નારી તું નારાયણી – ભારતની યુવતીઓ પર લખેલ એક સત્ય હકીકત !!!

ગઈકાલે કેનેડામાં મારી સાથે ભણતી એક ગુજરાતી છોકરી રાતે ૨.૩૦ વાગે જોબમાંથી છૂટીને એના ઘરે ગઈ.
બસ સ્ટોપથી એનું ઘર આશરે ૨૦ મિનિટ્સ જેટલું દૂર હોવાથી અડધી રાતે એટલું ચાલીને જવું પડ્યું.

મેં એને પૂછ્યું તને ડર ના લાગ્યો ? મને કહે કૅનેડામાં ડર શેનો ? મોબાઈલ હાથમાં જ રાખ્યો હતો. જરાય બીક લાગી હોત તો તરત ૯૧૧ માં ફોન કરી દેત એટલે ૫ મિનિટ્સમાં પોલીસ આવી જાત.

ત્યારે મને વિચાર આવ્યો કે જો એજ છોકરી ભારતમાં હોત તો શું આટલી નિર્ભય બનીને રાતે અઢી વાગે પોતાના ઘરે જઇ શકી હોત ખરી ? ભારતમાં લોકોને પોલીસનો પણ ડર લાગે છે. આપણી પોલીસ જો પ્રામાણિક હોત તો ગાંધીનાં ગુજરાતમાં દારુની રેલમછેલ ન હોત.

કેનેડા-અમેરિકામાં દીકરીઓ બિન્દાસ અડધી રાતે જોબ કરીને અથવા મિત્રો સાથે ફરીને ઘરે આવે છે.

હિંદુસ્તાનમાં દીકરીઓ જરા પણ ડર રાખ્યા વગર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે કઈ સદીમાં ફરી શકશે ?

સ્ત્રીઓની સુરક્ષા માટે જે પ્રકારનો પોલીસ બંદોબસ્ત નવરાત્રી દરમિયાન રાખવામાં આવે છે એવો ૩૬૫ દિવસ કેમ ન રાખી શકાય ?

પશ્ચિમના દેશોમાં રહેતા એકપણ ગોરા લોકો માતાજીને પૂજતા નથી. અહીંયા કોઈ દીકરીના વખાણ કરતાં સુવાક્યો કે “દીકરી દેવો ભવ:” જેવા સુત્રો ફેસબૂક કે વોટ્સએપમાં ફોરવર્ડ કરતું નથી.

દીકરીઓ પોતાની ઈચ્છા પ્રમાણે પહેરાય એટલા ટૂંકા કપડાં પહેરીને બહાર નીકળે છે.
છેડતી કે સિટી મારવાની વાત તો દૂર રહી, કોઈ એની સામે આંખ ઊંચી કરીને પણ જોઈ શકતું નથી. કોઈ ટગર-ટગર સામું જોતું હોય તો પણ દીકરીઓ પોલીસને ફોન કરી શકે એવો કાયદો છે.

પશ્ચિમના દેશોમાં કાયદો એટલો કડક છે કે બળાત્કારનો વિચાર કરવા જેટલી તાકાત પણ અહીંના પુરુષો ગુમાવી ચુકયા છે.ભારતમાં પણ આ પ્રકારનો કડક કાયદો આવે એવી આશા રાખું છું.

ભારતમાં તો યુવતીઓના કપડાં ઉપરથી એનું કેરેકટર નક્કી થાય છે. ત્રેતાયુગમાં ખાલી એકજ ધોબી હતો જયારે કળિયુગમાં નિદોઁષ સ્ત્રી ઉપર આરોપ નાખે એ પ્રકારના ધોબી ઘરે-ઘરે જોવા મળે છે.

અાપણા દેશમાં દરેક ઘરમાં નવા નવા માતાજી પૂજાય છે અને છતાં સૌથી વધુ બળાત્કાર અને ભૃણહત્યા ભારતમાં જ થાય છે. આપણાં લોકો દંભ કરવામાંથી જ ઊંચા આવતા નથી.

આપણે સોશ્યિલ મીડિયામાં ભલે દીકરીના ગમે તેટલા વખાણ કરીએ પરંતુ એક કડવી વાસ્તવિકતા એ છે કે ભારતમાં દરેક માબાપને પહેલા ખોળે તો દીકરો જ જોઈએ છે.
ભારતમાં દરેક સ્ત્રીને શ્રવણ જેવો દીકરો ગમે છે પણ પોતાનો પતિ શ્રવણ થાય તે ગમતું નથી.

પશ્ચિમની સંસ્કૃતિમાંથી ઘણી વાતો શીખવા જેવી છે, જયારે અમુક વાતો ખરાબ પણ છે ! આમ, પણ દરેક વસ્તુના લાભા-લાભ હોય જ.
પણ મારી દ્રષ્ટિએ પશ્ચિમમાંથી સૌથી મહત્વની શીખવા જેવી વાત છે કે એ લોકો સાચા અથઁમાં સ્ત્રીને સન્માન આપે છે. આપણી જેમ ખાલી દેખાડો કરતા નથી.

આપણા લોકો મૂર્તિમાં રહેલી નારાયણીને પૂજવામાં એટલા વ્યસ્ત છે, કે સ્ત્રીરૂપી નારાયણીને સન્માન આપવાનું જ ભૂલી ગયા છે.

લેખક ~ મૌલિક જગદીશ ત્રિવેદી

આપ સૌ ને શું લાગે છે ? લેખ માં કહેલી વાતો સાથે કેટલા સહમત ?

ટીપ્પણી