“નવોઢા” – આજની દરેક નારી એ વાંચવા જેવી વાત !!

નિબિડ અંધકારમાં ફક્ત તમરાનો તીણો અવાજ આવી રહ્યો હતો. શિયાળાની સવાર અને પાંચ વાગ્યાનો સમય. સમીક્ષા જલ્દીથી પથારીમાંથી જાગી ગઈ. પરણ્યા બાદની પહેલી સવાર… તેને લાગ્યું હજુ તો હમણાં રાત પુરી થઇ હતી ને જાણે સવાર પણ થઇ ગઈ. સાતત્યના આલિંગનમાં વીંટાઇને હજુ હમણાં જ તો તેણે મીઠી નિંદરની કામના કરી હતી. ત્યાં જ જાણે એલાર્મ વાગ્યો ને તેની એ નીંદર કટુતાભરી બની ગઈ. પલંગ પરથી નીચે ઉતરીને તેણે નાઈટગાઉન પહેર્યું.. આંખો પર ભાર હતો ને ચહેરા પર લગ્ન અને રીતરિવાજોનો થાક. છેલ્લા એક મહિનાથી તે એક રાત પણ સરખી નીંદર કરવા નહોતી પામી. ખરીદી, કંકોત્રી ને જાતજાતના રિવાજોમાં દિવસ પસાર થઇ જતો અને રાત મહેમાનો જોડે ગપ્પા હાંકવામાં..સાતત્યની પસંદગી પોતે જ કરી હતી.

પહેલી વાર જયારે સાતત્ય તેને જોવા આવ્યો ત્યારે તેના જાડા કાચના ચશ્માં જોઈને જ નક્કી કરી લીધું હતું કે આ બબૂચકને ના કહી દેવી છે. પરંતુ જયારે બંને એકલા પડ્યા ઓરડામાં ત્યારે સાતત્યની બુદ્ધિમત્તા અને સરળતા જોઈને મોહી પડી હતી. આમેય સાતત્ય કંઈ સાવ નાખી દેવા જેવો તો નહોતો જ ને…!!!

ચશ્માંના કાચ ભલે જાડા હોય પણ ફ્રેમ એકદમ સ્ટાઈલિશ હતી. ઝારાનું પેન્ટ અને શર્ટ પહેરીને આવનાર સાતત્ય, આઈફોન સેવન પલ્સ વાપરનાર સાતત્ય અને સતત અંગ્રેજીમાં વાતો કરનાર સાતત્ય તેને ગમી ગયો હતો. પછી તો ચટ મંગની અને પટ બ્યાહ જેવું જ થયું..! બે મહિનામાં તો પોતે સમીક્ષા ત્રિવેદીમાંથી સમીક્ષા સાતત્ય વ્યાસ બની ગઈ.

પલંગની બિલકુલ સામે જ અરીસો હતો. સમીક્ષા જેવી ઉભી થઇ કે પોતાનું પ્રતિબિંબ તેને અરીસામાં દેખાયું. તેને લાગ્યું કે લોકો અમસ્તા તો નથી જ કહેતા કે લગ્ન પછી ચહેરા પર લાલિમા છવાઈ જતી હોય છે. મેકઅપ વગરનો એ સ્વ્ચ્છ ચહેરો જાણે તેના શયનકક્ષના અંધકારમાં પણ ઝગારા મારી રહ્યો હતો. સેંથીમાં સિંદૂર હતું, સુરાહીદાર ગરદનમાં મસમોટું રિયલ ડાઈમન્ડનું મંગળસૂત્ર અને હાથમાં સાસુમાએ ચડાવેલા પંદર તોલાના પાટલા…!!!! સાસુમાની યાદ આવતા જ જાણે તેને ગઈકાલની રાત ફરી યાદ આવી ગઈ.

સાતત્યને અને પોતાને નણંદોએ સખત મસ્તી કરીને હેરાન કર્યા હતા. છેક બાર વાગ્યે તેઓ તેમના ઓરડા તરફ જતા હતા કે સાસુમાએ આંખનો ઈશારો કરીને પોતાને રસોડા તરફ બોલાવી હતી. જયારે તે રસોડામાં ગઈ તો સાસુમાએ મીઠાશભરી વાણી છતાય કડક શબ્દોમાં કહ્યું હતું,

“વહુરાણી, સવારે છ વાગ્યે નહીં ધોઈને તૈયાર થઈને રસોડામાં આવી જજો. તમારું કામ તમને તમારા જેઠાણીબા સમજાવી દેશે!! આજ તમારે રાતના સુવામાં મોડું થઇ ગયું છે એટલે છ વાગ્યા સુધી ચલાવી લઈશ, પરંતુ પરમદિવસથી પાંચ વાગ્યે આવી જજો હો ને..!! હવે તમે “નવોઢા” છો..!”

વિચારોમાં ને વિચારોમાં સાડા પાંચ થઇ ગયા સમીક્ષાને ખબર પણ ના રહી. જલ્દીથી તે નાહવા ગઈ અને પાંચ મિનિટમાં બહાર નીકળીને બનારસી સેલુ પહેરીને તૈયાર થઇ. ભીના વાળની લટોને અરીસામાં જોઈને સમીક્ષાને પોતાની જ સુંદરતા પર અભિમાન થયું..! બંને હાથમાં મેચિંગ બંગડી પહેરી પાટલાની આજુબાજુ અને સાડી જેવા કલરનો જ સેટ કાઢ્યો પહેરવા માટે. બંગડી પહેરતા પહેરતા મેહંદીમાં લખાયેલું સાતત્ય વાંચીને જાણે મનોમન શરમાઈ ગઈ. સાતત્યને જઈને વહાલથી ચુંબન કર્યું ને છમાં પાંચ મિનિટે ઓરડાની બહાર નીકળી.

રસોડામાં જઈને જોયું તો જેઠાણીબા હાજર જ હતા. તેમના લગ્નને તો પાંચ વરસ થઇ ગયા હતા તો પણ જાણે હજુ પોતાની જેમ કાલ જ પરણ્યા હોય તેટલા સુવ્યવસ્થિત તૈયાર થઈને આવ્યા હતા….!!!!

“દેરાણીબા, દૂધ તો હું રોજ સવારે ગરમ કરી જ લઉં છું. તમારે આવીને બા અને બાપુજીની ચા મૂકી દેવાની..! તેઓ બંને ચાર વાગ્યે જાગી જાય છે અને તેમનો નિત્યક્રમ પતાવીને સાત વાગ્યે ડાઇનિંગ રૂમમાં આવશે. તમારે ત્યારે ગરમાગરમ ચા તેઓ માટે તૈયાર રાખવાની. પછી હું મુન્નાને જગાડીને તૈયાર કરીશ પ્લે હાઉસમાં જવા માટે એટલી વારમાં તમે તમારા જેઠજી ને મારા દિયરજી માટે ગરમગરમ નાઆતો તૈયાર રાખજો. અને હા, તેઓ સૂકો કે ઠંડો નાસ્તો નથી ખાતા તેથી ગરમાગરમ પોહા, ઉપમા, ભાખરી, પરાઠા કે ઢોકળા જ બનાવજો!!! પછી તે બન્ને ઓફિસ જાય ને ત્યારબાદ મારા ઓરડામાં આવજો, તમને હું ગુંથણ ને ભરત શીખવીશ.!

નવરા નવરા તો શું કરશો એટલે હો ને..!! જરાક એ કરશોને ત્યાં તો બપોરનું જમવાનું બનાવાનો સમય થઇ જશે પછી તો ચાર વાગ્યા સુધી જમવાનું બાનવીને બધાંયને જમાડીને રસોડાનું કામ પતાવીને નવરા થઈશુ…… પછી તમેતમારે ગમે એ કઈ પણ કરજો હો પણ પાછા છ વાગ્યે તો બા બાપુજીની ચા બનાવાનો સમય થઇ જ જશે એટલે આવી જજોને રસોડામાં, તો શું કે હું ત્યારે પૂજા કરી લઈશ…! પછી આપણે બેય સાથે મળીને જમવાનું બનાવીશુ ને રાતના બધાંયને જમાડીને દસ વાગ્યે રસોડામાંથી નવરા થઈશુ..! પછી તમે તમારે “ટીવી” જોજો હું તો સુઈ જ જાવ છું. પાછું શું સવારે પાંચ વાગ્યે જાગવાનું હોય ને એટલે હો..!”

જેઠાણીબાની બધી વાત સાંભળીને સમીક્ષાને એક વાતનું અચરજ થયું કે આ મહેંદી તો આટલું બધું કામ કર્યા પછી તરત જ ઉતરી જાય, તો જેઠાણીબાના હાથ હંમેશ કેમ મહેંદી વાળા જ રહેતા હશે..?! જયારે તેઓ સાતત્ય જોડે ઘરે આવ્યા હતા ત્યારે પણ મહેંદી હતી ને એના પછી બે-ત્રણ વાર મળ્યા ત્યારે પણ મહેંદી એકદમ ઘાટી હતી. એવું કેમ હશે..!!?”

આ વિચાર આવતા જ તરત સમીક્ષાએ તેની જેઠાણીને પૂછ્યું,

તેની જેઠાણીએ ખુબ સુંદર જવાબ આપ્યો,

“દેરાણીબા, આટઆટલું કામ કર્યા બાદ તમને થશે કે મારે શું રોજ આમ કૂચે મરવાની જરૂર છે? કામવાળી રાખી લેવાય ને..! ત્યારે બા આ મહેંદી કરાવશે હાથમાં અને કહેશે,

એક “નવોઢા” ને આરામ ના સદે..! તમે આજીવન “નવોઢા” બનાવીને જ રાખશે…!!!!”

લેખક : આયુષી સેલાણી

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!