ખરેખર દેખા દેખી અને લોકોને બતાવવા માટે આપણે કેટલું ખોટું કરતા હોઈએ છે…

એક ભગતની એના આરાધ્ય દેવ ગણપતિ માટેની વ્યથા કથા

એક ભગતની વ્યથા : સ્ટેન્ડીગ મુદ્રામાં એક પછી એક રીસેપ્શનમાં ઉપસ્થિત રહેતા હે ગણપતિ બાપ્પાની વ્યથા કથા.

હાશ ! હોળાસ્ટક ચાલુ થયા …ધૂળેટી સુધી રજા …એટલું મનોમન બોલી ગણપતિ બાપ્પાએ શયનાસન પર લંબાવ્યું.

અહી વાત આપણે લગ્નના રીસેપ્શનમાં સ્ટેન્ડીગ મુદ્રામાં ઉપસ્થિત રહેતા હે ગણપતિ બાપ્પાની કરી રહ્યા છીએ જેમને પ્રથમ તો વંદન હો,

કોઈ પણ નાના મોટા પ્રસંગો હોય બાપ્પાને જાણે દ્વારપાલની જેમ સતત ઉભા જ રહેવું પડતું હોય છે અને એ પણ ભૂખ્યા ભૂખ્યા જ. અંદર મંડપમાં પકવાનો પીરસતા હોય અને અહી ગણપતિ બાપ્પા ભૂખ્યા રહી ખડે પગે મોઢું હસતું રાખીને લોકોને આવકારતા રહે એ શ્રી ગણપતિ બાપ્પાની મહેર જ ગણાય.

સતત સ્ટેન્ડીગ મુદ્રામાં ઉભા રહેતા બાપ્પાને જોઈ એક તરફ ભદ્ર સમાજની રીત રસમો પર ધ્રુણા પણ થતી હતી તો બીજી તરફ સતત ઉભા રહેલા ગણપતિ બાપ્પા માટે માન પણ હતું. બાપ્પનો શું સ્ટેમિના છે અરે આપને તો પંદર મિનીટ પણ એક જગ્યાએ સતત ઉભા નથી રહી શકતા….આ તો જસ્ટ વાત છે !

મને બરાબર યાદ છે ગણપતિ બાપ્પા તે સાંજે – રાત્રીના રીસેપ્શનમાં તમે ખુબ જ થાકેલાં થાકેલાં દેખાતા હતાં. રીસેપ્શન પાર્ટીનો નજારો જોરદાર લાગતો હતો પણ બાય ચાન્સ તમારા ચહેરા પર થાક સાફ દેખાતો હતો. એવું લાગતું હતું કે તમારી આ રીસેપ્શન પાર્ટી સતત ત્રીજી પાળી હતી !!!! એટલે સ્વાભાવિક છે કે તમે થાકી જ જાવને ! અરે ભગવાન છો તો શું થયું તમને પણ કંઇક તો આરામ જોઈએ કે નહિ …! આ યોગ્ય તો નથી જ ને બાપ્પા !!! આ તમે જ છો જે બધું ચલાવી લો છો !!! અરે આવું તો કંઈ ચાલે ????

અંદર રીસેપ્શન પાર્ટીમાં બધાં ચાઇનીઝ, પાણી પૂરી , અંજીરનો હલવો , ચાટ , જ્યુસ , આઈસ્ક્રીમ વગેરે ઝાપટતા હતાં અને તમારા આગળ કોઈએ એક થાળીનું નૈવેદ્ય પણ ન ધર્યું ?!!!…એ સ્વાર્થીઓને તો અંદાજો પણ નહિ હોય કે તમે આ સતત ત્રીજી પાળી કરી રહ્યાં છો અને એ પણ ઊભા ઊભા !!! જાણે બધાને Standing Ovationના આપતા હોય ! બાપ્પા શું જરાય યોગ્ય કહેવાય ? અરે થાળ ધરાવવાનું તો દૂર કોઈ તમને પ્રણામ કરવાની પણ તસ્દી નહોતું લેતું ! તમે કેટલાં સુંદર પણ તે દિવસે !!!…

તે સાંજે – રાત્રીના તમને ભૂખ લાગી હતી એ મને ખબર હતી અને તમને ખૂબ જ ભૂખ લાગી હતી ! મારી ઈચ્છા પણ થઈ કે લાવ એક થાળીમાં તમારા માટે કંઈક ગળ્યું લઇ આવું !! પણ સાલું એ આપણું પોતાનું ક્યાં હતું !! અને આમ થાળી બહાર લઇ જાઉં તો પેલો સિક્યુરીટી મારું બેટું તરત પૂછે …કોણા માટે આ લઇ જાવ છો ?ત્યારે મેં એમ કહું કે બહાર ઉભેલા રીસેપ્શન પાર્ટી વાળા ગણપતિ બાપ્પા માટે તો મને કહેતે કે ડાગ્રી ખસી ગઈ છ !!! તમારી ચસકી તો નથી ગઈ ને? એટલે પછી માંડી વાળ્યું !
બાપ્પા મને માફ કરશો , હું વિવશ હતો આ બાબતે અસમર્થ પણ હતો . બાપ્પાને કહ્યું “ આ દુનિયા કેવી અને કેટલી સ્વાર્થી થઈ ગઈ છે !!! એમનામાં જરાય વ્યવહારશીલતા નથી રહી !

ખરું કહું બાપ્પા મને તો આ તમારા મંડપવાળા જ લુચ્ચા લાગે છે ! એકદમ મતલબી અને લોભિયા ! અરે ન ઠંડી જોય કે ન તાપ કે ન જોય વરસાદ બસ તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કે ડમ્પ કરે જ રાખે છે.
બીજી રીતે કહું તો બાપ્પા તમને તેઓ એક જગ્યાએથી ઉઠાવી બીજી જગ્યાએ ઠાલવે છે અને ત્યારે જે તમારું હળાહળ અપમાન થાય છે ને તે મારાથી નથી જોવાતું !! બાપા તમે એમની સાથે એવું કરો તો શું ગત થાય એમની ??? !!!! પણ મને ખાતરી છે કે તમે એવું નહી કરો ને એને સુધારવાની તક આપશો . પણ આ તકવાદી ! નહી સુધરે !! અરે લગનમાં કંકોત્રીમાં પ્રથમ પાના પર જ તમારી છબી !!!! વાહ ! પ્રથમ તો એવું જ લાગે કે તમારો વટ છે !

કંકોત્રીમાં પણ આ તો રીતી રીવાજ છે માટે માત્ર ફોર્માલીટી માટે જ એ ફોટો છપાવે !!! બાકી એમને મન જો તમારું ખરેખર સન્માન હોત તો આવું ન જ થવા એ પણ શું કરીએ બાપા આ યુગ જ એવો છે જેની આગળ શાણપણ ન ચાલે. વખત જતા તમારું નામ પણ સ્વાર્થી લોકો છાપવાનું બાકાત કરી દે તો નવાઈ નહી (જસ્ટ અનુમાન ) પેલો શ્લોક “વક્રતુંડ મહાકાય ………. છપાવવાનું ટાળે એમાં નવાઈ નહિ !! કેટલી મોંધી મોંઘી કંકોત્રી છપાવે ! પણ ન તો એ કંકોત્રી છપાવનારને એની કદર હોય છે કે જેને ત્યાં નિમંત્રણ તરીકે મોકલી હોય એને એની કદર હોય છે! નક્કી થોડાં દિવસ પછી એ કંકોત્રી કોઈ ઉકરડામાં જોવાં મળે કે કા તો પસ્તીવાળાને ત્યાં !!! અને ત્યાં ન મળે તો નદી કિનારે રઝળતી જરૂર દેખાશે !!! બાપ્પા તમને નથી લાગતું કે એ કંકોત્રીને સાચવવી જોઈએ અથવા એને યથાયોગ્ય રીતે વિધિવત આદરપૂર્વક નાશ કરવો જોઈએ ! આમ કેટલીય રઝળતી કંકોત્રીમાં મને આપ મળ્યા છો ! પણ જોવાતું નથી ! દુઃખ થાય છે બાપ્પા ! દુઃખ થાય છે ! બાપ્પા તમે મારી લાગણીન બહુ સારી રીતે સમજી શકો માટે જ હું તમને જણાવું છુ માટે ભૂલ ચૂક મારી માફ કરશોજી.

માંડવા મૂહર્તથી માંડીને બધી જ વિધિમાં તમારી ગરજ પડે ! પછી તમે કોણ અને હું કોણ !!!?

બાપ્પા તમે જાણે બધાં સાવ સસ્તા થઇ ગયા હોવ એવો બધાં તમારી સાથે વ્યવહાર કરે છે !

બાપ્પા કંઈ કરો નહિતર તો આ મતલબી દુનિયાને કંઈ જ પડી નથી !
ઘણું બધું એવું છે જે તમારી સાથે શેર કરવું છે ! પણ હમણાં નહિ ! આમ પણ તમે અંતરયામિ એટલે ના કહું તો પણ તમે જાણો જ છો

બાપા ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો !

આ બધું થતું જોવ છુ ત્યારે એ જ લોકોને પુછુ છુ જે વારંવાર સરઘસો કાઢી ધર્મ ભાવના હણાયાની વાતો લઈ મોરચા કાઢે છે. ગણપતિજીની મૂર્તિઓની વિસર્જન વખતે જે અવદશા થાય છે ત્યારે ક્યાં ખોવાઈ જાય છે આપણી ધર્મ ઝનુનની આસ્થા ?

ગણપતિનો તહેવાર હોય કે દશામાનો તહેવાર …વિસર્જન પછી કિનારે રઝળતી મૂર્તિઓ ઘણું બધું કહી જાય છે.
પ્રસ્તુત લેખ એક ભગતની અંતરમનથી અનુભવેલી વ્યથા છે.

એ જ તમારો

લેખક : નરેન કે સોનાર ‘પંખી’

દરરોજ આવી અનેક સમજવા જેવી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.. તમે લાઇક અમારું પેજ…

ટીપ્પણી