોડણી ની ભૂલ કઈ રીતે ચલાવાય ? વિષય નું બાહ્ય રૂપ સંપૂર્ણ હોવું જોઈએ. પણ આંતરિક વિષય નું શું? નિયમો ને સંપૂર્ણતા ની અપેક્ષા સેવતા માનવીઓ એ યાંત્રિકતા ની તાલીમ ને શિક્ષણ નું , કેળવણી નું શીર્ષક આપી દીધું છે. આજે લખાયેલા બધાજ નિબંધો વ્યાકરણ ની કસોટી એ સાચા પણ ભાવનાઓ ની કસોટીએ શૂન્ય ! નિબંધો ની પુસ્તકો માં મળી આવતા એકસમાન ગોખાયેલાં ગદ્ય. પણ આ એક માત્ર નિબંધ જે બાહ્ય રૂપે ગમે તેટલો ભુલોભર્યો પણ ભાવો ની કસોટીએ તદ્દન ખરો ને સાચો. જો આજે નિયમો જીતી જતે તો હંમેશ માટે ભૂલો ના ડરે લાગણીઓ અભિવ્યક્ત થતા અવરોધાય જતે . એ હું ના જ ઈચ્છું કારણ કે વિદિત માં હું એક ભાવિ યોગેશ શાહ જોઉં છું . ”

ગાડી માં લાગેલી બ્રેક સાથે પોતાનો અભિપ્રાય સમજાવી એ બહાર નીકળ્યા. જતા જતા વિદિત નો કાગળ મને થમાવી ગયા.
” સમય મળે તો જરૂર વાંચશો ”
એમના જતાજ મારી ખૂટેલી ધીરજ સાથે હું વિદિત ના અક્ષરો સમજવા મથી રહ્યો :

મારા દાદા:

મારા દાદા હવે મારી પાસે નથી . સૌ કહે છે કે તેઓ એક તારા બની
ગયા. એટલે જયારે પણ એમને મળવું હોઈ હું રાત્રે ટેરેસ પર જાઉં છું . પણ ત્યાં તો હજારો તારાઓ હોય છે . બીજા ઘણા વિદિતો ના દાદા પણ ત્યાંજ હોય છે ને એટલે.

મારા દાદા મને ખુબ ચાહતા. પણ ક્યારેક આઈ લવ યુ ના કહેતા. ફક્ત મને શાળા એ મુકવા ને લેવા આવતા, ઘર કામ કરવા માં મદદ કરતા, પપ્પા મારવા આવે ત્યારે ઢાળ બની ઉભા રહેતા, મમ્મી નકામો ગુસ્સો કરે તો એમની ઉપરજ ગુસ્સો થતા, વાર્તાઓ સંભળાવતા , બાગ માં રમવા લઇ જતા. પ્રેમ કહી ને નહિ કાળજી અને સંભાળ લઇ દર્શાવાય એ દાદા એજ મને શીખવ્યું.

ક્યારેક દાદા ખુબ જ યાદ આવે છે . એમને જોવાનું મન થઇ આવે
છે. પણ આસપાસ નજર ફેરવું કે પછી તેઓ બધેજ દેખાય છે. ક્યારેક મહોલ્લા માં શીંગ દાણા વેચવા આવતા પેલા ઘરડા કાકા માં, ક્યારેક સામે રહેતા દિપક ના દાદા માં, ક્યારેક શાળા ના વૃદ્ધ વોચમેન માં , ક્યારેક મારા ભલા માટે મને ઠપકો આપતા કે મારી પર ગુસ્સો થતા મારા શિક્ષક માં તો આજે મંચ પર બેઠેલા એ મહેમાન માં! કદાચ એટલેજ કે જે આપણ ને પ્રેમ કરે એ આપણી નજીક હોઈ પણ આપણે જેને પ્રેમ કરીએ એ તો આપણી અંદરજ હોઈ.

મારા દાદા મારી અંદર છે ને હંમેશા રહેશેજ…..

ધોરણ ૬ ના વિદ્યાર્થી ના એ ભાવો મારી આંખો સાથે મારા સૂકા મન ને ભીના કરી રહ્યા. આજે કેટલા વર્ષો પછી મારા દાદા ની સ્મૃતિ તાજી થઇ ઉઠી. વિદિત ને મળેલી એ ટ્રોફી ભલે એનું ઇનામ હોઈ પણ મારી સાચી ટ્રોફી આજે વિદિત જ બની ગયો . આજે વિદિત અધ્યાપક ને હું એનો શિષ્ય બની રહ્યો . આજે મારો એ અધ્યાપક મને સમજાવી ગયો કે હું લેખક કેમ ના બની શકયો . પણ હજી મોડું નથી થયું . જાગ્યા ત્યાંથી જ સવાર …………..

લેખક : મરિયમ ધુપલી.

તમારા બાળકોને સમજો અને તેમને ખુબ પ્રેમ આપો… શેર કરો તમારા બધા મિત્રો સાથે.

ટીપ્પણી