જીત – જીવનનો એક પડાવ આવે છે જયારે બંને મિત્રો ફરી સામસામે આવે છે અને નોંધે છે કે કોણ થયું સૌથી વધુ સફળ…

“જીત”

રોજની જેવી જ એ સવાર હતી. હુકમસિંહના ખોરડે આજે ભારે ચહેલ પહેલ હતી. આમ તો એ પચીસ ઓરડાના વિશાળ બંગલાને ખોરડું ન કહી શકાય. આજે હુકમસિંહ વિધાનસભા માટે પોતાનું ઉમેદવારી પત્રક ભરવા જવાના હતા. હુકમસિંહ એટલે તાલુકામાં માનથી બોલાતું નામ. એકવીસો વિઘા વાડીનો માલિક. અનેક ધંધાઓ તેમના નામે બોલતા હતા. આજે તે પોતાનું અંતિમ સપનું પૂરું કરવા જઈ રહ્યા હતા. તેને ખબર જ હતી કે તે ઉમેદવારી નોંધાવશે એટલે ચુંટણી જીતી જ જવાના હતા.

હુકમસિંહ પોતાની વૈભવી ગાડીમાં બેસીને મામલતદાર ઓફિસે જવા રવાના થયા. તેમની પડછંદ કાયા ગાડીની સીટમાં માંડ સમાઈ રહી હતી. તેમની સાથે તેમનો દીકરો વિરસિંહ બેઠો હતો. હુકમસિંહ પોતાની આસપાસ તેમની સાથે ચાલી રહેલા ગાડીઓ અને મોટરસાઈકલોનાકાફલાને ગર્વથી જોઈ રહ્યા. આખા તાલુકાના લોકો તેમના સમર્થનમાં એકઠા થયા હતા.આજે તેમને પોતાની સામાજિક અને રાજકીય તાકાત પર ગર્વ થયો. વિરસિંહ પોતાના મોબાઈલ ફોન પર કોઈને ધમકાવી રહ્યો હતો. તે ખૂબ ગુસ્સામાં બોલી રહ્યો હતો. હુકમસિંહ પોતાના દીકરાને સારી રીતે ઓળખતા. તેના ગુસ્સાથી આખા તાલુકાના લોકો પરિચિત હતા. કોઈ તેના વિરુદ્ધ બોલી શકતું નહીં. તેની દાદાગીરી પણ આખા તાલુકામાં પ્રખ્યાત હતી.

હુકમસિંહ તેને ઘણીવાર સમજાવતા પણ ખરા કે આટલો બધો ગુસ્સો નહીં સારો પણ તે માનતો નહીં. તેના બીજી કુટેવોનો પણ તેઓને ખ્યાલ હતો જ. તેની દારૂ અને જુગારની લત તેમને સહેજ પણ ન ગમતી.

ગાડી ઉભી રહી એટલે તેમની વિચારશૃંખલા તૂટી. તેઓ મામલતદાર ઓફિસે આવી ગયા હતા. તેમના સમર્થકોએ સુત્રોચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું. તેઓ ગાડીમાંથી ઉતરીને ઓફિસના પગથિયાં ચડવા લાગ્યા.

અચાનક તેમનું ધ્યાન દૂર ઉભેલા એક વૃદ્ધ પર પડ્યું. એ વૃદ્ધ તેમની ઉંમરનો જ હતો. હુકમસિંહે આંખો જીણી કરીને તેને ઓળખવા પ્રયાસ કર્યો. હા ! એ જ હતો. એ ચહેરો તેમને બરોબર યાદ હતો. એ ચહેરાને તેઓ કેવી રીતે ભૂલી શકે ! એ દિનકર જ હતો. દિનકર જોશી. આટલા વર્ષે પણ એ તેને તરત જ ઓળખી ગયા પણ તેઓ તેને મળવા એક મિનિટ પણ ઉભા ન રહ્યા.તેમને મામલતદારે એક અલગ ઓરડામાં બેસાડ્યા. કલેકટર સાહેબ આવવાના હતા એટલે મામલતદાર થોડો વ્યસ્ત હતો. પેલો વૃદ્ધ પણ ધીમી ચાલે તેમની સાથે એ જ ઓરડામાં આવીને બેઠો. બન્નેએ એકબીજા સામે સ્મિત કર્યું. હુકમસિંહને ભૂતકાળની એક ઘટના યાદ આવવા લાગી.

******

એ 1984ના ચોમાસાની, કાળી ડિબાંગ મેઘલી રાત હતી. અનાધાર વરસાદ વરસી રહ્યો હતો. તે રાતે મેઘરાજાએ સમગ્ર ધરતીને પાણી પાણી કરી દેવાનું નક્કી કર્યું હોય એમ લાગી રહ્યું હતું.

આવા કસમયે એક જીપ હાઇવે પર જઈ રહી હતી. એ પોલીસની જીપ હતી. એ જીપમાં બે પોલીસ કોન્સ્ટેબલ બેઠેલા હતા. બન્ને ઘણા સમયથી જીપ ચલાવી રહ્યા હતા. આ વરસાદમાં રસ્તો પણ માંડ દેખાઈ રહ્યો હતો.

અંતે બન્ને તે જગ્યા એ આવી ગયા. એમને મળેલી માહિતી સાચી હતી. એક એમ્બેસેડર ગાડી ઊંઘી પડેલી હતી. બન્ને કોન્સ્ટેબલ ઝડપથી જીપમાંથી ઉતર્યા અને પેલી એમ્બેસેડર ગાડી પાસે પહોંચી ગયા.ઊંધી પડેલી ગાડીના બધા જ બારણાઓ ખુલ્લા હતા. બન્ને બાજુ બે દેહ પડેલા હતા. એક કોન્સ્ટેબલ તરત જ ડ્રાઈવરના દેહ પાસે પહોંચ્યો. ડ્રાઈવરનું માથું છૂંદાઈ ગયેલું હતું. તે મૃત્યુ પામેલો હતો.

“દિનકર! અહીંયાં આવ.” એમ્બેસેડરની બીજી તરફથી અવાજ આવ્યો.

એ હુકમસિંહનો અવાજ હતો. તે અને દિનકર નાનપણના દોસ્ત હતા. છેલ્લા બે વર્ષથી સાથે નોકરી કરી રહ્યા હતા. બન્ને વચ્ચે સારી દોસ્તી હતી.

દિનકર એક સીધો સાદો માણસ હતો. જયારે હુકમ પહેલેથી જ ભરાડી માણસ. દિનકર જયારે એમ્બેસેડરની બીજી તરફ પહોંચ્યો ત્યારે ત્યાં પડેલી લાશ જોઈને ચોંકી ઉઠ્યો. મરનારા બન્નેના માથા ફાટી ગયા હતા. બન્ને માંથી કોઈમાં પણ જીવ નહોતો. હુકમસિંહે ઉંધી પડેલી એમ્બેસેડરની આસપાસ આંટા ફેરા મારવાનું શરૂ કર્યું.

એ જયારે પાછળ પહોંચ્યો ત્યારે પાછળનું દ્રશ્ય જોઈને તે બે ઘડી ત્યાં જ ખોડાઈ ગયો. ગાડીની ડિક્કી ખુલી ગયેલી. એ ડિક્કી માંથી બે પેટી બહાર પડી હતી. બન્ને પેટીના ઢાંકણ ખુલી ગયેલા હતા. તેમાંથી સોનાની લગડીઓ બહાર ડોકાઈ રહી હતી. બન્ને પેટીઓ સોનાની લગડીઓથી આખી ભરેલી હતી.

થોડી ક્ષણોમાં દિનકર પણ તેની પાસે આવી ગયો. બન્ને સોનાની લગડીઓ ભરેલી પેટીઓને તાકી રહ્યા.

હુકમ સ્વસ્થ થયો અને ઝડપથી પેટીઓ તરફ આગળ વધ્યો. તે પેટીઓની બહાર પડેલી લગડીઓને પાછી પેટીઓમાં નાખવા લાગ્યો. દિનકર પોલીસ જીપ તરફ આગળ વધ્યો.

“દિનકર શું કરે છે?” હુકમસિંહે બૂમ પાડી.

 

“કન્ટ્રોલરૂમને વાયરલેસ કરવા જાવ છું.” દિનકર બોલ્યો.

“ગાંડો થયો છે? લક્ષ્મી ચાંદલો કરવા આવી છે ત્યારે તું મોઢું ધોવા જાય છે.” હુકમસિંહ તેની પાસે જઈને બોલ્યો.

“એટલે હું કંઇ સમજ્યો નહીં !” દિનકરે પૂછ્યું.

“તને આટલી બધી સોનાની લગડીઓ નથી દેખાતી?” હુકમસિંહ બોલ્યો.

“એ આપણી નથી. હું તો તેને હાથ પણ ન લગાડું.” દિનકર મક્ક્મતાથી બોલ્યો.

હુકમસિંહના ચહેરાની રેખાઓ એક ક્ષણ માટે બદલાઈ. બીજી જ ક્ષણે તેણે પોતાની જાતને સંભાળી લીધી.

“તું અને તારા સિદ્ધાંતો! સિદ્ધાંતોનું આ દુનિયામાં કશું જ ઉપજતું નથી. સિદ્ધાંતો કોઈ જ કામ આવતા નથી. અહીંયા જીવવું હોય તો સિદ્ધાંતોને અભેરાઈએ ચડાવવા જ પડે. આ કોઈ ઝવેરીની ગાડી લાગે છે. સરકારથીછુપાવીને એ લઈ જતો હશે. આ દાણચોરીનો માલ છે. આ પેટીમાંથી આપણે એક પેટી ગાયબ કરીએ તો પણ કોઈ આપણને પૂછવાનું નથી. બોલ શું કહે છે?” હુકમસિંહે પૂછ્યું.

દિનકરના ચહેરાના ભાવ સહેજ પણ ન બદલાયા.

“તને મારો જવાબ ખબર જ છે, હુકમ. હું મારા સિદ્ધાંતો સાથે બાંધછોડ ક્યારેય નહીં કરું. જે વ્યક્તિના કર્મો સારા હોય તેનું હંમેશા સારું જ થાય છે. હું મારા કર્મો ક્યારેય ખરાબ નહીં થવા દઉં.” દિનકર મક્કમતાથી બોલ્યો.
“તારા કર્મો તને ક્યાંય નહીં લઈ જાય. હું આવી વાતોમાં નથી માનતો. મને તો અત્યારે લક્ષ્મી મળે છે એ હું જવા નહીં દઉં. તારે મારો સાથ ન દેવો હોય તો કોઈ વાંધો નહીં. મને એટલી ખબર પડે છે કે આ દુનિયામાં સિદ્ધાંતો વગરના લોકો જ જીતે છે. સિદ્ધાંતોને વળગી રહેનારા કાયમ હારે છે. તું પણ એક દિવસ આ રાતને યાદ કરીને પસ્તાતો હશે. ત્યારે હું તારી સામે અટ્ટહાસ્ય કરીશ.” હુકમસિંહ ગુસ્સામાં બોલ્યો.

“એ તારી મરજી પણ હું કોઈ કાળે આ સોનાને હાથ નહીં લગાવું.” દિનકરે જવાબ આપ્યો.

હુકમસિંહ ચુપચાપ એમ્બેસેડરની ડિક્કી તરફ ફર્યો અને પેટીમાં સોનાની લગડીઓ ભરવા લાગ્યો.

“હું તને પણ આ પાપ નહીં કરવા દઉં.” દિનકરે મક્કમતાથી કહ્યું.

હુકમસિંહ એક ક્ષણ માટે અટક્યો. તેને આવું બનશે તેવો અંદાજો હતો જ. તે દિનકર તરફ ફર્યો. તેની એકદમ નજીક પહોંચીને તેણે દિનકરના ખભા પર હાથ મુક્યો.

“દિનકર ! આ નોકરી તને કોણે અપાવી એ યાદ કર. હું એસ.પી. સાહેબના ઘરે કામ કરી કરીને થાકી ગયો ત્યારે તને આ નોકરી મળી છે. મેં તારી પાસે આજ સુધી તે ઉપકારના બદલામાં કશું જ નથી માંગ્યું. આજે માંગુ છું. આ એક પેટી મને ઘરે લઈ જવા દે.” હુકમના અવાજમાં આજીજી હતી.

દિનકરના ચહેરા પરના ભાવ બદલાયા. તેના ચહેરા પર વિવશતા તરી આવી. હુકમ સાચો હતો. દિનકર તેના ઉપકારોના ભાર તળે દબાયેલો હતો. આજે ઉપકારોનો બદલો ચુકવવાની વાત કરીને હુકમસિંહે તેને બાંધી દીધો હતો.

“હું તને ત્રણ કલાક આપું છું. તારે જે કરવું હોય તે કર. હું અહીંયા લાશો પાસે ઉભોં રહીશ. ભવિષ્યમાં કોઈ મને પૂછશે તો હું એક જ પેટી હતી એમ કહીશ. આ પછી કોઈ દિવસ હવે તારા ઉપકાર વિશે મને ન કહેતો. આપણા બન્નેનો હિસાબ બરાબર.” દિનકર બોલ્યો. તેના ચહેરા પર વિવશતા હતી.

“આભાર, દોસ્ત.” હુકમસિંહ બોલ્યો. તેને ખબર હતી કે ત્રણ કલાક પેટીને ઠેકાણે લગાડવા પૂરતી હતી.

તેણે ઝડપથી પેટી પોલીસ જીપમાં મૂકી અને ડ્રાઇવિંગ સીટ પર બેઠો.

“દિનકર ! તું આખી જિંદગી આ મળેલી તકને ગુમાવવા બદલ રોતો રહીશ. હજુ કહું છું કે આ દુનિયામાં સિદ્ધાંતો વિના જીવતા લોકો જ જીતે છે.” હુકમસિંહે દિનકરને સમજાવવાનો છેલ્લો પ્રયત્ન કર્યો.

“તને તારી જીત મુબારક, હુકમ.” દિનકર શાંતિથી બોલ્યો.

જવાબમાં હુકમસિંહે ગાડી શહેરમાં આવેલા પોતાના ઘર તરફ મારી મૂકી.

*****

આજે આટલા વર્ષે દિનકર હુકમસિંહની સામે બેઠો હતો. સોનાની પેટી ઘરે મૂકીને હુકમસિંહ અને દિનકર વધેલી પેટી લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. સોનું દાણચોરીનું હતું એટલે કેટલી પેટી હતી એ કોઈએ તપાસ ન કરી. એ પેટી લઈને જતા માણસો મરી ચુક્યા હતા. દિનકરે પોતાનું વચન પાળ્યું અને એક પેટીની વાતને વળગી રહ્યો એટલે બીજી પેટીની વાત દબાઈ ગઈ.

હુકમસિંહે થોડા મહીના પછી પોલીસની નોકરી છોડી દીધી. સોનાની લગડીઓ વેચીને હુકમસિંહે જમીનોમાં પૈસા રોકવાનું શરૂ કર્યું. થોડા વર્ષોમાં જ પોતાની મહેનતથી હુકમસિંહ તાલુકાનો સૌથી સમૃદ્ધ જમીનદાર થઈ ગયો.

હુકમસિંહને ક્યારેક દિનકરની વાતો યાદ આવતી. તેણે પોતાના કર્મો સારા કરવા પોતે કમાયેલા રૂપિયામાંથી પુષ્કળ દાન દેવાનું શરૂ કર્યું. ધીરે ધીરે હુકમસિંહની સમૃદ્ધિ અને પ્રસિદ્ધિ વધતી ચાલી.

આજે બન્ને મિત્રો આટલા વર્ષે મામલતદાર કચેરીમાં એકબીજા સામે બેઠા હતા. દિનકરના હાથમાં ટિફિન હતું. તેના કપડાં તેની સામાન્ય પરિસ્થિતિની ચાડી ખાતા હતા. હુકમસિંહ તેની સામે જોઇને હસ્યો.

“પોલીસની નોકરીમાંથી ક્યારે રિટાયર્ડ થયો, દિનકર?” હુકમસિંહે પૂછ્યું.

“બે વર્ષ થયાં.” દિનકર હસીને બોલ્યો.

“તને હજુ પેલું સોનુ નહીં લેવાનું દુઃખ થતું હશે ને? આ જો એ સોનાએ અને મારી મહેનતે મને ક્યાં પહોંચાડી દીધો.” હુકમસિંહ ગર્વથી બોલ્યો.
“ના, મને ક્યારેય એ વાતનું દુઃખ નથી થયું. તે તારો રસ્તો પસંદ કર્યો, મેં મારો !” દિનકર શાંતિથી બોલ્યો.

અચાનક રૂમમાં બે ત્રણ માણસો આવ્યા. તેમની સાથે એક યુવાન પણ હતો. યુવાન કોઈ મોટો અધિકારી હોય તેમ લાગી રહ્યું હતું. યુવાને આવીને દિનકર સામે સ્મિત કર્યું અને તે દિનકરને પગેપડ્યો.

“પપ્પા, તમેં કેમ અહીં આવ્યા? હું ઘરે જમવા આવવાનો જ હતો.” યુવાન બોલ્યો.

“આ તો મને થયું કે તને ટાઇમ નહીં મળે એટલે ટિફિન લઈને અહીં આવી ગયો.” દિનકર બોલ્યો.

“ચાલો, આપણે ઓફિસમાં સાથે જમીએ.” યુવાન બોલ્યો.

દિનકર યુવાન સાથે જવા ઉભો થયો. તેણે હુકમસિંહ તરફ, રૂમની બહાર નીકળતા પહેલા એક સ્મિત ફેંક્યું.

હુકમસિંહ બન્નેને રૂમની બહાર નીકળતા જોઈ રહ્યો.

“આ કોણ હતું?” તેણે પોતાની પાસે ઉભેલા માણસને પૂછ્યું.

“આપણા કલેકટર સાહેબ.” પેલો માણસ બોલ્યો.

હુકમસિંહને આંચકો લાગ્યો. તેણે દરવાજે ઉભેલા પોતાના દીકરા તરફ જોયું. તે હજુ મોબાઈલ પર કોઈને મારી નાખવાની ધમકીઓ આપી રહ્યો હતો.

હુકમસિંહને પોતાની જીત ફિક્કી પડી ગઈ હોય તેમ લાગ્યું.

(સમાપ્ત)

લેખક : નરેન્દ્ર રાણા
દરરોજ આવી અવનવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી