એક અનોખી પ્રેમકહાની, જેમાં છે ત્યાગ અને સમર્પણની ભાવના…

“હું તનેજ પ્રેમ કરું છું”

શ્યામ આજે આપણી કોલેજનો છેલ્લો દિવસ છે અને તે શું વિચાર્યું છે????

અરે યાર મને ખબર છે પણ મારી પપ્પા સાથે વાત નથી થઇ હું કાલે તને પાક્કું જાણવું.

શ્યામ તને ખબર છે આપણા ઘરમાં બધાને ખબર છે કે આપણે એકબીજાને છેલ્લા 3 વર્ષ થી પ્રેમ કરીયે છે અને હું હવે બીજા કોઈ પુરુષ જોડે લગ્નની વાત ના કરી શકુ!!!

મને ખબર છે મારી વાહલી કાજલ પણ મને ટાઈમ તો આપ, મારા પપ્પા ને સમજવાનો

અને બંને છુટા પડે છે.

આ કાજલ એટલે શ્યામના ઘરની પાછળ રહે. નાનકડા ગામમાં બધાને મુખીની ખબર. મુખી એટલે શ્યામના બાપા અને કાજલના પપ્પા ગામમાં માસ્તર. કાજલની મમ્મી અને શ્યામની મા બેય સખી એટલે કાજલે ઘણી વાર આવવું જવું થતું. નાના હતા ત્યારથી બધા સાથે ભેળા રમતા અને હવે કોલેજ પણ સાથે કરી. પણ હવે પ્રશ્ન આવ્યો છે એકબીજાને ઘરમાં વાત કરવાનો.

અને શ્યામ કાજુની વાત પપ્પાને કરે છે પણ મુખી એને એવું કહી ટાળી દે છે ગામમાં ને ગામમાં છોકરી પસંદ કરી લગ્ન કરે તો શું મુખીના દિકરાને કોઈ છોકરી આપતું નથી એવી વાત થાય એટલે બેટા આ વાત પર પડદો કરી દો.

હવે કાજલને સમજાવવી કેવી રીતે એ પ્રશ્ન હતો ત્યાંજ કાજલના મમ્મી શ્યામના ઘરે જાય છે અને કહે છે,

મારી કાજલ માટે સરસ વાત આવી છે છોકરો શહેરમાં મોટો વેપારી છે અને મારી કાજુ રાજ કરશે

અને શ્યામના મમ્મી ખુશ થઇ જાય છે અને શ્યામનેજ કહે છે,

જો શ્યામ આપણી કાજુને તો બવ સરસ વાત આવી છે

અને ત્યાંજ શ્યામ કહે

મા શું કાજલ શાથે હું લગ્ન કરી શકુ??? મને ગમે છે અને અમે બે એકબીજાને નાનપણથી ઓળખીએ છે.

હા બેટા તારી વાત સાચી પણ આપણે આ ન કરી શકીએ. આપણે ગામના મુખી એટલે આપણે આપણા મોભા પ્રમાણે વાત જોવાની.

અને વાત ત્યાંજ અટકી જાય છે. અને કાજલને પણ ખબર પડી જાય છે કે હવે મારુ અને શ્યામનું લગ્ન ક્યારેય નથી થવાનું અને એ મક્કમ મન રાખી મા ને પેલા શહેરના છોકરાને જોવા બોલાવનું કહે છે અને સમીર …..દેખાવડો સુંદર..અને ઊંચો ગોરો જોતાંજ ગમી જાય એવો. ગાડી કાજલના ઘર આગળ ઉભી રહે છે. ગામમાં મોટર વાળો છોકરો જોવા આવ્યો. કાજલને એનાતો ભાગ્ય ઉઘડી ગયા એવી વાતો લોકો કરે છે અને કાજલનું લગ્ન સમીર શાથે થાય છે. કાજલ ગામ છોડી શહેરમાં આવે છે.

કાજલ પાછલું બધું ભૂલી પતિને વફાદાર રહી પોતાની દુનિયામાં ખુશ છે અને આનાથી એના મા બાપ અને ઘરના બધા ખુશ છે. પણ એકજણ દુઃખી છે તે શ્યામ એને કાજલ જેવી કોઈ છોકરી દેખાતીજ નથી. બસ એના દિલો દિમાગમાં કાજલ શિવાય કોઈ આવતુંજ નથી. એમને એમ ઘણો વખત જતો રહે છે પણ શ્યામ લગ્નનનું નામ લેતો નથી. કાજલ જયારે પણ ગામ જાય ત્યારે એને સમજાવે છે કે તું લગ્ન કરી લે પણ એનો એકજ જવાબ હોય છે મને તારા જેવી કાજલ કોઈમાં દેખાતી નથી

અને કાજલ એને પાગલ ના બન એવું કહી જતી રહે છે. પણ શ્યામ એકનો બે નથી થતો. આ બાજુ કાજલને એક દીકરી થાય છે, રુહી. કાજલ રુહીને મોટી કરવામાં બધુજ ભૂલી જાય છે અને સમીર અને કાજલ જાણે એમનો પરિવાર પૂર્ણ થયો એમ સમજી રૂહીનો આંનદ લે છે.

જોત જોતામાં ઘણો સમય જતો રહે છે અને હવે તો મુખી પણ ભગવાનને ઘરે જતા રહ્યા અને કાજલના ઘરમાં પણ એના માતા પિતા નથી એટલે શ્યામ અને એની મા ઘરમાં હોય છે. શ્યામ ગામમાંજ નોકરી કરે છે અને મા જોડે રહે છે. એક દિવસ શ્યામ ગામમાં ઓફિસ જતો હોય છે ત્યાંજ કોઈક કાર નો ધડામ અથડાવાનો આવાજ આવે છે અને શ્યામ એ જગ્યા ઉપર જાય છે અને એકસીડન્ટમાં કોને વાગ્યું છે, કોણ છે એ જોવે છે ત્યાંજ એના પગ નીચેથી જમીન ખસી જાય છે. આતો મારી કાજલ અને એની દીકરી અને સમીર છે… એ જલ્દી જલ્દી બધાને મદદમાં બોલાવે છે અને પેહલા નાની રુહી ને બહાર કાઢે છે. એને સામાન્ય વાગ્યું છે પણ શ્યામ જાણે પોતાની દીકરીને વાગ્યું હોય એમ એને છાતીએ લગાડી દે છે.

અને એ દ્રશ્ય કાજલ જોવે છે અને કાંઈક ઈશારો કરે છે પણ શ્યામને કઈ ખબર પડતી નથી. એ રુહી, સમીર અને કાજલને દવાખને લઇ જાય છે પણ રસ્તામાંજ કાજલ અને સમીરનું પ્રાણ પખેરું ઉડી જાય છે અને એક હસતો ખીલતો પરિવાર વિખેરાય જાય છે. રુહીને પટાપિંડી કરી શ્યામ ઘરે લઇ આવે છે અને કાજલના સગાંઓ કોઈની ખબર નથી એટલે રુહી ને ઘરે લઇ જાય છે.

અને એની મા કહે છે આ કોની દીકરી લઇ આવ્યો ત્યારે શ્યામ કહે છે મા એ મારી દીકરી છે .. હવે એનો બાપ હું છું ભલે એ મારી ને કાજલની નથી પણ દીકરી કાજલની તો છેને? બિલકુલ એની મા જેવી જાણે એની કાજલ જ જોઈલો અને શ્યામ કહે છે

મા મને મારી કાજલની પરછાઈ મળી ગઈ. મા, હું હવે આના સહારે જિંદગી જીવી લઈશ. હું મોટી કરીશ મારી રુહી ને. અને બધી કાર્યવાહી પતાવી કાયદેસરની રુહીનો કબ્જો લે છે અને હવે નાનકડી રુહી શ્યામની પાછળ પાછળ ફરે છે. અને રુહીને ખબર પણ નથી કે હવે મારુ કોઈ નથી અને રુહી હવે શ્યામ ને અંકલ અંકલ કરે છે.

રુહી શ્યામને કોઈ ફરિયાદ નથી કરતી. હવે શ્યામનું બધું ધ્યાન રુહીમાં હોય છે અને રુહી હવે ધીરે ધીરે શ્યામ પાસે ટેવાય ગઈ છે એને મમ્મી યાદ આવે છે ક્યારેક. એમ કરતા સમય જતો રહે છે અને રુહી હવે મોટી થાય છે અને કોલેજમાં બહાર મુકવાની વાત થાય છે અને શ્યામ બધી વ્યવસ્થા કરી આપે છે પણ કોણ જાણે કેમ ??? શ્યામનું મન ઉદાસ થઇ જાય છે અને એ મા ને કહેતો હોય છે

મા મારુ મન રુહીને બહાર મોકલવા નથી માગતું પણ શું થાય?????

મા કહે છે બેટા તે એને મા અને બાપનો બંને પ્રેમ આપ્યો છે તે એને એહસાસ નથી થવા દીધો કે તું એનો બાપ નથી અને રુહી સાંભળી જાય છે અને કહે છે તો મારા મમ્મી પાપા ક્યાં છે અને મને અહીં તમે કેમ લઇ આવ્યા.

ત્યાંજ શ્યામની મા કહે છે બેટા તારા મા અને બાપુજી તો એક એકસીડન્ટમાં ક્યારના ભગવાનને ઘરે ગયા અને તું એકલીજ હતી અને તારું કોઈ સગુ પણ નહતું. તારી ઉમર 5વર્ષની હતી. તું નાની હતી તારું કોઈ ના હતું એટલે શ્યામે તને મોટી કરી બેટા.. એ મારો દીકરો
તારી મા ને પ્રેમ કરતો હતો અને એના જીવનમાં તારી મા શિવાય કોઈ બીજી સ્ત્રી એ સ્થાન લીધું નથી. તારી માના લગ્ન થઇ ગયા અને તારો જન્મ પણ થયો. પણ મારો દીકરો કુંવારો રહ્યો અને આજે એ કુંવારો બાપ બન્યો છે તારા માટે અને જેને તું અંકલ અંકલ કરે છે એજ સાચા અર્થમાં તારો બાપ હોત જો તારી માનું લગ્ન મારા શ્યામ જોડે થયું હોત તો ?? પણ હવે શું…મારા દીકરાને કાજલ ના મળી પણ એની પરછાઈ, તું મળી અને મારા દીકરાએ તારા માટે બનતું બધુજ કર્યું છે. હવે નિર્ણય તારે લેવાનો છે તારે શું કરવું……

અને ત્યાંજ રુહીની આંખમાંથી આંસુ આવી જાય છે. અને પપ્પા કરતી શ્યામને વીટળાઈ જાય છે. પપ્પા આટલો પ્રેમ તો મારા સગા બાપ પણ મારી માં ને ના કરી શક્યાં હોત જેટલો તમે કર્યો. પપ્પા હું નસીબદાર છું મને તમારા જેવા પપ્પા મળ્યા.

શ્યામ દીકરીના માથે હાથ ફેરવી કહે છે હુંય નસીબદાર તારા જેવી દીકરી મેળવીને અને રુહી નક્કી કરે છે હું મારા પપ્પા ને જીવન ભર સાચવિશ. એમણે મારા માટે આટલું બધું બલિદાન આપ્યું છે અને રુહી બા ને કહે છે બા આજથી તારે અને પપ્પા એ કોઈ ચિંતા કરવાની જરૂરનથી હું છું ને હું પપ્પા નો દીકરો બનીને રહીશ અને પપ્પા તમે એકલા નથી હવે તમારી રુહી છે તમારી સાથે … અને શ્યામ ની આંખમાંથી આશું આવી જાય છે અને ભગવાનનો આભાર માંને છે આવી દીકરી આપ્યા બદલ અને આકાશ તરફ નજર કરી ..જાણે કાજલ ને કંઈક કહે છે

જોયું કાજલ હું તનેજ પ્રેમ કરું છું એનો પુરાવો મારી રુહી …ના ના આપણી રુહી. મારી પાસે છે તારો ખુબ આભાર મને આવી દીકરી આપ્યા બદલ અને જાણે આજે શ્યામ ના માથેથી ભાર ઓછો થયો હોય તેમ આજે હળવાસ અનુભવે છે .

અને બા આજે ચિંતા મુક્ત થાય છે કે આજે મારા દીકરાને સાચવાનારું કોઈક તો છે અને રુહી ને રિયલલાઇફ માં રિયલ હીરો મળયા નો આંનદ થાય છે.

લેખક : નયના નરેશ પટેલ.

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી