નવનિર્માણ આંદોલન વિષે શું તમે જાણો છો આ વિગતો??

જીપીએસસી કે અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જે લોકો કરી રહ્યા છે, એ લોકો ગુજરાતનો અર્વાચીન ઈતિહાસમાં થઇ ચુકેલા નવનિર્માણ આંદોલન વિષે વાંચવામાં આવતું જ હશે. આ લેખ દ્વારા એ જ આંદોલનનો સંપૂર્ણ ચિતાર આપવાનો પ્રયત્ન કરાયો છે. નવનિર્માણ આંદોલન એ મધ્યમ વર્ગના સમાજ ધ્વારા ચાલુ કરાયેલી એક મુહિમ હતી જે ભ્રષ્ટાચાર અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર ચાલુ સરકાર સામે ચલાવવામાં આવી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે જેણે ચૂંટાયેલી સરકાર વિખેરી નાખી હોય એવું આ ઈતિહાસનું એક માત્ર આંદોલન હતું. આ આંદોલનનો સમયગાળો ૨૦ ડીસેમ્બર ૧૯૭૩થી ૧૬ માર્ચ ૧૯૭૪ સુધીનો સાર્વત્રિક રીતે સ્વીકૃત છે.

આંદોલનના આમ તો ઘણા બધા કારણો હતા પણ તત્કાલીન કારણ જોઈએ તો એ હાલની અમદાવાદ સ્થિત એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાં (લાલભાઈ દલપતભાઈ ઈજનેરી કોલેજ : જુનું નામ) પેદા થયું હતું. ૨૦ ડીસેમ્બર ૧૯૭૩ના રોજ કોલેજના છાત્રાલયના ભોજન શુલ્કમાં ૨૦% જેટલો તે સમયે ખુબ વધુ કહી શકાય એવો વધારો કરવામાં આવ્ય. આથી ત્યાંના વિદ્યાર્થીઓ રોષે ભરાયા અને નવનિર્માણ આંદોલનનો પ્રારંભ થયો. આ રીતે ગુજરાત યુનીવર્સીટીમાં પણ આવી જ હાલત હતી. એલ.ડી. કોલેજમાં થયેલા વિરોધ બાદ ૩ જાન્યુઆરી ૧૯૭૪ના રોજ ગુજરાત યુનીવર્સીટીના પણ છાત્રો હડતાલ પર ઉતરી આવ્યા અને તેમની અને પોલીસ વચ્ચે એક પ્રકારે જૂથ અથડામણ થઇ. ધીમે ધીમે આંદોલનનો અગ્નિ સમગ્ર ગુજરાતમાં પ્રસરવા લાગ્યો. ૭મી જાન્યુઆરી, ૧૯૭૪થી ગુજરાતની તમામ નાની મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં અચોક્કસ મુદતની હડતાલ ચાલુ થઇ ગઈ. તેમની માંગ ભોજન અને શિક્ષણ સંબંધી હતી. આ પછી સમાજનો માધ્યમ વર્ગ પણ આ લડતમાં જોડાયો અને રાશનની દુકાનો પર હુમલા થયા. અધ્યાપકોએ અને વકીલોએ આ આંદોલનને યોગ્ય દિશા અને માર્ગદર્શન આપવા માટે થઈને એક સમિતિ બનાવી જેનું નામ અપાયું, “નવનિર્માણ યુવક સમિતિ”.

એ સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ હતા. આંદોલનકારીઓએ એમના રાજીનામાની માંગ સાથે આંદોલન હિંસક બન્યું. ૨૫ જાન્યુઆરી ૧૯૭૪ના દિવસે રાજ્યના લગભગ ૩૩ શહેરોમાં પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે હિંસક અથડામણો થઇ. આંદોલનની તીવ્રતા એટલી બધી હતી કે એ સમયે શહેરના ૪૪ શહેરોમાં સંદેશાવ્યવહારના માધ્યમો બંધ કરી દેવામાં આવ્યા. એટલી હદ સુધી લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો કે અમદાવાદમાં લશ્કર ઉતારવાની જરૂર પડી આવી. આંદોલનની જ્વાળા એટલી હદે પ્રજ્વલિત થઇ ગઈ કે તે સમયના મુખ્ય પ્રધાન એવા ચીમનભાઈ પટેલે, વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના દબાણમાં આવીને રાજીનામું આપ્યું અને આ રાજીનામાંના લીધે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું.

આંદોલનકારીઓને રાષ્ટ્રપતિ શાસન મજુર નહતું. તેમની લડાઈ તત્કાલીન કોંગ્રેસ સરકારના ભ્રષ્ટાચાર અને કુરાજનીતિ સામે હતી એટલે એમની માંગ એવી હતી કે તત્કાલીન કોંગ્રેસ સરકાર બરખાસ્ત થાય. એમની માંગ એવી હતી કે ફરીથી ચુંટણી થાય. સૌથી રસપ્રદ વાત એ બની કે ૧૪૦ સીટો ધરાવતી કોંગ્રેસના ૧૫ સભ્યોએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું. આ ઘટનાથી આંદોલનને વધુ વેગ મળ્યો. એ પછી જન સંઘના ત્રણ સભ્યોએ પણ રાજીનામાં આપ્યા અને જોતજોતામાં ૧૬૭માંથી ૯૫ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા. મુખ્ય નેતા મોરારજી દેસાઈ પણ ૧૨ માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી આવ્યા અને અંતે ૧૬ માર્ચના દિવસે તે સમયની ગુજરાત વિધાનસભા આખી વિખેરી નાખવામાં આવી.

ફરીથી ચુંટણી યોજવાની પ્રક્રિયામાં વિલંબ થતા મોરારજી દેસાઈ ફરીથી ૬ એપ્રિલના દિવસે ભૂખ હડતાલ પર બેઠા. આખરે એમને નમતું ન જોખ્યું એટલે ઇન્દિરા ગાંધીએ ૧૦ જુનના રોજ ચુંટણી યોજાશે એવી જાહેરાત કરી. ૧૨ જુનના રોજ આવેલા પરિણામોમાં કોંગ્રેસ પક્ષની ધરાર હાર થઇ. આ ચુંટણીમાં રાજીનામું આપી ચુકેલા ચીમનભાઈ પટેલે કિસાન મજદૂર લોક્પક્ષ નામનો પક્ષ બનાવીને કોંગ્રેસ સામે જોરદાર લડત આપી. કોંગ્રેસ એક પક્ષ તરીકે હારી જતા એણે જનસંઘ, પીએસપી અને લોકદળ સાથે ગઠબંધન કરી ટોટલ ૮૮ સીટો પોતાના પક્ષમાં લીધી અને બાબુભાઈ જશભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.જો કે આ સરકાર પણ ૯ મહિના જ ચાલી અને માર્ચ ૧૯૭૬માં ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું.

નવનિર્માણ આંદોલનને મોટા નેતા એવા જયપ્રકાશ નારાયણે એક મહાન ક્રાંતિ ગણાવી હતી. આ જ આંદોલનના પ્રત્યાઘાત સ્વરૂપે ૧૯૭૭માં ભારતની સામાન્ય ચુંટણીમાં બિન-કોંગ્રેસ સરકાર બની અને જનતા પક્ષના નેતા “મોરારજી દેસાઈ” વડાપ્રધાન બન્યા.

આ આંદોલનમાં ઓછામાં ઓછા ૧૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. ઈજાગ્રસ્તોની સંખ્યા લગભગ ૩૦૦૦ હતી અને આંદોલનકર્તાઓએ ૮૦૦૦ જેટલી ધરપકડ વહોરી હતી. નવનિર્માણ આંદોલન ખરા અર્થમાં ગુજરાત અને ભારત દેશ માટે સરકારના નવનિર્માણ માટે નિમિત્ત સમાન બન્યું હતું. એની અસર અને પ્રત્યાઘાતો ઐતિહાસિક હતા. એવું કહેવામાં અતિશયોક્તિ નથી કે આ એકમાત્ર આંદોલન હતું કે જે તત્કાલીન સરકારને બરખાસ્ત કરવામાં સફળ રહ્યું હતું. આ આંદોલને મધ્યમ વર્ગના લોકોની એકતા અને સંઘીય શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
એક વધારે મહત્વની વાત આ આંદોલનની એ હતી કે એના દ્વારા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને એબીવીપીના નેતાઓ ગુજરાતના રાજકારણમાં સ્થાપિત થયા હતા. જેમાંના એક એવા હાલના વડાપ્રધાન “નરેન્દ્ર મોદી” પણ હતા.

લેખન : ભાર્ગવ પટેલ

શેર કરો આ માહિતી દરેક ગુજરાતી મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી