સંબંધો માં ક્યારેય પણ રાજકારણ ના રમવું જોઈએ જાણો કેમ

એ આંખ બધું જોઈ શકતી હતી, બધું સમજી શકતી હતી પણ શરીર હલન ચલન કરી શકતું ન હતું, બોલી શકાતું પણ ન હતું. એને ઘણું કહેવું હતું, પૂછવું હતું. પણ ના ! હવે એ સક્ષમતા ન હતી. એને એ ૧૨ x ૧૨ ના રૂમમાં થતી ચહલપહલ ગમતી હતી. એને એ બાજુમાં બેઠેલી નાના દીકરા ની વહુ ની હુંફ હતી. એને એ વારેઘડીએ શરીર માં ખોપવામાં આવતા ઇન્જેક્શન થી કોઈ દર્દ મહેસૂસ ન થતો. કદાચ એ શરીરે આ ઇન્જેક્શન કરતા પણ મોટા ઘા સહન કર્યા હશે આજીવન !

શહેર ની પ્રખ્યાત અને સૌથી મોટી સંજીવની હોસ્પિટલમાં આજે રોજ કરતા થોડી વધારે ભીડ હતી. એ ભીડ નું કારણ હતું કે શહેર ના ધારાસભ્ય ની માતા પર કોઈએ કરેલો ઓચિંતો હુમલો ! આ હુમલા થી મી.રાજન ના માતુશ્રી કોમાં માં ચાલ્યા ગયાં હતા. આ સમાચાર મળતા જ મીડિયા અને રાજકારણીઓ નો આ હોસ્પિટલમાં ધસારો વધી ગયો હતો. મી.રાજન આ શહેરમાં છેલ્લા ત્રણ વરસ થી ધારાસભ્ય તરીકેની ફરજ બજાવતા હતા. તેમની ત્રણ વરસ ની આ કારકિર્દી બેદાગ રહી હતી.

પરંતુ છેલ્લા પંદર દિવસ થી તેમના પર શંકા ના વાદળો છવાયા હતા. તેમના ૨૦ વર્ષીય પુત્ર આર્યને તેની સાથે ભણતી આરાધ્યા પર બળાત્કાર કર્યા ના સમાચાર વહેતા થયા હતા. આરાધ્યા એ આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. આરાધ્યા નો શારીરિક તપાસ નો રિપોર્ટ પણ એ દર્શાવી રહ્યો હતો કે તેના પર બળજબરી થઈ છે. આ સમાચારે ચારેબાજુ હાહાકાર મચાવી દીધો હતો. રાજન ની બેદાગ કારકિર્દી પર આ એક મોટો ધબ્બો હતો. મીડિયા વાળા આ વાત ને પુરતી ચગાવી રહ્યા હતા અને આગમાં ઘી હોમવાની તેમની ફરજ પુરી કરી રહ્યા હતા. વિપક્ષ ને પણ વિરોધ્ધ કરવા માટે એક મુદ્દો મળી ગયો હતો.

ઘણા વિશેષજ્ઞ મી.રાજન ની માતા પર થયેલા હુમલા ને આર્યન ના બળાત્કાર ના કેસ ને દબાવવા માટેની રાજનીતિક ચાલ માની રહ્યા હતા તો ઘણા લોકો જે મી.રાજન ને વરસો થી ઓળખતા હતા તે માની રહ્યા હતા કે મી.રાજન નો સમય કપરો ચાલી રહ્યો છે જેથી તેમના પર આવી રીતે એકપછી એક આપદાઓ આવી રહી છે, અને ઘણા લોકોને આ બન્ને વાત વિપક્ષ દ્વારા રમવા માં આવેલી ગંદી રાજનીતિનો હિસ્સો માની રહ્યા હતા અને ઘણા લોકો આને સહાનુભૂતિ મેળવવા માટેનો પ્લાન પણ માની રહ્યા હતા. જેટલા મોં તેટલી વાતો થઈ રહી હતી.

મી.રાજન ના માતા ફ્લેટ માં એકલા રહેતા હતા. આર્યન અને મી.રાજન નો આવરોજાવરો તેમના ફ્લેટ પર રહેતો હતો. આર્યન તો દાદી નો લાડકો હતો. તે ઘણીવાર દાદી સાથેજ તેમના ફ્લેટ પર જ સુઈ જતો. આ ફ્લેટ મી.રાજન ના ઘરેથી પાંચ મિનિટ ના અંતરે જ આવેલો હતો. આ પાંચ મિનિટ નું અંતર પણ મી.રાજન ની પત્ની ના કારણે લાંબુ લાગવા લાગ્યું હતું આ લોકો ને. તે અવારનવાર મી.રાજન ને અને આર્યન ને પણ ત્યાં જતાં અટકાવતી. તેના મનમાં એવું હતું કે મી.રાજન ની માતા તેના પુત્ર અને પતિ ને ભોળવીને સંપત્તિ પચાવી પાડશે અને એ સંપત્તિ મી.રાજન ના નાનાભાઈ ના નામે કરી દેશે. એટલે જ તેમને તેમની સાસુમાં સાથે ઓછું બનતું અને એમની સાસુમાં ને પણ મી.રાજન ની પત્ની કરતા નાની વહુ સાથે સારૂ બનતું.

મી.રાજન ની ફરિયાદ ના આધારે પોલીસે તેમના ઘર ના વિસ્તારમાં લાગેલા સી.સી.ટી.વી કેમેરા ચેક કર્યા હતા, તે ક્લિપ મુજબ જે દિવસે મી.રાજન ના માતુશ્રી પર હુમલો થયો તે દિવસે તે વિસ્તારમાં આરાધ્યા, મી.રાજન ની પત્ની, વિરોધ્ધ પક્ષ માં રહેલા રામબાબુ અને આર્યન ની અવરજવર શંકાસ્પદ જણાઈ આવી હતી. આ ક્લિપ ના આધારે પોલીસે આ લોકોની પૂછપરછ માટે બોલાવવા માં આવ્યા હતા. પોલીસ ઇન્સ્પેકટર રાઠોડ સાહેબ આ લોકોની પૂછપરછ કરવાના હતા.

પહેલા આરાધ્યા ની એક અલગ જેલ જેવા વિભાગ માં પૂછપરછ ચાલુ થઈ,  પૂછપરછ વિભાગ માં અંધારું હતું, એક ગોળ ટેબલ પર નાનો એક બલ્બ મુકવામાં આવ્યો હતો અને ટેબલની પાસે એક પ્લાસ્ટિક ની ખુરશી મુકવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન તે લોકોની વાતચીત નું રેકોર્ડિંગ કરવા માં આવતું હતું.

“ત્યાં તું શું કામ ગઈ હતી ?” રાઠોડ સાહેબે પહેલો સવાલ જ કડક અને ઊંચા અવાજ માં કર્યો.

“ત્યાં હું…હું….આર્યન ને મળવા ગઈ હતી.” આરાધ્યા પહેલેથી જ ગભરાયેલી હતી અને રાઠોડ સાહેબ ના સવાલ થી અને ગુસ્સા ભર્યા સ્વર થી વધુ ગભરાઈ ગઈ હતી. તેનો હાથ પણ ધ્રુજી રહ્યો હતો.

“કેમ એને મળવા ?એણે તો તારી ઈજ્જત……”રાઠોડ સાહેબ બોલતા ખચકાયા. કદાચ એ એક સ્ત્રી ને આવું પુછી ને શરમાવા નહોતાં માંગતા”

“તેને મળવું હતું, એટળે તેણે મને બોલાવી હતી, મારો કોઈ વાંક નથી…..પણ મને ડર લાગતો હતો એટલે મળ્યા વગર જ ચાલી ગઈ” આરાધ્યા નો અવાજ હજુ પણ ધ્રૂજતો હતો અને તે રીતસર ની રડી પડી હતી.

બીજા થોડા સવાલો પૂછીને રાઠોડ સાહેબે તેને જવા દીધી.

આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ત્યારબાદ રાઠોડ સાહેબે આર્યન ને પૂછપરછ માટે બોલાવ્યો. આર્યન ની પૂછપરછ કરતા તેમને માલુમ પડ્યું કે આરાધ્યા સાચું બોલી રહી હતી અને એ આર્યન ના કહેવાથી જ ત્યાં મળવા આવી હતી. અને આર્યન કોઈ તેને અને આરાધ્યા ને સાથે જોઈ ના લે એટલે જ ચહેરા પર રૂમાલ બાંધીને ફરી રહ્યો હતો. આર્યન ને પોતાના કર્યા પર પસ્તાવો હતો અને તેને આરાધ્યા સાથે લગ્ન કરવા હતા એટલેજ એણે તેને મળવા બોલાવી હતી અને તેણે આ વાત આરાધ્યા ને ફોન પર કરી હતી, જેથી જ તે આર્યન ને મળવા તૈયાર થઈ હતી.

રાઠોડ સાહેબ ને આરાધ્યા અને આર્યન ની બાલિશ વાતો પર હસવું પણ આવતું હતું અને ગુસ્સો પણ અને તે આર્યન ના ગયા પછી સાથે રહેલા હવાલદાર ને કહી રહ્યા હતા કે

“આ મોટાં માથાં ના પૈસાદાર છોકરાઓ માટે પ્રેમ, લગ્ન, બળાત્કાર વગેરે એક રમત થી વધારે કંઈ જ નથી !”.

ત્યારબાદ રામબાબુ ને પૂછપરછ માટે બોલાવવા માં આવ્યાં, રામબાબુ ની પૂછતાછ થી રાઠોડ સાહેબ ને માલુમ પડ્યું કે રામબાબુ ઓફિસ જઈ રહ્યા હતા ત્યારે તેમણે આરાધ્યા ને આ બાજું આવતા જોઈ અને તેને જોતાં જ રામબાબુ ને કંઈ નવું રંધાઈ રહ્યું હોય અને કોઈ પોલિટિકલ ગેમ લાગતાં એ આરાધ્યા ની પાછળ પાછળ આવ્યા હોવાનું જણાવ્યું અને પછી રામબાબુ ના મત મુજબ આરાધ્યા કોઈને મળ્યા વગર જતી રહી તેથી તેમણે પણ ચોરી છુપી થી તેમની ગાડી ત્યાંથી નીકાળી ને ઓફીસ તરફ ભગાવી મૂકી. તેમની વાત પરથી પણ તે સાચું બોલી રહ્યા હોય એવું અનુમાન રાઠોડ સાહેબ લગાવી શકતા હતા.

તેમના પછી પૂછપરછ માટે મી.રાજન ના ધર્મપત્ની નો વારો આવ્યો.

તેમને પૂછપરછ વિભાગ માં લઈ જવા માં આવ્યા. ત્યાં પહોંચતા જ તે બોલી ઉઠ્યા કે “મેં કર્યો છે હુમલો, હા મેં કર્યો છે આ હુમલો મારા સાસુ પર !” આટલું બોલતાંજ તે ટેબલ પર માથું ઢાળી ને રડી પડ્યા.

હોસ્પિટલ નું દ્રશ્ય

આ બાજુ સંજીવની હોસ્પિટલ પર હજુપણ મીડિયા ની ભીડ લાગેલી હતી, તે કોઈ સમાચાર કવરેજ કરવાની લાય માં તે સ્થળ છોડી જ નહોતા રહ્યા. રાજન ને આ મીડિયા ની ભીડ અકળાવી રહી હતી, તે હોસ્પિટલ ની લોબી માં આમ તેમ આંટા મારી પોતાની ચિંતા અને અકળામણ હળવી કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. તેમના ચહેરા પર ચિંતા ની રેખાઓ ચોખી દેખાઈ આવી રહી હતી. હોસ્પિટલ ના એ.સી એરિયામાં પણ તેમના કપાળ પર પરસેવો દેખાઈ રહ્યો હતો. મી. રાજનની માતાજી ને રાખ્યા હતા ત્યાં રૂમની અંદર ડોકટરસ ની દોડધામ ચાલુ હતી. નર્સ વારેઘડીએ કાંઈ લેવા માટે સામે રહેલી કેબીન માં જઈ રહી હતી. થોડા કલાકો પછી ડોક્ટર બહાર આવ્યા અને મી.રાજન તેમની તરફ દોડી ગયા અને પ્રશ્નાર્થ નજરે તે ડોક્ટર ની સામે જોઈ રહ્યા.

“કંડીશન હજુપણ ક્રિટીકલ જ છે, હું તમને અત્યારે કોઈપણ જાત ની હોપ આપવા માંગતો નથી” ડોક્ટરે મી.રાજન ની પ્રશ્નભરેલી નજર ને કળી શક્યા હોય તે રીતે બોલ્યા.

આટલું બોલી ને ડોક્ટર સામે આવેલી તેમની કેબીન તરફ ચાલવા લાગ્યા.

મી.રાજન રૂમની બહાર રહેલા બાંકડા પર નિઃસહાય બની ફસડાઈ પડ્યા અને તે મોટા અવાજે રુદન કરવા લાગ્યા.

ત્યાં ઉભેલા મીડિયા કર્મીઓ માટે આ એક મસાલો જ હતો, તેમની માટે આ એક બ્રેકિંગ ન્યુઝ હતા તેથી તે લોકો આનું શૂટિંગ કરી રહ્યા હતા.

થોડીવાર પછી હોસ્પિટલ માં ફરી શાંતિ છવાઈ ગઈ. મી.રાજન હજી પણ બાંકડા પર બેઠા હતા ત્યાં જ રૂમ માંથી નાની વહુ એ મોટેથી બૂમ પાડી તે સંભળાઈ અને કાંઈ અઘટિત બની ગયું હોવાના ભય સાથે મી.રાજન અંદર ની તરફ દોડી ગયા, ત્યાં પહોંચતા જ તેમણે સામે રહેલો તેમની માતા નો બેડ ખાલી જોયો…..

રાઠોડ સાહેબે રડતા સુધા બેન ને શાંત રાખી પાણી આપ્યું અને તેમને થોડીવાર માટે આરામ કરવા દેવામાં આવ્યો. અમુક સમય ના અંતરાલ પછી રાઠોડ સાહેબ ફરી ત્યાં પહોંચ્યા અને સુધાબેન ને પુછયુ

” હા તો, તમે હુમલો કરાવ્યો છે ખરું ને ?”

સુધાબેને હકાર માં માથું ધુણાવ્યું.

રાઠોડ સાહેબે ફરી પૂછ્યું “તમે શું બોલો છો તેનું ભાન છે ને ! તમારાં સાસુમાં ને કંઈપણ થયું તો ફાંસી !”

સુધાબેન મક્કમ રહ્યા અને હા પાડી. રાઠોડ સાહેબે કારણ પૂછતાં તેમણે અવારનવાર થતાં ઝગડા થી કંટાળીને હુમલો કર્યો હોવાનું કબુલ્યું.

રાઠોડ સાહેબ કેસ કળી ચુક્યા હતાં, તેમને ખ્યાલ આવી ગયો હતો કે સુધાબેન કોઈને બચાવવા માટે આ ખોટું બોલી રહ્યા છે. અને એક સ્ત્રી આવું ખોટું ત્યારે જ બોલે જયારે તે પોતાના દીકરા ને બચાવતી હોય અથવાતો પોતાના પતિ ને !

તેમણે સુધાબેન ને જવા દીધા.

” બંને બાપ દીકરા પર નજર રાખો ” રાઠોડ સાહેબ ટેબલ પર હાથ પછાડી ને સહકર્મીઓ ને કહી રહ્યા હતા ત્યાં જ ફોન ની ઘંટડી વાગી અને ફોન ઉપાડતા જ તેમને હોસ્પિટલ માંથી મી.રાજન ની માતાજી ગાયબ થઈ ગયા હોવાના સમાચાર મળ્યા.

રાઠોડ સાહેબ પોતાની જીપ અને ચાર પાંચ હવાલદારો ની ટીમ લઈ ને હોસ્પિટલ તરફ જવા નીકળી પડ્યા.

“આટલી ભીડ, મીડિયા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે કોણ ઉઠાવી ને લઈ ગયું હશે ! ” તેમના થી જીપ ચલાવતાં ચલાવતાં બોલાઈ જવાયું.

હોસ્પિટલ પહોંચ્યાં જ હતા કે પત્રકારો એ રાઠોડ સાહેબ પર સવાલો નો મારો કર્યો.

” તમને શું લાગે છે આમાં કોનો હાથ હશે ?”

” શંકાસ્પદો ની પૂછતાછ પર થી શું તારણ નીકળ્યું ?”

“પોલીસ ની હવે પછી ની પ્લાનિંગ શું છે?”

“આ કોઈ ગંદુ રાજકારણ તો નથી ને !”

રાઠોડ સાહેબ આવા પુછાતા એક પછી એક દરેક પ્રશ્ન ને અવગણી ને હોસ્પિટલ માં પ્રવેશ્યા. મીડિયા ને હોસ્પિટલ ના દરવાજે જ અટકાવવા માં આવી.

રાઠોડ સાહેબ હોસ્પિટલ ની લોબી માં પહોંચ્યા ત્યાં તેમણે લોબીમાં રિસેપ્શનિષ્ટ ના ટેબલ પાસે ચાલતા ટીવી પર નજર પડી, તેમાં મી.રાજન અસ્વસ્થ થાઈ ને રડી રહેલા હતા તે સમાચાર આવી રહ્યા હતા, રાઠોડ સાહેબે આંખો દ્વારા ગુસ્સો દર્શાવ્યો જેથી રિસેપનિસ્ટ ટીવી બંધ કરવા માટે મજબુર થઈ.

રાઠોડ સાહેબ અંદર ગયા અને ત્યાં રહેલી મી.રાજન ના નાના ભાઈ ની પત્નીને પૂછ્યું ” તમે ક્યાં ગયા હતા ? આવી હાલત માં એમને એકલા કઈ રીતે મૂક્યાં ?”

“મારો ફોન આવ્યો હતો, તે ફોન મારા પતિ નો હતો અને તે તેમના મમ્મીની ખબર પૂછી રહ્યા હતા અને હું તેથી રૂમ થી થોડી દૂર જઈ ને વાત કરી રહી હતી, હા પણ રાજન ભાઈ બહાર જ બેઠા હતા.” તે એકી શ્વાસે બોલી ગઈ.

રાઠોડ સાહેબે મી.રાજન ની સામે જોતા તેમણે પણ આ વાત માં સહમતી દર્શાવી.

થોડીવાર ના સવાલો પછી રાઠોડ સાહેબે એ લોકોને પોતપોતાના ઘરે જવાનું કહ્યું અને પોલીસ તેમની માતા અંગે ના કઈપણ સમાચાર મળશે તો તેમને જણાવશે તેવું કહ્યું. મી.રાજન થોડી આનાકાની પછી ઘરે જવાની વાત સાથે સહમત થયા.

રાઠોડ સાહેબે પણ હોસ્પિટલ ના ખૂણે ખૂણે તપાસી ને શક્યતાઓ ચેક કરી.

હવે આ વાત ને ચાર દિવસ વિતી ગયા હતા, છેલ્લા ચાર દિવસ થી આ શહેર માં આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બની ગયો હતો, ન્યુઝ પેપર, ટી.વી., સોસીયલ મીડિયા, ઓફીસો માં એની ચર્ચા જ થઈ રહી હતી, કોઈ આ વાત ને કળી શકતું ન હતું.

મી.રાજન ને પાર્ટી ના દબાવ થી રાજીનામુ આપવું પડ્યું હતું અને તે ઘરે જ હતા છેલ્લા ચાર દિવસ થી, આર્યન પણ પપ્પા સાથે ઘરે જ રહેતો અને તે દાદી નું ચિંતા માં બીમાર પડી ગયો હતો. સુધાબેન ને હવે ખાતરી થઈ ગઈ હતી કે તેમના પતિ કે પુત્ર માંથી કોઈએ એ હુમલો કે આ અપહરણ કર્યું ન હતું. મી.રાજન ના પરીવાર ને આ ચાર દિવસ ચાર વરસ જેવા લાગ્યા હતા. ચારેબાજુ નો ફીટકાર તેમનાં થી સહન થતો ન હતો. પરંતુ તે લાચાર હતા, અસમર્થ હતા. તેમનું બધું છીનવાઈ ગયું હતું, પાવર,પ્રતિષ્ઠા જેવું હવે કઈ રહ્યું જ ન હતું.

વધુ વીસ દિવસો વીત્યા……..

આર્યન બહાર ઉભો છે, તે દૂર આવેલા તેના દાદી ના ઘર તરફ જોઈ રહ્યો છે, ત્યાં તેણે દાદીના ફ્લેટમાં હલનચલન જોઈ અને તરત જ તેણે તેના પપ્પા ને બુમ પાડી, મી.રાજન ને તુરંત જ રાઠોડ સાહેબ ને ફોન કર્યો, રાઠોડ સાહેબ ત્યાં દોડી આવ્યા પોતાના કાફલા સાથે.

રાઠોડ સાહેબે મી.રાજન ને ત્યાં જ રહેવા જણાવ્યું અને તેમણે પોતાની ટુકડી ને એ ફ્લેટ તરફ મોકલી, પોતે પણ ધીમે ધીમે ત્યાં ગયા. દરવાજો બંધ હતો, અંદર કોઈ ધીમા અવાજે વાત કરી રહ્યા હોવાનું માલુમ પડ્યું. રાઠોડ સાહેબે દરવાજો તોડ્યો અને સામે રહેલી વ્યક્તિને જોઈને આશ્ચર્ય સાથે બોલી ઉઠ્યા “તમે !”

પોલીસ સ્ટેસન નું દ્રશ્ય :

એ આંખ રડી રહી હતી, અત્યારે એમાંથી પસ્તાવા ના આંસુ વહી રહ્યા હતા, એ આંખ શરમ થી ઉપર જોઈ શકતા ન હતી અને એ આંખો હતી મી.રાજન ની માતાજીની !

રાઠોડ સાહેબ ના આવું કરવા પાછળ નું કારણ પૂછવા થી મી. રાજન ના માતાજી સુધાબેન તરફ જોઈ ને બોલી ઉઠ્યા

” બહુ અભિમાન હતું આને એના પતિ ના પૈસા પર, બહુ દેખાડો કરતી અને મારા દીકરા ને અને પૌત્ર ને મને મળવા માટે પણ ન આવવા દેતી, મારે તેનું અભિમાન તોડવું હતું. મારે મારા નાના દીકરા ને બધું આપવું હતું અને આને સબક સીખવાડવો હતો, તેથી આ ખોટા હુમલાનું નાટક કરાવડાવ્યું, ડોક્ટર્સ ને ખરીદ્યા, નાની વહુ ને સમજાવી અને આ નાટક પાર પાડ્યું. મને બહુ આનંદ થયો આને આટલી હેરાન થતા જોઈ ને, મને આનંદ થયો આને લાચાર જોઈને અને તે ખડખડાટ હસવા લાગ્યાં. આ એક ઝુનુની હાશ્ય હતું, થોડીવારે તે અટક્યું અને ફરીવાર બોલ્યા આ તો હું પ્રોપર્ટી ના પેપર્સ લેવા આવી હતી અને ઝડપાઇ ગઈ, મારે તો હજી આને ઘણી તડપાવવી હતી, હા ઘણી” ફરીતેઓ મોટેથી હસવા લાગ્યા હતા.

તેમની આંખોમાં સુધા બેન પ્રત્યે નફરત ભરાયેલી હતી. અને આ નફરતે જ તેમને જેલ ના સળિયા પાછળ ધકેલ્યા.

મી.રાજન ને હવે કદાચ ખુરસી અને સત્તા તો પાછી નઈ આવે પણ એક દાગ સાફ થઈ ગયો. તેમણે આર્યન અને આરાધ્યા ના સાદાઈ પૂર્વક પછી થી લગ્ન પણ કરાવ્યા. અને શહેરના એ ખૂણા માં ફરીથી આ કુટુંબ એક નવી શરૂઆત કરવાની કોશિશ કરી રહ્યું હતું.

આ આખા ઘટનાક્રમ ને ન્યૂઝપેપર અને મીડિયા એ “સંબંધો નું રાજકારણ” ના શિર્ષક હેઠળ ખુબ ચગાવ્યો.

 

હાર્દિક રાવલ

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

 

 

ટીપ્પણી