પ્રેમ વિવાહ અને ગોઠવાયેલા લગ્નમાં કોની પસંદગી કરશો ?

પ્રેમ તો પૂછ્યા વિના થઈ ગયો પણ

વિવાહ શું પૂછીને કરશો ?
=======================================================================
ગીરા ધીમા પગલે ડેડીની રૂમમાં આવી અને ડેડીના પગ દબાવવા લાગી. કાચી ઊંઘમાંથી ડેડી જાગી જાય છે ને ગીરાને પૂછે છે “બોલ બેટા શું કહેવું છે ? સંકોચ ન રાખીશ તું તારા મનની વાત મને કહી શકે છે. વીરેનનું આટલું બોલવું જ ગીરા માટે પ્રાથમિક ભય દૂર કરનાર વાક્ય હતું.
હિમ્મત કેળવી ગીરા કહે છે “ડેડી મારો એક ફ્રેન્ડ છે જેને હું પસંદ કરું છું. અમે લોકો લગ્ન કરવા માંગીએ છીએ.”
“બહુ સરસ. તું એક કામ કર આજે સાંજે એને ઘરે જમવા બોલાવી લે”
બટ ડેડી! એ પોસીબલ નથી.
તો આવતી કાલે બોલવ !
ડેડી! એ પણ પોસીબલ નથી!
કેમ ?
ડેડી! એ એબ્રોડ રહે છે. અમે લોકો ફેસબુક ફ્રેન્ડસ છીએ !
વીરેન અચાનક પથારીમાંથી ઉભો જ થઈ જાય છે. અને ગીરાને સમજાવે છે કે “બેટા આ બહુ રિસ્કી નિર્ણય છે. મારે પહેલા બધું જોવું, જાણવું અને સમજવું પડશે. પછી જ હું કોઈ નિર્ણય પર આવીશ.
રાત બહુ થઈ ગઈ છે તું પણ હવે સુઈ જા.

એટલું કહી વીરેન ફરી સુઈ જાય છે. ધાબળામાં એ જાગે છે. એની ઊંઘ ઉડી ગઈ હોય છે. એક દૂરનોભય એની નજીક આવી રહ્યો હોય એવું લાગે છે …….. આવી ચિંતા કરનારા ઘણા વીરેન હશે નહી ? પ્રેમ તો થઈ ગયો પણ એને વિવાહમાં પરિવર્તિત કરવાની કામગીરીમાં ખૂબ કાળજી રાખવી પડતી હોય છે એ જ સંદર્ભે આપણી સમક્ષ એક લેખ પ્રસ્તુત છે …તમારો અભિપ્રાય પણ જરૂર આપજો

પ્રેમતો પૂછ્યા વિના થઈ ગયો પણ
વિવાહ શું પૂછીને કરશો ?
પ્રેમ વિવાહ અને ગોઠવાયેલા લગ્નમાં કોની પસંદગી કરશો ?
======================================
પ્રસ્તુત પ્રશ્ન ફક્ત પરણવા થનગનતા યુવાનો અને યુવતીઓ ને જ નથી સતાવતો પણ એ એમના માતા પિતાને પણ એટલો જ સતાવે છે. વોટ્સ એપ અને ફેસબુકના યુગમાં ઘણા બધા પરિચય અતિ ઝડપે થતા હોય છે અને પુરા પણ થઈ જતા હોય છે.આ બધમાં અમુક સંબંધો એવા ઉગી નીકળતા હોય છે જેમાં પ્રાથમિક ધોરણે એવું જ લાગે કે આ સંબંધો જન્મોજન્મના છે પણ જયારે તે ખરા અર્થમાં રજુ થાય છે ત્યારે કેટલાકને પસ્તાવવા સિવાય કશું જ હાથમાં નથી આવતું આથી પણ સંતાનોના માતા પિતા વધુ ચિંતિત હોય છે.

એક જિદ્દ આગળ શરણે થવા મજબુર થતા માતા –પિતા હમેશા એવું જ વિચારતા હોય છે કે તેમના સંતાનો કોઈ એવું પગલું ન ભરે જે પ્રારંભે લોભામણું તો લાગે પણ અંદરથી પોલું હોય!. ને જયારે આવું બને છે ત્યારે સમસ્ત પરિવારને ઘણું બધું સહન કરવાનું આવે છે.
આ જ સંદર્ભમાં એક નાની રચના પણ માણવા માટે પ્રસ્તુત છે :
પૂછીને પણ થાય પ્રેમ !
કેમ ન થાય !?
થાય જ ને તો !!
આમ પણ મહત્વપૂર્ણ કામ પૂછીને જ કરવું સારું !
પૂછો કેમ ?
સામે વાળાનું હિત પણ વિચારવાનું હોય ને !
એને કોઈ પણ ફરિયાદ ન રહેવી જોઈએ !!
આમ પણ ઘણા બધાને એક ફરિયાદ તો હોય જ છે !!
કે “સાલું મને તો કોઈ પૂછતું જ નથી !!!”
એટલે જ !
પ્રેમ પૂછીને કરવો સારો જ છે !
પછી કોઈ ફરિયાદ જ નહી રહે !!!
કે કોઈ મને પૂછતું નથી !!!
© નરેન કે સોનાર ” પંખી ”

કવિ શ્રી તુષાર શુકલાનો એક કવિતા સંગ્રહ છે “પૂછીને થાય નહી પ્રેમ” અને પછી લગ્ન પણ બે પ્રેમીઓની સહમતીથી જ થઈ જતા હોય છે જેને સમાજ પ્રેમ વિવાહ કહે છે . એક્ત્યુલી એવું હોતું નથી અને એવું હોય પણ છે. કારણ ધારણાઓ, અનુમાનો, અટકળો અને જોર જબરદસ્તીથી આ ઘટના બનતી નથી. પણ એના માટે પણ કોઈક ને કોઈક જગ્યા આયોજન તો થાય છે અને એ જગ્યા છે હૃદય. હૃદયમાં કોઈ એવી વ્યક્તિ ઘર કરી જાય જેના વિના કંઇક જ સૂઝ પડતી ન હોય ત્યારે પ્રેમ જેવું કઈક ઉપસી આવે છે અને એ ઉપસેલો પ્રેમ જયારે કાયમ માટે કોઈ બંધન સ્વીકારે છે ત્યારે એ પરસ્પર સહમતીથી સ્વીકારે બંધનને કદાચ પ્રેમ વિવાહ કહી શકાય.
પ્રેમ વિવાહને આપણો ભદ્ર સમાજ એક તિરસ્કારની નજરે જ જોતો હોય છે. એમને મન પ્રેમ વિવાહ એટલે “એક પ્રકારનો બળવો” જેમાં છોકરા – છોકરી સિવાય છોકરા – છોકરીના માતા-પિતા , સગા સંબધી બધા જ વિરોધ નોધાવતા હોય છે. તેઓને મન પ્રેમ વિવાહ એક અસામાજિક દૂષણ છે અને એ દૂષણથી સમાજની છબી ખરાબ થાય છે. નાતની છબી ખરાબ થાય છે અને છોકરીના માં-બાપ તો બિચારા બની સમાજના કાયમના ગુનેગાર બની જતા હોય છે. જાણે તેઓએ કોઈ મોટો અપરાધ કરી ન નાખ્યો હોય !!!!

ફલાણાનીની પોઈરી પેલા સાથે ભાગી ગઈ ! છોકરો તો સાવ લઘર વઘર હતો. નથી નોકરી કરતો કે નથી ચારિત્ર્યનો સારો. કોણ જાણે ભોળી છોકરી કેમ કરી એની જાળમાં ફસાઈ ગઈ ! કરવત જેવા અભિપ્રાય આપતા સમાજના લોકો એક તરફ એ વ્યક્તિ પ્રત્યે સહાનુભુતિ દર્શાવે છે અને બીજી તરફ સમાજમાં એની જ ખીલ્લી ઉડાવે છે. અને આ બધું અપમાન ચુપ ચાપ સહન કરતા છોકરીના મા-બાપ લોકોની ટીકા, મ્હેણાં અને મસ્શ્કરીથી ત્રાસી જઈ ક્યારેક ન ભરવાનું પગલું ભરી બેસતા હોય છે. ઓનર્સકિલિંગના બનાવો પણ બની જતા હોય છે અથવા તો શરમના મારે બિચારા મહોલ્લો છોડીને જતા રહેતા હોય છે….!!!
પ્રેમ વિવાહમાં માટે દોષ કોના પર ? :
પણ પ્રશ્ન થાય છે કે આ બધામાં સમાજ પણ છોકરીના મા-બાપને જ કેમ દોષી માનતા હોય છે ? શું છોકરાના મા-બાપને કઈ ન કહી શકાય ? અને બીજો પ્રશ્ન એ ઉભો થાય છે કે છોકરા –છોકરીના આ પ્રકારના વ્યવહાર માટે માતા –પિતાને જ કેમ જવાબ આપવા પડે છે એમને જ કેમ જવાબદાર ઠેરવવા પડે છે ? અને ત્રીજો પ્રશ્ન એ છે કે શું પ્રેમ કરવો અને એ પ્રેમને લગ્ન જેવા પવિત્ર બંધનમાં પરિવર્તીત કરવો શું ગુનો છે ?
ઘણા લોકો પ્રેમ વિવાહ નો વિરોધ જાતી સબંધિત હોય છે તો કોઈ જુના વેર, અદાવતને કારણે થયેલ મોટા નુકશાનના સંદર્ભમાં હોય છે. તો કોઈ વિરોધ કોઈ પણ તથ્ય વિનાના પણ હોય છે જેમાં ફક્ત “વિરોધ” જ એક તથ્ય હોય છે. તો કોઈ વિરોધ ઉમરના અંતરને કારણે પણ થતો હોય છે, તો કેટલો વિરોધ સામાજિક રીતી રીવાજો અને જે તે પ્રદેશની રહેણી કરણીને કારણે પણ થતો હોય છે …પણ આ બધામાં સૌથી વધુ વિરોધ માતા-પિતાના કે એમના સગાઓનો વધારે જોવા મળે છે !

છેવટે જયારે મને કે કે કમને પ્રેમ વિવાહનો સ્વીકાર: પ્રેમ વિવાહ નો સ્વીકાર જો કોઈ પણ વિરોધ વગર થાય તો ….!!! ઓહ !હો..હો…! જાણે ભગવાન મળી ગાય હોય એમ છોકરા-છોકરી રાજીના રેડ થઈ જાય છે. માનો એમને સ્વર્ગનું સિહાસન મળી ગયું ન હોય !!! છોકરા-છોકરીનસ માતા-પિતા પરસ્પર રાજી થાય તો ભાગીને પ્રેમ વિવાહ કરી ઘરે પરત આવેલ છોકરા-છોકરીના માતા –પિતા ફરીથી તેમના સાશ્ત્રોક્ત વિધિ મુજબ પણ લગ્ન કરાવતા જોવા મળતા હોય છે !!!….યારો કુછભી હો શકતા હૈ !! જેવું અનુભવાતું હોય છે. કોઈને માનવામાં ન આવે એ રીતનું અચાનક સ્ર્પ્રીઝ ગીફ્ટ જેવું મળી જાય ત્યારે …ભાવતું હતું ને વૈદે કહ્યું એવું ફિલ થાય …જે માતા પિતાને છોકરા-છોકરી ખોટા અને પોતાના વિરોધી માનતા હોય તે માતા પિતા તુરંત તેમના આદર્શ બની જતા હોય છે….!ભાઈ સબ મતલબકા ખેલ હૈ ! એવો ડાયલોગ મોઢામાં આવી જ જાય !

ગોઠવાયેલા લગ્ન વિષે વાત કરીએ તો …..

નાના હતા ત્યારે મમ્મી અસ્ત વ્યસ્ત પડેલી વસ્તુ જોઈ ચિડાઈ જાય ત્યારે એ શબ્દો બોલતી વસ્તુને જેમ તેમ મૂકી દેવાથી મોંઘામાં મોંઘી વસ્તુ પણ કોડીની થઈ જતી હોય છે અને જો વસ્તુ યોગ્ય રીતે મુકાઈ હોય અને એની ગોઠવણી ઢબ મુજબની થઈ હોય તો સૌને મન સાવ તુચ્છ ગણાતી વસ્તુ પણ સુંદર લાગવા માંડે.એ વાત ૧૦૦ ટકા સાચી લાગે છે.
આપણો સમાજ હજી પણ ગોઠવાયેલા લગ્નને વધુ માં આપે છે અને સન્માનની નજરે જોય છે એમને ગોઠવેલ લગ્ન જ વધારે સારા લાગે.
દીકરી થોડી મોટી થાય એટલે સલાહ સૂચનો આવવા માંડે છે. બાપાનું શરીર કોઈ બીજા કારણથી સુકાતું હોય છતાં એવી ઉક્તિ જોડી દેવામાં આવે છે કે “ છેવટે તો એ છોકરીનો બાપ છે ને એટલે ચિંતા તો થાય જ અને એ ચિંતા જ માણસને સુકવી નાખે છે થકવી નાખે. આવું જેની દીકરી હોય એને લોકો થકી સાંભળવા મળતું હોય છે ખૂબ સલાહ આપતા જોવા મળે છે ! તારી ગગી હવે મોટી થઈ ગઈ છે ! આમ પણ રજ્સ્વાલ છોરીને વધારે સમય ઘરમાં રાખી મૂકવી એ પાપ છે….! લોકોની નજર એના પર જ ચોંટેલી રહે છે…કઈ આડું અવળું થઈ જશે તો તને ન્યાતમાં નીચું જોવાનું આવશે! ઉમર વીતી જશે પછી છોકરીનો હાથ ઝાલે નહી અને આમ પણ છોકરી તો પારકે ઘર જ શોભે વગેરે વગેરે વણમાગી સલાહ તો મળતી હોય છે.
ગોઠવાયેલા લગ્ન માં બંને પક્ષમાં જેઓને લગ્ન કરવાના હોય છે એ છોકરા-છોકરી કરતા તેમના પરિવારનું ધ્યાન એ લગ્ન પર વધારે કેન્દ્રિત હોય છે. કારણ તેઓ એવું માનતા હોય છે કે ગોઠવાયેલા લગ્ન એ માત્ર લગ્ન જ નથી પણ બે પરિવારનું સ્નેહ મિલન છે જેમાં લાગણી, સમપર્ણ, અભિવ્યક્તિ, ઉમળકો, પરસ્પરનો વ્યવાહર, ભેટોની આપ-લે તથા આતિથ્યભાવનું પણ એટલું જ મહત્વ હોય છે અને તેથી જ આતિથ્યભાવને વધુ સમૃદ્ધ બનાવવા માટે લગ્ન ધામ-ધૂમથી કરવા એવો આગ્રહ રખાતો હોય છે.
ગોઠવાયેલા લગ્ન માં પણ માતા-પિતાની ચિંતાઓ ઓછી તો હોતી જ નથી ખાસ કરીને દીકરીના માતા –પિતાને એ વાતનો દર હમેશા હોય છે કે આતિથ્યભાવમાં કોઈ કચાસ રહી જશે તો એમની દીકરીને જીવનભર સાસરી પક્ષના મ્હેણાં સાંભળવા મળશે. આથી પણ માતા –પિતા જરૂરતથી વધારે ધ્યાન આપતા હોય છે.

પણ સરવાળે તો મોટા ભાગે માતા –પિતા એમાં જ રાજી હોય છે કે તેમના સંતાનોના લગ્ન તેમને જોયેલ એક સોનેરી સપનું છે અને એ સપનું જો તેમની સહમતીનાં સાન્નિધ્યમાં થાય તો ભવ પાર થઈ ગયો સમજ્યા !!
પ્રેમ વિવાહ જલ્દીથી તૂટી જવાનું કદાચ એ કારણ પણ હોય કે એમાં છોકરા –છોકરી બંને પરસ્પરની ખામીઓ અને ખૂબીઓ જાણતા હોય છે. પણ જયારે તેમના સંબંધોમાં કોઈ જો તિરાડ પડે તો બધી ખૂબીઓ બાજુ પર રહી જાય છે અને ખામીઓ જ સામે આવે છે જે મોટે ભાગે . પ્રેમ વિવાહ વિચ્છેદનું કારણ બને છે.
સારાંશ એ જ છે કે પ્રેમ વિવાહ હોય કે ગોઠવાયેલા લગ્ન બન્ને જો પોતાની વિશુદ્ધ દ્રષ્ટિએ જોઈએ તો સારા જ છે …આખરે તો છેવટે આપણું વર્તન જ એની આધારશીલા હોય છે ! પ્રસ્તુત લેખ મારા અંગત વિચાર છે. કોઈના પ્રત્યેની વ્યક્તિગત ટીપ્પણી નથી એની સૌને નોંધ લેવા વિંનતી.

લેખક : નરેન્દ્ર કે સોનાર “પંખી”, ભરૂચ

દરરોજ આવી અનેક વાતો અને માહિતી વાંચો ફક્ત આમારા પેજ પર.

ટીપ્પણી