નઝરિયાં… – તમારી આસપાસ પણ આવા કેટલાય વ્યક્તિઓ હશે… જરૂરત છે ફક્ત એમને અલગ નજરથી જોવાની…

નજરિયાં….!!!

તેંત્રીસ વર્ષ પૂર્ણ થવામાં હવે બે સૂર્યોદય જ બાકી છે હવે… મારી મિત્ર મંડળીમાં પ્ર…તિ…ક્ષા… શબ્દનો કોઈ પર્યાય પૂછે તો મારું નામ આપવામાં આવતું.. વાડીયે પ્રોગ્રામમાં બધાં ભેરુડાંઓ ભેગા મળે તો કહેતાં કે “તું હવે ઓલી કઈ… પ..રી…ક્ષા.. ટેટ-ફેટ.. શું નામ? એની પાછળ ગાંડો થવાનું રહેવા દે.. અને અમારી જેમ ધંધે ચડી જા. આમ ને આમ અડધી જિંદગી તો ગઈ..” આવું કૈરવને તેનો મિત્ર સોહમ દાળમાં તડકો લગાવતો જાય અને સંભળાવતો જાય.. અને પછી બધાં મિત્રો સોહમની વાત સાથે સહમતી દર્શાવી કૈરવ સામે અટહાસ્ય કરે.. કૈરવ પાસે આ હાસ્ય કે સવાલનો કોઈ ઉત્તર નથી.

મિત્રોના સઘળાં સવાલોનો જવાબ આ અત્યારે મને મળેલો નોકરીનો ઓર્ડર આપશે. મારા બધાં મિત્રોનો મારા પ્રત્યેનો નજરીયો બદલાવી દેશે… બધાંની બોલતી બંધ કરશે આ સરકારી નોકરીનો ઓર્ડર… બાર બાય અઢાર ઈંચના પન્નાએ મારી “જિંદગાનીને માપી” લીધી છે… ત્રણ સિંહની મ્હોર જયારે મારા નામ પર ‘ઠપ્પ’ દઇ ને પડી… એ ‘ઠપ્પ’ અવાજે મને ઝરણાંની માફક હંમેશ વહેવાનો આદેશ આપે છે હવે…!!

કૈરવ અત્યારે જિલ્લા પંચાયતની કચેરીમાંથી પ્રાથમિક શિક્ષક તરીકે નોકરીનો ઓર્ડર મેળવી ઘરે માતા-પિતાના ચરણોમાં સમર્પિત કરવા માટે ચાલતો થયો. બપોરની બે વાગ્યાની માથું ફાડી નાખે તેવી ગરમીમાં કૈરવને નોકરીના ઓર્ડરના કારણે ઠંડક વર્તાતી હતી. મિત્ર સોહમને કોલ પણ કરી દીધો.. “આજે રાત્રે પાર્ટી મારા તરફથી.. કાલે તો મારે હાજર થવાનું છે. બાકીની વાતો રાત્રે.. ચાલ ત્યારે…”

“આજની શામ કૈરવને નામ…!!”
“વાહ..!! તું તો હવે સાહેબ બનીશ કાલથી.. તારી મહેનત અને પાગલપન જીત્યું.. અને અમે બધાં હાર્યા.. કેમ બરાબરને દોસ્તો..?” સોહમની વાત સાથે બધાં મિત્રો એ સહમતી દર્શાવી, કૈરવ માટે આદરપૂર્ણ હાસ્યથી હા ભણી..
કાર્તિક પણ બોલ્યો: “બીજું બધું તો ઠીક પણ, યારા પાર્ટીમાં તારી ખોટ પડશે.. ઈ ગમશે નહી..”

અત્યારે મિત્રોનો બદલાયેલો નજરીયો કૈરવ મૂંગો-મૂંગો મમળાવી રહ્યો હતો.. તેને આજે ગમતું હતું.. “મને પણ તમારી યાદ આવશે.. પણ વેકેશન જિંદાબાદ દોસ્તો…!!”

શાળામાં આજે કૈરવના પહેલા દિવસે રમત રમતો એક છોકરો સહેજ ભટકાયો.. એ છોકરાનું છીબું નાક, નખ અને વાળ વધેલાં, ચંપલ વિનાના પગ જરા ગંદા, શર્ટના બે બટન પણ તૂટેલાં, અને ન્હાવાનું ચોઘડિયું વીત્યા પછી ન્હાવાનું માંડી વાળતો હશે. એવો લાગ્યો.. પ્રાર્થનામાં પણ કૈરવની સામે જ બેઠો હતો… ખૂલ્લી આંખે બેસૂરાં રાગે ગાય રહ્યો હતો.
કૈરવની નજરે આ બાળક માટે નિષ્કારણ અપ્રિયતાનું વાદળ બંધાઈ રહ્યું હતું. સાથેના પટેલ સાહબે કૈરવને કહ્યું: “તમે પેલાં છોકરા વિષે વિચારો છો? તેનું નામ ધર્મેન્દ્ર છે. મિત્રો તેને ધમો કહે છે. સાતમાં ધોરણમાં ભણે છે. થોડો તોફાની છે. પણ છે મજાનો..” કૈરવને કહેવાનું મન પણ થયું કે “આમાં શું મજાનું દેખાય છે તમને?” પણ બોલવાનું માંડી વાળ્યું..
થોડાં દિવસ બાદ રિસેસમાં કૈરવની નજર ચાની ચૂસકી સાથે બુલેટિન બોર્ડમાં ગોઠવેલાં ચિત્ર પર પડી. ઓહ..!! શું સુંદર ચિત્ર છે…!! ચિત્રોમાં રંગોની સમજ તો કોઈ સમર્થ ચિત્રકાર જેવી છલકાતી. આ શાળાનું ચિત્ર બનાવેલું, તેની પાળી પરટ હુકતો મોર અને પંખીઓનો કલરવ.. મેદાનમાં બાળકોની દોડાં-દોડ.. તો ઉપર આસમાનમાં વાદળોની… વાદળો સાથે વાતો કરતું ઇન્દ્રધનુષ… ચા કરતા કૈરવને આજે ચિત્રનો નશો ચડ્યો.. ત્યાં પાછળથી બુલેટિન બોર્ડમાં ગોઠવણી કરતી માનસી બોલી: “સર, આ ચિત્ર તમને ગમ્યું ને…!!”

કૈરવ: “હા. ખૂ…બ…જ.. કોણ બનાવે છે, આટલાં અદભૂત ચિત્રો?”

માનસી: “સાતમાં ધોરણમાં ભણતો ધર્મેન્દ્ર.. બધાં તેને ધમો કહે છે… તમે નવા સાહેબ છો માટે નહી ઓળખો…”
કૈરવની નજરે પેલો ભરાડી ધર્મેન્દ્ર ઉર્ફ ધમાનું ચિત્ર ખડું થવા લાગ્યું.. ગંદા પગ.. વધેલાં નખ… પટેલસરની વાત યાદ આવી.. “મજાનો છે..”

વિભા: “આ જૂઓ સર.. તેનાં ચિત્રોની ફાઈલ.. અઠવાડિયે એક બે ચિત્રો બનાવીને લાવે છે.”
કૈરવ સાથે ફાઈલના તમામ ચિત્રો વાતે વળગ્યા.. ધર્મેન્દ્રમાં ભવિષ્યમાં મહાન ચિત્રકાર થવાની સંભાવના સ્પષ્ટ વર્તાઈ..
કૈરવ: “તેને ઘરે કોઈ બનાવી આપતું હશે..”

માનસી: “ના સર… તેના મમ્મી તો બીજા ધોરણમાં ભગવાનના ઘરે ચાલ્યા ગયાં હતાં.. તેનાં પપ્પા મજૂરી કરે છે. તમે અહીં બનાવવાનું કહો તો પણ બનાવી આપે. તેને કાગળ અને રંગ સ્કૂલમાંથી આપવામાં આવે છે.”
કૈરવને ધર્મેન્દ્ર પ્રત્યેનો નજરીયો બદલાવવા લાગ્યો.. તેનાં પ્રત્યેનું કાલ્પનિક સર્જાયેલું અણગમાનું વાદળ વરસી ગયું.. અને

“પ્રિય છાત્ર” તરીકેનું મેઘધનુષ સર્જાવવા લાગ્યું.. ધર્મેન્દ્ર પરની સૂગ દૂર થઇ અને તેનાં કાર્યોની સુગંધ આવવા લાગી.. કૈરવ વિચારે ચડ્યો..

ભલે મેલા-ઘેલાં કપડાં હોય છતાં તેનાં ચિત્રો સુઘડ હોય છે.

ભલે એના ગંદા પગ અને વધેલાં નખ.. પરંતુ એના ચિત્રોમાં રંગો બોર્ડર નથી ઓળંગતા..
ભલે તેને જોવાનું મન ન થાય પણ તેનાં ચિત્રો રૂપાળાં હોઈ છે. વારંવાર જોવાનું મન થયાં કરે છે. ભલે એની જિંદગીમાં કોઈ રંગ નથી.. છતાં તેનાં ચિત્રો રંગીન હોય છે.

કૈરવની આંખો હવે તત્પર બની કે ધર્મેન્દ્ર કયાં? જે મેદાનમાં રમતો હતો..
કૈરવ: ઓ… ધર્મેન્દ્ર અહીં આવ… જો…!!
નવા સાહેબે મને બોલાવ્યો. એવા કેફ સાથે સાહેબની સામે આર્મીના જવાન જેમ ઉભો રહ્યો.
કૈરવે તેનાં માથા પર પ્રેમાળ હાથ ફેરવ્યો.. ગાલ પર પ્યારી ટપલી પણ મારી વહાલ દર્શાવ્યું..
પછી કૈરવ બોલ્યો: “બેટા.. તારા ચિત્રો ખૂ…બ… જ સુંદર છે…
અને તું… તું… તારા ચિત્રો કરતા પણ સોહામણો મને લાગે છે…!!”

લેખન. નરેન્દ્ર જોષી….

આપનો અમુલ્ય અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો. દરરોજ આવી અનેક વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી