ડરની રાજનીતિ – શું તમારી પણ હાલત આ બકરીના માલિક જેવી તો નથી ને???

ડરની રાજનીતિ

પંચતંત્રની એક બહુ જાણીતી વાર્તા છે. હું ટૂંકમાં તેનો સાર અહીં પ્રસ્તુત કરું છું.

એક બ્રાહ્મણ તેના ખભા પર એક બકરી લઈને જતો હતો. બે ચોરોને આ બકરી બ્રાહ્મણ પાસેથી ચોરી લેવાનું મન થયું. દિવસનો સમય હતો એટલે બકરી બ્રાહ્મણ પાસેથી પડાવી લેવામાં જોખમ હતું. આથી, બન્ને ચોરોએ એક ઉપાય કર્યો.

એક ચોર બ્રાહ્મણના રસ્તામાં ઉભો રહ્યો. બ્રાહ્મણ નજીક આવતા તે બોલ્યો, “ભુદેવ, આ માંદા કૂતરાને કેમ ખભે નાખ્યું છે?”

“અરે ! ભાઈ, આ બકરી છે, કૂતરું નહીં. હમણાં જ ખરીદીને લાવ્યો.” બ્રાહ્મણ બોલ્યો.

“અરે ભુદેવ ! આ કૂતરું છે. તમને કોઈએ બનાવ્યા છે. આ માંદુ કૂતરું છે.” આમ બોલીને ચોર ચાલ્યો ગયો.બ્રાહ્મણ આગળ ચાલ્યો. તેના મનમાં શંકા આવી પણ તેને હજુ વિશ્વાસ હતો કે તેના ખભા પર બકરી જ છે. થોડું આગળ ચાલ્યા પછી બીજા ચોરે પણ બ્રાહ્મણને પહેલા ચોરે કરેલી વાત જ કરી.

બ્રાહ્મણને હવે બકરીને બદલે કૂતરું હોવાનો વિશ્વાસ થઈ ગયો અને તે બકરીને ખભા પરથી ઉતારીને ત્યાં જ મૂકીને ચાલતો થયો. ચોરોને બકરી વગર મહેનતે મળી ગઈ.

આ વાર્તા અહીં મુકવાનું કારણ હું તમને આગળ જણાવીશ.

ડર હંમેશાથી મનુષ્યને આફતોથી બચાવતો આવ્યો છે. ડર ન હોય તો મનુષ્ય બિનજરૂરી જોખમો વહોરીને મુશ્કેલીઓને આમંત્રણ આપી બેસે. આદિકાળથી મનુષ્ય પોતાના જેવા લોકો સાથે પણ રહેવા ટેવાયેલો છે. પોતાના જેવા લોકો સાથે રહેવાથી આફતો સામે રક્ષણ મળી રહેતું અને જૂથ બનાવીને શિકાર કરવાના ફાયદાઓ તેને પહેલેથી જ ખબર પડી ગયા હતા. તેમાંથી જ સમાજ વ્યવસ્થા અને ત્યાર બાદ ધર્મોનો ઉદભવ થયો. આ ડરનો ઉપયોગ કરીને જ ધર્મ વ્યવસ્થાએ લોકો પર પોતાની પકડ મજબૂત બનાવી.

અત્યારના સમયમાં કદાચ મનુષ્ય સમાજ વ્યવસ્થાના બંધનોથી સૌથી વધુ સ્વતંત્ર બન્યો છે. પશ્ચિમમાં ધર્મ અને સમાજ વ્યવસ્થાની માનવ જીવન પર અસર દિવસે દિવસે ઘટી રહી છે.જ્યારે ભારતની વાત કરીએ તો આપણે ઊંધી દિશામાં જઈ રહ્યા છીએ. આપણા સમાજ અને જીવન પર, ધર્મ અને જ્ઞાતિ જેવા સંકુચિત વાડાઓનું પ્રભુત્વ દિવસે દિવસે વધતું જાય છે. પહેલાના ભારતીય સમાજમાં જે સર્વસમાવેક્ષક ભાવના હતી તેનો છેદ ઉડતો જાય છે.

આ પાછળ સંકુચિત રાજનીતિનો બહુ મોટો ફાળો છે. દેશના રાજકીય પક્ષો માટે ભારતીય પ્રજા માત્ર ને માત્ર એક વિભાજીત વોટ બેંકથી વિશેષ કંઈ જ નથી. દરેક રાજકીય પક્ષો ડરની રાજનીતિ કરી રહ્યા છે. તેઓ બકરીને કૂતરું દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સામાન્ય પ્રજા તેમની આ ગંદી ચાલમાં આવી પણ જાય છે.

આજકાલ દરેક રાજકીય પક્ષો પોત પોતાના સોશિયલ મીડિયા એક્સપર્ટસ રાખે છે. જેમનું એકમાત્ર કામ સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવતા રહેવાનું હોય છે. આ અફવાઓ અને ખોટા સમાચારોને સાચા માનીને સામાન્ય માણસ તેમની રાજકીય ચાલનું પ્યાદુ બની જાય છે.છેલ્લા કેટલાક સમયમાં નાની નાની ઘટનાઓને સોશિયલ મીડિયામાં અફવાઓનો મસાલો ઉમેરીને મોટું સ્વરૂપ આપી દેવામાં આવે છે. આવી અફવાઓ અને સમાચારો મોટેભાગે કોઈ જ્ઞાતિ કે સમાજના લોકોને ઉશ્કેરવા જ બનાવવામાં આવેલા હોય છે. પરીણામે લોકો રસ્તા પર આવીને તોડફોડ કરે છે.

દુઃખની વાત એ છે કે નાની નાની બાબતોમાં દરેક વખતે આપવામાં આવતા બંધ પણ જાણે તોડફોડ અને શક્તિ પ્રદર્શન કરવાનું માધ્યમ બની ગયા હોય તેમ જાહેર સંપત્તિનું બેધડક નુકસાન કરવામાં આવે છે. આ એક રાષ્ટ્ર માટે ભયજનક સંકેત છે.

આજકાલ તો ગમે તે જ્ઞાતિઓના નેતાઓ પણ પોતાની રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા પોત પોતાની જ્ઞાતિઓના ટોળાઓને ઉશ્કેરીને બસો સળગાવવાથી લઈને જાહેર સંપત્તિને નુકસાન કરવાના કામો કરે છે. જ્ઞાતિઓના વોટ્સએપ ગ્રુપસમાં અફવાઓ અને ખોટા સમાચારોનો મારો ચલાવીને જ્ઞાતિના લોકોને તોફાનો કરવા ઉશ્કેરવામાં આવે છે. સરકારો પણ કોઈ એક સમાજને રાજી રાખવા તેમની સામે કડક પગલાંઓ લેતી નથી. જેના કારણે તોડફોડ કરનારાને પ્રોત્સાહન મળે છે અને આ વિષચક્ર ચાલ્યા કરે છે.

ભારતવાસીઓને પહેલાથી પોતાની ખુદની બુદ્ધિનો ઉપયોગ કરીને નિર્ણયો લેવાની ટેવ નથી. તેઓ પણ પેલા બ્રાહ્મણની જેમ બીજાની વાતોમાં આવી જઈને નિર્ણયો લે છે. આપણને સંશોધન કરીને સત્ય જાણવાની ટેવ પણ નથી.
નાતજાત અને ધર્મના સંસ્કારો આપણા મગજમાં એટલી હદે ઘર કરી ગયા છે કે જ્યારે પોતાના ધર્મ કે જાતિ અંગેની વાત આવે ત્યારે બાકી બધું જ ગૌણ બની જાય છે. લોકો ધાર્મિક કે જાતિગત ઉન્માદના અફીણની અસર હેઠળ દેશનું નુકસાન કરતા પણ અચકાતા નથી. દરેક વ્યક્તિ પોતાની જાતિ અને ધર્મ જ શ્રેષ્ઠ છે તેમ માને છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા મોટાભાગના આંદોલનો કોઈને કોઈ નવા બનેલા નેતાની રાજકીય મહત્વકાંક્ષાઓ સંતોષવા માટે જ થયેલા છે. દરેક આંદોલનોના અંતે આવા નેતાઓ ઉપર આવ્યા છે અને આંદોલનમાં ભાગ લેનારા જેલના હવાલે થયા છે.

કોઈએ આ જેલમાં ગયેલા લોકો વિશે પણ ક્યારેય વિચાર કર્યો? કોઈએ આવા આંદોલનોમાં મૃત્યુ પામેલા લોકોના સગાઓના હાલચાલ પૂછ્યા? એ બધાના મોતનો પણ રાજકીય લાભ લેવાયો. મડદાઓ પર પણ રાજનીતિ થઈ. તેમના નામે પણ બીજાઓને પણ કાયદો હાથમાં લેવા ઉશ્કેરવામાં આવ્યા. જેથી બીજા મડદાઓ તૈયાર કરી શકાય, વધુ રાજનીતિક લાભ લેવા માટે…
આવા રાજકીય લાભો લેવા માટે થતા બ્રેઇન વોશિંગનું બીજું એક ભય સ્થાન પણ છે. આપણે આપણા સંતાનોને આપણા સંસ્કારો સાથે વિચારો પણ વારસામાં આપતા હોઈએ છીએ. આપણે બીજા સમાજો અને ધર્મોને તિરસ્કારની નજરે જોતાં હોઈએ તો આપણા સંતાનોમાં પણ એ જ સંસ્કાર આવશે.

તો આ પ્રચાર સામે શું કરી શકાય? પહેલું તો હંમેશા “દેશ પહેલા“ એ વિચારને પ્રાધાન્ય આપવું જોઈએ. ધર્મ, જ્ઞાતિ અને જાતિના વાડાઓ નાબૂદ કરવા પ્રયત્ન થવા જોઈએ.

સોશિયલ મીડિયા પર કોઈ પણ ધર્મ કે સમાજના વિરોધમાં આવતા લખાણો ફોરવોર્ડ કરવાનું ટાળવું જોઈએ. આપણી પોતાની સમજશક્તિ અને બુદ્ધિનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયામાં આવતી માહિતીને મુલવીને પછી જ સાચી માનવી જોઈએ.
રાજકારણ એક વેપાર જ છે. તેમાં લોકો દેશસેવા કરવા નથી આવતા પણ પૈસા કમાવા પણ આવે છે. આ વાત ગાંઠે બાંધી લેવાની જરૂર છે. જયપ્રકાશ નારાયણ સાથે આંદોલનોમાં રહેલા વિદ્યાર્થી નેતાઓ જેવા કે લાલુ યાદવ અને મુલાયમસિંહ અત્યારે ક્યાં પહોંચી ગયા છે એ તો સૌ જાણે જ છે.

જ્યોર્જ ઓરવેલની “એનિમલ ફાર્મ” નામની વાર્તા છે. જેમાં પ્રાણીઓ પોતાના પર જુલમ ગુજારનાર મનુષ્યો સામે બળવો કરીને પોતાની સત્તા સ્થાપે છે. તેમનામાંથી જ શાસક બનેલા પ્રાણીઓ તેમના પર મનુષ્યોની જેમ જ જુલમ ગુજારવાનું શરૂ કરે છે.

આ આખી વાતનો સાર એક જ છે. સત્તા, તેને મેળવનાર લોકોને ભ્રષ્ટ કરે છે.
ચાલો એક થઈને ધર્મ, જ્ઞાતિ અને જાતિના વાડાઓને તોડીને રાષ્ટ્ માટે વિચારીએ. પોતાના સમાજ અને ધર્મ માટે તો ઘણું કર્યું હવે રાષ્ટ્ર માટે પણ કંઈક કરીએ. પોતાના સમાજનો જયઘોષ કરવાને બદલે રાષ્ટ્રનો જયઘોષ કરીએ.

જય ભારત.

લેખક : નરેન્દ્ર રાણા

આપના વિચારો કોમેન્ટમાં જણાવો, દરરોજ આવીએ અલગ અલગ પ્રેરણાદાયી પોસ્ટ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી