મેં મારી ઘરવાળીને સમજાવી….!! – આટલું વાંચીને બીજું કશું કહેવાની જરૂરત ખરી???

મેં મારી ઘરવાળીને સમજાવી….!!

“જબ ભી મેં હસતી હૂઁ, દિલ મેં ઉસકો ભાતી હૂઁ….!!”

અમારો મિત્ર લાખો. લાખનો માણહ… પ..ણ.. પઈણા પસે એની ઘરવાળી લાખાડાની સામે જોઈને હસે એટલે કોડીનો(કિંમત વિનાનો) થઇ જાય…!!લાખાને ખબર કે આ હસે એટલે સાડીનો ઉપાડો હોઈ, કાંતોક સોનાના દાગીનાનો… હવે લાખાની ઘરવાળી કેવાં દાંત કાઢે એની ઉપર બધો આધાર રે..!!જો રૂપાભાભી રેખા જેવું પા ભાગનું હસે તો સાડી એ વાત પતી જાય. અને જો બપ્પી લહેરી જેવું પૂરું હસે હસે તો સોનાનો દાગીના વિના પાર ન પડે…!!
અમે ભાઈબંધો ભેગા થઈએ ત્યારે લાખો એનું લગ્ન પુરાણ ખોલે….. હે પ્રભુના ખોળામાં ખેલનારા ખેલૈયાઓ (કુંવારો માટે લાખો કાયમ કહે કે આ બધાં હરિને ખોળે છે. જે કાંઈ બલા છે તે બધી પૈઈણેલાંવને) “એક ચૂટકી સિંદૂરકી કિંમત તુમ કયા જાણો પ્રભુ કે લાડકવાયો?” લાખો મિત્રમંડળી જેનાં લગ્ન નથી થયાં તેને ભાગ્યશાળી સમજે… અને જેનાં લગ્ન નથી થયાં તે લાખાને ભાગ્યશાળી સમજે..!

લાખાનું લગ્ન પુરાણ ટોપ ગીયરમાં પડે.. “પઈણા પેલાં તારી ભાભી રૂપલી મારી સામે દાંત કાઢે ઈ બોવ ગમતું. હસે ઈ ને મારા દિલડામાં સોડાની જેમ બુડબુડિયા થાયે.. અને હવે રૂપલીથી જો હસાણું તો મારાથી ફસાણું… પછી ભોજનમાં શાક બદલે જમવું પડે છે અથાણું…!! ચુંટણી ટાણે નેતાની જેમ તારી ભાભી રૂપલી હૈયાનો હાર હોઈ એમ મારી સામે આવે, મીઠડું મલકે.. આ ફિલમ બીલમની હિરોઈનું એની પાહેં કાઈ નો કે’વાય… અને આપડે મરછર કરડ્યું હોઈ ત્યાં ડોક ખજવાળીયે તો ઈ એમ સમજે કે હીરાનો હાર લેવાની હા પાડી. અને મારું વીસ પચ્ચીસ હજારનું કરી નાખે.. પછે પરણવાનો સ્વાદ સોગ્રામ હરડે લુખી ખાધી હોઈ એવો આવે..!!”

“તમે પરભવના પુન બોવ કઈરા હસે.. એટલે સંસાર રૂપી દરિયા કિનારે બેસી અમારાં તોફાન જોયે રાખો છો..” લાખાની ઘરવાળી સાથે બઘડાટી બોલે ત્યારે અમારાં ડાયરામાં આવા ઉદગારો સરી પડતાં… અને જો ઘરવાળી સાથે મોજે દરિયા હોઈ તો કહે “આ લગનની સીજનમાં ઘર-બાર માંડી દેજો.. સાચું સુખ પરણવામાં જ છે..”

લાખાની વાત સાંભળી રઘલો વિચારઘેલો બની હરખપદુડો થઈ ને બોઈલે રાખે કે “હાલો પઈણી જાઈ.. પણ કોની હારે?” રઘલો એકવાર બજારમાં જતો હતો. ને એક દુકાને બોર્ડ વાંચ્યું કે ‘અહીં લગ્નની તમામ સામગ્રી મળશે..’ અને રઘલાના હૈયામાં દિલડું હિચકવા માંડ્યું.. દુકાનને પગે લાગીને રઘલાયે દીલડાંની વાત મૂકી.. “હેં શેઠ સાચે જ લગ્નની તમામ સામગ્રી મળશે?” શેઠ કહે “હા, બોલો શું જોઈએ છે?” રઘલાના પરણવાની આશા હવે તો સનેડો લેવા માંડ્યું… “તો શેઠ તમે એક કામ કરો, મને એક કન્યા બતાવો…!!” રઘલો આવું બોલ્યો અને શેઠે પોતાના ચપ્પલ શોધવા માંડ્યા.. આવા ટાણે શેઠે નોકરને પણ સાદ કરવાનું પણ માંડી વાળ્યું.. અને રઘલો કાળિયા કૂતરાની જેમ શેઠની ક્રિયા સમજી ગયો અને શેઠ કોઈ ક્રિયાકરમ કરે તે પહેલાં પૂંછડી દબાવી દોટ મૂકી…
એક દિવસ લાખો ડાયરામાં કહે “ગઈકાલે રાતે મેં મારી ઘરવાળીને સમજાવી…” અને ત્યાંની સ્ટ્રીટ લાઈટ લબૂક જબૂક થવા લાગી..

“વાહ.. વાહ.. લાખડા આ ધરતીની માલીપા તું એક જ મરદ મૂછાળો કે’વાય… ઘરવાળીને સમજાવવી ઈ કાંઈ ખાવાના ખેલ નથી…!!” એમ કહી રઘલાયે શાબાશી આપી.. પછી તો બધાયે એટલી શાબાશી આપી કે લાખાને વાહે હળદર ભરવી પડશે..

“ઘરવાળીને સમજાવી શકાય… આવો વિચાર અમારી સાત પેઢીમાં કોઈને આવ્યો નથી.. અને હજી સાંભળ કે મારા લગનનાં પંદર વરસ થયાં છતાં મેં મારી ઘરવાળીને સમજાવી નથી. દાદુ ઈ આપડું સમજે તો ને…!! બાકી તમને બધાને ખબર છે કે લગ્ન પેલાં હું મારી પ્રેમિકાના ઘરની આસપાસ ચક્કર માર્યા કરતો હતો. હવે ઈ જ મારી ઘરવાળી બની છે. તો ઘરે જાવ અને ચક્કર આવી જાય છે.. સમજાવવાની વાત જ જવા દો….!!” બધાની વાતોમાં વચ્ચે મિથુનની જેમ ગગલો કૂદીને બોલ્યો….

પછી લાખાએ વાતમાં બીજો ગીઅર પાડ્યો…
“મેં મારી ઘરવાળીને સમજાવી અને મારી વાત સમજી પણ ગઈ…”

લાખાની વાત સાંભળીને અમે બધાયે પોતાના આસનનો ત્યાગ કરીને લાખડાના ચરણોમાં બેસી ગયાં.. પાકલ બોર પડે એમ.. અને રઘલો તો આળોટવા લાગ્યો.. “સાચૂકલાં ગુરુજી મળી ગયાં.. હવે અમને બધાને ઘરવાળીને સમજાવી શકાય એવી કૂચી આપજો લાખાજી… કૂચી આપજો લાખાજી…” આવા ગેબી અવાજો આવવા લાગ્યા… ગગલાને તો હરખના આંસુડાની ધાર થઇ.. “હવે જલ્દી બોલી નાખ કે ઘરવાળીને કઈ બાબતે સમજાવી??”

“મને મારી ઘરવાળી કે…”

“હા, શું કે..??”

“મને મારી ઘરવાળી કે કાલથી આપણી કામવાળીને રજા આપી દેવી છે…!!”અને રીંગણી પર વીજળી પડી…

“પછી…? પછી… શું થયું વાલીડા…?”
પછી મેં બારણું બંધ કરી મારી ઘરવાળીના ચરણોમાં ઢળી પડ્યો..
“હવે જટ બોલી નાખ વાલીડા… જટ બોલી નાખ.. આમાં ઘરવાળીને સમજાવવાનું ક્યાં આવ્યું?” રઘલાને ટેસ્ટ મેચ ટ્વેન્ટીની માફક પૂરી કરવાનાં અભરખાં હોઈ એમ બોલ્યો…

“હે દેવી…. હે સુંદરી.. મારો કોઈ વાંક ગૂનો? કામવાળી બંધ કરાવીને કેમ લગાવે છે મને ચૂનો? હે પ્રિયે જયારે કામવાળી નથી આવતી… ત્યારે અશ્રુની ધારા થાય છે ડુંગળી સમારીને… જયારે કામવાળી નથી આવતી ત્યારે મારા બાવડાઓ સલમાનની જેમ ફૂલી જાય છે કપડાની ધોણ કાઢીને…. દયા કરો વાલમ દયા.. અને કામવાળીને બંધ ન કરો…!!”

“પછી શું થયું..” અમે બધાં એક સાથે બોલ્યા…
મારી ઘરવાળી પાક્કી ખેલાડી છે. તેને વાઈડ બોલમાં પણ સીકસર ફટકારી…“હે મારા નાથ.. કામવાળીને રાખું એક શરતે? મને બનાવી આપો સોનાનો હાર..”

“પછી શું? નાથ થયો ફરી અનાથ…” અને મેં મારી ઘરવાળીને સમજાવીને કામવાળીને પાછી બંધાવી..
બ….સ…આ રીતે મેં મારી ઘરવાળીને સમજાવી….!!

ખૂજલી….!!

“પ્રેમ એક આર્ટ્સ છે ભેરુંડા,પ્રેમ એક આર્ટ્સ છે ભેરુંડા,
અને આપડે સાઈન્સ કઈરું છે….

પસે કાંથી આવડે???”

લેખક : નરેન્દ્ર જોષી

મજા આવી માફ કરશો તમારી આશા પર પાણી ફરી ગયું… બાકી મોજ પડી કે નહિ… શેર કરો તમારા મિત્રો સાથે જે બહાર વાઘ અને ઘરમાં બકરી હોય છે…

ટીપ્પણી