જેલમાં રહેલા નહેરુ ઈન્દીરાનું ઘડતર કઈ રીતે કરતા? નેહરુ એક પિતા તરીકે…વાંચો…

એ સમય હતો જ્યારે જવાહરલાલ નહેરુ આઝાદીની લડાઈના કામોમાં વ્યસ્ત રહેતા. મોટાભાગે ઘરની બહાર ક્યારેક તો વળી જેલના સળીયાની પાછળ બંધ રહેતા નહેરુને પોતાની પુત્રીના ઘડતરની ચિંતા થતી હશે. એટલે એમણે ઈન્દીરાને પત્રો લખવાનું શરૃ કર્યું. આમ તો નહેરુ ઈન્દુને બાળપણના વખતથી જ પત્રો લખતા, પણ ઈન્દુ સમજણી થઈ ત્યારે આ પત્રો લાંબા થતા ગયા.

ઇન્દીરાના બાળપણથી શરૂ થયેલો આ પત્રવ્યવહાર છેક 1939 સુધી ચાલ્યો .1928ના ઉનાળામાં દસ વર્ષની ઇન્દુને લખેલા પત્રોનું સંકલન કરીને ‘લેટર્સ ફ્રોમ અ ફાધર ટુ હીઝ ડોટર’ નામનું પુસ્તક 1929માં બહાર પાડવામાં આવ્યું કે જેથી અન્ય બાળ વાચકો પણ આ પુસ્તકનો લાભ લઇ શકે. ગુજરાતીમાં તેનો અનુવાદ ‘ઇન્દુને પત્રો’ નામે કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં નહેરુએ ઇન્દુને પૃથ્વીની ઉત્પત્તિ અને પછી થયેલી જીવનની ઉત્ક્રાંતિ વિષે સમજણ આપવા માટે લખેલા 31 પત્રો સમાવવામાં આવ્યા છે. આજની તારીખે પણ આ પુસ્તક બાળવાચકોને દુનિયાની ઉત્પત્તિની સમજણ આપવા માટે ઉપયોગી છે.

પુસ્તકની પ્રસ્ત્તાવનામાં પંડિત નહેરુ લખે છે કે, “૧૯૨૮માં મારી દીકરી ઇન્દિરાને મેં આ પત્રો લખ્યા હતા. દશ વર્ષની નાની છોકરીને સંબોધીને અંગત રીતે એ પત્રો લખાયેલા છે બીજાં બાળકોને આ વાતો ગમશે કે કેમ તે હું જાણતો નથી. પણ મને એવી ઉમેદ છે ખરી કે જે બાળકોને આ પત્રો વાંચવાના મળશે તે બધાં આપણી આ દુનિયાને જુદીજુદી પ્રજાઓનાં બનેલા એક મોટા કુટુંબ રૂપે ઓળખતાં શીખશે. વળી મને એવી પણ થોડી ઉમેદ છે કે એ પત્રો લખતી વખતે મને જે આનંદ મળ્યો હતો તેનો કઇંક અંશ તેના બાળ વાચકોને પણ મળશે.”

આ પત્રોમાં જવાહરલાલે પુત્રીને પૃથ્વીની ઉત્પત્તિ થઇ ત્યાંથી માંડીને ક્રમાનુસાર જીવનના અસ્તિત્વની શરૂઆતથી માંડીને માનવજીવનના અસ્તિત્વ અંગે, ભાષાઓનો વિકાસ અંગે, વિવિધ સંસ્કૃતિ-જાતિઓના અસ્તિત્વ અંગે,ધર્મભાવનાના વિકાસ અંગે, રાજા- પ્રથાની શરૂઆત અંગે , ખેતીની અને વેપારની શોધ વિષે એમ ઘણા વિષયો પર માહિતી આપી છે. અને એ પણ બાળમાનસને સમજાય તેવી સરળ ભાષામાં।

જેલવાસ ભોગવી રહેલા નહેરુ જેલમાં બેઠા બેઠા પુત્રીને પત્રોની હારમાળા થકી ઇતિહાસનું જ્ઞાન આપવાની સાથે સાથે જાણે-અજાણે ફિલોસોફીનાં પાઠ પણ ભણાવી દેતા હોય તેમ લાગે। જેમ કે આદીમાનવમાં ધર્મભાવના કેવી રીતે વિકસી તે અંગે સમજાવતા નહેરુ લખે છે કે, “મૂળના જંગલી માણસો ઘણી બાબતો સમજી શકતા નહોતા અને પોતાને જે જે બાબતો સમજાતી નહિ તેનાથી ભય પામતા. તેમાંથી જ તેમનિ ઈશ્વરની અને ધર્મની કલ્પના કરી.નદી, પર્વત, સૂર્ય, વૃક્ષો, પ્રાણીઓ અને તે ઉપરાંત જે તેમનાથી પ્રત્યક્ષ દેખાતું નહિ પણ ભૂતોના જેવી જે બધી વસ્તુઓની માત્ર કલ્પના તેઓ કરી લેતા તે સર્વ વસ્તુઓના તેમણે જુદાજુદા દેવો અને દેવીઓ બનાવ્યાં.” ધર્મભાવના અંગે સમજાવતા બીજા એક પત્રમાં નહેરુ પુત્રીમાં ધાર્મિક રીતિ-રીવાજોને તર્કબદ્ધ રીતે જોવાની દ્રષ્ટિ કેળવતા હોય તેવું લાગે.

એમાં એ લખે છે કે “ક્યાંકથી તે થોડુંક માંસ મેળવતો અને પેલા દેવને ખાવાને મળે એ રીતે ક્યાંક રાખી આવતો. નહીં તો પછી આજે જેમ લોકો કરે છે તેવી જ રીતે કોઈક પ્રાણીને મારીને તેનો ભોગ તે દેવને ધરાવતો. માણસે કંઈક એવું માની લીધું હોવું જોઈએ કે આમ ભોગ ધરાવવાથી તે વરસાદ કે કરા પડતા અટકાવી શકશે. વરસાદ કે કરા કે બરફ શા કારણે વાદળમાંથી પડે છે તે આપણે જાણીએ છીએ એટલે તે જમાનાના માનવીનું આ કાર્ય આપણને છેક મૂર્ખાઈ ભરેલું લાગે છે. વાદળમાંથી એ બધા વરસે છે તેને અને પ્રાણીઓના બલિદાનને કોઈ જાતનો સંબંધ નથી. એ વાત આવી મૂર્ખાઈ ભરેલી હોવા છતાં પોતાની અણસમજથી દોરવાઇને આ જાતના કાર્યો કરનારા માણસો આજે પણ નથી શું?”

માણસ શા માટે ટોળામાં રહેતો થયો તે વાત કરતા નહેરુ “સહકાર”નું મહત્વ આ રીતે સમજાવે છે, ” તું એ જાણે છે કે સાથે મળીને કામ કરવાથી એટલે કે પરસ્પર સહકારથી આપણે એકલાં ન કરી શકીએ એવા કેટલાયે કામો પાર પાડીએ છીએ.” નાણાં અને વેપારના વિકાસ અંગે માહિતી આપતા નહેરુ પુત્રીને શિખામણ આપતા કહે છે કે, ” પણ આપણે કદી ભૂલવું ન જોઈએ કે નાણું અથવા પૈસો અસલમાં કોઈ ઉપયોગી વસ્તુ નથી. પૈસાથી માત્ર આપણને જે વસ્તુ જોઈતી હોય તે મેળવવવામાં સરળતા થાય છે.” તેનાથી આગળ વધીને નહેરુ એમ પણ કહે છે કે, “કેટલાક મૂરખ લોકો નાણું જ પોતે જાણે કે કોઈ જરૂરની વસ્તુ છે એમ માનીને તેને વાપરવાને બદલે તે ભેગું કરે છે, અને તેનો સંગ્રહ વધાર્યા કરે છે. એટલો અર્થ જ થયો કે તે લોકોને નાણું સાચી રીતે શું છે અને પૈસાનો વહેવાર શી રીતે અને શા માટે શરૂ થયો છે તેનું ભાન નથી.”

કુલ 31 પત્રોમાંથી છેલ્લા ત્રણ પત્રો જુદા પડી જાય છે. આગળના પત્રોમાં પૃથ્વીનો ઈતિહાસ છે તો છેલ્લા ત્રણ પત્રો હિંદનો અને આર્યોનો ઈતિહાસ જણાવે છે. એ ત્રણમાંથી એક પત્રમાં આર્યોના જીવન અંગે જણાવતા નહેરુ આર્યોએ શરું કરેલી ગાયની પૂજા અંગે લખે છે કે,” ગાય અને તેની પ્રજા તેમને તેમના રોજના વહેવારમાં અને ખેતીમાં બહુ ઉપયોગી થતી. ગાય પાસેથી તેમને અમૂલ્ય દૂધ મળતું તેથી તેઓ ગાય અને તેની પ્રજાની ખાસ સંભાળ રાખતા અને સ્તુતિ કરતા. તેમના જમાના પછી ગોરક્ષાનું સાચું કારણ લોકો ભૂલી ગયા અને ગાયની પૂજા કરવા લાગ્યા.

એવી ખાલી પૂજાથી જાણે કશો લાભ થવાનો હતો!” હિંદમાં જ્ઞાતિવ્યવસ્થાનાં ઉદભવ અંગે નહેરુ પુત્રીને સમજાવે છે કે,”આર્યો પોતાની જાતને વિષે બહુ મગરૂર હતા તેથી હિંદની બીજી જાતિઓની સાથે વર્ણસંકર થાય તેની તેમને બહુ સૂગ હતી. એટલે આવી સંકર અટકાવવાને તેમણે બીજી જાતિઓ સાથે આર્યોનાં લગ્ન ન થઇ શકે એવી મતલબના નિયમો અને બંધનો કાર્ય હતા. લાંબેગાળે એ જ નિયમો અને બંધનોને પરિણામે હિંદમાં આજે જે જ્ઞાતીવ્યવસ્થા જાણવામાં છે તે ચાલુ થઇ. આજે એ વ્યવસ્થા અને તેના નિયમો તથા બંધનો છેક નકામાં અને હાસ્યાસ્પદ થઇ ગયા છે.”

અત્યારના જમાનામાં બધી જ સગવડો હોવા છતાં જે માં-બાપને પોતાના બાળકની બાળસહજ જિજ્ઞાસાને સંતોષવાનો સમય નથી હોતો તેમને નહેરુ પાસેથી એ પાઠ શીખવા જેવો છે કે ગમે તે અગવડ હોય બાળક માટે સમય કાઢવાનું આપણાં પોતાના જ હાથમાં હોય છે.

લેખક : લજ્જા જય

ઉપરોક્ત લેખ પર તમારા મંતવ્યો આવકાર્ય !!!

ટીપ્પણી